‘રિયલિટી... બસ, રિયલિટી સામે આવે એટલું જ.’ સોમચંદના સ્વરમાં દૃઢતા હતી, ‘વાનખેડે, મારી પાસે બધી માહિતી છે. માત્ર એક કડી ખૂટે છે. એશાનું મોત નૅચરલ ડેથ છે કે નહીં અને મારું માનવું છે કે એશાનું મોત નૅચરલ ડેથ નથી.’
ઇલસ્ટ્રેશન
‘વાનખેડે, અશોક જૈન સાથે છેલ્લા એક મહિનામાં ૧૪ વખત તેં વાત કરી છે.’
ડિટેક્ટિવ સોમચંદના શબ્દોએ વાનખેડેની આંખોમાં ચમક અને ચહેરા પર રતાશ પાથરી દીધી.
ADVERTISEMENT
‘સોમચંદ, ખબર છેને, પરમિશન વિના મોબાઇલનો ડેટા ચેક કરવો ગુનો છે.’
‘રાઇટ ટુ પ્રાઇવસી. ઇન્ડિયન કૉન્સ્ટિટ્યુશનના આર્ટિકલ ૨૧ મુજબ કોઈના મોબાઇલનો ડેટા ઍક્સેસ કરવો, કોર્ટના ઑર્ડર વિના મોબાઇલ લઈ લેવો કે પછી એ મોબાઇલના ડેટાને ટૅમ્પર કરવો એટલે કે એમાં છેડછાડ કરવી એ કાયદેસરનો ગુનો છે પણ મિસ્ટર વાનખેડે, આ વાત તમારા જ મોબાઇલને લાગુ નથી પડતી.’ સોમચંદે કહ્યું, ‘અંકુશના મોબાઇલ માટે પણ લાગુ પડે અને આપ એ ગુનો ઑલરેડી કરી ચૂક્યા છો.’
‘તારું કહેવું શું છે?’
‘રિયલિટી... બસ, રિયલિટી સામે આવે એટલું જ.’ સોમચંદના સ્વરમાં દૃઢતા હતી, ‘વાનખેડે, મારી પાસે બધી માહિતી છે. માત્ર એક કડી ખૂટે છે. એશાનું મોત નૅચરલ ડેથ છે કે નહીં અને મારું માનવું છે કે એશાનું મોત નૅચરલ ડેથ નથી.’
‘એવું નથી સોમચંદ.’ વાનખેડેએ રીતસર રાડ પાડી હતી, ‘હું હજી પણ કહું છું એશાનું મોત હાર્ટ-અટૅકથી થયું છે.’
‘એ જ રાતે અટૅક આવે જે રાતે અંકુશ એશાને ઘરેથી ભગાડવાનો હોય?’ સોમચંદે ટેબલ પર મેસેજનું પ્રિન્ટઆઉટ મૂક્યું, ‘સાંજે ૮ વાગીને ૪૦ મિનિટે નક્કી થાય છે કે એશાને લેવા માટે અંકુશ રાતે એક વાગ્યે પહોંચશે અને રાતે બાર વાગીને ૧૪ મિનિટે એશાનું મોત થાય છે.’
વાનખેડેના ચહેરા પર સફેદી
પ્રસરી ગઈ.
‘વાનખેડે, તમારા લોકોની ભૂલ શું થઈ એ કહું. તમે વૉટ્સઍપનો ડેટા ક્લીન કરી નાખ્યો પણ ભૂલી ગયા કે આ જેન-ઝી ઇન્સ્ટાગ્રામ પર પણ ચૅટ કરતી હોય છે. જોઈ લે, ઇન્સ્ટાગ્રામની આ ચૅટમાં અંકુશે એશાને શું કહ્યું છે.’
વાનખેડેએ ઝાટકા સાથે પ્રિન્ટઆઉટ હાથમાં લીધું અને સોમચંદને પહેલો જવાબ મળી ગયો.
lll
‘વાનખેડેભાઈ, આ છોકરો પાછો ઘરે આવવાની વાત કરે છે.’ કાકાનો અવાજ દબાયેલો હતો પણ એમાં રહેલો રોષ ચરમસીમા પર હતો, ‘તમે તેનું કંઈ કરો નહીં તો પછી હવે મારે મારો રસ્તો વિચારવો પડશે.’
‘જુઓ સાહેબ, મારાથી થાય
એટલી મેં તમને હેલ્પ કરી.’ વાનખેડેએ આળસ સાથે કહ્યું, ‘એવું હોય તો તમે છોકરીને સમજાવો. તે માની ગઈ તો બધી વાત પૂરી.’
‘એ તો આજે બધું અમે પતાવી નાખશું. બસ, તમે એટલું કરો, છોકરાને આજે ઉપાડી લો.’ કાકાએ પોતાના શબ્દો નીચે અન્ડરલાઇન કરી, ‘આજનો જ દિવસ. પછી તમારે એ છોકરાનું જે કરવું હોય એ કરો.’
‘અગાઉ પણ લાંબો સમય તેને અંદર રાખ્યો છે. હવે વધારે રાખવામાં પ્રૉબ્લેમ...’
‘પૈસાથી બધા પ્રૉબ્લેમ સૉલ્વ થાય વાનખેડેભાઈ...’
‘આ કંઈક કામની વાત થઈ.’
‘પ્રતાપ જૈન ક્યારેય નકામી વાત નથી કરતા.’ કાકાએ દૃઢતા સાથે કહ્યું, ‘કામ પર લાગો. આજે છેલ્લી વાર કામ કરવાનું છે એમ સમજીને કરો...’
lll
‘એ રાતે તમે અંકુશને અનઑફિશ્યલી ઉપાડી લીધો. પોલીસ-સ્ટેશનમાં પણ તમે તેને લાવ્યા નહીં. જો અહીં લાવ્યા હોત આપને ખબર હતી કે CCTV કૅમેરા બધું બકી દેશે એટલે આપ મહાશય અંકુશને લઈને બહાર ફરતા રહ્યા...’
‘ચાલ, તું કહે છે એ સાચું એવું હું ધારી પણ લઉં તો સોમચંદ, મને એ કહીશ કે એશાના મોતમાં ક્યાં કંઈ બીજી વાત આવી?’
‘એ જ તો મારે જાણવાનું છે વાનખેડે અને હું એમાં જ તારો સપોર્ટ માગું છું.’ સોમચંદ વાનખેડેની નજીક આવ્યો, ‘વાનખેડે, તું સમજ. આ ઑનર કિલિંગનો કેસ હોઈ શકે છે.’
‘શું ઑનર કિલિંગ સોમચંદ? અશોક જૈન ને એ લોકો વેપારી માણસો છે.’
‘હા પણ સાથોસાથ ડાયમન્ડના ટોચના વેપારીની દીકરી એક દલિતના પ્રેમમાં પડી એ તું કેમ ભૂલી જાય છે? દલિતના જ નહીં, એક એવા છોકરાના પ્રેમમાં હતી જે રાઇડર હતો. રાઇડર એટલે ખબર છેને તને, એક જાતનો રિક્ષાવાળો... સ્વીકારી શકાય કે આપણી દીકરી રિક્ષાવાળાના પ્રેમમાં પડે? તું જ્ઞાતિઓમાં રહેલો ભેદભાવ જો, આર્થિક સ્ટેટસમાં રહેલું અંતર જો. જો જરાક ધ્યાનથી. કોઈનો પણ બાપ આવું સ્ટેપ લઈ બેસે. હું નથી કહેતો કે અશોક જૈને જ આ કામ કર્યું છે, પણ એટલું ચોક્કસ છે કે આ કામ થયું છે. સ્વમાનના ભોગે, સ્ટેટસની ઓથમાં આ કામ થયું છે અને એ કરવા માટે ઘરના જ લોકો જવાબદાર છે અને એ જવાબદારીમાં તું પણ સામેલ થયો છે.’
‘જો તને એવું લાગતું હોય કે એશાના મોત પાછળ હું જવાબદાર છું તો ફ્રૅન્ક્લી સ્પીકિંગ, હું એમાં ક્યાંય ઇન્વૉલ્વ્ડ નથી.’
ઇન્સ્પેક્ટર વાનખેડેના ફેસ પર માયૂસી હતી.
‘ગુનામાં સાથ આપવો એ જ ઇન્વૉલ્વમેન્ટ નહીં, ગુનો છુપાવવામાં મદદરૂપ થવું એ પણ ઇન્વૉલ્વમેન્ટ છે વાનખેડે.’ ડિટેક્ટિવ સોમચંદે વાનખેડેના ખભા પર હાથ મૂક્યો, ‘ઘટના શું બની એ કહે.’
‘એ રાતે... રાતે લગભગ અઢી વાગ્યાની આસપાસ મેં ફરીથી એ લોકોને ફોન કર્યો પણ કોઈએ મારો ફોન રિસીવ કર્યો નહીં.’
lll
‘ખરા લોકો છો... કામ કરાવે છે ને પછી જવાબ પણ નથી આપતા.’
ઇન્સ્પેક્ટર વાનખેડેને ગુસ્સો આવતો હતો. છેલ્લા ત્રણ કલાકથી તે મુંબઈની સડક પર ફરતા હતા. તેમને ટેન્શન એ વાતનું પણ હતું કે વગર કારણે તેમણે પોલીસ વૅન પોતાની સાથે રાખી હતી.
‘સર, હવે તો મને જવા દો.’
‘એ ચૂપ મર...’ વાનખેડેએ અંકુશના ગાલ પર ફડાકો ચોડી દીધો, ‘આભાર માન કે હજી સુધી તને જેલમાં નથી નાખ્યો, નહીં તો અત્યારે તને અંદર નાખી દીધો હોત ને છ મહિના સુધી તને બહાર આવવા ન દીધો હોત.’
વાનખેડેએ ફરી હાથ ઉપાડ્યો પણ એ જ વખતે તેના મોબાઇલની રિંગ વાગી એટલે હાથ હવામાંથી પાછો આવી ગયો.
‘શું કરવાનું છે આનું મારે...’ ફોન અશોક જૈનના નાના ભાઈ પ્રતાપ જૈનનો હતો, ‘હવે મૂકી દઉં?’
‘સવાર સુધી રાખી શકાય તો સારું.’ પ્રતાપ જૈને કહ્યું, ‘એશાની તબિયત ખરાબ છે. તેને લઈને અમે હૉસ્પિટલથી પાછા આવીએ છીએ.’
‘શું થયું?’ વાનખેડેને સહેજ ટેન્શન થયું હતું, ‘સુસાઇડની ટ્રાય તો નથી કરીને...’
‘ના, હાર્ટ-અટૅક...’ પ્રતાપ જૈને કહ્યું, ‘આ સાલી કોરોનાની વૅક્સિને દેશની હાલત ખરાબ કરી નાખી. કેવી નાની એજ પર હાર્ટ-અટૅક આવવા માંડ્યા.’
‘તમે મને મળો... મળવું બહુ
જરૂરી છે.’
‘અત્યારે નહીં.’
‘અત્યારે જ... અને એમાં હા-ના નહીં ચાલે.’ વાનખેડેએ કહી દીધું, ‘હું તમારા ઘરે પહોંચું છું. મારે ઉપર નથી આવવું, તમે નીચે મારી રાહ જુઓ...’
ફોન કટ કરીને ઇન્સ્પેક્ટર વાનખેડેએ કૉન્સ્ટેબલને ઑર્ડર આપ્યોઃ ‘આને થાણે મૂકી આવ.’
‘સર, સર... હું કેવી રીતે પાછો આવીશ? મારી બાઇક...’
‘એ મૂંગો રહે...’ વાનખેડેએ કૉન્સ્ટેબલને કહી દીધું, ‘નીકળ જલદી.’
lll
‘તમે દલીલ નહીં કરો. હું કહું એટલું કરો.’ વાનખેડેએ પ્રતાપ જૈનની સામે જોયું, ‘માત્ર એક નહીં, બે ડેથ-સર્ટિફિકેટ કઢાવી લો. તમારા ઓળખીતા ડૉક્ટર પરીખને જ કહીને બીજાનું પણ સર્ટિફિકેટ લઈ લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ, બધાને જાણ કરવાની જરૂર નથી. તાત્કાલિક અગ્નિસંસ્કાર પતાવી નાખો.’
‘પછીની વિધિ રાખવાની કે નહીં?’
‘બને એટલી ઓછી અને ખાસ વાત, ક્યાંય પ્રેસ-આઉટ ન થાય એનું પણ ધ્યાન રાખજો.’ વાનખેડેએ સૂચના આપી, ‘સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારા જૈનોમાં અસ્થિવિસર્જનની વિધિ હોય કે નહીં?’
‘ના, અમે એ બધામાં ન માનીએ.’
‘તો માનો... આ વખતે તમારે માનવાનું છે.’ વાનખેડેએ કહ્યું, ‘અગ્નિસંસ્કાર પછી તરત ફૂલ લેવડાવી લેજો. હું તો કહીશ, ત્યાં ઊભા રહીને ફૂલ તમે જ એકઠાં કરાવો અને પછી અસ્થિવિસર્જન માટે ગંગા જઈ આવો. બહુ જરૂરી છે.’
‘કારણ શું?’ પૈસા ભરેલી બૅગ લંબાવતાં પ્રતાપ જૈને પૂછ્યું, ‘સાવચેતી રૂપે...’
‘યસ. ન રહેગા બાંસુરી, ન બજેગી બાંસૂરી.’ વાનખેડેએ જવાબ આપ્યો, ‘તમારા ઉપર હજી પેલો અંકુશ નામનો સાપ બેઠો છે. તે ક્યારેય પણ ફૂંફાડો મારે અને જો ઇન્ક્વાયરી નીકળે તો ડેડ-બૉડી કે પછી એના એક પણ પાર્ટ હાથમાં ન આવવા જોઈએ.’
પ્રતાપ જૈન ટર્ન થયા અને સોસાયટીની લિફ્ટમાં દાખલ થઈ ગયા. તેમની આંખ સામે ત્રણ કલાક પહેલાંનું દૃશ્ય આવી ગયું હતું.
lll
‘વૉટેવર. હું અંકુશની સાથે રહીશ એ ફાઇનલ છે.’
‘તને આટલું સમજાવી, આટલું કહ્યું તો પણ તને સમજાતું નથી?’ પપ્પાને ગુસ્સો આવવાનું શરૂ થઈ ગયું હતું, ‘તું અમારું નાક કપાવવા જ પેદા થઈ છો.’
‘એ તમારે જે માનવું હોય એ માનો પણ મારી વાત ક્લિયર છે. આઇ વૉન્ટ ટુ બી વિથ અંકુશ.’
‘એશા, આપણે બધી વાત કાલે કરશું, નિરાંતે...’ પ્રતાપ જૈને મોટા ભાઈ સામે જોયું, ‘તમે આરામ કરો. હું હમણાં આવું છું...’
અશોક જૈન રૂમમાંથી નીકળી ગયા અને થોડી જ વારમાં વર્ષા જૈન દૂધનો ગ્લાસ લઈને અંદર આવ્યાં.
‘બેટા, અત્યારે દૂધ પીને શાંતિથી સૂઈ જા. આપણે બધી ચર્ચા નિરાંતે કરશું.’
‘પ્લીઝ કાકા, મને કંઈ નથી જોઈતું.’
‘એશા, તું ઇચ્છે છેને બધું શાંતિથી પતે?’ કાકાએ વહાલથી એશાના માથે હાથ ફેરવ્યો, ‘પી લે દૂધ, હું મોટા ભાઈ સાથે વાત કરું છું.’
દૂધ પીધાની દસમી મિનિટ એશાને ચક્કર આવવા માંડ્યાં અને પંદરમી મિનિટે એશાને ઊલટી થવાનું શરૂ થયું.
lll
‘મોટા ભાઈ, બીજો કોઈ રસ્તો જ નહોતોને?’ એશાના પપ્પાના ખભા પર હાથ મૂકી પ્રતાપ જૈને કહ્યું, ‘આપણે જે કર્યું છે એ સમાજ અને ધર્મની રક્ષા માટે કર્યું છે. આપણી દીકરી આ રીતે આ પ્રકારના લોકો સાથે સંસાર માંડે એના કરતાં તો ડૂબી મરવું સારું...’
‘બધું સાચવી લીધુંને?’
‘હા... વાનખેડે છે લાલચુ પણ માણસ રસ્તો કાઢી લે એવો છે.’
‘પેલા છોકરાનું શું?’
‘વાનખેડેને કહી દીધું છે, એ છોકરાને આપણા ઘરની આસપાસ ફરકવા નહીં દે.’ પ્રતાપ જૈને કહ્યું, ‘બે-ત્રણ મહિનાનો સવાલ છે. પછી બધું શાંત થઈ જશે. તમે ચિંતા નહીં કરો. આરામ કરો.’
lll
‘સોમચંદ, મારી વાત સમજ...’ ઇન્સ્પેક્ટર વાનખેડેએ રીતસર કરગરતાં કહ્યું, ‘આ કેસમાં એક પણ પ્રૂફ નથી કે જેનાથી પ્રૂવ થાય કે અશોક જૈન અને તેના ભાઈએ પોતાની દીકરીને મારી છે. તું કંઈ નહીં કરી શકે. બેટર છે, આ ડીલમાંથી પૈસા કમાઈ લે.’
સોમચંદ ચૂપ રહ્યા એટલે વાનખેડેએ લાલચ વધારી.
‘એવું હોય તો અંકુશને પણ આપણે સાચવી લેશું. મૅટર પૂરી કર દોસ્ત. બાકી કોઈના હાથમાં કંઈ આવવાનું નથી અને કોઈનાથી કોઈનું બગડવાનું નથી.’ સોમચંદની ચુપકીદીએ વાનખેડેને નવું જોમ આપ્યું, ‘તું કહે, બે કરોડ, ચાર કરોડ... તારે કેટલા જોઈએ છે, તું ફિગર બોલ.’
‘સર, ફિગર તમે નક્કી કરો છો કે હું આ માણસનું ફિગર બગાડું?’
સોમચંદના શબ્દોથી વાનખેડેને ઝાટકો લાગ્યો. તેને સમજાયું નહીં કે અચાનક સોમચંદ કેમ આ રીતે વાત કરે છે. વાનખેડેના ચહેરા પર રહેલી અસંમજસ જોઈને સોમચંદે ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને ટેબલ પર મૂક્યો.
‘અંદર આવ્યો ત્યારે જ પોલીસ-કમિશનરને ફોન લગાડીને રાખ્યો હતો. તેમણે અને હોમ મિનિસ્ટરે બધી વાત સાંભળી છે વાનખેડે. એ બન્નેને પણ લાલચ ન જાગે એટલે અંકુશને ઑલરેડી ન્યુઝ-ચૅનલમાં બેસાડ્યો છે ને તેની સાથે પણ મારો ફોન ચાલુ છે.’ સોમચંદે ખિસ્સામાંથી બીજો ફોન કાઢીને ટેબલ પર મૂક્યો, ‘તારા આ કન્ફેશનનું લાઇવ ટેલિકાસ્ટ ઑલરેડી ચાલુ છે. વિશ યુ ઑલ ધ ગુડ લક...’
સોમચંદ ચેમ્બરની બહાર નીકળી ગયા.
(સંપૂર્ણ)


