આપણે દરેકે એક દિવસ વિદાય લેવાની જ છે, આપણે જીવનને એવું બહેતર જીવીએ કે મૃત્યુને પણ માણી શકીએ. આ મુક્તિ અને ઈશ્વરની શરણાગતિને આપણે સૌ મળીને માણીએ.
પ્રતીકાત્મક તસવીર
પ્રિયજનો,
પ્રત્યેક મરણ કરુણ નથી હોતાં, ઘણાં મરણ મુક્તિ સમાન હોય છે. અમારાં માતુશ્રીનું મરણ મરણ નહીં, મુક્તિ હોવાનું અમે માનીને છીએ. તેઓ ૮૧ વર્ષનું સરસ અને પ્રેરક જીવન જીવ્યાં હોવાથી કોઈ શોક કે રંજ નથી. તેમની છેલ્લા કેટલાક દિવસોની ગંભીર માંદગીઓની પીડાઓમાંથી મુક્તિ બાદ તેમનું જીવન ઈશ્વરને શરણ ગયું છે. ઈશ્વરની આવી શરણાગતિ એ આનંદનો અવસર ગણાય. આપણે દરેકે એક દિવસ વિદાય લેવાની જ છે, આપણે જીવનને એવું બહેતર જીવીએ કે મૃત્યુને પણ માણી શકીએ. આ મુક્તિ અને ઈશ્વરની શરણાગતિને આપણે સૌ મળીને માણીએ.
ADVERTISEMENT
આ લૌકિક નહીં, અલૌકિક વ્યવહાર હશે જ્યાં સરસ સ્મૃતિઓ અને સુંદર વાતોનો સુમેળ હશે.
તો મળીએ.
લિખિતંગ સંતાનો.
આ ઉપરનું નિમંત્રણ તાજેતરમાં એક સત્ય ઘટનાના ભાગરૂપ વાંચવા મળ્યું જેમાં મૃત્યુને ઉત્સવ તરીકે ઊજવવાનો ઉદ્દેશ હતો. આમ કરનાર પરિવારની કંઈક અંશે ટીકા થઈ, ઘણે અંશે સરાહના પણ થઈ. આ પ્રસંગે જૂની અને નવી પેઢીએ કેટલીક સ-રસ રજૂઆતો પણ કરી, સમાજની બદલાઈ રહેલી માન્યતા, માનસિકતા અને વિચારધારાના પ્રતીક સમાન આ અવસર મને સંજોગોવશાત હાજર રહીને જોવા-અનુભવવા મળ્યો.
મૃત્યુ એટલે માત્ર શોક? માત્ર રૂદન? શું મરનાર વ્યક્તિ પ્રત્યેની લાગણી પ્રગટ કરવાનો આ જ એક માર્ગ છે? પ્રાર્થનાસભા-શોકસભા જ શા માટે? અલબત્ત, આમ બોલવું સરળ છે પણ કરવું અઘરું છે કારણ કે વિશાળ સમાજને હજી આ માન્ય નથી. જોકે કુછ તો લોગ કહેંગે...ને યાદ કરીને આગળ વધવું પડે.
સમાજ સતત પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યો છે. સમય સાથે વિચારધારા પણ ઝડપથી બદલાઈ રહી છે. મરણનોંધમાં લૌકિક વ્યવહાર બંધ હોવાની નોંધ વધતી જાય છે. કમને અથવા રિવાજને લીધે કે સામેની વ્યક્તિને ખરાબ લાગશે એવા ભાવ સાથે જબરદસ્તી પ્રાર્થનાસભામાં હાજરી આપવાનો કોઈ અર્થ નથી એવો નવો અભિગમ અપનાવાઈ અને સ્વીકારાઈ પણ રહ્યો છે. અલબત્ત, પ્રાર્થનાસભાનો કોઈ અર્થ નથી એવું કહેવું ઠીક નહીં, એક સમયે આ રિવાજ-પ્રથાનો વિશેષ અર્થ હતો પરંતુ શું આજે સમયના બદલાવ સાથે એમાં પણ પરિવર્તનની જરૂર લાગતી નથી? ખાસ કરીને ઉંમરના ચોક્કસ મુકામે અથવા અતિ ગંભીર માંદગીના સમયે તો ખુદ વ્યક્તિને અને તેના પરિવારને જીવન કરતાં મરણ વહાલું લાગતું હોય છે. લોકો બોલતા પણ હોય કે હવે તે છૂટી જાય તો સારું. આવા પ્રસંગને મૃત્યુના શોકને બદલે મૃત્યુનો ઉત્સવ ન બનાવી શકાય? પ્રાર્થનાસભાને આનંદસભા બનાવી શકાય નહીં?
મૃત્યુ દરેકને આવવાનું છે, જન્મદિવસની તારીખની અને પળની સાથે જ મરણદિવસની તારીખ-પળ પણ લખાઈ જ ગઈ હોય છે. જીવનમાં જો કોઈ બાબત નિશ્ચિંત હોય તો કેવળ મૃત્યુ છે. મૃત્યુને યાદ રાખીને જીવવામાં જીવનની સાર્થકતા-સજાગતા વધે છે. બાય ધ વે, રિવાજ કરતાં ભીતરનો ભાવ મહત્ત્વનો છે.


