ભીષણ આગમાં દસથી વધુ માછીમારી બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી
દુર્ઘટના
કેરલાના કોલ્લમના અષ્ટમુડી તળાવમાં ગઈ કાલે વહેલી સવારે એક મોટી દુર્ઘટનામાં ઍન્કરેજમાં લાગેલી ભીષણ આગમાં દસથી વધુ માછીમારી બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કુરીપુઝા ચર્ચ નજીક અય્યાનકોવિલ મંદિર પાસે મધરાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે આગ લાગી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. આગનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ નથી.
પ્રારંભિક અહેવાલો અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર એક બોટ પર ગૅસ-સિલિન્ડર ફાટવાથી આગ લાગી હતી. આગ બાદ તરત જ બોટ પરનાં અન્ય ગૅસ-સિલિન્ડરો ફાટ્યાં હતાં જેનાથી આગ વધુ તીવ્ર બની હતી. સ્થાનિક લોકોએ રાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ આગ જોઈ હતી. આગને વધુ ફેલાતી અટકાવવા માટે લોકોએ બોટ ખોલીને એમને તળાવમાં ધકેલી દીધી હતી. આ આગમાં કુલ ૯ બોટ અને એક ફાઇબર બોટ સંપૂર્ણપણે નાશ પામી હતી, જ્યારે કેટલીક અન્ય બોટ પણ ડૂબી ગઈ હતી.


