Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મહિલાઓને પિરિયડ લીવની જરૂર છે?

મહિલાઓને પિરિયડ લીવની જરૂર છે?

Published : 23 March, 2026 01:48 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

સુપ્રીમ કોર્ટે મેન્સ્ટ્રુઅલ લીવને રાષ્ટ્રવ્યાપી નીતિ બનાવવાની માગણી કરતી જનહિતની અરજી એમ કહીને નકારી કાઢી કે આવા કાયદાથી મહિલાઓની કારકિર્દી બરબાદ થઈ શકે છે, તેમને કોઈ નોકરી નહીં આપે. આ વાતમાં કેટલો દમ છે અને આ બાબતે મહિલાઓ પોતે શું માને છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે પિરિયડ લીવને રાષ્ટ્રવ્યાપી નીતિ બનાવવાની માગણી કરતી જનહિતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે મેન્સ્ટ્રુઅલ રજા ફરજિયાત બનાવવાથી નોકરિયાત મહિલાઓ સાથે વર્કપ્લેસ પર ભેદભાવ રખાશે અથવા તેમને કોઈ નોકરીએ નહીં રાખે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જૉયમલ્લા બાગચીની બેન્ચે અવલોકન કર્યું કે આવી અરજીઓ મહિલાઓને નિમ્ન કક્ષાની દર્શાવશે અને માસિક સ્રાવ નકારાત્મક બાબત છે એવું ચિત્ર ઊભું થશે. આવા કાયદાનાં સંભવિત સામાજિક પરિણામો અંગે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે આવી પૉલિસી જરૂરી છે? માસિકની રજાઓ હોવી જોઈએ? એનાથી મહિલાઓની કારકિર્દી જોખમાય? આ વિશે મહિલાઓ પોતે શું માને છે એ જાણવા ‘મિડ-ડે’એ કેટલીક મહિલાઓ સાથે વાત કરી.

માસિક લીવને વીકલી ઑફ સાથે ઍડ્જસ્ટ કરી શકાય



ઘાટકોપરની પ્રાઇવેટ કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મૅનેજર તરીકે કામ કરતી વૈશાલી ભાનુશાલી કહે છે, ‘હું દિવામાં રહું છું. મુંબ્રા પાસે કર્વને કારણે લોકલ ટ્રેનમાં લટકીને પ્રવાસ કરવો જોખમી છે એટલે દરરોજ ડોમ્બિવલીથી રિટર્ન થાઉં છું. માસિક દરમ્યાન પેટમાં દુખાવો હોય ત્યારે તકલીફ થાય છે. ક્યારેક ખૂબ બૅકપેઇન હોય. નોકરિયાત મહિલાઓને બે દિવસની પેઇડ લીવ મળવી જોઈએ. એનાથી મહિલાઓને કોઈ નોકરીએ નહીં રાખે એવી કોર્ટની ટિપ્પણી સાથે હું સહમત નથી. કોઈ પણ કંપની મહિલા કર્મચારીને આવી નીતિના કારણે નોકરી ન આપે એ વાતમાં દમ નથી, કારણ કે નોકરી કાબેલિયત પર મળે છે. કંપની ઇચ્છે તો પિરિયડ લીવને વીકલી ઑફ સાથે ઍડ્જસ્ટ કરી શકે છે. ઘણી કંપનીઓમાં શનિવારે રજા હોય છે. આ દિવસે કામ પર બોલાવીને દિવસો સરભર કરી શકાય. અમારી કંપની પિરિયડ્સ દરમ્યાન મહિલાઓને વર્ક ફ્રૉમ હોમ કરવા દે છે. કોવિડ પછી બધાને ઘરેથી કામ કરવાનું ફાવી ગયું છે. વર્ક ફ્રૉમ હોમ આપવાથી મહિલાઓને આરામ મળશે અને પ્રોડક્ટિવિટીને પણ અસર નહીં થાય. કોર્ટે નોંધવું જોઈએ કે અગાઉના સમયમાં મહિલાઓને માસિક દરમ્યાન આરામ આપવા રસોડામાં જવા નહોતા દેતા.’


પિરિયડ્સ દરમ્યાન કામ કરવાથી ઘણું સારું લાગે

મીરા રોડનાં યોગશિક્ષક અને લૉન્ગ ડિસ્ટન્સ રનર નીલમ પંચાલ કહે છે, ‘અમુક કેસમાં મહિલાને આરામની જરૂર હોય છે. તેમના માટે વધારાની રજાની જોગવાઈ હોવી જોઈએ. દાખલા તરીકે કંપની વર્ષની ૩૦ પેઇડ લીવ આપે છે તો મહિલાઓ માટે બીજી ૧૨ કે ૧૫ રાખી શકાય જે તેમને માત્ર પિરિયડ દરમ્યાન વાપરવાની છૂટ હોય. હવે વર્ક ફ્રૉમ હોમનો ઑપ્શન પણ છે એટલે કાયદાની જરૂર નથી. હું લાંબા અંતરની દોડમાં ભાગ લઉં છું. મુંબઈ યુનિવર્સિટીથી પુણે યુનિવર્સિટી સુધી દોડ લગાવી હતી. પચાસ કિલોમીટર સાડાનવ કલાકમાં પૂરા કર્યા છે. પર્સનલ ટ્રેઇનિંગ આપવા પણ જાઉં છું. પિરિયડ્સમાં મારી તમામ પ્રવૃત્તિ ચાલુ હોય છે. પિરિયડ્સમાં ઇમોશનલ સપોર્ટની જરૂર પડે. એ વખતે વર્કઆઉટ કરવાથી વધારે સારું લાગે. મહિલાઓએ રજા માગવા કરતાં પિરિયડ્સ દરમ્યાન સ્ટ્રેસ-ફ્રી રહેવાય એવી ઍક્ટિવિટી કરવી જોઈએ અને કામથી વિશેષ કંઈ ન હોય.’


કાયદો નહીં, પરસ્પર સમજૂતી હોય છે જરૂરી

ઘાટકોપરનાં મૅરથૉન રનર પ્રીતિ પટેલ કહે છે, ‘હું ગૃહિણી છું, પણ ૭ વર્ષથી ફુલ મૅરથૉન દોડું છું. એ પહેલાં હાફ મૅરથૉન પણ દોડતી હતી. રનિંગ મારું પૅશન છે. આખું વર્ષ વ્યાયામ અને દોડવાની તાલીમ ચાલતી હોય. ઘણી વાર પિરિયડ્સના પહેલા દિવસે મૅરથૉન દોડી છું. મને ક્યારેય તકલીફ નથી થઈ. માર્કેટમાં એવાં ઘણાં સાધનો છે જેનો ઉપયોગ કરીને કલાકો સુધી કામ કરી શકાય છે અને વારંવાર વૉશરૂમ જવાની જરૂર રહેતી નથી. અનેક મહિલાઓ પિરિયડ્સ દરમ્યાન હાર્ડ વર્ક કરે છે. જોકે ઘણી મહિલાઓને સખત દુખાવો પણ થાય છે. દરેક મહિલાની માસિકની સમસ્યા જુદી હોય છે. સગર્ભાવસ્થામાં લીવ આપી શકાય, પણ માસિક દર મહિને આવે એટલે રજાઓ આપવી કે લેવી શક્ય નથી. મારા મતે કાયદો લાવવાની જરૂર નથી. કોઈ મહિલા કર્મચારીને તકલીફ રહેતી હોય તો પરસ્પર સમજીને ગોઠવણ કરી શકાય.’

સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે રજા બહુ જરૂરી

બૉક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયામાં સ્પોર્ટ્‍સ સાઇકોલૉજિસ્ટ તરીકે કાર્યરત જુહુનાં મૈથિલી ભૂપતાણી કહે છે, ‘આ મુદ્દો પેચીદો અને વિવાદાસ્પદ છે. એક તરફ આપણે જેન્ડર-ઇક્વલિટીની વાત કરીએ છીએ અને બીજી તરફ એ સમજવું પણ જરૂરી છે કે માસિક માત્ર સ્ત્રીઓને જ આવે છે. આ બાયોલૉજિકલ રિયલિટી છે. માસિકમાં સ્ત્રીઓનો મૂડ સતત બદલાતો રહે છે જેની તેમના કામકાજ પર અસર થાય છે. સ્પોર્ટ્‍સવર્લ્ડમાં એને પર્ફોર્મન્સ સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે. મહિલા ઍથ્લીટ પર્ફોર્મ ન કરે તો તેનું સિલેક્શન ન થાય. એટલે પ્રેશર બહુ હોય છે. ઇમોશનલ ફ્લક્ચ્યુએશનને લીધે કૉન્ફિડન્સ ઓછો થઈ જાય છે. કેટલાંક ફીલ્ડમાં માસિક લીવનો ઑપ્શન નથી, પણ જ્યાં થઈ શકે ત્યાં ફરજિયાત કરવું જોઈએ. જોકે કોર્ટનું અવલોકન સાચું છે. એનાથી મહિલાની કારકિર્દી પર વિપરીત અસર થશે. દર મહિને રજા લઈને બેસી જશે એવું વિચારીને કંપનીઓ હાયર નહીં કરે અથવા તેમને ચૅલેન્જિંગ જૉબ ન આપે એવું બની શકે છે.’

માસિક દરમ્યાન રજાનો વિકલ્પ હોવો જોઈએ : ગાયનેકોલૉજિસ્ટ

ખારઘર, નવી મુંબઈસ્થિત મધરહુડ હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ ઑબ્સ્ટેટ્રિશ્યન અને ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરભિ સિદ્ધાર્થ કહે છે, ‘ઘણી સ્ત્રીઓ માસિકચક્ર દરમ્યાન તેમની નિયમિત પ્રવૃત્તિઓનું સારી રીતે સંચાલન કરી શકે છે, જ્યારે કેટલીક સ્ત્રીઓ પીડા અથવા અસ્વસ્થતા અનુભવે છે. આવા કિસ્સાઓમાં માસિક રજા સહાયક વિકલ્પ તરીકે કામ લાગે છે. જોકે વ્યવસાય ક્ષેત્રે કઈ મહિલાને ખરેખર રજાની આવશ્યકતા છે એ નક્કી કરવું અઘરું છે. એન્ડોમેટ્રિઓસિસ એવી સમસ્યા છે જેમાં સ્ત્રીને પેલ્વિક પીડા થાય છે, એકસરખું બેસી શકતી નથી અને માસિકચક્ર દરમ્યાન ભારે રક્તસ્રાવ, લોહી વહેવું જેવી સમસ્યાઓ હોય છે. સ્ત્રીરોગચિકિત્સક દ્વારા તપાસમાં જાણી શકાય છે. માસિકચક્ર સામાન્ય શારીરિક ઘટના છે, કોઈ રોગ નથી. ભારે રક્તસ્રાવ થતો હોય એવી મહિલા કર્મચારીને માસિકચક્ર દરમ્યાન રજાનો વિકલ્પ આપવો જોઈએ જેથી તેને આરામ મળે. આ માટે કાયદાની જરૂર નથી.’

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 01:48 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK