Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાત નિકલેગી તો ફિર...સાપોલિયાથી વિકરાળ હોય છે શંકા (પ્રકરણ- ૧)

બાત નિકલેગી તો ફિર...સાપોલિયાથી વિકરાળ હોય છે શંકા (પ્રકરણ- ૧)

22 April, 2024 05:58 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અનુષાને નવાઈ લાગી : સંધ્યાએ એવું કેમ કહ્યું કે રવિ ન હોય ત્યારે મળીએ?

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘અનુષા, તું મને મળવા આવી શકે?’

સંધ્યાના અવાજમાં ધ્રુજારી હતી જે અનુષા સ્પષ્ટ રીતે અનુભવી શકતી હતી.



‘અફકોર્સ, તારે પૂછવાનું હોય?’ અનુષાએ ચોખવટ પણ કરી લીધી, ‘શું થયું?’


‘રૂબરૂ બધી વાત કરું...’ સંધ્યાને બીજી કોઈ ચર્ચામાં પડવું નહોતું એટલે તેણે પૂછી લીધું, ‘તું ક્યારે ફ્રી થશે? સાંજે...’

‘આજે તો પૉસિબલ નથી... અને ઑફિસમાં પણ મૅનેજમેન્ટ લેવલ પર થોડા ચેન્જિસ ચાલે છે તો થોડું કામ પણ વધારે છે.’ અનુષાએ પૂછ્યું, ‘એવું હોય તો રાતે આવી જઉં... ઑફિસથી સીધી.’


‘ના, રવિની હાજરીમાં નથી મળવું...’

અનુષાને નવાઈ લાગી. આવું પહેલી વાર બન્યું હતું. રવિ અને સંધ્યાને આખું ગ્રુપ આઇડિયલ કપલ તરીકે જ જોતું. રવિની એકેએક વાત સંધ્યાને ખબર હોય અને સંધ્યાની નાનામાં નાની વાતમાં રવિનું ઇન્વૉલ્વમેન્ટ હોય. એવા સમયે કેમ સંધ્યા એવું કહે છે કે રવિ ન હોય ત્યારે...

‘સંધ્યા, મને કહીશ... શું થયું છે?’

‘નથિંગ... આપણે રૂબરૂ મળીએ.’ સંધ્યાએ કહી પણ દીધું, ‘બહુ ઇમ્પોર્ટન્ટ છે,​રિયલી... તું આવને પ્લીઝ...’

‘હું આવવા માટે તૈયાર છું, મેં ના નથી પાડી; પણ મને કંઈક હિન્ટ તો આપ. મને કંઈક તો સમજ પડે કે તું શા માટે આટલી ટેન્સ લાગે છે?’

‘વાત જ એવી છે... રવિને એક્સ્ટ્રા...’ સંધ્યાએ ટૉપિક પૂરો કરી નાખ્યો, ‘તું આવ... અને આવતાં પહેલાં મને ફોન

કરી દેજે. ટ્રાય કરજે કે તું વહેલી આવી શકે અને એકાદ દિવસમાં જ આવી

જાય... પ્લીઝ.’

છેલ્લે બોલાયેલું આ ‘પ્લીઝ’ અને અગાઉ અધૂરું છોડી દેવાયેલું વાક્ય ‘રવિને એક્સ્ટ્રા...’એ અનુષાને પણ અકળામણ આપી દીધી.

અનુષાને મન થયું કે તે અત્યારે જ રવિને ફોન કરીને તેની સાથે વાત કરે. અનુષાએ રવિને ફોન લગાડી પણ દીધો.

‘હેય અનુષા... વૉટ્સ અપ...’

રવિના અવાજમાં એ જ એનર્જી હતી જે એનર્જી તે હંમેશાં જોતી આવી હતી.

‘ક્યાં છે તું?’

‘ઑબ્વિયસ્લી ઑફિસે... કેમ, શું થયું?’ રવિએ પૂછ્યું અને કહી પણ દીધું, ‘મને શું કામ ફોન કર્યો તેં? આમ તો ક્યારેય હું યાદ નથી આવતો...’

‘અરે એવું નથી... સાચું કહું તો...’ અનુષાની જીભ ધ્રૂજવા માંડી, ‘એમ જ... ભૂલથી તને ફોન લાગી ગયો.’

‘આવી ભૂલ કરતી રહેજે... મને પણ થાય કે તું ફક્ત સંધ્યાની નહીં, મારી પણ ફ્રેન્ડ છો... ઍનીવે, શું કરે છે રાજીવ,

ઑલ વેલ?’

‘અરે એકદમ... બધું સરસ. તું કહે...’ અનુષા હજી પણ અવઢવમાં હતી, ‘કેવું ચાલે છે તારું અને સંધ્યાનું?’

‘બહુ ફાલતુ સવાલ છે અનુષા... તું છેને ટીવીસિરિયલો જોવાનું ઓછું કર.’

ખોટું હસી લીધા પછી અનુષાએ ચોખવટ કરી...

‘અરે, એમ કહું છું કે તમે બન્ને બીજું બેબી ક્યારે પ્લાન કરો છો?’

‘હં...’

રવિને અનુષાના સવાલથી નવાઈ તો લાગતી જ હતી. એમ છતાં તેણે પ્રામાણિકતા સાથે વાત કન્ટિન્યુ કરી...

‘હમણાં ત્રણેક વર્ષ તો નહીં જ...’ રવિએ કહી પણ દીધું, ‘અને જો મારું ચાલે તો એ પછી પણ નહીં.’

‘કિયાને કંપની હોવી જોઈએ.’

‘ડિબેટનો ટૉપિક છે... અને આઇ નો, તેં મને એના માટે ફોન નથી કર્યો. ઇન ફૅક્ટ, મને એ પણ ખબર છે કે તેં મને ભૂલથી ફોન કરી દીધો છે તો પછી આ ટૉપિક પર ડિસ્કસ કરીશું...’ રવિએ ફોન પૂરો કરતાં કહ્યું, ‘આવ પછી નિરાંતે ઘરે... બેસીએ.’

‘શ્યૉર...’

અનુષાની જીભ પર આવી ગયું હતું કે તારી વાઇફ મને આજે જ બોલાવે છે અને એમાં પણ તું જ નિમિત્ત છે. કાશ, તે જે કહેવા માગે છે એ વાત ખોટી હોય. કાશ!

ફોન કટ કર્યા પછી અનુષાની આંખ સામે રવિ અને સંધ્યા બન્નેની મૅરેજ-લાઇફ આવી ગઈ.

રવિ અને સંધ્યાનાં લવમૅરેજ હતાં. બન્ને એકબીજાને કૉમ્પ્લિમેન્ટ કરે એવાં હતાં. બન્નેના મોટા ભાગના શોખ સરખા તો વિચારોમાં પણ એવું જ. જ્યાં પણ એકબીજાથી વિચારોનો મેળાપ ન થાય ત્યાં એકબીજાને પૂરતી આઝાદી પણ મળે. કૉલેજના સમયથી અનુષા તે બન્નેને ઓળખતી હતી. કૉલેજના ફર્સ્ટ યરમાં હતાં ત્યારે સંધ્યા પહેલી વાર રવિને મળી અને એ પછીની ​રિલેશનશિપ આગળ વધી. આગળ વધેલી એ ​રિલેશનશિપમાં ક્યારેય કોઈ જાતની અંટશ આવી નહીં; જ્યારે અનુષાની કૉલેજ-લાઇફમાં, કૉલેજ દરમ્યાન જ બે બ્રેકઅપ થઈ ગયાં અને એ પછી પણ એક બ્રેકઅપ થયું અને પછી મૅરિડ રાજીવના પ્રેમમાં પડી. રાજીવને ડિવૉર્સ લેવા હતા પણ તેની વાઇફ ડિવૉર્સ આપતી નહોતી. પરિણામે અનુષા અને રાજીવની પર્સનલ લાઇફ કૉમ્પ્લિકેટેડ થઈ ગઈ. અલબત્ત, કૉમ્પ્લિકેટેડ એવી એ લાઇફ વચ્ચે પણ બન્ને કમિટમેન્ટની બાબતમાં ક્યાંય એકબીજાથી ઓછા ઊતરતાં નહોતાં.

અનુષાના બહુ ઓછા ગ્રુપમાં રાજીવ જતો, પણ આ ગ્રુપમાં રાજીવને જવામાં કોઈ ખચકાટ નહોતો આવતો જેનું કારણ પણ હતું. રવિ કે સંધ્યા ક્યારેય તે બન્નેને ક્ષોભજનક અવસ્થામાં મૂકતાં નહીં. કોઈ એવો સવાલ પણ કરવાનો નહીં જેનો જવાબ તે બન્ને પાસે ન હોય અને વ્યક્તિની ખાસિયત છે કે જ્યાં તે ઝંખવાણી પડે ત્યાંથી તે પહેલાં જાતને કાપે.

રાજીવ માટે એવી પરિસ્થિતિ ઊભી થતી નહોતી એટલે તે વિના સંકોચે રવિને ત્યાં આવવા તૈયાર થઈ જતો. ઇન ફૅક્ટ, ઘણી વાર તો તે સામેથી પણ કહેતો કે રવિ-સંધ્યા સાથે પ્રોગ્રામ બનાવીએ.

‘મને તો એવું કંઈ નથી લાગતું જેના માટે તું આટલું ટેન્શન લે...’ સાંજે અનુષાએ રાજીવને વાત કરી ત્યારે રાજીવે સહજ રીતે જ કહ્યું હતું, ‘પર્સનલી, મને લાગે છે કે બન્ને વચ્ચે કંઈક એવું બન્યું હશે જેને લીધે સંધ્યા તને મળવા બોલાવે છે.’

‘મને નથી લાગતું...’

‘અનુમાન લગાવવાને બદલે બહેતર છે કે તું જઈને એક વાર મળી લે...’ રાજીવની સલાહ વાજબી હતી, ‘તને પણ શાંતિ અને સંધ્યાને પણ નિરાંત થઈ જશે...’

રાજીવે જ આઇડિયા આપ્યો.

‘તું કહેતી હો તો હું પણ સાથે આવું...’

અનુષાને ઇચ્છા તો થઈ ગઈ, પણ તે જવાબ આપે એ પહેલાં જ સંધ્યાના અધૂરા રહી ગયેલા શબ્દો તેના કાનમાં ફરીથી ગુંજવા માંડ્યા.

‘રવિને એક્સ્ટ્રા...’

શું સંધ્યાનો આગળનો શબ્દ

‘મૅરિટલ’ હતો?

‘કહે, હું આવું સાથે?’

અનુષાએ ધીમેકથી ના પાડી દીધી અને મનમાં ઘૂસેલા એ અનુમાનને કાઢવાનો પ્રયાસ પણ શરૂ કરી દીધો. જોકે તેણે મનોમન નક્કી પણ કરી લીધું કે આવતી કાલે ઑફિસમાંથી રજા લઈને પણ તે પહેલાં સંધ્યાને ત્યાં જશે અને તેની સાથે વાત કરશે. હવે તેને સંધ્યાને મળવાની ઉતાવળ નહોતી, પણ પોતાના મનમાં ઘર કરવા માંડેલી વાતનું નિરાકરણ લાવવું હતું.

‘રવિને એક્સ્ટ્રા-મૅરિટલ અફેર તો નહીં હોયને?’

નહીં બોલેલા સંધ્યાના આ ડાયલૉગનો જવાબ અનુષાએ વૉશરૂમમાં કમોડ પર બેઠાં-બેઠાં જ આપી દીધો હતો...

‘હોઈ શકે, કોઈને પણ હોઈ શકે. યુ કાન્ટ સે ઍનીથિંગ...’

‘તને ખાતરી છે?’

‘અરે, મારી પાસે પ્રૂફ છે... કહું તો છું તને.’ સંધ્યા લગભગ ચિલ્લાઈ હતી, ‘એ પણ આજકાલનું નહીં, ઓછામાં ઓછું એક વર્ષનું...’

સંધ્યાએ એ જ વાત કરી હતી જે વાતની આશંકા અનુષાને હતી.

‘તું જો આ બધું... દર મહિને પેલી છોકરીના અકાઉન્ટમાં પૈસા જાય છે... નિયમિત રીતે... ઘરે આવીને મને સૅલેરી હાથમાં આપે એ પહેલાં રવિ પૈસા તેને ટ્રાન્સફર કરે છે.’ સંધ્યાએ બૅન્ક-ડીટેલ આગળ કરી, ‘અરે, ઘણી વાર તો તેણે મને ઘરમાં પૈસા ઓછા આપ્યા છે, પણ મેં એ પણ ટૅલી કરી લીધું કે એ મહિને રવિએ પેલી છોકરીને વધારે પૈસા મોકલ્યા છે...’

‘તું પહેલાં શાંત તો પડ...’ અનુષાએ ટિપાઈ પરથી પાણીનો ગ્લાસ ઉપાડીને સંધ્યાની સામે ધર્યો, ‘તું શાંત નહીં થાય ત્યાં સુધી સરખી વાત નહીં કરે ને સરખી વાત નહીં કરે તો મને સમજ પણ નહીં પડે...’

‘હવે આમાં સમજવા જેવું કંઈ

નથી રહ્યું.’

‘ઍગ્રી... પણ... આગળ શું કરવું એ વાત કરવા માટે પણ પહેલાં એક વાર

વાત સમજવી તો પડશેને?’ સંધ્યાએ અનુષાના હાથમાં ગ્લાસ પકડાવી દીધો, ‘તું પાણી પી. ત્યાં સુધીમાં હું આપણા માટે કૉફી બનાવી લાવું... પછી આપણે શાંતિથી વાત કરીએ.’

ઊભા થતાં સંધ્યાએ કહ્યું.

‘ગેટ ફ્રેશ ફાસ્ટ...’

‘તને આખી વાતની ખબર ક્યારે પડી?’

‘કંપનીની ઍન્યુઅલ મીટિંગમાં...’

‘તે છોકરી રવિ સાથે તેની કંપનીમાં જ છે?’

‘એ મને નથી ખબર...’

‘તો પછી તને કેવી રીતે ઍન્યુઅલ મીટિંગમાં વાતની ખબર પડી?’ અનુષાએ સંધ્યાના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘તું બધી વાત ડીટેલમાં કરે એ બહુ જરૂરી છે સંધ્યા... જો તું વાતમાં ગોટાળા કરશે તો ખરેખર આપણને કોઈ રસ્તો નહીં મળે...’

‘સાતેક મહિના પહેલાંની વાત છે...’ સંધ્યાએ વાત શરૂ કરતાંની સાથે જ ખુલાસો કર્યો, ‘સાતેક મહિના પહેલાં મને ખબર પડી, પણ એની અસર મને કોવિડ અને લૉકડાઉન પહેલાં જ મળી ગઈ હતી.’

‘અરે સૉરી યાર, સૅલેરી આપવાનું ભૂલી ગયો.’

ડાઇનિંગ ટેબલ પર બેસી ગયેલો રવિ ઝાટકા સાથે ઊભો થઈ રૂમ તરફ ઉતાવળા પગલે ગયો. તેની પીઠ પાછળ સંધ્યાનો અવાજ અથડાયો...

‘અરે, પણ ક્યાં મોડું થાય છે? એ કાલે પણ આપી શકાયને?’

‘ના... આજે વિધડ્રૉ કરીને લાવ્યો તો એ પહેલાં જ દેવી જોઈએ...’ રૂમમાંથી વૉલેટ સાથે બહાર આવતાં રવિએ કહ્યું, ‘મા હંમેશાં કહેતી કે પુરુષો કમાય છે એ ધન છે, પણ એ જ ધન જ્યારે તે પોતાની અર્ધાંગિનીના હાથમાં મૂકે ત્યારે એ લક્ષ્મી થઈ જાય છે...’

‘બહુ ડાહ્યો...’ સંધ્યાએ મજાક કરતાં મનની વાત પણ કહી દીધી, ‘આટલા મૉડર્ન થઈને પણ આટલા ઑર્થોડૉક્સ કેવી રીતે રહી શકાય?’

‘ઑર્થોડૉક્સ નહીં, રૂટ-કનેક્ટેડ...’ રવિ ફરી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો, ‘તમારા મૂળ સાથે જોડાયેલા રહીને તમે મૉડર્ન થાઓ એનું જ મહત્ત્વ છે. બાકી તો ઊડતી પતંગ અને કપાયેલી પતંગ વચ્ચે કોઈ ફરક જ ન રહે...’

‘હવે જલદી જમવા બેસ...’

‘બેસી ગયો છું બકા... તું જલદી જમવાનું આપ.’

સંધ્યાએ જમવાનું પીરસ્યું અને રવિએ જમવાનું શરૂ કર્યું; પણ જેવો તેણે પહેલો ટુકડો મોઢામાં મૂક્યો કે તરત જ તેને યાદ આવ્યું, પણ જમતાં-જમતાં વાતો નહીં કરવાનો ઘરનો નિયમ પાળી રાખવા માટે તેણે હાથના ઇશારે સંધ્યાને સમજાવી દીધું કે એક વાત કરવાની છે જે મને પછી તું યાદ કરાવજે.

‘મારે તેને વાત પણ યાદ કરાવવી ન પડી...’ સંધ્યાએ અનુષા સામે જોયું, ‘જમી લીધા પછી રવિએ જ મને કહ્યું કે તને જે પૈસા આપ્યા છે એમાં દસ હજાર ઓછા છે અને હમણાં થોડું એવું રહેશે. મારા માટે તો તે જે પૈસા આપતો એ પણ વધારે જ હતા એટલે નૅચરલી મારો કોઈ વિરોધ નહોતો અને બીજી વાત એ કે તેની ઇન્કમ છે, રવિએ જેમ વાપરવી હોય એમ વાપરે એ પણ તેનો હક છે.’

‘રાઇટ... તો પછી પ્રૉબ્લેમ શું થયો?’

‘દસ હજાર ઓછા આપવાનો નિયમ કાયમી બની ગયો અને સાત મહિના પછી...’ સંધ્યાએ ડાયરી હાથમાં લઈને એમાં જોયું, ‘એક્ઝૅક્ટ સાત મહિના પછી તેણે મને કહ્યું કે હવે આમાં પંદર હજાર ઓછા છે અને થોડો સમય એવું રહેશે...’

ડાયરી સાઇડ પર મૂકીને સંધ્યાએ અનુષાની સામે જોયું.

‘મારો ડાઉટ અહીંથી શરૂ થયો...’

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2024 05:58 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK