Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શિવાલય સત્યમ શિવમ સુંદરમ (પ્રકરણ ૨)

શિવાલય સત્યમ શિવમ સુંદરમ (પ્રકરણ ૨)

Published : 12 August, 2025 02:32 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

આશ્લેષ ખંતથી બધાં કામ શીખતો ગયો. ધીરે-ધીરે તે શેઠજીની નજરમાં વિશ્વાસુ ઠરતો ગયો. હવે તે આશ્લેષને ઘરની તિજોરીની ચાવી પણ આપતા

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


શિવગઢના શિવાલયમાં હીરા નિહાળતાં આશ્લેષની કીકીમાં ચમક ઊપસી : ત્રણ કરોડના આ હીરા મારી જીવનધારા પલટી નાખશે...

જોકે કોણે ધાર્યું હતું કે મારે આમ લૂંટ કરવી પડશે?



હળવો નિશ્વાસ નાખી આશ્લેષે ગતખંડ સંભાર્યો :


મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે સાપુતારા નજીકના નિંભર ગામની વસ્તી પાંખી, છૂટાંછવાયાં ખોરડાં, બૅન્ક-પોસ્ટના કામે સાપુતારા આવવું પડે એવી હાલાકી છતાં પહાડી વિસ્તારની રમણીયતા અનહદ.

‘આ ગામ અને વડીલોનું ઘર છોડવું નહોતું એટલે તો તારા પિતાએ અહીંની પ્રાથમિક શાળામાં કારકુની કરી, જે મળ્યું એમાં સંતોષથી રહ્યા...’ દેવકીમા એકના એક દીકરાને ઘણી વાર કહેતાં.


મોટા થતા આશ્લેષને આમાં કશું ખોટું ન લાગતું એમ એટલું પણ ખરું કે પિતાના અવસાન બાદ માએ તેમના અડધા પેન્શનમાં બે છેડા કેમ ભેગા કર્યા એ તેનાથી અજાણ્યું નથી. હવે તે માને ઠાઠથી રાખવા માગતો હતો.

એટલે તો સાપુતારાની કૉલેજમાં BA થઈ તેણે મુંબઈની વાટ પકડી લીધી. બેચાર ઠેકાણે થોડોઘણો અનુભવ લીધા પછી ઢંગની ગણાય એવી નોકરી કાંદિવલીના ઝવેરચંદ શેઠની દુકાને મળી.

ચારકોપ ખાતે શેઠનો બે મજલાનો વૈભવી બંગલો હતો ને એના આગળના ભાગમાં તેમનો સુપરસ્ટોર ધમધમતો હતો. આશ્લેષ ખંતથી બધાં કામ શીખતો ગયો. ધીરે-ધીરે તે શેઠજીની નજરમાં વિશ્વાસુ ઠરતો ગયો. હવે તે આશ્લેષને ઘરની તિજોરીની ચાવી પણ આપતા : જા, આટલી કૅશ મૂકી આવ...

પરિણામે બંગલે પણ તેની અવરજવર થવા લાગી. શેઠની દીકરી પરણીને દુબઈ સેટ થઈ હતી. તેનાથી નાનો દીકરો ઉમંગ દુકાને આવતો ખરો પણ તેનું ધ્યાન મોબાઇલની ગેમમાં વધુ રહેતું. શેઠ કદી તેને ટોકે તો માલા શેઠાણી શેઠનો ઊધડો લઈ લે. આમાં ક્યારેક પોતે હાજર હોય તો આશ્લેષ મૂંગો રહે અને પછીથી સ્ટાફમાં આની કૂથલી કરવાથી પણ દૂર રહે.

આના શિરપાવરૂપે બે વર્ષમાં તો આશ્લેષ સ્ટોરનો મુખ્ય કારભારી બની ગયો. નોકરીમાં જોકે જવાબદારીની સરખામણીએ પગાર નહોતો વધતો.  શેઠે એટલું કહ્યું કે રૂમનું ભાડું અલગથી મળશે...

‘તો વાટ શાની જુએ છે? ઝટ એક રૂમ રાખ એટલે તને પરણાવવાના મારા ઓરતા પૂરા કરું...’

મુંબઈમાં આશ્લેષ કરકસરથી ચાર-છ જણની સહિયારી રૂમમાં રહેતો. મહિના અંતે જે બચત થાય એ માને ગામ મોકલી આપતો : તું ઠાઠથી રહેજે મા! 

દેવકીમા હસતાં : ઠાઠથી તો તારાં લગન લેવાની છું!

અને આશ્લેષે રૂમ રાખતાં જ તેમણે કન્યા ગોતવા માંડી. એમાં બાજુના ગામની નિયતિ જોડે મેળ બેસી ગયો.

ગ્રૅજ્યુએટ થયેલી નિયતિ ઘરકામમાં કેળવાયેલી હતી. આશ્લેષ જોડે શોભી ઊઠે એવી રૂપાળી પણ ખરી. પરણીને દંપતી મુંબઈની રૂમમાં થાળે પડ્યું. હવે આશ્લેષને સવાર-સાંજ સ્વાદિષ્ટ ગરમગરમ ભોજન મળતું, કપડાં ઇસ્ત્રીબંધ રહેતાં અને રાતે શયનેષુ રંભા બની નિયતિ એવા ખેલ રચતી કે ક્યારેક તો પુરુષ થઈને પણ આશ્લેષ શરમાઈ જાય!

ક્વચિત મુંબઈ આવી દીકરાનો રણઝણતો સંસાર જોઈ દેવકીમા અપાર સંતોષ અનુભવે અને વહુને કહે પણ ખરાં : હવે જલદી ખુશખબર આપો!

પણ એ બને એ પહેલાં અણધારી, અણગમતી ઘટના બની.

મુંબઈથી મા બસમાં પરત થતી હતી એ સાપુતારાની ખીણમાં ખાબકતાં કરોડરજ્જુના મણકા તૂટતાં આજકાલ કરતાં ત્રણ વર્ષથી સાવ જ પથારીવશ છે.

કેવો બિહામણો અકસ્માત હતો એ. ત્રણ જણનાં સ્થળ પર જ મોત થયાં. આશ્લેષ માટે તો મા બચી એ જ પાડ!

‘આના કરતાં તો ભગવાને માને લઈ લીધાં હોત તો સારું થાત!’

સાસુની ઈજાનું નિદાન સાંભળી નિયતિ બોલી પડેલી : માથી બેઠાં પણ નહીં થવાનું હોય તો તેમનું બધું કરશે કોણ?

‘કોણ એટલે?’ એક તો નિયતિનું આમ બોલવું જ આશ્લેષ માટે આઘાતજનક હતું: મા મારાથી વધુ લાડ તેને લડાવે છે. નિયતિને એ સ્પર્શ્યું જ નહીં હોય? પત્નીનો બદલાવ ખમાતો ન હોય, ખપતો ન હોય એમ આશ્લેષેસહેજ ઉગ્રપણે સંભળાવ્યું : તારી પાસેથી મને એવી અપેક્ષા હતી નિયતિ કે મારા પહેલાં તું કહે કે માની દેખરેખ રાખવાવાળી હું છુંને!

પતિના તેવરે નિયતિ ગાલાવેલી
થઈ : હું તો છું જ આસુ, મેં તો જસ્ટ જનરલ કહ્યું...

‘મા માટે જનરલમાં પણ આવું વિચારવાનું નહીં.’ આશ્લેષની રુક્ષતા ઓસરી નહીં, ‘માને ચોખ્ખી રાખવા હું મેઇડ રાખીશ. તે સવાર-સાંજ આવી જશે, પણ તેનાં રખોપાં વહુ તરીકે તારે કરવાનાં.’

નિયતિથી માથું ધુણાવ્યા વગર શું થઈ શકે?

સરકારી હૉસ્પિટલમાંથી માને ગામના ઘરે શિફ્ટ કરાવી, શૌચ-સ્નાન માટે વસ્તીમાંથી સવારસાંજ જીવીબહેન આવી જાય એટલું ગોઠવી આશ્લેષ વીસ દહાડે મુંબઈ પહોંચ્યો ત્યારે શેઠ ધૂંઆપૂંઆ હતા : ભાઈ, આટલી રજા ન પરવડે. નિયમિત રહેવાનો હો તો જ કામ પર ચડજે.

ત્યારે આશ્લેષને પહેલી વાર અહેસાસ થયો કે શેઠ ભલે તિજોરીની ચાવી સોંપતા હોય, પોતે તેમનો અંગત નહીં પણ ગુમાસ્તો જ છે કેવળ!

જોકે જામેલી નોકરી છોડાય એવા સંજોગ જ ક્યાં હતા? આશ્લેષ વધુ ખંતથી કામમાં પરોવાયો. રવિની રજાના દહાડે ઘરે આવવાનું ચૂકતો નહીં એમાં માની ખબર પૂછવા સાથે પત્નીને સમય આપવાની પણ દરકાર રહેતી. નિયતિની પ્યાસ એથી ક્યાં બુઝાય એમ હતી? રાતના એકાંતમાં તે પોતાની એષણા છુપાવતી નહીં. આશ્લેષ પ્યારથી સમજાવતો: સહજીવન શૈયાસુખ પૂરતું જ સીમિત નથી હોતું નિયતિ, એનો વ્યાપ કુટુંબીઓનાં સુખદુઃખ વહેંચવા સુધી વિસ્તરતો હોય છે.

એ સલાહ ગળે ઊતરી હોય એમ ધીરે-ધીરે નિયતિએ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું છે. ક્યારેક રજાનો અવકાશ લઈ આશ્લેષ જીવીબહેનને બેચાર દિવસ પૂરતાં ઘરે રહેવા મનાવી પત્ની સાથે હરવાફરવાનો પ્રોગ્રામ બનાવે તો ટાળી જાય, અરે, નિકટ જવા માગે તો પડખું ફરી જાય : ટાઢી થયેલી આગને હવા આપશો જ નહીં.

વીતતા વખત સાથે નિયતિનો બદલાવ આશ્લેષને ગિલ્ટ પ્રેરતો હતો: માની ચાકરી માટે મારો વિયોગ વેઠનારી પત્ની માટે પણ મારી ફરજ ખરીને! મા તો ધર્માદાના આશ્રમે મૂકી આવવાનું કહેતી હોય છે, દીકરા તરીકે એ મને કેમ રુચે? માને મુંબઈ રાખવી ગજવાને પરવડે નહીં. તો પછી પત્નીનો વિરહ ટાળવાનો એક જ ઉપાય રહે છે: માને પહેલાંની જેમ હરતીફરતી કરવાનો! ઑપરેશનથી એ શક્ય છે એવું તો એક્સપર્ટ ડૉક્ટર્સે કહ્યું જ છે, એ માટે સરકારી યોજનાઓના લાભ ઉપરાંત પણ ચારેક લાખનો જોગ કરવો પડે. એટલી બચતમૂડી ક્યાંથી હોય? પણ હા, શેઠજી પાસે લોન પેટે લઈ શકાય અને શેઠ મને ઇનકાર નહીં જ કરે એવા વિશ્વાસે આશ્લેષે રૂપિયા માગતાં શેઠજીએ સોય ઝાટકીને કહી દીધું : માગનારે આપનારની હેસિયત જોઈને નહીં, પોતાની ચૂકવવાની પાત્રતા જોઈને મોં ખોલવાનું હોય. મેં ધર્માદો નથી ખોલ્યો ભાઈ! ભલે તારી મા બાકીનાં વર્ષો પથારીમાં જ કાઢતી!

આશ્લેષે આનો આઘાત અનુભવ્યો. આવાની નોકરી થાય નહીં ને છોડીને ફરી એકડેએકથી શરૂ થાય નહીં! બધી બાજુથી ભીંસાતો માણસ જીવ પર આવી જાય ત્યારે ન ધારેલું કરી દેખાડે એવું જ આશ્લેષ સાથે થયું : શેઠની તિજોરીમાં આટલો પૈસો છે એ લોન પેટે પણ તેમનાથી અપાતો ન હોય તો લૂંટી લેવો જોઈએ!

આનો વિરોધ કરવા જતા અંતરાત્માના અવાજને આશ્લેષે ત્યાં જ ઘૂંટી નાખ્યો : ના, મારે આંધળૂકિયું નથી કરવું. લાગ જોઈને હાથ મારવો છે!

અને મહિના અગાઉ એ મોકો તરવરતો દેખાયો : ઉમંગની સગાઈ દુબઈમાં તેની બહેનના સાસરાપક્ષની કોઈ કન્યા જોડે નક્કી થઈ હતી ને એ ફંક્શન નિમિત્તે આખો પરિવાર અઠવાડિયા માટે દુબઈ જવાનો હતો અને ભાગ્યે જ બનતું એમ સ્ટોર પણ એટલા દિવસ બંધ રહેવાનો હતો.

આશ્લેષને ખબર હતી કે શેઠજીની તિજોરીમાં ત્રણેક કરોડના હીરા પડ્યા છે. એની જગ્યાએ નકલી હીરા મૂકી અસલીની અદલાબદલી કરવી ખૂબ સરળ હતી આશ્લેષ માટે. અલબત્ત, માના ઑપરેશનનું કામ એકાદ હીરાથી પણ થઈ જાત, પણ નીતિરીતિ નેવે મૂકી જ હોય તો લાખને બદલે કરોડનું જ વિચારાયને! 

અને આજે બપોરે ઍરપોર્ટ માટે નીકળતી વેળા શેઠજીએ દુકાન વધાવી કૅશ મૂકવા આશ્લેષને કહ્યું ને ક્યારના આ લાગ માટે દુઆ કરતા આશ્લેષે ધડકતા હૈયે હીરાની અદલાબદલી કરી લીધી!

વધુ અગત્યનો તબક્કો એ પછીનો હતો. હીરા મુંબઈ તો રખાય જ નહીં, બલકે સીધા નિંભરના ઘરે જઈ હીરા કબાટના ચોરખાનામાં મૂકી દેવાના હોય અને બેત્રણ દિવસમાં એનો સોદો નિપટાવી રોકડા કરી દેવાના હોય.. પહેલાં આવું જ વિચારેલું, પણ પ્લાન ઘડતો ગયો એમ એમાં જોખમ લાગવા લાગ્યું : બધા હીરા વેચી નાખું તો કરોડ રૂપિયાના વહેવારને મારે વાઇટનો બતાવવો કઈ રીતે? હીરા કે કૅશ પર નિયતિની નજર પડી તો તે સત્તર સવાલ કરશે, મા આગળ કંઈ બોલી બેઠી તો... ના-ના, એવું તો થવું જ ન જોઈએ. એના કરતાં હાલ એકાદ હીરો વેચી માના ઑપરેશનનો જોગ પાર પાડું, બાકીના હીરા કોઈક જગ્યાએ છુપાવી રાખવા. દરમ્યાન શેઠજીને નકલી હીરાની જાણ થઈ તો એ તો પોલીસ-કમ્પ્લેઇન્ટ ઠોકશે જ ને તિજોરી ખોલનાર બહારની વ્યક્તિ તરીકે મારા પર જ પહેલો શક જશે. એમાં મારી માના ઑપરેશનનું જાણી શક બેવડાશે, પણ હું મક્કમ રહીશ : શેઠના ધંધા શેઠ જાણે. એમ તો શેઠ મને દુકાનમાં વધુ ભાવ આપે એ ઉમંગભાઈને ગમતું નહોતું તો મને ફસાવવા તેમણે પણ હીરા બદલ્યા હોય! બાકી મારી માના ઑપરેશનની રકમનો જોગ મેં અજ્ઞાત રહેવા માગતા દાતાની મદદે પાર પાડ્યો છે અને એ રકમ હીરાની બરાબરીની છે જ નહીં. આવું કહી હું છટકી જ શકું. આખરે હીરા મારી પાસેથી મળવાના જ નથી. પોલીસના ચોપડે મામલો રફેદફે થાય પછી જ બાકીના હીરા વેચવાના. એ માટે સમાંતરે હું લૉટરીની ટિકિટ ખરીદતો રહીશ ને બેચાર વર્ષે બીજા હીરા વેચી લૉટરી લાગ્યાનું કહીશ તો કોઈને વહેમ પણ નહીં જાય.

અલબત્ત, હીરા છુપાવવાનું કોઈ સ્થળ મગજમાં બેસતું નહોતું. આમ તો તે શનિવારની અડધી રાતે ગામ પહોંચતો હોય ને સોમવારના મળસ્કે નીકળી જતો હોય, પણ આજે શેઠજીનો પરિવાર ઍરપોર્ટ જવા નીકળ્યો ને તેણે સાપુતારાની બસ પકડી લીધી. ઘરે કોઈને કહ્યું નથી, પહેલાં હીરા છુપાવવાનું ઠેકાણું સૂઝે પછી બીજી વાત!

હીરા કોઈ એવી જગ્યાએ છુપાવવા પડે જેની કોઈને ગંધ પણ ન આવે ને એ સેફ પણ હોય. અને રસ્તામાં શિવમંદિરની ફરફરતી ધજા નિહાળતાં બારીએ બેઠેલા આશ્લેષના ચિત્તમાં શિવગઢનું બે સદી જૂનું શિવાલય ઝબક્યું!

શિવગઢ નિંભરની બાજુનું જ ગામ. પર્વતીય પ્રદેશ જેટલું જ રમણીય. અહીં પણ વસ્તી પાંખી. નાના હતા ત્યારે ગિલ્લીદંડા રમતાં-રમતાં શિવાલય સુધી આવી જતા. ત્યારે પણ એ ભેંકાર હતું. લોકવાયકા હતી કે મંદિરના કૂવામાં પડી બે પ્રેમીઓએ આપઘાત કર્યો ત્યારથી તેમનું ભૂત અહીં ભટકે છે. એના ડરથી લોકો આવતા બંધ થયા ને મંદિર અવાવરું બનતું ગયું. બસ, અહીં જ ક્યાંક જમીન ખોદી કે મંદિરના કોઈ છૂપા ગોખલામાં હીરા છુપાવી દીધા હોય તો કોઈને એનો ભેદ મળવાનો નહીં.

એટલે તો તે શિવગઢ મથકે ઊતરી ગયો... હવે હીરા છુપાવવામાં દેર નથી કરવી!

એક હીરો રાખી બાકીના હીરા છુપાવી આશ્લેષે મુખ્ય માર્ગે આવી નિંભર ગામની કેડી પકડી ત્યારે આભમાં વાદળ ઘેરાયાં હતાં. પલટાતા વાતાવરણમાં આવનારા ઝંઝાવાતની એંધાણી હતી એની આશ્લેષને ક્યાં ખબર હતી?

(વધુ આવતી કાલે)

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2025 02:32 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK