આખું પ્રકરણ તમે અહીં વાંચી શકો છો
ઇલસ્ટ્રેશન
થોડા ફાસ્ટ ચલાઓના...
બાઇક ધીમી ચલાવવા પાછળ અંકુશના મનમાં કોઈ ગેરવાજબી ભાવ નહોતો પણ જો ક્લાયન્ટ ફીમેલ હોય તો બાઇકને એવી સાવધાની સાથે ચલાવવી કે તેને કોઈ ખોટો સંદેશો ન જાય અને રાઇડર કંપનીનું નામ ખરાબ ન થાય એવી ટ્રેઇનિંગ શરૂઆતમાં જ બધા રાઇડર્સને આપવામાં આવી હતી અને અંકુશ એ જ ટ્રેઇનિંગ ફૉલો કરતો હતો.
ADVERTISEMENT
‘બહોત દેરી હો ગઈ હૈ... ઘર પે પહુંચના હૈ...’
‘જી મૅડમ...’ લીવર વધારતાં અંકુશે રસ્તા પર ધ્યાન આપ્યું, ‘આપ હૅન્ડલ પકડ કર બેઠના...’
વાત હિન્દીમાં ચાલતી હતી પણ ગુજરાતી લહેકો એશાએ પકડી લીધો.
‘ગુજરાતી?’
‘હા...’ બાઇક ચલાવતાં-ચલાવતાં જ અંકુશે જવાબ આપ્યો, ‘મૂળ કાઠિયાવાડના પણ વર્ષોથી સુરત છીએ.’
‘હંમ...’ એશાએ ફરી રિસ્ટવૉચમાં જોઈને કહ્યું, ‘થોડું ફાસ્ટ ચલાવોને, પ્લીઝ.’
‘મૅડમ, જલદી પહોંચવાની ઉતાવળમાં ક્યાંક આપણે ઉપર ન પહોંચી જઈએ.’
અંકુશ હસતાં-હસતાં જ બાઇક એક જગ્યાએ ઊભી રાખી અને પછી આગળના મિરર પર ટિંગાતી હેલ્મેટ ઉતારીને એશા તરફ લંબાવી.
‘તમે આ પહેરી લો, મને ટેન્શન થાય છે.’
‘અરે કંઈ નહીં થાય, ચાલોને જલદી.’
‘હું તમને પહોંચાડી દઈશ. બસ, તમે હેલ્મેટ પહેરી લો.’
અંકુશે ફરીથી બાઇક શરૂ કરી અને પહેરવા ખાતર પહેરવાની હોય એ રીતે એશાએ હેલ્મેટ માથા પર ઓઢી લીધી. અલબત્ત, સ્પેક્સના કારણે તેને હેલ્મેટ પહેરવી ફાવતી નહોતી પણ અત્યારે એશાને ઘરે પહોંચવાની ઉતાવળ સિવાય બીજું કંઈ સૂઝતું નહોતું. જોકે તેણે હેલ્મેટ માથા પર મૂકી અને બીજી સેકન્ડે બાઇક ફોર્થ ગિઅરમાં આવી, એવી રીતે ભાગી જાણે કે હવાને પાછળ છોડી દેવી હોય.
ઘરે પહોંચવાનો જે રસ્તો ગૂગલ સોળ મિનિટ દેખાડતો હતો એ રસ્તો અંકુશે હાર્ડ્લી છ મિનિટમાં કાપી દેખાડ્યો.
‘યૉર ડેસ્ટિનેશન મૅડમ.’
પોતાના મૅપમાં ડેસ્ટિનેશન જોઈને અંકુશે સોસાયટીના ગેટ પાસે બાઇક ઊભી રાખી અને એશા ઝડપભેર બાઇકમાંથી ઊતરી.
‘થૅન્ક્સ.’ સોની નોટ ધરીને એશાએ કહી દીધું, ‘કીપ ધ ચેન્જ...’
અંકુશ કંઈ કહે એ પહેલાં જ એશા ભાગતી સોસાયટીમાં ઘૂસી ગઈ. એશાના ડરમાં રહેલું ઇનોસન્સ જોઈને અંકુશના ફેસ પર સ્માઇલ આવી ગયું. બાઇક સ્ટાર્ટ કરવાની તેણે તૈયારી કરી અને એ જ ઘડીએ તેને યાદ આવ્યું. સેકન્ડના છઠ્ઠા ભાગમાં તેણે સોસાયટીના ગેટ તરફ જોયું પણ એશા ક્યાંય દેખાઈ નહીં.
‘ચાલો, ચાલીસની ટિપમાં છોકરી સાતસોની હેલ્મેટ લઈ ગઈ.’
અંકુશે ધાર્યું હોત તો તે સોસાયટીના સિક્યૉરિટી ગેટ પર એશાની ઇન્ક્વાયરી કરી શકતો હતો પણ ખબર નહીં કેમ, અંકુશને એ યોગ્ય ન લાગ્યું અને તે ત્યાંથી રવાના થઈ ગયો. આમ પણ નવી રાઇડનું નોટિફિકેશન તેને આવી ગયું હતું.
lll
‘બેટા, તને કેટલી વાર કહ્યું કે અજાણ્યા સાથે બહુ વાતો નહીં કરવાની.’
રેસ્ટોરાંમાં ઑર્ડર લેવા આવેલા કૅપ્ટન સાથે પણ હસી-હસીને વાતો કરતી એશાને જોઈને મમ્મીને તો ત્યારે જ તેને ટોકવાનું મન થઈ ગયું હતું પણ તેણે કન્ટ્રોલ કર્યો અને ઑર્ડર લઈને કૅપ્ટન જેવો રવાના થયો કે તરત તેણે એશાને કહી દીધું.
‘હજાર વખત ટોકી છે પણ તારામાં સુધારો જ નથી થતો.’
‘હવેથી ધ્યાન રાખીશ.’
‘તું પણ આ હજાર વખત બોલી છો ને એ પછી પણ કોઈ ચેન્જ નથી આવ્યો.’
‘કીધુંને મમ્મી, હવે ધ્યાન રાખીશ.’
‘મમ્મીની વાત સાચી છે એશા.’ મોબાઇલમાંથી ફ્રી થયેલા પપ્પાએ દીકરીની સામે જોયું, ‘જરૂર ન હોય તો અજાણ્યા સાથે વાત જ શું કામ કરવી? જરૂરી નથી કે આપણે સારા એટલે દુનિયા આખી સારી જ હોય.’
પપ્પાની આંખ સામે ફિલ્મ ‘વશ’ અને એમાં દેખાડવામાં આવેલું વશીકરણ આવી ગયું હતું. ફિલ્મ જોતી વખતે પણ પપ્પાને એશા જ યાદ આવી હતી. નાહકની વાતો કરવી, કોઈની પણ સાથે વાતોમાં લાગી જવું એ એશાનો સ્વભાવ હતો જેની સામે અત્યાર સુધી પપ્પાને વાંધો નહોતો પણ સામેની વ્યક્તિ ઓતપ્રોત થાય તો વશીકરણ આસાન થઈ જાય છે એ જાણ્યા પછી દીકરીના આ સ્વભાવને લીધે પપ્પા મનોમન થોડા ગભરાયા હતા. તેમનો ગભરાટ ખોટો પણ નહોતો. માણસને ડર ત્યારે જ લાગે જ્યારે વ્યક્તિ સાથે તે લાગણીથી જોડાયેલો હોય.
‘તારો સ્વભાવ છે ને એમાં કંઈ ખરાબી નથી એ સાચું, પણ બેટા, સમય મુજબ થોડી મૅચ્યોરિટી આવવી જોઈએ.’
એશાને મન આ લેક્ચર હતું જ્યારે પપ્પાને મન દીકરીને ઇમોશનલી પગભર કરવાની ટ્રેઇનિંગ.
‘ઓળખાણ નથી, સંબંધ નથી, તેની આગળ-પાછળની કંઈ ખબર નથી એવા સમયે કામ પૂરતી વાત કરીને ટૉપિક પૂરો કરવાનો. કોઈની પણ સાથે વાતોએ લાગી જવું એ બરાબર નથી. તું જ કહેતી હોય છેને, એવું કરીને તમે બીજાની એનર્જીને તમારી સાઇડ પર બોલાવો છો. તારે શું કામ કોઈ અજાણી એનર્જીને તારી તરફ ઍટ્રૅક્ટ કરવી છે?’
પપ્પાએ પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો, ‘વેઇટર, ઑટોવાળો, શાકવાળો... શું કહે, કૅબ-ડ્રાઇવર... ગમે તેની સાથે વાતો કરવાની.’
ડ્રાઇવર!
એશાને અંકુશ યાદ આવી ગયો.
‘એ બિચારા રાઇડરની હેલ્મેટ મારી પાસે રહી ગઈ.’
એશાએ મોબાઇલ ઍપ ખોલીને ચેક કરી, અંકુશનો નંબર હજી એમાં દેખાતો હતો. એ નંબર જતો રહે અને ઍપ્લિકેશન રિફ્રેશ થઈ જાય એ પહેલાં એશાએ નંબર ગોખી લીધો અને મનોમન નક્કી પણ કરી લીધું કે ઘરે જઈને પહેલાં તેને ફોન કરી દેશે.
lll
‘આઇ ઍમ સૉરી પણ ઉતાવળમાં હું તમને હેલ્મેટ પાછી આપવાનું ભૂલી ગઈ.’ પપ્પા-મમ્મી રાતે એશાને ઉતારીને જેવા રવાના થયાં કે તરત જ એશાએ અંકુશને ફોન કર્યો હતો, ‘તમે ટેન્શન નહીં કરતા. હેલ્મેટ મારી પાસે સિક્યૉર્ડ છે. તમે કહેશો ત્યાં હું તમને આપી જઈશ.’
‘અરે વાંધો નહીં.’ અંકુશે કહ્યું, ‘મને હેલ્મેટ યાદ હતી પણ તમે ઉતાવળમાં હતાં એટલે મને થયું કે તમારો ટાઇમ બગાડું નહીં.’
‘હેલ્મેટ ક્યાં પહોંચાડું?’
‘ક્યાંય નહીં, તમે શું કામ હેરાન થશો?’ અંકુશે રસ્તો કાઢ્યો, ‘તમારી સોસાયટીના સિક્યૉરિટી રૂમમાં તમે મારા નામે મૂકી દેશો તો હું કાલે ત્યાંથી લઈ લઈશ.’
‘તમે કાલે આ સાઇડ આવવાના છો?’ સામેથી નકાર આવ્યો કે તરત એશાએ કહ્યું, ‘તો પછી તમે શું કામ પેટ્રોલ બગાડો? ભૂલ મારી છે, મારે તમને એ પહોંચાડવાની હોય.’
‘એવું નહીં વિચારો. તમે સામેથી ફોન કરી દીધો એ મારા માટે બેસ્ટ છે.’ અંકુશે વાત પૂરી કરતાં કહ્યું, ‘તમે કહો એ ટાઇમે કાલે હું તમારી સોસાયટીના ગેટ પરથી કલેક્ટ કરી લઈશ.’
‘એક મિનિટ, એક કામ કરીએને...’ એશાએ ઉત્સાહ સાથે કહ્યું, ‘તમે કાલે રાતે સવાઆઠ વાગ્યે મને એ જ જગ્યાએથી પિક કરી મારી સોસાયટીએ ઉતારી દેજો. હું તમને હેલ્મેટ પણ આપી દઈશ અને તમારી રાઇડનું પેમેન્ટ પણ કરી દઈશ.’
અંકુશના ફેસ પર સ્માઇલ આવ્યું.
‘ઓકે. બાકી તમે આ ટેન્શન ખોટું લો છો.’
‘અરે ડોન્ટ વરી. મારે આમ પણ ક્લાસમાં જવાનું જ હોય છે.’ એશાએ ફોન મૂકતાં પહેલાં કહી દીધું, ‘કાલે સવાઆઠ વાગ્યે. આમ તો હું ઍપથી રાઇડ બુક કરું તો જ તમારામાં મારું લોકેશન આવ્યું હોયને?’
‘હા.’
‘નો વરીઝ, હું તમને કાલે સાત વાગ્યે મારા ક્લાસનું લોકેશન મોકલી દઈશ. તમે આવી જજો અને હા...’ એશાએ દિલેરી દર્શાવી, ‘તમારી રાઇડ કરતાં હું તમને વધારે પેમેન્ટ આપી દઈશ, સો જસ્ટ ચિલ...’
અંકુશે ફોન કટ કર્યો અને એશાએ અંકુશનો મોબાઇલ નંબર સ્ટોર કર્યો.
એશાને ક્યાં ખબર હતી કે તે માત્ર નંબર જ નહીં, અંકુશને પણ સ્ટોર કરી રહી છે.
lll
‘તારું ફૅમિલી સ્ટેટસ...’ ત્રીજી ચાનો ઑર્ડર આપતાં ડિટેક્ટિવ સોમચંદે અંકુશને પૂછ્યું, ‘એજ પણ.’
‘હું એશાથી મોટો છું. બાર વર્ષ અને એશાને એની ખબર હતી, ફ્રૉમ ડે વન.’ અંકુશે ચોખવટ કરી, ‘સેકન્ડ્લી, હું મૅરિડ છું અને મારે એક બચ્ચું છે એ પણ એશાને પહેલેથી ખબર હતી. મેં કોઈ વાત એશાથી છુપાવી નથી.’
‘હંમ...’
‘પછી શું થયું, તું અને એશા બન્ને ક્લાસ પર મળ્યાં, પછી?’
‘તમને કહ્યું એમ, હું તેને ક્લાસ પર લેવા માટે ગયો...’
lll
‘આજે શાંતિથી ચલાવો. આજે મને ઉતાવળ નથી.’ એશાએ અંકુશને કહ્યું, ‘કાલે ઍક્ચ્યુઅલી પપ્પા-મમ્મી આવ્યાં હતાં અને પપ્પા અમુક બાબતમાં હજી સ્ટ્રિક્ટ છે એટલે ઘરે ટાઇમસર પહોંચવું જરૂરી હતું.’
‘તમે મુંબઈનાં નથી?’
‘ના, અહીંની જ છું, બોરીવલીમાં રહું છું પણ મારી એક્ઝામની તૈયારી ચાલે છે જેના ક્લાસ વાલકેશ્વરમાં છે તો અહીં રેન્ટ પર રહું છું.’ એશાને અંકુશને પૂછી લીધું, ‘તમે ફૅમિલીમાં...’
‘હું મૅરિડ છું. એક બચ્ચું છે...’ અંકુશે કહ્યું, ‘તે લોકો સુરત રહે છે. અહીં હું એકલો જ રહું છું.’
lll
‘સર, હું કે એશા... બેમાંથી કોઈ એકબીજા સાથે આગળ વધવા માગતાં નહોતાં પણ ડેસ્ટિની અમને એ દિશામાં લઈ ગઈ. શરૂઆતમાં અમે ફ્રેન્ડ્સ જ હતાં. પ્યૉર અને જેન્યુઇન ફ્રેન્ડ્સ, પણ એ પછી મારી અને વાઇફની ચાલતી ફાઇટને કારણે એશા તરફ હું ખેંચાયો.’
‘એશાના ઍટ્રૅક્શનનું કારણ શું હતું?’
‘ટુ બી વેરી ઑનેસ્ટ વિથ યુ સર...’ અંકુશે સહેજ વિચારીને કહ્યું, ‘ફ્રી બર્ડ બનીને જીવવાની તેની ઇચ્છા, જે કદાચ મારાથી પૂરી થાય છે. સેકન્ડ્લી, મને લાગે છે ત્યાં સુધી વધારે પડતું પ્રોટેક્શન પણ કેટલીક વાર વ્યક્તિ માટે જેલ જેવું બની જાય. એશાની ફૅમિલીમાં તેને એટલી પ્રોટેક્ડેટ રાખવામાં આવે છે કે એશાને એનો કંટાળો આવવા માંડ્યો હતો. આ તો મને એશાએ પોતે કહ્યું છે.’
‘એશાના ફાધરને તમારી બધી વાત ખબર કેવી રીતે પડી?’
‘સાવ અચાનક જ...’ અંકુશે વાત શરૂ કરી, ‘એમાં બન્યું એવું કે એક્ઝામ પછી એશા બોરીવલી પોતાના ઘરે પાછી ચાલી ગઈ પણ ત્યાં સુધીમાં અમે બન્ને એકબીજાને બહુ પ્રેમ કરવા લાગ્યાં હતાં. હું ટ્રાય કરતો કે વીકમાં એકાદ વાર બોરીવલી જાઉં અને તે પણ ટ્રાય કરે કે તે પણ બહાર નીકળીને મને મળે. એવું નહોતું કે તેના પર રિસ્ટ્રિક્શન લાગી ગયાં હોય પણ ઘરમાં સૌથી નાની અને પૅમ્પર્ડ ચાઇલ્ડ એટલે કાં તો બધું તેને આંખ સામે મળે અને કાં તો કોઈ ને કોઈ તેની સાથે જૉઇન થઈ જાય.’
‘ખબર કેવી રીતે પડી કે તમારા રિલેશનની તેના પેરન્ટ્સને ખબર છે?’
‘એ મને હજી સુધી સમજાયું નથી...’ સોમચંદના ફેસ પર મૂંઝવણ જોઈને અંકુશે કહ્યું, ‘જરા ડીટેલમાં કહું...’
lll
‘અંકુશ તું કંઈ પણ કર... કંઈ પણ, પણ મને અહીંથી લઈ જા.’ એશાના દબાયેલા અવાજમાં રહેલો ઉશ્કેરાટ ફોનમાં પણ સ્પષ્ટ સમજાતો હતો, ‘આ લોકો મારી સાથે રમત રમે છે.’
‘તું વાત કરીશ બેટા, કેવી રમત?’
lll
‘બેટા, આ કુણાલ છે. કુણાલ લંડનમાં ભણે છે અને ખાસ તને મળવા અહીં આવ્યો છે.’
બૅકગ્રાઉન્ડમાં રિસેપ્શનનાં સૉન્ગ્સ વાગતાં હતાં અને મમ્મી-પપ્પા એશાની બાજુમાં ઊભાં હતાં. મમ્મીની અધૂરી વાતને પપ્પાએ આગળ વધારી.
‘અમે તો કુણાલને પસંદ કરી લીધો છે, હવે તારે હા પાડવાની છે. અમારી ઇચ્છા છે કે કુણાલ લંડન પાછો જાય એ પહેલાં તમારાં બન્નેનાં કોર્ટ-મૅરેજ કરાવવાં.’
એશાના પગ નીચેથી ધરતી સરકવા માંડી હતી.
વધુ આવતી કાલે


