પાકના નાપાક પ્રધાનોને બડાંબડાં બણગાં સરેઆમ ફૂંકવાની સદાબહાર આદત છે. એ બણગાં સણકા બનીને તેમને જ વાગ્યા. ઘણું બહાર આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂરનું તેજ દૂરસુદૂર સુધી પથરાયું અને પંકાયું. ભારત બદલો લેશે એવી પાકિસ્તાનને અપેક્ષા હતી પણ આટલી હદે લેશે એની કલ્પના નહોતી. પાકના નાપાક પ્રધાનોને બડાંબડાં બણગાં સરેઆમ ફૂંકવાની સદાબહાર આદત છે. એ બણગાં સણકા બનીને તેમને જ વાગ્યા. ઘણું બહાર આવ્યું છે છતાં કેટલુંક ક્યારેય બહાર નહીં આવે. મિતુલ કોઠારી ખુમારીથી કહે છે...
યાદ આવે છો’ને પેઢી સાત, સામે આપવો
ADVERTISEMENT
શત્રુને સણસણતો પ્રત્યાઘાત સામે આપવો
જો અગનગોળા એ ફેંકે આંખમાંથી વેરના
ઠારવા એ આંખ, ઝંઝાવાત સામે આપવો
પહલગામની ઘટના નિમ્ન, નિર્ઘૃણ અને નિંદનીય હતી. માનવતા લજ્જિત થાય એવી વાતે પણ પાકિસ્તાનને બે પૈસાની શરમ લાગી નથી. ધર્મગ્રંથોનું ખોફનાક અર્થઘટન કરી, આતંકવાદને પાળી-પોષી મોટો કરનાર પાકિસ્તાનના આકાઓ માટે અધમ શબ્દ પણ અપાહિજ લાગે. નજર સામે સ્વજનને ધરબાયેલી ગોળી માત્ર એક શરીરમાં જ નથી ઘૂસતી, એ અનેક તન-મનને લોહીલુહાણ કરી મૂકે છે. બારિન દીક્ષિત જેહાદી વૃત્તિના મૂળ ફંફોસે છે...
ન ઇસ્લામ સમજો, ન ગીતાય જાણો
ન સમજો તમે તો, ખૂની ખેલ માંડો
પૂછીને ધરમને, વધેર્યા જે લોકો
મળી ગ્યા, પરત એ, બધાયે જવાબો?
છેલ્લા ત્રણેક દાયકાથી અનેક સવાલોના જવાબ નથી મળ્યા. પાકિસ્તાન સરકાર મુંબઈને બૉમ્બ વિસ્ફોટથી ધ્રુજાવી દેનાર દાઉદ ઇબ્રાહિમ કોઈ મહારાજાની હોય એમ તેની કુરનિશ બજાવે છે. ભારતીય સંસદ પર હુમલો કરાવનાર આતંકવાદી મસૂદ અઝહર તેમની રહેમ નજર હેઠળ બેખૌફ વિહરે છે. જેમને ફાંસી થવી જોઈએ એવા આતંકીઓને દેખાવ ખાતર પકડીને સેફ હાઉસમાં તેમનું લાલનપાલન થાય છે. પાકિસ્તાનની મોડસ ઑપરેન્ડી સ્પષ્ટ છે. ગુનો કર્યો હોય તોય ગુનાનો સ્વીકાર કરવો નહીં. કમલેશ શુક્લ કેટલાક નિંદનીય બનાવો તાજા કરે છે...
મળ્યા છે ઘાવ આ તાજા, જવાબો આપવા પડશે
નથી ભૂલ્યા ગુના તારા, જવાબો આપવા પડશે
કદી મુંબઈ, કદી સંસદ, ઘણા વિસ્ફોટ તેં કીધા
સવાલો છે ઘણા સારા, જવાબો આપવા પડશે
ગુનેગાર પાસેથી જવાબ મેળવવા પહેલાં એની ધરપકડ થવી જોઈએ. આતંકવાદનું જનક કહી શકાય એવું પાકિસ્તાન કદી ગુનેગારોને સોંપતું નથી. સારું થયું ઑપરેશન સિંદૂરમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદસ્સીર અહમદ જેવા ખતરનાક આતંકીઓ માર્યા ગયા. ઘણી વાર વિચાર આવે કે ઇઝરાયલની મોસાદ સંસ્થાની જેમ ભારતમાં પણ એવી જોરદાર એજન્સી હોવી જોઈએ જે દુશ્મનને વીણી-વીણીને સાફ કરે. કામ અઘરું છે પણ અશક્ય નથી. અતુલ દવે તૈયારી કરવાનું કહે છે...
રોજ સામે કૈંક અણધાર્યા સવાલો આવશે
રાખજો તૈયાર ખુદને તો જવાબો આવશે
સાવ સહેલી ક્યાં સફર ક્યારેય કોઈ હોય છે
જિંદગીમાં માનજો અઘરા વળાંકો આવશે
ભારતે ઘણો અઘરો સમય પસાર કર્યો છે. કારગિલના યુદ્ધમાં આપણા ઘણા સૈનિકો શહીદ થયા. એ વખતે અમેરિકાના ઉપગ્રહોની મદદ મળી નહોતી. આજે અઢી દાયકા પછી ઇસરોને કારણે માહિતી માટે કોઈને ભાઈબાપા કરવાની જરૂર નથી રહી. છેલ્લાં પાંચ-છ વર્ષમાં અનેક માતબર શસ્ત્રો ભારતના શસ્ત્રાગારમાં ઉમેરાયાં છે. શસ્ત્રોની આયાત પર નભતું ભારત અનેક શસ્ત્રોની નિકાસ કરતું થયું છે. ઑપરેશન સિંદૂરમાં આપણી સેનાએ વિવિધ શસ્ત્રોનો બખૂબી ઉપયોગ કર્યો. જાગૃત અવસ્થામાં સલામ કરીએ એ ઠીક પણ રાતે ઊંઘ ઊડી જાય તો પથારીમાંથી ઊભા થઈને પણ આપણી સેનાને સલામ કરવી જોઈએ. ભારતની પ્રોફેશનલ સેનાની સરખામણીએ અનેક પ્રકારના ધંધા અને ગોરખધંધા આચરતી પાકિસ્તાની ફૌજ ઊણી ઊતરી એનો અપાર આનંદ છે. ભારતી ગડા લખે છે...
હસતા સદાય ચહેરાના હાલ જોઈએ
સાથે જ ચાલનારાના તાલ જોઈએ
પથ્થરથી ખેલનારા તું એટલું સમજ
વળતા જવાબ માટે તો ઢાલ જોઈએ
પાકિસ્તાન જેને ઢાલ ગણતું હતું એ ચીની બનાવટના રડાર અને ઍર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ નીવડ્યા. ચીન ક્યારેય ભરોસાલાયક નથી રહ્યું. હવે તુર્કી પાકિસ્તાનની સોડમાં લપાયું છે એટલે એના મસ્તમજાના શહેર ઇસ્તંબુલ જવાનો વિચાર કરતા હો તો એ વિચારને ફાડી નાખજો. દુશ્મનનો મિત્ર આપણો દુશ્મન થયો. ડૉ. અપૂર્વ શાહ સ્થિતિને અસમંજસ પર છોડી દે છે...
સવાલો ઘણા છે જવાબો ઘણા છે
અહીં સત્ય પર પણ નકાબો ઘણા છે
પ્રયત્નો કરીને બધી રીતના પણ
ન સમજાય એવા હિસાબો ઘણા છે
લાસ્ટ લાઇન
બંધ આખોથી હતો સિદ્ધાર્થ હું
આંખ ખોલી તો હવે હું બુદ્ધ છું
હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું
મોતની વિકરાળ હરદમ બીકથી
જિંદગીથી કેટલો હું કૃદ્ધ છું
આ અણુયુગમાં જૂનાનું શું ગજું?
એ જ આદમ છું, હવે હું વૃદ્ધ છું
- વિનોદ ગાંધી


