દેવકીમાના કપાળે કરચલી ઊપસી. સાંજે વાળુ કરાવી જીવીબહેનના જવાની રાહ જોતી હોય એમ પહેલું કામ વહુ ઘર બંધ કરવાનું કરતી હોય છે.
ઇલસ્ટ્રેશન
કશાક ખખડાટે દેવકીમાની આંખો ખૂલી ગઈ. આમેય ત્રણ-ત્રણ વર્ષથી પથારીમાં પડ્યે રાતની ઊંઘ ક્યારેક વેરણ થઈ જાય છે. જરા જેટલા અવાજે જાગી જવાય છે. ઝીરોના બલ્બના અજવાશમાં તેમણે ડોક ઘુમાવી જોયું તો બારી-બારણાં તો બંધ છે. ના, બહાર વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસે છે એની વાછટનો ધમકાર નથી, આંગણાનો ઝાંપો ખુલ્લો રહી ગયો હોય એના અથડાવાનો અવાજ છે.
દેવકીમાના કપાળે કરચલી ઊપસી. સાંજે વાળુ કરાવી જીવીબહેનના જવાની રાહ જોતી હોય એમ પહેલું કામ વહુ ઘર બંધ કરવાનું કરતી હોય છે. ઝાંપે આગળિયો મારી બારી-બારણાં વાસી તે નાની લાઇટ પાડી ઉપર તેના રૂમમાં જતી રહે.
ADVERTISEMENT
દેવકીમાં વિચારી રહ્યાંઃ એમ તો ક્યાંથી કે થોડું સાસુ સાથે બેસી કંઈ નહીં તો ટીવી જોઈએ કે રેડિયો પર નાટક સાંભળીએ! પણ શું દિવસ હોય કે રાત, નિયતિ વહુ તો તેનામાં જ ગુલતાન... પણ એમાં વહુનો પણ શું વાંક! એ બિચારી મારા કારણે વરથી દૂર રહે છે એ ઓછું છે? કાશ, બસના એ અકસ્માતમાં હું મોતને ભેટી હોત તો છૂટી ગઈ હોત. આ તો હું દીકરા-વહુને માથે પડી! એક જમાનો હતો જ્યારે વહુ સાસુ-સસરાની સેવા કરે એ સામાન્ય ગણાતું, મારાં સાસુ પાછલી અવસ્થામાં પથારીમાં બગાડ કરતાં એ હું જ સાફ કરતી એનો ઢંઢેરો ભલે ન હોય, પણ હવેની વહુઓ પાસે આવી અપેક્ષા રાખવી વધુપડતી છે.
નિયતિ પણ બહુ જલદી કંટાળી ગઈ. આસુની ગેરહાજરીમાં તે જુદી જ બની જતી. સાસુને ભોજન આપતી વેળા નાના કોળિયા કરવાનું કહું તો છણકો કરે : ખાવું હોય તો ખાઓ નહીં તો ભૂખાં મરો કે અમેય છૂટીએ!
રસોઈમાં મીઠૂં-મરચું વધતું-ઓછુ હોવાનું કહેવાઈ ગયું તો ભોગ લાગ્યા. ગામવાળું કોઈ આવતાંજતાં ડોકિયું કરવા માગે તો ઝાંપેથી જ વાળી દે : જમે હજી ઘર ભાળ્યું નથી, ડોશી એવી ને એવી છે!
આ બધું તો હજીયે જતું કરાય, પણ પોતાના પથારીમાં પડ્યાના છ-આઠ મહિને મેડીની રૂમમાં અડધી રાતે વહુની દબાયેલી ચીસ સાંભળી દેવકીમાંથી ભડકી જવાયેલું ઃ વહુ.. ઓ વહુ! શું થયું? કોઈ ચોર દીઠો કે જંગલી જાનવર તો નથી આવ્યુંને!
ગામમાં ઘરો દૂર-દૂર છે, અડખેપડખે કોઈ મકાન નથી એટલે પણ ફફડાટ થવો સ્વાભાવિક હતો. ત્યાં તો રૂમનો દરવાજો ખૂલ્યો ને વહુ મોં દેખાડવાનીયે તસ્દી લીધા વગર બરાડી: તને લેવા જમડો આવ્યો હોય એવી ચીસો શાની પાડે છે ડોકરી! રાતેય શાંતિ નહીં? હવે તો કાલે તારા કાનમાં પૂમડાં નાખીને ઊંઘાડું છું, જોઈ લે!
અને ખરેખર સાસુના કાનમાં રૂ નાખી તે ઉપર ચડે ને તેની સવાર પણ મોડી ઊગે. જીવીબહેનનેય તેણે બપોરે આવવા કહી દીધેલું. રાતભર એકલી બાઈ રૂમમાં શું કરતી હશે કે ઊઠવામાં બપોર થઈ જાય એવું પૂછવું અજુગતું લાગતું. ઘણી વાર રાતે તેની રૂમમાં સંચાર સંભળાતો રહે એ સાસુને ભેદી પણ લાગતું. પછી તો આસુ આવે તોય તેનામાં પહેલાં જેવો ઉત્સાહ દેવકીમાએ ભાળ્યો નથી. તે વિચારતાંઃ મારો આસુ સમજદાર છે. પત્ની માટે તેને પ્રેમ છે ને પત્ની પ્રત્યેની ફરજ પણ સમજે છે. તેને તો વહુને હરવાફરવા પણ લઈ જવી હોય, પણ વહુને જવું જ ન હોય તો શું થઈ શકે? સાસુની ચાકરીમાંથી છૂટવાનું એ ત્રાગું હશે કે પછી...
પાછલા થોડા મહિનાથી સળવળતી થયેલી આશંકાએ અત્યારે પણ દેવકીમાનો જીવ કોચવાયો : વચમાં અડધી રાતે ઊઠી જવાયું ત્યારે વહુના ઓરડેથી કોઈ પુરુષનો સ્વર બંધ દરવાજાની ફાટમાંથી સરકી આવ્યો કે પછી એ મારી ભ્રમણા હતી? પણ મને એવી ભ્રમણા થવી જ કેમ જોઈએ? કાનમાં પૂમડાં છતાં સ્ત્રી-પુરુષનો સ્વરભેદ ઝિલાયો એ સાવ અકારણ તો કેમ હોય? વહુના મોડા ઊઠવામાં રાતનો ઉજાગરો કારણભૂત હોય તો એને માટે કોઈ પુરુષ જવાબદાર કેમ ન હોય! મેડીની રૂમ પર જવા અંદરથી સીડી છે એમ વરંડાની સીડી સીધી રૂમની બાલ્કનીમાં પડે છે એ હિસાબે રાતનું અંધારું ઓઢી કોઈ પુરુષ પાછળના વરંડાના રસ્તે મેડીએ જતો હોય તો કોણ જોવા ગયું!
સમસમી જવાયું. વહુને કોઈ આશિક મળ્યો હોય તો જ વર પ્રત્યે તેને ભાવ ન રહેને! ઘણી વાર પોતાની ધારણા દીકરાના કાને નાખવાની તેમને ઇચ્છા થતી, પણ મન પાછું પડતું : મારી પાસે વહુની બદચલનીનો પુરાવો ક્યાં છે? અરે, વહુ દીકરા સાથે વિડિયો-કૉલ પર વાત કરતી હોય એનોય પડઘો મને સંભળાયો હોય. ખરેખર એવું હોય તો હું દીકરાની નજરમાંથી ઊતરી જાઉં કે બીજું કંઈ!
આ વિચારે દેવકીમાએ હોઠ સીવી રાખ્યા છે, પણ...
અત્યારે દેવકીમાની નજર મેડીનાં પગથિયાં પર ગઈ : જાણે વહુનું સત્ય શું હશે!
***
આ હુસ્ન!
દુધિયા લૅમ્પના ઉજાસમાં આયનામાં ઝિલાતા બદનને તે જરા મગરૂરીથી નિહાળી રહી. ગોરી સુંવાળી કાયાનાં રસઝરતાં અંગો કેવાં મહોરી ઊઠ્યાં છે!
ત્યાં તો પાછળથી પુરુષે તેને બાથ ભીડી ને નિયતિનો શ્વાસ દહેકવા લાગ્યો: ઓહ, મારા મહોરવામાં જોરાવરસિંહનું જોમ જવાબદાર છે!
ના, આશ્લેષ સાથેના લગ્નજીવનથી તે સંતુષ્ટ જ હતી પણ સાસુના અકસ્માતે દૂરી સરજી ને સૂની રાતો નિયતિને ડંખવા લાગી. આસુ આવે ત્યારે તેને પથારીમાં તાણી જવા સિવાય બીજું કંઈ સૂઝતું નહીં તેને. પણ એમાંય અઠવાડિયાની મુદત રહેતી એ ખમ્યું ન જતું. આસુ મુંબઈ જવા નીકળે કે વળી એ જ ઊના નિસાસા. યૌવનના ચટકાને ભરજુવાનીમાં ડામવા પડે છે એથી તેનો ઉશ્કેરાટ બેવડાતો.
આવામાં એક સવારે ચમત્કાર થયો. મેડીની બાલ્કનીમાં ઊભા રહીને તે ભીના વાળ ઝાટકતી હતી કે બાજુના વરંડામાં તેણે એક જુવાનને દંડ પીલતો જોયો. શૉર્ટ્સમાં શોભતા તેના સ્નાયુબદ્ધ દેહ પર નિયતિની નજર ચોંટી ગઈ. કસરત કરતા જુવાનની નજર પણ અનાયાસ મેડી પર ગઈ.
અહીં મકાન છૂટાંછવાયાં હતાં એટલે બાજુનું ઘર હોવા છતાં વચ્ચે અંતર ઘણું હતું. બેની નજીકમાં ગણાય એવું ત્રીજું મકાન ખાલી હતું એટલે બેઉના તારામૈત્રકને નિહાળનારું કોઈ નહોતું. એકાદ-બે અઠવાડિયાં આમ ચાલ્યું. નિયતિએ જાણી લીધું કે બાજુના ઘરમાં જંગલ ખાતામાં કામ કરતો જોરાવરસિંહ ભાડે રહેવા આવ્યો છે. ત્રીસેક વર્ષનો આદમી પરણેલો છે, પણ બૈરીને દેશમાં માબાપ ભેગી રાખી છે. જોરાવરે પણ નિયતિના સ્થિતિસંજોગ પામી લીધા. હવે સ્ત્રીની ભૂખ બોલકી બની, પુરુષે પોતાની તત્પરતા ઉઘાડી ને આડા સંબંધનો રસ્તો ખૂલી ગયો!
વરંડાના રસ્તે રોજ રાતે જોરાવર મેડીએ આવી જતો. જોરાવરને સૂકી બંજર જેવી બૈરીમાં રસકસ નહોતા લાગતા. તેની અધૂરપ નિયતિના સંગમાં બમણા વેગે છલકાતી અને તેનું બેફામપણું નિયતિને ચિત કરી જતું: એમ તો આશ્લેષ પણ ભારોભાર મર્દાનગીથી ઓપતા; તોય ક્યારેક મારી પહેલથી તે સંકોચાતા, શરમાઈ ઊઠતા; જ્યારે જોરાવરને કોઈ લાજશરમ નહીં!
એટલે તો પછી આશ્લેષ આવે ત્યારે તે ટાઢી થયેલી આગનો છણકો કરી તેને આઘેરો રાખતી. બદન પરનાં ચકામાં જોઈ આસુને મારી બેવફાઈનો તરત અંદાજ આવી જવાનો! ઊલટું શનિવારની મધરાતે આસુ અહીં આવે એટલે જોરાવર પણ ગામ જતો રહે, પરિણામે તે આસુને કદી ભટકાયો નથી. જોરાવર તેની બૈરીને સુખમાં તરબોળ કરતો હશે એ વિચારે નિયતિને આસુ માટે અભાવ જન્મતો. તેની સાથે હરવાફરવાના પ્રોગ્રામ ટાળી જતી. ને સોમવારની રાતે જોરાવર આવે ત્યારે તે અસલ રંગમાં આવી જતી.
નિયતિ વિચારતી : નહીં, આવા ફાંકડા જુવાનને કોઈ કાળે છોડાય નહીં. એમ હજી તે નિસંતાન છે, મારા વરનેય અમારા લફરાની ભનક નથી, એવું કંઈ બને એ પહેલાં અમારા એક થવાનો કોઈ રસ્તો તો ખોળી કાઢવો રહ્યો.
‘હું આશ્લેષથી, આ ડોશીથી છૂટી થઈ જાઉં, તું તારી બૈરીને ફારગતિ આપી દે, પછી આપણને રોકનારું-ટોકનારું કોઈ નહીં હોય.’ નિયતિ કહેતી. જવાબમાં જોરાવર ડોક ધુણાવતો : ‘તું વિચારી જોજે. મારી આર્થિક સ્થિતિ આશ્લેષ કરતાંય ઊતરતી છે. ગામમાં અમારું કાચું મકાન છે, એય ભાડાનું. મારી નોકરી કહેવા પૂરતી સરકારી, પરંતુ કૉન્ટ્રૅક્ટ પર છે...’
એટલે નિયતિ છૂટાછેડાની પહેલ કરતાં અટકી જતી. છૂટાછેડા સિવાય છૂટા પડવાનો શું માર્ગ હોય?
પાછલા મહિના દિવસથી આના જ વિચારોમાં ગોથાં ખાતા મનને એક જ જવાબ સૂઝે છે : હ..ત્યા!
પ્રેમી સાથે મળી પત્ની પતિને પતાવી દે એવું આજકાલ તો સામાન્ય બની ગયું છે. મારે વળી સાસુનેય પતાવવી પડશે, તો ભલે!
આ તુક્કો જોરાવરને કહેતાં તેય રાજી થયો છે, બલકે તેણે કોઈ યોજના બનાવી પણ છે; પણ એની ચર્ચા પછી, પહેલાં...
અને નિયતિ આવેગથી જોરાવરને લપેટાઈ ગઈ.
lll
અને રૂમના નાઇટ-લૅમ્પના અજવાસમાં બાલ્કનીની બારીના કાચમાંથી સાફ દેખાતી તેમની કામક્રીડાએ આશ્લેષને થીજવી દીધો.
lll
અને શનિવારનું પ્રભાત ઊગ્યું.
રોજિંદાં કામમાંથી પરવારી કેસર ફટાફટ તૈયાર થઈ ગઈ. ઓટલે બેસી દાંતણ ચાવતી કાદંબરીને તેનામાં જુદું જ ચેતન વર્તાયું. રાતે રઘુએ કરેલી ટિપ્પણી સાંભરી ગઈ : તારા જોબનનાં પૂર ઓસરી રહ્યાં છે ને તારી સાવકીના અંગે જવાની ફાટ-ફાટ થાય છે!
તરત તો પોતે રઘુને આંખ દેખાડેલી: મારી સોડમાં ભરાઈ મને જ વગોવે છે? ખબરદાર જો કોઈ બીજી કરવાનું વિચાર્યું પણ તો.. મારાથી ભૂંડી કોઈ નહીં!
રઘુ સમજી ગયો કે પોતે ખોટી નસ દબાવી બેઠો એટલે વાળી લીધું : મારો મતલબ હતો દામોદર શેઠ પાસેથી લાખેક વધુ લેવાય...
સાગનો વેપાર કરતો શેઠ બહારગામ ગયો છે, તેના આવતાં જ બાકીની રકમ લઈ કેસરનો સોદો કરી નાખવો છે!
અત્યારે મીંઢું મલકતી કાદંબરીએ કેસર પર નજર ટેકવી: બળ્યું આનું રૂપ! આજે તો પાછી લાલી લિપસ્ટિક કરી, વાળમાં ગુલાબનું ફૂલ સજાવી તૈયાર થઈ છેને!
તેના મગજમાં ટિકટિક થવા લાગી.
‘ઊભી રહે.’
રોજની જેમ થેલો લઈ કેસર ઘરનો ઝાંપો ઓળંગે છે કે માના સાદે સહેમી જવાયું. આજે હું હંમેશ માટે ઘર છોડી રહી છું એની ગંધ તો માને નહીં આવી હોયને! ના, પિયરનો ઉંબરો છોડતાં આંખ ભીની થાય એવી કોઈ સ્મૃતિ જ ક્યાં છે? બલકે સાવકી માને શક ન પડે એ માટે એક જોડી કપડાં, થોડા પૈસા અને મારી સ્વર્ગસ્થ માની એકમાત્ર નિશાની જેવી તસવીર રાતે જ થેલામાં મૂકી દીધેલી. માને થેલો જોઈ શક પડ્યો કે શું?
‘આજે બહુ શણગાર સજ્યા છેને!’ કાદંબરીની નજર શારડીની જેમ ફરતી રહી, ‘કોઈ સાથે શહેરમાં છાનગપતિયાં કરવા તો નથી જતીને!’
માએ દીકરી માટે આવું જ વિચાર્યું! કેસરને ધરપત થઈ. હોઠ વંકાયા: મારા આવા સંસ્કાર નથી. માને એટલું તો ભાન કરાવવું જોઈએ. કેસર ઊલટી ફરી, ‘જાઉં તો પણ એ રઘુ જેવો બે બદામનો બૂટલેગર તો નહીં જ હોય.’
કહી ટટ્ટાર ગરદને તે બહાર નીકળી ગઈ. એવી જ કાદંબરી દાંતણ થૂંકી ઝાંપે ધસી ગઈ, ‘ઓહોહો! જાણે બાઈજીને વરવા તો આકાશમાંથી કોઈ દેવપુરુષ ઊતરવાનો!’
ટલ્લા ફોડતી માના શબ્દો કેસરની પીઠે અથડાયા, પણ તેણે પાછળ જોવાનું ટાળ્યું. મનમાં જોકે મલકાટ પ્રસરી ગયો ખરો : મારો દેવપુરુષ તો અવતરી ચૂકેલો મા, આજે તેની સાથે હું પરણી જવાની. શિવગઢના શિવાલયમાં, મારા મહાદેવની સાક્ષીએ!
(વધુ આવતી કાલે)


