ટ્રસ્ટ માય આઇઝ! હું એક ફિલ્મમેકર છું, અમને ચહેરાઓ વાંચવાની આદત હોય છે
ઇલસ્ટ્રેશન
‘છોકરી તો ઝક્કાસ છે...’
રાજન તેની રિવૉલ્વર રમાડી રહ્યો હતો. ટેબલ પર એક યુવતીના આઠ-દસ રંગીન ફોટો ફેલાયેલા
પડ્યા હતા.
ADVERTISEMENT
રાજન શાર્પશૂટર હતો. મેરઠની એક કૉલેજમાં ઇલેક્શન વખતે મારામારીમાં તેના હાથે એક જણની હત્યા થઈ ગઈ હતી. એ પછી પોલીસથી બચવા તે મુંબઈ ભાગી આવ્યો હતો.
પણ અહીં રાજન તો જ બચી શકે તેમ હતો જો તે અન્ડરવર્લ્ડના શરણે જાય. અત્યાર સુધી ભલભલાની ગેમ કરી હતી પણ આ ગેમ અલગ હતી.
રાજને વારાફરતી બધા ફોટો ધ્યાનથી જોયા. કોઈ ફોટોમાં તેણે ટૂંકું સ્કર્ટ પહેર્યું હતું, કોઈમાં ચપોચપ જીન્સ, એક બે ફોટોમાં તે પંજાબી ડ્રેસમાં હતી છતાં તેના શરીરના વળાંક એકદમ સ્પષ્ટ ઊભરીને બહાર આવતા હતા. રાજન ધારી-ધારીને ફોટોઝ જોઈ રહ્યો...
‘ઉસ્તાદ, આ છોકરીની ગેમ કરવાની છે? બહુ આસાન છે...’ રાજનનો સાથી જગ્ગુ સિગારેટના ધુમાડા કાઢતાં બોલ્યો.
‘ગેમ તો કરવાની છે, પણ આસાન હરગિજ નથી.’
‘મામૂલી છોકરીને પતાવી દેવામાં મુશ્કેલી શું છે? તારું તો ડાબા હાથનું કામ છે.’
‘હાથનું નહીં, જિગરનું કામ છે. તેને પતાવવાની નથી, બાટલામાં ઉતારવાની છે.’
‘ઉસ્તાદ, તુમ તો હૅન્ડસમ હો, ઇંગ્લિશ ભી અચ્છી ઝાડ લેતે હો...’
‘શટ અપ.’
રાજને ફોટો જીન્સના પાછળના પૉકેટમાં નાખ્યા ત્યાં મોબાઇલમાં ‘કંપની’ના ગાયનનો રિંગટોન વાગ્યો, ‘ખલ્લાસ...ખલ્લાસ...’
રાજન સમજી ગયો... બૉસનો ફોન હતો. ‘યસ બૉસ.’ સામે છેડેથી એક ઠંડો અવાજ આવ્યો, ‘રાજન, એક પાંચ લાખની સુપારી છે. સિંગાપોર જઈને ગેમ કરવાની છે. બોલ, છે ઇન્ટરેસ્ટ ?’
‘બૉસ, અત્યારે જે કામ હાથ પર લીધું છે એ ગેમ બે મહિના ચાલવાની છે...’
‘કેમ? કંઈ કરોડોની કિંમતની સુપારી છે?’
‘ના, કિંમત તો એક આખી જિંદગીની છે.’
રાજનના ચહેરા પર ખૂન્નસ તરી આવ્યું.
lll
બરાબર એક અઠવાડિયા પછી તેની પાસે બધી જ ઇન્ફર્મેશન હતી. કિન્નરી કનોજિયા તેનાં મા-બાપની એકની એક દીકરી છે. બાપ આર્મીમાં ઑફિસર હતો. અત્યારે રિટાયર્ડ છે. છસાત મહિના પહેલાં જ મેરઠમાં પોતાના બાપ-દાદાનો વિશાળ બંગલો વેચીને અહીં મુંબઈમાં રહેવા આવી ગયા છે.
દીકરી કિન્નરીને મૉડલિંગનો બહુ શોખ છે. કિન્નરીની મા બહુ સ્ટાઇલિશ આધુનિક ઔરત છે. અત્યારે ૪૫-૫૦ વર્ષની આસપાસ છે પરંતુ એક જમાનામાં તેને ફિલ્મોમાં હિરોઇન બનવાના ધખારા હતા.
કિન્નરી કનોજિયાને હજી મૉડલિંગની દુનિયામાં કંઈ મોટો બ્રેક મળ્યો નથી પરંતુ બાપની ઓળખાણ અને લાગવગને કારણે તેને હૉન્ગકૉન્ગ શાંઘાઈ બૅન્કિંગ કૉર્પોરેશનમાં નોકરી મળી ગઈ છે. નરીમાન પૉઇન્ટ પર આવેલા એક્સપ્રેસ ટાવર્સના ૧૭મા માળે જ્યાં HSBCના ઇન્ટરનૅશનલ બૅન્કિંગની બ્રાન્ચ છે ત્યાં કિન્નરી કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ છે.
કિન્નરીએ મૉડલિંગ માટે પડાવેલા ફોટાઓનો એક પોર્ટફોલિયો પણ રાજન પાસે આવી ગયો હતો. આ ફોટોઝમાં તો કિન્નરી ટોટલી ‘આઇટમ બૉમ્બ’ લાગતી હતી. દરેક ફોટોમાં તેણે બેહદ સેક્સી પોઝ આપેલા હતા.
રાજન પોતાના બેડરૂમની પીળી લાઇટના પ્રકાશમાં બેસીને કયાંય લગી એ ફોટોને ધારી-ધારીને જોતો રહ્યો. ધીમે-ધીમે ખુન્નસથી તેની આંખો લાલ થઈ રહી હતી. એક ક્ષણે ઉત્તેજનાથી તેણે રિવૉલ્વર હાથમાં લઈ લીધી, પણ બીજી જ ક્ષણે તેણે જાત પર કાબૂ મેળવ્યો.
‘રાજન, આ ગેમ ગરમ ખૂનની નહીં, ઠંડા દિલની છે... શાંતિ રાખ...’ ત્રીજી ક્ષણે તેણે ગુસ્સામાં આવીને રિવૉલ્વર ફેંકી દીધી.
lll
રાજન અરીસા સામે ઊભો હતો. તેના ચહેરા પર જંગલની જેમ વધી ગયેલી દાઢી અને માથે અંબોડી વાળી શકાય એવાં ઝુલ્ફાં જોતાં-જોતાં તેણે વિચાર્યું, ‘આ ગેમ માટે આ લુક બદલવો પડશે...’
lll
બીજા દિવસે જ્યારે જહાંગીર આર્ટ ગૅલરી પાસે આવેલી એક બુક શૉપમાં તે દાખલ થયો ત્યારે અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને રાજનને પોતાને નવાઈ લાગી. હવે તે કોઈ બીજો જ માણસ લાગતો હતો.
બેફામ વધી ગયેલા ઝાંખરા જેવા વાળની જગાએ સરસ મઝાનાં લીસાં ચમકતાં વાંકડિયાં ઝુલ્ફાં હતાં. મેલીઘેલી દાઢીને બદલે સ્ટાઇલિશ મેક્સિકન મસ્ટાશ (મૂછ) અને હોઠ નીચે ટ્રાયેગ્યુલર શેપની નાનકડી ગોટી (દાઢી) હતી. ગાલ ઉપર ત્રણ દિવસની વધેલી હોય એવી સ્ટાઇલિશ ‘સ્ટબલ’ હતી. જમણા કાનમાં ગોલ્ડન બુટ્ટી, ગળામાં સોનાની ચેઇન, કાંડા પર ત્રણચાર જાતના રંગીન દોરા ઉપરાંત રુદ્રાક્ષની સહેજ લૂઝ માળા...
રાજને બુક સ્ટોરમાં દાખલ થતાં સેલ્સગર્લને સફાઈદાર અંગ્રેજીમાં પૂછ્યું, ‘કૅન યુ પ્લીઝ શો મી સમ બુક્સ ઑન ફિલ્મ્સ?’ સેલ્સગર્લ તેને બુકશૉપના એક નાનકડા સેક્શન તરફ દોરી ગઈ.
અહીં જાતજાતનાં થોથાં હતાં. રાજને બુક્સ પર નજર ફેરવી. તેણે અહીંથી કોઈ એવી બુક પસંદ કરવાની હતી જેના વિશે એકાદ ઊડતો સવાલ પુછાય તો એનો જવાબ પણ આપી શકાય. થોડી વાર આમતેમ જોયા પછી તેણે સત્યજિત રે વિશેની એક ચોપડી પસંદ કરી. અહીં બીજી પણ ઘણી ચોપડીઓ હતી. રાજને એક્સપર્ટની જેમ મહત્ત્વનાં નામો મનમાં નોંધી લીધાં : ગોડાર્ડ, ફેલિની આઇઝેન્સ્ટાઇન, સ્ટીવન સ્પીલબર્ગ, મનોજ નાઇટ શ્યામલન, ક્રિસ્ટોફર નોલાન વગેરે...
રાજને સત્યજિત રેનું એક પુસ્તક હાથમાં લઈ આખી શૉપમાં એક આંટો માર્યો. અહીં લિટરેચર સેક્શનમાં તેને બિલકુલ પર્ફેક્ટ બુક હાથ લાગી ગઈ : ‘શરદબાબુ કી શ્રેષ્ઠ કહાનિયાં...’
lll
બુકશૉપમાંથી બહાર નીકળીને તેણે જહાંગીર આર્ટ ગૅલરી પાસે પાર્ક કરેલી બાઇકમાં ચાવી ભરાવી. પોતાની સિલ્વર-બ્લૅક હૉન્ડા CBR કાર કાઢીને તેણે ક્લાસિક મૉડલની રૉયલ એન્ફીલ્ડ 350 લીધી હતી. હવે અહીંથી નરીમાન પૉઇન્ટ પર એક્સપ્રેસ ટાવરના સત્તરમા માળે જવાનું હતું.
lll
એક્સપ્રેસ ટાવરની લિફ્ટમાં ઊભાં-ઊભાં રાજને છેલ્લી વાર ઇન્ટરનેટ પરથી હૅક કરેલી તમામ માહિતીઓ યાદ કરી લીધી. અત્યારે તે પોતે રાજન હૂડા નહોતો, બલકે રાજુ ક્રિષ્નન હતો.
‘એક્સક્યુઝ મી, કૅન આઇ પ્લીઝ સી યૉર કસ્ટમર કૅર ઑફિસર? આઇ હૅવ અ સ્મૉલ પ્રૉબ્લેમ...’ તેણે HSBC બૅન્કના રિરીસેપ્શન કાઉન્ટર ૫૨ જઈને કહ્યું.
રિસેપ્શનિસ્ટ તેની તરફ એક નજરે જોઈ રહી. રાજને તરત જ ઉમેર્યું, ‘આઇ ઍમ યૉર કસ્ટમર, રાજુ ક્રિષ્નન.’ જે સાહજિક કૉન્ફિડન્સથી રાજને આ વાક્ય કહ્યું એનાથી રિસેપ્શનિસ્ટ કન્વિન્સ થઈ ગઈ.
તેણે અંદરની તરફ હાથ વડે ઇશારો કરતાં કહ્યું, ‘રાઇટ સાઇ, લાસ્ટ કૅબિન...’
રાજન હાથમાં બે બુક્સ અને પોતાના મોબાઇ હૅન્ડસેટને ગોઠવતો એ તરફ ચાલ્યો. છેલ્લી કૅબિન પર કિન્નરીનું નામ વાંચી તેણે ટકોરા માર્યા.
‘કમ ઇન...’ અંદરથી રૂપાની ઘંટડી જેવો અવાજ આવ્યો.
રાજને દરવાજો ખોલ્યો પણ કિન્નરીનો ચહેરો જોતાં જ તેને બે ક્ષણ માટે નવાઈ લાગી.
આ કિન્નરી? ચહેરો તો એ જ હતો. રૂપ પણ એટલું જ કાતિલ હતું, પરંતુ તેની આંખો....
રાજનને લાગ્યું કે આ આંખોમાં કંઈક બીજું જ હતું. ફોટોમાં જે દેખાયા કરતું હતું એ અહીં હરગિજ નહોતું.
‘યેસ?’ કિન્નરીએ તેને બેસવાનો ઇશારો કરતાં પૂછ્યું.
‘મારું નામ રાજુ ક્રિષ્નન છે...’ રાજને કિન્નરીનું ધ્યાન પડે એ રીતે સત્યજિત રે અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનાં પુસ્તકો ટેબલ પર મૂકતાં સફાઈદાર અંગ્રેજીમાં કહ્યું, ‘યુ સી, કોઈ ઝઘડાખોર કસ્ટમરની જેમ મને ફરિયાદો કરતાં નથી આવડતું. મને મદદ કરનારા લોકો સાથે રૂબરૂ વાત કરવાનું હું વધારે પસંદ કરું છું એટલે જ અહીં ચાલ્યો આવ્યો છું. આઇ લાઇક મીટિંગ હેલ્પફુલ ઍન્ડ ફ્રેન્ડ્લી પીપલ...’
‘શ્યૉર, હું તમને મદદ કરવા માટે જ અહીં છું.’ કિન્નરીએ સ્માઇલ આપ્યું.
આ નિર્દોષ સ્માઇલ જોતાં જ રાજન જરા હચમચી ગયો. શું આ એ જ કિન્નરી હશે જેની તે ગેમ કરવાનો પ્લાન કરી બેઠો છે? પણ એ વિચાર ખંખેરીને તેણે કહ્યું, ‘યુ સી, આઇ ઍમ અ ફિલ્મમેકર. મેં મલયાલમ ભાષામાં એક ફિલ્મ બનાવી છે જેને બેત્રણ ઇન્ટરનૅશનલ ઇનામ-બિનામ મળી ગયાં છે, બટ ધૅટ ઇઝ બિસાઇડ્ઝ ધ પૉઇન્ટ...’ રાજન સફાઈદાર રીતે હસ્યો, ‘મૂળ વાત એ છે કે એક જર્મન ટીવી નેટવર્કે મારી ફિલ્મ પ્રસારિત કરી એની રૉયલ્ટી રૂપે ૩૫,૦૦૦ યુરોનો ચેક મોકલ્યો છે, જે હજી જમા નથી થયો.’
‘આઇ વિલ જસ્ટ ચેક.’ કિન્નરીએ ફટાફટ કમ્પ્યુટરની ચાંપો દબાવી.
હવે રાજન સાવધ થઈ ગયો, કારણ કે ૩૫,૦૦૦ જર્મન યુરોની વાત સાવ ગપ્પું હતી. એ સિવાયનું બધું રાજને ઇન્ટરનેટ પરથી શોધી કાઢ્યું હતું. વરલીના એક ખાંટુ હૅકરે રાજનને રાજુ ક્રિષ્નનનો બૅન્ક-અકાઉન્ટ નંબર પણ શોધી આપ્યો હતો.
‘આઇ ઍમ સૉરી, બટ...’ કિન્નરી કંઈક કહેવા જતી હતી ત્યાં રાજને તેને અટકાવી.
‘ઇટ્સ ઓકે, આઇ વૉન્ટ ટુ આસ્ક યુ સમથિંગ એલ્સ....’ રાજને ચહેરા પર હળવું સ્મિત રેલાવતાં પૂછ્યું, ‘કોઈએ તમને કદી કહ્યું છે ખરું કે તમારો ચહેરો કેટલો ફોટોજેનિક છે?’
અત્યાર સુધી સાવ સપાટ રહેલો કિન્નરીનો ચહેરો અચાનક ખીલી ઊઠ્યો!
‘તમે પૂછો છો કે કોઈએ કહ્યું
છે? અરે, હું ઑલરેડી મૉડલિંગ કરી ચૂકી છું.’
‘હું મૉડલિંગના ચહેરાની વાત નથી કરતો, એ બધા મેકઅપ વડે બનાવેલા શોકેસ ટાઇપ ફેસિસ છે.’ રાજને ખુરશીમાં સહેજ આરામથી ઝૂકીને પોતાના ચહેરા પર હથેળી ટેકવતાં કહ્યું.
‘તમારો મેકઅપ એક વાર દૂર કરીને જરા અરીસામાં જોજો... એમાં તમને એક ખૂબ જ સેન્સિટિવ ઍક્ટ્રેસ દેખાશે.’
‘રિયલી?’ કિન્નરી જરા આશ્ચર્યથી બોલી ઊઠી.
‘ટ્રસ્ટ માય આઇઝ! હું એક ફિલ્મમેકર છું. અમને ચહેરાઓ વાંચવાની આદત હોય છે.’
‘હા, પણ મને....’ કિન્નરી હવે કૉન્શિયસ થઈ ગઈ, ‘મને ઍક્ટિંગ નથી આવડતી.’
‘ઍક્ટિંગ કંઈ બૅન્કિંગ નથી કે શીખવું પડે.’ રાજન હસ્યો, ‘એ તો આપણી અંદર હોય છે. ઍની વે, હું તમારા ચહેરાને જરા વધારે ધ્યાનપૂર્વક જોતો રહ્યો એ બદલ સૉરી, પણ મારી એક નવી આર્ટ ફિલ્મ માટે હું એક માસૂમ ચહેરો શોધી રહ્યો છું એટલે...’
રાજને જાણીજોઈને વાક્ય અધૂરું છોડ્યું અને જાણે મોબાઇલમાં હમણાં જ કોઈ મેસેજ આવ્યો હોય એમ એના ઉપર આંગળીઓ ફેરવવા લાગ્યો. ત્રણચાર સેકન્ડ સુધી રાજને કિન્નરી સામે જોયું જ નહીં.
હકીકતમાં તે ટેબલ પર ગોઠવેલા કાચમાં પડી રહેલું કિન્નરીનું પ્રતિબિંબ ધ્યાનથી જોઈ રહ્યો હતો.
બરાબર પાંચમી સેકન્ડે રાજને ધાર્યું હતું એમ જ થયું.
કિન્નરી બોલી, ‘સર, ડૂ યુ રિયલી થિન્ક.. ધૅટ આઇ કૅન ઍક્ટ?’
તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. રાજનની ગેમ શરૂ થઈ ગઈ હતી...
આ કંઈ સીધીસાદી શૂટઆઉટની ગેમ નહોતી. આ રાજનની રિવેન્જ ગેમ હતી. રાજને આ ગેમમાં હજી તો પહેલું પ્યાદું જ ઉતાર્યું હતું...
(ક્રમશઃ)

