મુંબઈની આ સોસાયટીઓમાં નવરાત્રિની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે. ગરબા, આરતીથી આગળ જઈને આધુનિક ટચ આપી ભક્તિ કરાય છે.
પ્રતીકાત્મક તસવીર
LED દાંડિયા રાસનું ખાસંખાસ આયોજન - દર્શના હાઇટ્સ, ભાઈંદર

ADVERTISEMENT
દર વર્ષે એક નવી અને યુનિક થીમ સાથે નવરાત્રિ ઊજવતી ભાઈંદરની દર્શના હાઇટ્સ સોસાયટીએ આ વર્ષે LED દાંડિયા રાસનું આયોજન કરેલું છે. આ વિશે માહિતી આપતાં નેહા ગોસલિયા કહે છે, ‘અમારી સોસાયટી નવી જ છે. હજી ત્રણ વર્ષ જ થયાં છે. એટલે સોસાયટી શરૂ થઈ ત્યારથી અમે નવરાત્રિ ઊજવીએ છીએ. આ વર્ષે અમે રવિવારે LED દાંડિયા રાસનું આયોજન કર્યું હતું, જેમાં સોસાયટીના સભ્યો ટ્રેડિશનલ કપડાંમાં રેડી થઈને આવ્યા હતા. સોસાયટીના કમ્પાઉન્ડની બધી જ લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી. એ પછી અંધારામાં સોસાયટીના સભ્યો LED દાંડિયા સાથે રાસ રમ્યા હતા. બાકીના દિવસોમાં પણ અમે કોઈ ને કોઈ થીમ રાખીએ અને એ હિસાબે બધા તૈયાર થઈને આવે. જેમ કે એક દિવસ ધોતી-કેડિયું રાખીએ તો એમાં સ્ત્રી-પુરુષો બધાં એ પહેરીને ગરબા રમે. એ સિવાય અમે નૉનસ્ટૉપ દોઢ-બે કલાક સુધી ગરબા રમ્યા હોય કે પછી એકદમ વ્યવસ્થિત રીતે પારંપરિક કપડાંમાં તૈયાર થઈને આવ્યા હોય તેમને ઇનામો પણ આપીએ. આઠમના દિવસે અમારી મહાઆરતી હોય છે જેમાં ૧૦૮ દીવાની મહાઆરતી થાય છે અને સોસાયટીના બધા જ સભ્યો હાથમાં દીવા લઈને સમૂહમાં માતાજીની આરતી કરે છે.’
થીમ પ્રમાણે રેડી થઈ ગરબા અહીં રમાય - યોગી પૅરૅડાઇઝ, બોરીવલી


બોરીવલીની યોગી પૅરૅડાઇઝ સોસાયટીમાં નવરાત્રિની ઉજવણી એકદમ આનંદ-ઉત્સાહ સાથે થાય છે. એ વિશે માહિતી આપતાં પરાગ સંઘવી કહે છે, ‘નવરાત્રિના નવ દિવસ કોટી ડે, ડેનિમ ડે, બાંધણી-લહેરિયા ડે, ચણિયા-ચોળી-કુરતા-પાયજામા ડે હોય અને લોકો એ હિસાબે રેડી થઈને સાથે ગરબા રમે. સોસાયટીની મહિલાઓ નવરાત્રિની ઉજવણી માણી શકે એ માટે નવેનવ દિવસ રાત્રે જમણવાર હોય છે અને દશેરાના દિવસે સવારે ફાફડા-જલેબીનો પ્રોગ્રામ હોય છે. સોસાયટીનાં જેટલાં પણ નાનાં બાળકો છે તેઓ ગરબા રમવા માટે પ્રોત્સાહિત થાય એટલે અમે બધાને રોજેરોજ કંઈ ને કંઈ ભેટ આપીએ છીએ. એ સિવાય થીમ પ્રમાણે સારા ડ્રેસ પહેરીને આવ્યા હોય, સારી રીતે ગરબા રમતા હોય એ બધાને કૅટેગરીના હિસાબે દરરોજ ગિફ્ટ આપીએ. નવરાત્રિની આટલા મોટા પાયે ઉજવણી કરવાનો અમારો ઉદ્દેશ એવો હોય કે એ બહાને સોસાયટીના રહેવાસીઓ કોઈ પણ જાતિ-ધર્મના ભેદભાવ વગર એકબીજા સાથે હળેમળે, રમે, જમે અને તેમના વચ્ચે એકતા વધે.’
દરરોજ ઑર્કેસ્ટ્રા પર ગરબા રમાય - નૉર્ધર્ન હાઇટ્સ, દહિસર

દહિસરમાં આવેલી નૉર્ધર્ન હાઇટ્સ સોસાયટીમાં છેલ્લાં ત્રણ વર્ષથી નવરાત્રિનું ધામધૂમથી આયોજન થાય છે એમ જણાવતાં હિતેશ જાની કહે છે, ‘નવરાત્રિમાં અમારે ત્યાં ઑર્કેસ્ટ્રા હોય છે. લાઇવ સિન્ગિંગ માટે સોઢા સિસ્ટર્સ આવે છે. અહીં દરરોજ વિવિધ ડે જેમ કે પાઘડી ડે, ગૉગલ્સ ડે જેવા હટકે ડે રાખવામાં આવે છે જેમાં સોસાયટીના સભ્યો એ હિસાબે રેડી થઈને ગરબા રમવા માટે એકઠા થાય છે. એ સિવાય આરતી થાળી ડેકોરેશન, તોરણ બનાવવાની હરીફાઈઓ યોજાય છે. સોસાયટીમાં દસ વાગ્યા સુધી ગરબા થાય છે અને એ પછી ૧૧ વાગ્યા સુધી બધા ફન-ગેમ્સ રમીએ. દરરોજ ફૂડ-સ્ટૉલ્સ પણ હોય છે જેમાં ફરાળી વાનગીઓથી લઈને ચાટ બધું જ હોય છે. અમારે ત્યાં ૪૨ માળની બે વિન્ગ છે. એટલે દરરોજ દસ ફ્લોર મળીને આરતી કરે છે. અમારી સોસાયટીની નવરાત્રિમાં હિન્દી ફિલ્મ અભિનતા સોનુ સૂદ, ગુજરાતી અભિનેતા યશ સોની જેવા સ્ટાર્સ પણ આવે છે.’
બહેનો જાતે ગરબા ગાઈને રમે – ભાટિયા મિત્ર મંડળ, ઘાટકોપર

ઘાટકોપરમાં ગાયત્રી ધામ ખાતે ભાટિયા મિત્ર મંડળ તરફથી છેલ્લાં ૬૦ વર્ષથી એકદમ સાદાઈપૂર્વક નવરાત્રિનું આયોજન થાય છે. આ વિશે માહિતી આપતાં પૂજા ટોપરાણી કહે છે, ‘કોઈ પણ જાતની સાઉન્ડ સિસ્ટમ કે વાજિંત્રો પર ગરબા રમવાને બદલે અમે બહેનો મળીને જ ગરબા ગાઈએ અને ગરબા રમીએ. વચ્ચે માતાજીનો ગરબો મૂકીએ અને એની ફરતે બહેનો ગરબા રમે. નવેનવ દિવસ ચારથી છ વચ્ચે બધી મહિલાઓ ભેગી થઈને આ રીતે નવરાત્રિ ઊજવે છે. એમાં પણ અમારે ત્યાં ૯૦ વર્ષનાં મધુરી ભાટિયા આ ઉંમરે પણ સરસ રીતે સૂરમાં ગરબા ગવડાવે છે. બહેનોનો ઉત્સાહ વધારવા માટે અમે રવિવારે વાનગીની હરીફાઈ પણ રાખી હતી. આઠમના દિવસે ૧૦૮ કુંવારિકાઓની સમૂહ આરતીનું આયોજન થયું હતું. આરતી બાદ કન્યાઓને ભેટ આપીને આનંદિત કરવામાં આવી હતી.’


