રાજાએ તે બિચારી રાણીને આ મહેલની દીવાલમાં જીવતી ચણી લીધી હતી!
ઇલસ્ટ્રેશન
‘ડાક બંગલા ચલોગે?’
‘નહીં ભાઈ, હમ તો નહીં જાતે.’
ADVERTISEMENT
‘મગર ક્યોં?’
‘મરના હૈ ક્યા?’
રાજસ્થાનના હમીરગઢ ગામના બસ-સ્ટૉપ પર ઊતર્યા પછી મને આ સાતમા છકડાવાળાએ આ જ રીતે ના પાડી.
હું એ વખતે એન્જિનિયરિંગના છેલ્લા વરસમાં હતો. ફોટોગ્રાફી મારો શોખ હતો. માત્ર શોખ નહીં, મારો નશો હતો.
અહીં રાજસ્થાનના આ નાનકડા ટાઉનની હદ વટાવો એટલે આગળ જતાં અફાટ રણ શરૂ થતું હતું. મારા ક્રિસમસ વેકેશનમાં હું ખાસ અહીંના આ રણના સૌંદર્યને મારા કૅમેરામાં કેદ કરવાના ઇરાદે આવ્યો હતો.
આ વિસ્તારના કલેક્ટરસાહેબ મારા ફાધરના જૂના મિત્ર છે. તેમની ભલામણચિઠ્ઠી લઈને હું અહીંના સરકારી ડાક બંગલા યાને કે ગેસ્ટ હાઉસમાં ૧૦ દિવસ માટે રહેવા આવ્યો હતો, પરંતુ અહીં તો આખો માહોલ જ અલગ હતો.
મારા ગૂગલ મૅપના હિસાબે હમીરગઢના બસ-સ્ટૉપથી આ ડાક બંગલો ખાસ્સો ૮ કિલોમીટર દૂર હતો. મારો સામાન ઊંચકીને છેક ત્યાં સુધી ચાલીને જવાની મારી તાકાત નહોતી.
‘હવે કરવું શું?’ એવા વિચારે હું ધોમધખતા તડકામાં ઊભો હતો ત્યાં પાછળથી એક ખખડધજ છકડો વિચિત્ર અવાજો કરતો આવીને, એક ઘૂમરી લઈને મારી સામે ઊભો રહ્યો.
‘કહાં ચલોગે?’
‘ડાક બંગલા.’ મેં કહ્યું.
છકડાનો ડ્રાઇવર કંઈક વિચિત્ર રીતે મારી સામું જોઈ રહ્યો. પછી આંખો ઝીણી કરીને બોલ્યો, ‘મરના હૈ ક્યા?’
હું અકળાયો. ‘ભાઈસાહેબ, આ મામલો શું છે? કોઈ ડાક બંગલા આવવા તૈયાર કેમ નથી થતું?’
‘કેમ કે ત્યાં એક પ્રેતાત્મા રહે છે.’
‘અચ્છા?’
‘ફિર ભી મૈં લે ચલૂંગા... મગર આપ મેં હિંમત હૈ તો...’
હજી તે મારી સામે વિચિત્ર રીતે જોઈ રહ્યો હતો. તેની ઘટ્ટ ભ્રમર નીચે ચમકદાર આંખોમાં સુરમો આંજેલો હતો. ચામડી આ રણવિસ્તારમાં તપી-તપીને તાંબા જેવી વર્ણની થઈ ગઈ હતી. તેની કડક દાઢીમાં ક્યાંક-ક્યાંક સોનેરી વાળ દેખાતા હતા અને વાંકડી અણિયાળી મૂછોને તેણે તેલ પાઈને કડક બનાવી રાખી હતી.
તેની તીક્ષ્ણ નજર અને ધારદાર સવાલથી હું જરા હલબલી ગયો હતો.
‘હિંમત કા ક્યા મતલબ હૈ?’
‘મતલબ યે કિ બરસોં સે ઉસ ડાક બંગલે મેં કોઈ ગયા નહીં હૈ.’
‘મગર મુઝે જાના હૈ, બુકિંગ હૈ મેરા.’
મારો ‘બુકિંગ’ શબ્દ સાંભળીને તે જરા હસ્યો. પછી છકડાનું ઍક્સેલરેટર ઘુમાવતાં બોલ્યો, ‘ઠીક હૈ, બૈઠ જાઓ.’
મેં મારો સામાન, મારાં કપડાં વગેરેની એક બૅગ, મારા કૅમેરાના લેન્સ, ટ્રાઇપૉડ, બૅટરી, ચાર્જર, લાઇટ મીટર વગેરેથી ભરેલી બીજી બૅગ અને મારી પાંચ લીટર પાણી સમાય એવી મોટી આર્મી સ્ટાઇલની વૉટરબૅગ છકડામાં મૂકીને હું બરાબર તેની પાછળ જઈને સીટમાં બેઠો.
તેણે છકડો ઉપાડ્યો. ટાઉનના પથરાળ રસ્તા પર છકડો અવળચંડી ધ્રુજારી સાથે જઈ રહ્યો હતો. મારા મનમાં પણ એવા જ અવળચંડા વિચારો ચાલી રહ્યા હતા.
‘શું ખરેખર એ ડાક બંગલામાં કોઈ પ્રેતાત્મા હશે? કે પછી અહીંના ગામલોકોનો માત્ર વહેમ હશે? જે હોય તે, એક વાર તો ડાક બંગલે પહોંચી જાઉં... એકાદ દિવસ રોકાઈને જોઉં... પછી વાત.’
‘વો... દિખ રહા હૈ? વો હૈ ડાક બંગલા!’
છકડાવાળો બોલ્યો ત્યારે હું મારા વિચારોમાંથી ઝબકીને પાછો આવ્યો. હમીરગઢ ટાઉન પાછળ રહી ગયું હતું. સામે દૂર-દૂર સુધી સપાટ, સુક્કી, બંજર જમીન હતી અને એની વચ્ચે ખાસ્સી દૂર એક ઇમારત હતી.
‘યે હૈ ડાક બંગલા? યે તો...’
‘મહલ થા.’ તે બોલ્યો. ‘એક ઝમાને મેં યે રાજા હમીરસિંહ કા મહલ થા.’
‘રુકો.’ મેં કહ્યું.
છકડો ઊભો રખાવીને હું નીચે ઊતર્યો. અહીંથી એ ડાક બંગલાનું દૃશ્ય મને કંઈક ‘મૅજિકલ’ લાગી રહ્યું હતું. ચારે બાજુ ફેલાયેલી બંજર જમીનનો વિશાળ પટ... અને એની વચ્ચે સાવ એકલોઅટૂલો ચૂપચાપ ઊભેલો આ પીળાશ પડતા પથ્થરોથી બનેલો મહેલ!
મેં બૅગમાંથી મારો કૅમેરા કાઢ્યો.
થોડા ફોટો પાડ્યા પછી મેં નૉર્મલ લેન્સ બદલીને વાઇડ ઍન્ગલ લેન્સ લગાડ્યો. ત્યાં તો વ્યુ-ફાઇન્ડરમાં આખું દૃશ્ય જ જાણે સાવ બદલાઈ ગયું!
આસપાસની બંજર ધરતી વધારે પડતી ફેલાઈ ગઈ અને પેલો મહેલ સાવ નાનકડા ખોબા જેવડી સાઇઝનો લાગવા લાગ્યો!
વાઇડ ઍન્ગલ લેન્સ વડે થોડા ફોટો પાડ્યા પછી મેં મારો ખાસ સવા ફુટ લાંબો ટેલિસ્કોપિક લેન્સ લગાડીને વ્યુ-ફાઇન્ડરમાં જોયું. આ તો સાવ જ અલગ દૃશ્ય હતું!
ખોબા જેવડો મહેલ જાણે અચાનક મોટા કિલ્લા જેવો લાગવા માંડ્યો. એની પીળા પથ્થરોની દીવાલો જાણે હમણાં મારી છાતી સમાણી ધસી આવશે એવું લાગી રહ્યું હતું!
આ પહેલાં મેં મારા આ જ લેન્સો વડે કંઈ હજારો ફોટો પાડ્યા હતા, પણ અહીં તો લેન્સ બદલતાંની સાથે જ જાણે કંઈ નવું જ ‘મૅજિક’ થઈ રહ્યું હતું!
ઉત્તેજનાથી ફોટો પાડતાં-પાડતાં મારા ધબકારા પણ વધી ગયા હતા!
‘ફોટુગ્રાફર હો?’
છકડાવાળાના અવાજથી ફરી એક વાર મારો મોહભંગ થયો. તે મને એ જ રીતે જોઈ રહ્યો હતો કે જાણે હું કોઈ વિદેશથી આવેલું નવતર જાતનું પ્રાણી હોઉં! તે ફરી વિચિત્ર રીતે હસ્યો, ‘આટલા દૂર સુધી શું આ ખંડેરના ફોટો પાડવા આવ્યા હતા? આજુબાજુ તો આમ પણ કંઈ છે જ નહીં.’
મેં જવાબ ન આપ્યો. ફરી એક વાર લેન્સ બદલી-બદલીને મેં થોડા વધુ ફોટો પાડ્યા. પછી બધો સામાન બૅગમાં ભરીને, કૅમેરો મારા ખભે ભેરવીને છકડામાં બેસતાં મેં કહ્યું, ‘અબ ચલો.’
છકડો ધીમે-ધીમે એ બંજર ભોંય પર ચાલતો રહ્યો. છતાં પેલો મહેલ જાણે નજીક જ આવી રહ્યો નહોતો.
‘આ મહેલની શું કહાણી છે?’ મેં પૂછ્યું.
હવે તે જરા ખીલ્યો. છકડાનું ઍક્સેલરેટર ઘુમાવીને તેણે થોડી સ્પીડ વધારી.
‘રાજા હમીરસિંહ પોતાની જાતને બહુ શૂરવીર સમજતો હતો, પણ તે વાંઝિયો હતો.’
‘વાંઝિયો મતલબ?’
‘પાણી વિનાનો! પોણિયો! તેની રાણી બડી ખૂબસૂરત હતી. બસ, અપ્સરા જોઈ લો! પણ તેને બાળક થતું નહોતું, તેની કૂખ ભરાતી નહોતી. છતાં વરસો લગી રાણીની ખૂબસૂરતીમાં એક રાઈ જેટલી પણ ખોટ આવી નહોતી; પરંતુ... છોડોને, વાત કહેવા જેવી નથી.’
‘ના... ના, કહોને?’
‘હવે શું કહું, રાજાના બદનમાં તો કંઈ કસ હતો નહીં. વળી રાજ્યનો વારસ પણ હોવો જરૂરી હતો. એટલે અમારા ગામની વાયકા કહે છે કે રાણીએ – જવા દો, છી છી છી...’
‘શું! છી છી છી જેવું વળી શું?’
‘કહે છે કે રાણીએ તેમના મહેલના એક હટ્ટાકટ્ટા મજબૂત સિપાહી સાથે દેહસંબંધ બાંધેલો.’
‘અચ્છા?’
‘પણ રાજાને એની ખબર પડી ગઈ! એટલે કહે છે કે રાજાએ તે બિચારી રાણીને આ મહેલની દીવાલમાં જીવતી ચણી લીધી હતી!’
‘ખરેખર?’
છકડાવાળો ફિક્કું હસ્યો. ‘પછી સાહેબ, ખબર નહીં શું થયું તે રાજાનું શરીર સુકાતું ચાલ્યું... રાણીની હાય લાગી હશે કે કેમ પણ આ મહેલની આજુબાજુની જમીન પર એક સમયે હરિયાળી લહેરાતી હતી, પરંતુ ધીમે-ધીમે આસપાસની તમામ જમીન બંજર બનતી ગઈ...’
મેં પાછળ ફરીને જોયું. હમીરગઢ ગામ સાવ દૂર રહી ગયું હતું. ગામનાં ઘરો માચીસનાં ખોખાં જેવાં દેખાઈ રહ્યાં હતાં.
‘અમારું ગામ તો સાહેબ છેક અહીં સુધી હતું, પણ રાણીની હાય લાગી પછી બધું જ ઉજ્જડ થતું ગયું. કહે છે કે રાણીનો અતૃપ્ત આત્મા હજી આજે પણ આ પંથકમાં ભટકી રહ્યો છે.’
છકડો ચાલતો રહ્યો. ડાક બંગલો ધીમે-ધીમે નજીક આવી રહ્યો હતો. હજી ૫૦૦ મીટર જેટલો દૂર હશે ત્યાં તેણે છકડો ઊભો રાખી દીધો.
‘સાહેબ, અહીંથી આગળ છકડો નહીં આવે.’
‘પણ આટલો બધો મારો સામાન?’
‘હું ડાક બંગલાના દરવાજાથી વીસ ફુટ દૂર સુધી આવીશ. એનાથી એક કદમ પણ આગળ નહીં.’
‘ઠીક છે.’ મેં કહ્યું. ‘જે હોય તે, તું વાતો બડી મજેદાર કરે છે. શું નામ તારું?’
‘ભુવન... લોકો મને ભુવન ભોલા કહે છે.’
તે ભુવન ભોલા મને ડાક બંગલાના દરવાજાથી બરાબર વીસ ફુટ દૂર સુધી મૂકવા આવ્યો. મેં મારા ખિસ્સામાંથી તેને ૨૦૦ રૂપિયાની નોટ કાઢીને આપી.
પૈસા લઈને તેણે સલામ કરી. પછી બોલ્યો. ‘બીજી એક વાત સાહેબ, હવે તમે પીઠ ફેરવીને મારી બાજુ જોતા નહીં. મારા છકડાનો ચાલુ થવાનો અવાજ સંભળાય પછી જ નજર ઘુમાવજો.’
‘ઠીક છે.’
તે ગયો. મેં મારો સામાન ઉપાડીને ડાક બંગલાના વિશાળ, લાકડાની કોતરણી અને મોટા-મોટા ખીલા જડેલા દરવાજા પાસે મૂક્યો.
અહીં કોઈ ડોરબેલ તો ક્યાંથી હોય?
‘કોઈ હૈ?’ મેં બૂમ પાડી.
અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં.
મેં ફરી બૂમ પાડી, ‘કોઈ હૈ?’
ફરી કોઈ જવાબ નહીં. ત્યાં મારી નજર પડી કે અહીં દરવાજા પર એક મોટું લોખંડી કડું લટકી રહ્યું છે. મેં એ કડું પકડીને દરવાજામાં જોરથી બે-ત્રણ વાર પછાડ્યું.
થોડી ક્ષણો પછી કિચૂડ... અવાજ સાથે દરવાજો ખૂલ્યો! એ જ ક્ષણે પેલા ભુવનના છકડાનો સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો.
મેં પાછળ વળીને જોયું.
ત્યાં પેલો છકડો દેખાયો જ નહીં! માત્ર દૂર-દૂર સુધી બંજર જમીન ફેલાયેલી હતી.
(ક્રમશઃ)


