‘વાનખેડેભાઈ, તમે માગશો, કહેશો એ તમને મળશે. બસ, અમને અમારી દીકરી પાછી જોઈએ છે.’ ઇન્સ્પેક્ટર વાનખેડે કંઈ કહે એ પહેલાં જ કાકાએ કહી દીધું, ‘તમે બોલો ત્યાંથી તમને ફોન કરાવી દઉં. માગો એટલા પૈસા અત્યારે અહીં આ ટેબલ પર મુકાવી દઉં પણ...
ઇલસ્ટ્રેશન
‘એશા એ રાતે સમજી ગઈ કે તેના પેરન્ટ્સને અમારા રીલેશનનો આઇડિયા આવી ગયો છે. એશાએ મૅરેજ માટે વિરોધ કર્યો ત્યારે તેના પપ્પાએ તેને કડક શબ્દોમાં કહી પણ દીધું કે હવે તારે ભણવાનું નથી, અમે કહીએ ત્યાં મૅરેજ કરી લેવાનાં છે. એશાએ રીઝન પૂછ્યું તો તેના કાકાએ કહ્યું કે વાલકેશ્વર જઈને તેં શું કાંડ કર્યા છે એની વાત જીભ પર ન આવે એ બધાના હિતમાં છે.’ જાણે કે સોમચંદની આંખમાં રહેલો પ્રશ્ન વાંચી લીધો હોય એમ અંકુશે કહ્યું, ‘આ બધી વાત મને એશાએ જ કરી અને મને કહ્યું કે હવે તે ત્યાં વધારે રહી નહીં શકે. મેં તેને બહુ સમજાવી, મારા સોશ્યલ સ્ટેટસ વિશે પણ વાત કરી પણ એશાને રડતી જોઈને હું, હું સાચે જ મારી જાતને રોકી ન શક્યો.’
‘હંમ... પછી શું થયું?’
‘સિમ્પલ. ચોવીસ કલાકમાં અમે નિર્ણય લઈ લીધો અને નક્કી કર્યું કે અમે બન્ને ભાગી જઈશું.’ અંકુશે વાત આગળ વધારી, ‘નક્કી થયા મુજબ હું ઑગસ્ટની ત્રીજી તારીખે બોરીવલી એશાના ઘર પાસે પહોંચી ગયો. મેડિકલ સ્ટોરમાં જઈને પાંચ મિનિટમાં આવે છે એવું કહીને એશા ઘરેથી નીકળી ગઈ અને અમે બન્ને મુંબઈથી રવાના થઈ ગયાં.’
lll
‘વાનખેડેભાઈ, તમે માગશો, કહેશો એ તમને મળશે. બસ, અમને અમારી દીકરી પાછી જોઈએ છે.’ ઇન્સ્પેક્ટર વાનખેડે કંઈ કહે એ પહેલાં જ કાકાએ કહી દીધું, ‘તમે બોલો ત્યાંથી તમને ફોન કરાવી દઉં. માગો એટલા પૈસા અત્યારે અહીં આ ટેબલ પર મુકાવી દઉં પણ સવાર સુધીમાં દીકરી પાછી જોઈએ.’
‘જુઓ, તમારી ડૉટર હવે સગીર નથી. અઢાર વર્ષની છોકરી પોતાની ઇચ્છા મુજબ નિર્ણય લઈ શકે છે.’
‘રાઇટ, પણ તમે ભૂલી ગયા, પૈસો પણ ધારે એ કરી ને કરાવી શકે.’ ફોન લંબાવતાં કાકાએ કહ્યું, ‘વાત કરો, હોમ મિનિસ્ટરના સેક્રેટરી છે...’
ઇન્સ્પેક્ટર વાનખેડેએ ફોન કાને રાખ્યા પછી દરેક વાતમાં હકારમાં જ સૂર પોરવવાનો હતો અને તેમણે એ જ કર્યું. ફોન પૂરો થયાની પંદરમી મિનિટે દસ પોલીસ મોબાઇલ નેટવર્કને શોધવાના કામે લાગી ગયા હતા.
દાનત હોય ત્યારે કામ ફટાફટ થતું હોય છે અને કામમાં ગુણવત્તા પણ અપાર સ્તરની આવતી હોય છે. એવું જ એ રાતે થયું.
ઘર છોડીને નીકળી ગયાના ચોવીસ કલાક પછી એશાના મોબાઇલ નેટવર્કનાં સિગ્નલ્સ જયપુરમાં જોવા મળ્યાં. નેટવર્ક ટ્રૅક કરવા માટે ચાર કૉન્સ્ટેબલને કમ્પ્યુટર પર બેસાડીને ઇન્સ્પેક્ટર વાનખેડે, તેમની ટીમ અને પપ્પા-કાકા જયપુર જવા રવાના થયા.
lll
‘અમને ત્યાંથી પકડવામાં આવ્યાં. એશાને લઈને એ લોકો પ્લેનમાં નીકળી ગયાં અને મને બાય રોડ મુંબઈ લાવવામાં આવ્યો.’ અંકુશના અવાજમાં નરમાશ આવી ગઈ હતી, ‘એ પછી હું ને એશા ક્યારેય મળ્યાં નથી.’
‘એશાનું પોલીસમાં સ્ટેટમેન્ટ
લેવાયું હતું?’
‘હા, મેં નથી જોયું પણ મને એવું કહેવામાં આવ્યું કે એશાએ પોલીસ સામે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તે મારી સાથે નહીં, તેના પેરન્ટ્સ સાથે રહેવા માગે છે... પણ સર, એ પૉસિબલ જ નથી. પોલીસ અમને પકડવા આવી ત્યારે પણ એશા બધાની હાજરીમાં મને કહેતી હતી કે તે મારી સાથે જ રહેશે. અરે, તે તો મારી સાથે જ મુંબઈ આવવા માગતી હતી, પણ પોલીસ માની નહીં.’
‘હંમ... તું જેલમાંથી ક્યારે છૂટ્યો?’
‘પાંત્રીસ દિવસ પછી.’ અંકુશે કહ્યું, ‘મારા પર અલગ-અલગ કલમ મુજબ કેસ કર્યા, જેમાં એક ચોરીનો કેસ પણ હતો. એ સિવાય છોકરીનું બ્રેઇનવૉશ કરી તેનો મિસયુઝ કરવાનો કેસ પણ કર્યો.’
‘બહાર આવ્યા પછી તેં એશાને કૉન્ટૅક્ટ કરવાની ટ્રાય કરી?’
‘હા, બહુ ટ્રાય કરી પણ મને મળવા નથી દેતાં.’ અંકુશને અચાનક યાદ આવ્યું, ‘છૂટ્યા પછી દસેક દિવસ તો મને મારો ફોન પણ પાછો નહોતો આપ્યો અને ફોન પાછો આપ્યો ત્યારે મારો ફોન કંપની ફૉર્મેટ કરીને મને પાછો આપ્યો.’
‘મતલબ હવે તારી પાસે તારા અને એશાનું રિલેશન જેન્યુઇન હતું એનાં કોઈ પ્રૂફ નથી રહ્યાં?’ અંકુશે નકારમાં માથું ધુણાવ્યું કે તરત જ સોમચંદ ઊભા થયા, ‘તેં એક પણ વાત ખોટી નથી કરીને?’
‘ના, એક પણ નહીં...’
‘ઓકે, ચાલ મારી સાથે.’ અંકુશ સોમચંદ સાથે ચાલવા માંડ્યો, ‘હું
તારી સાથે છું પણ એક શરતે, જો છોકરીની ઇચ્છા નહીં હોય તો હું કંઈ નહીં કરી શકું.’
‘સર, હું ગૅરન્ટી સાથે કહું છું કે એશાને તેના પેરન્ટ્સ સાથે રહેવું નથી.’ અંકુશના સ્વરમાં લાચારી આવી, ‘અમારી રિલેશનશિપ પ્યૉર હતી, ડિવાઇન હતી.’
‘તો સમજી લે, તું ને એશા બન્ને એકબીજાને મળશો.’ સોમચંદે ચોખવટ પણ કરી લીધી, ‘સાથે રહેવું કે નહીં એ તમારા પર છે પણ તમને મેળવવાની જવાબદારી મારી.’
lll
‘વાનખેડે, પ્રૉબ્લેમ શું છે?’ સોમચંદ બેસવાને બદલે ઊભા-ઊભા જ વાત શરૂ કરી, ‘કેમ, તું આ છોકરાને પેલી છોકરી સાથે મળવામાં હેલ્પ નથી કરતો.’
‘સોમચંદ, તમે પહેલાં બેસો.’ વાનખેડેએ અંકુશ સામે જોયું, ‘તું બહાર બેસ.’
‘તે અહીં રહે તો તને કંઈ
પ્રૉબ્લેમ છે?’
‘હા સર...’ સહેજ વિચારીને ઇન્સ્પેક્ટર વાનખેડેએ જવાબ આપ્યો, ‘મારે તમારી સાથે થોડી પર્સનલ વાત કરવી છે. પછી તમને લાગે કે તમારે એ વાત આ છોકરાને કહી દેવી છે તો મને વાંધો નથી...’
સોમચંદે અંકુશ સામે જોયું.
‘તું પાંચ મિનિટ બહાર રહે.’
અંકુશને ખચકાટ થતો હતો પણ મળેલા એકમાત્ર સાથને નારાજ નહીં કરવાના ભાવ સાથે તે ચેમ્બરની
બહાર ગયો.
lll
‘સોમચંદ, છોકરી હયાત જ નથી.’
‘વૉટ?’
‘હા...’ ઇન્સ્પેક્ટર વાનખેડેએ તરત જ કહ્યું, ‘તું વાંચતો નથી પેપર... હજી હમણાં થોડા દિવસ પહેલાં તેનું હાર્ટ-અટૅકમાં ડેથ થયું. ઑફિશ્યલી બધું પુરવાર પણ થઈ ગયું કે છોકરી કાર્ડિઍક અરેસ્ટના કારણે ગુજરી ગઈ.’
‘ઓહ...’
‘ફૅમિલી અત્યારે આટલી ખરાબ મેન્ટાલિટી વચ્ચે જીવતી હોય એવા સમયે આ છોકરાને ત્યાં લઈને મારે કઈ માનવતા દેખાડવાની?’ ઇન્સ્પેક્ટર વાનખેડેની વાતમાં તથ્ય હતું, ‘હું આ છોકરાને પણ વાત કરી શકતો હતો પણ મને થયું કે અત્યારની સિચુએશનમાં જો તેને ખબર પડશે તો તે નાહકના પ્રશ્નો ઊભા કરશે અને છોકરી... શું નામ તેનું?’
‘એશા.’
‘હા, એશા. એશાની ફૅમિલીમાં ટેન્શન વધશે. અઢાર વર્ષની છોકરી ગુજરી જાય તો તને સમજાય છે કે એ લોકોની માનસિક હાલત કેવી હોય.’ ઇન્સ્પેક્ટર વાનખેડેએ કહ્યું, ‘હું થોડા દિવસો હજી વધારે ખેંચીને પછી આ છોકરાને બધી વાત કરી દેવાનો છું. મારી તને પણ એટલી જ રિક્વેસ્ટ છે કે એક વખત છોકરીની ફૅમિલીવાળા સેટલ થાય ત્યાં સુધી આપણે શાંતિ રાખીએ. પછી તું કહેશે તો આપણે આ જ, આ જ મારી ચેમ્બરમાં છોકરીના ફૅમિલી-મેમ્બરોને અને આ છોકરાને બોલાવીને મીટિંગ કરાવીશું.’
‘જોઈએ, શું કરવું એ તો...’ સોમચંદ હવે શૉકમાંથી બહાર આવવા માંડ્યા હતા, ‘આર યુ શ્યૉર કે આ નૅચરલ ડેથ હતું?’
‘અરે, હન્ડ્રેડ પર્સન્ટ. તને ફાઇલ જોઈતી હોય તો હું ફાઇલ આપી દઉં. એમાં બધા રિપોર્ટ્સ પણ છે અને સ્ટેટમેન્ટ પણ છે.’ ઇન્સ્પેક્ટર વાનખેડેએ કહ્યું, ‘છોકરી અને આ છોકરો બન્ને ભાગ્યાં એના મહિના પછી આ ઘટના બની છે. એ છોકરીનું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ મેં ત્રણ વાર લીધું. ત્રણેત્રણ વાર તેનું કહેવું એ જ હતું કે તેણે ભૂલ કરી છે, હવે તે ભૂલ રિપીટ કરવા નથી માગતી.’
‘છોકરા વિશે એશાએ શું કહ્યું?’
‘કંઈ ખરાબ નથી બોલી.’ ઇન્સ્પેક્ટર વાનખેડેએ પીઠને ચૅરનો ટેકો આપ્યો હતો, ‘અંકુશને પૈસાની લાલચ હતી કે તે આ છોકરીનો ફિઝિકલ ડિસઍડ્વાન્ટેજ લેવા માગતો હતો એવું પણ છોકરીએ નથી કહ્યું. તમને વાંચવાં હોય તો સ્ટેટમેન્ટ આપું. છોકરીએ ચોખવટ સાથે કહ્યું છે કે તે પોતાની ઇચ્છા સાથે અંકુશ સાથે રિલેશનમાં હતી, પણ હવે તે રિલેશન રાખવા નથી માગતી. બસ, મૅટર એન્ડ. એમાં તો કોઈ જોરજુલમ ન કરી શકાયને?’
‘રાઇટ.’ સોમચંદ ઊભા થયા, ‘વાનખેડે, મને આ આખા કેસની ફાઇલ જોઈએ છે. આમ તો હવે આ કેસમાં એવું કંઈ છે નહીં પણ એક વાર જોઈ લઉં તો મને શાંતિ...’
‘શ્યૉર... હમણાં જ ઝેરોક્સ
અપાવી દઉં...’
ઇન્સ્પેક્ટર વાનખેડેએ બેલ મારી અને કૉન્સ્ટેબલે આવીને કડક સૅલ્યુટ આપી.
‘સરને એશા અશોકભાઈ જૈનવાળા કેસની પહેલેથી અત્યાર સુધીની ફાઇલની કૉપી કરાવીને આપી દો.’ કૉન્સ્ટેબલ ગયો કે તરત વાનખેડેએ સોમચંદ સામે હાથ લંબાવ્યો, ‘મારી એક જ રિક્વેસ્ટ છે. હમણાં આ છોકરાને આપણે કશું ન કહીએ. જનારી વ્યક્તિ તો ગઈ, હવે તેના પેરન્ટ્સ ખોટા હેરાન ન થાય એટલું વિચારીએ.’
હકારમાં નૉડ કરતાં ડિટેક્ટિવ સોમચંદ ચેમ્બરમાંથી બહાર આવ્યા.
અંકુશ બહાર રાહ જોતો લાકડાની બેન્ચ પર બેઠો હતો.
‘તું ચાવાળાને ત્યાં મારી રાહ જો.’ કૉન્સ્ટેબલ પાસે જતાં સોમચંદે તેને સૂચના આપી, ‘હું આવું છું.’
lll
‘સર, તમે મારું માનો. જો એશા હયાત ન હોય તો એનો એક જ અર્થ છે, તેના પેરન્ટ્સે તેને મારી છે. હું સાચું કહું છું.’
અંકુશની આંખો વધુ એક વાર ભીની થઈ. એશાના ડેથની ખબર પડ્યા પછી તે ભાંગી પડ્યો હતો. એકાદ કલાકના આંસુ પછી સોમચંદે તેને માંડ શાંત પાડ્યો. જોકે શાંત પડ્યા પછી અંકુશ સતત એક જ વાત કહેતો હતો કે આ નૅચરલ ડેથ નથી, એશાની હત્યા થઈ છે.
‘તારા કહેવાથી તો એવું પ્રૂવ નથી થતુંને કે એશાનું મર્ડર થયું છે?’ સોમચંદે અંકુશને સમજાવ્યો, ‘જો અંકુશ, તારાં ઇમોશન મને સમજાય છે. તારી જગ્યાએ હું હોઉં તો મેં પણ આ જ કહ્યું હોત પણ ઇમોશનથી કાયદો નથી ચાલતો. એને પુરાવો જોઈએ. એવો પુરાવો જે કોર્ટમાં ઊભો રહે.’
‘છે મારી પાસે...’ ઉત્સાહથી વાત કરતા અંકુશના શબ્દોમાં અચાનક જ પંક્ચર પડી ગયું, ‘ના, નથી. મારી પાસે એવો પુરાવો હતો. સર, એશાએ મને મેસેજ કર્યા છે કે તેના પેરન્ટ્સ તેને મારી નાખશે.’
‘ક્યાં ગયા એ મેસેજ?’
‘મોબાઇલમાં હતા પણ હવે નથી...’ સોમચંદને યાદ દેવડાવતાં અંકુશે કહ્યું, ‘મેં તમને કહ્યુંને કે મને છોડ્યા પછી મારો મોબાઇલ પાછો આપ્યો ત્યારે એમાંથી બધો ડેટા ડિલીટ હતો. કંપની સેટિંગ્સમાં જ મોબાઇલ આવી ગયો અને મારી પાસે એનો કોઈ બૅકઅપ હતો નહીં એટલે એ મેસેજ પણ...’
‘ઓકે, વાંધો નહીં. ચાલ.’ સોમચંદ ઊભા થયા, ‘તને જો એશાએ મેસેજ કર્યા હશે તો આપણે એને પાછા લાવી શકીશું.’
‘હન્ડ્રેડ પર્સન્ટ મને મેસેજ કર્યા છે સર...’
‘તારી પાસે બાઇક છેને?’ ટૅક્સી રોકવા હાથ લંબાવવા જતાં સોમચંદનો હાથ અટક્યો, ‘તારી બાઇકમાં જ જઈએ. ફટાફટ પાર્લા લે...’
lll
‘એક જ નંબરની ચૅટ જોઈએ છેને?’
સાઇબર સેલના સિનિયર ઑફિસરના હાથ કમ્પ્યુટર પર સ્પીડ સાથે ફરતા હતા.
સોમચંદ હા પાડી કે બીજી જ સેકન્ડે તેણે પૂછ્યું.
‘નંબર...’
‘નાઇન એઇટ...’ એશાનો નંબર આપતાં સોમચંદે કહ્યું, ‘મને પહેલેથી ચૅટ જોઈએ છે, મળશેને?’
‘હા... જ્યાં સુધીનો બૅકઅપ લેવાયો હશે ત્યાં સુધીની બધી ચૅટ મળશે.’
થોડી સેકન્ડ માટે રૂમમાં સન્નાટો પથરાયો અને પછી કમ્પ્યુટરની સ્ક્રીન પર અચાનક જ ગોળ ચકરડું ફરવા માંડ્યું. એ ચકરડું જોઈને સોમચંદ અને અંકુશના ફેસ પર ટેન્શન આવ્યું, પણ સાઇબર એક્સપર્ટના ફેસ પર સ્માઇલ.
‘બધો ડેટા મળી જશે.’ સાઇબર એક્સપર્ટે સોમચંદ સામે જોયું, ‘મોસ્ટ્લી.’
એ પછી પંદરમી મિનિટે સોમચંદના હાથમાં અંકુશ અને એશાની ચૅટનું પ્રિન્ટઆઉટ હતું જેમાં સૌથી નીચે લખ્યું હતુંઃ ‘અંકુશ, કંઈક કર. મારા કાકા મને મરાવી નાખશે. તું જેલમાંથી બહાર આવી ગયો છોને? પ્લીઝ, અંકુશ મને લઈ જા... પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ.’
(ક્રમશ:)


