‘સિગારેટ પીવાની આદત છૂટી ગઈ પણ હોઠ પર એને ટીંગાડી રાખવાની આદત છૂટી નથી એટલે રાખી છે...’ સોમચંદે કહ્યું, ‘તું વાત કર, તું છો કોણ?’
ઇલસ્ટ્રેશન
‘સા’બ, વો લડકા ફિર સે આયા હૈ.’
ઇન્સ્પેક્ટર વાનખેડેના ચહેરાના રૂપરંગ બદલાઈ ગયા. થોડી સેકન્ડ પહેલાં ડિટેક્ટિવ સોમચંદની વાત પર ખડખડાટ હસી પડેલા વાનખેડેએ તંગ ભાવ સાથે કૉન્સ્ટેબલની સામે જોઈ માસમાણી ગાળ સાથે કહ્યું, ‘મને લાગે છે એ સાલો એમ જ નહીં અટકે. તેને ખર્ચો-પાણી મળશે પછી જ તે આવતો બંધ થશે.’
ADVERTISEMENT
‘લઈ લઉં ખોપચામાં સાહેબ?’
‘નહીં, અભી નહીં...’
વાનખેડેએ ઘડિયાળમાં જોયું. બપોરના અઢી વાગ્યા હતા.
‘બોલ ઉસકો, રાત કો સાડે દસ બજે આએ...’
‘ઠીક હૈ.’
કૉન્સ્ટેબલ રવાના થયો એટલે ઇન્સ્પેક્ટર વાનખેડેએ ફરીથી સોમચંદની સામે જોયું.
‘ખરેખર યાર, બહુ એટલે બહુ ખરાબ ફિલ્મ છે. ‘જૉલી LLB’ કરતાં તો તમારી પેલા ગુજરાતી ડિરેક્ટરની ફિલ્મ સારી.’
‘શું વાત છે? તેં ‘વશ’ની સીક્વલ પણ જોઈ લીધી?’
‘યસ...’ વાનખેડેએ સ્માઇલ સાથે કહ્યું, ‘મને થયું કે ચાલો થોડી મજા કરી લઈએ.’
‘હંમ...’ સોમચંદે વાનખેડે સામે જોયું, ‘વાનખેડે, તને લાગે છે વશીકરણ ને એવું બધું હોતું હશે?’
‘હા સોમચંદ, એવું હોય જ અને આજના સમયમાં પણ લોકો કરતા હોય છે.’
‘ઓહ...’
સોમચંદ આગળ કંઈ કહે કે પૂછે એ પહેલાં જ બહારથી દેકારાનો અવાજ આવવાનો શરૂ થઈ ગયો.
lll
‘અરે, મને બે મિનિટનું જ કામ છે. એક વીકથી હું તેમને મળવા આવું છું, તમે મળવા જ નથી દેતા.’
‘કહા ના, સા’બ અભી કામ મેં હૈ.’ જે કૉન્સ્ટેબલ થોડી વાર પહેલાં વાનખેડેને મળવા આવ્યો હતો તેનો અવાજ આવ્યો, ‘રાત કો દસ બજે કે બાદ આઓ...’
‘દો મિનિટ... સિર્ફ દો મિનિટ મિલના હૈ.’
‘રાત કો...’ કૉન્સ્ટેબલે સૂચના આપી, ‘ચાલો, હવે નીકળો...’
lll
‘શું છે વાનખેડે?’ સોમચંદે કહ્યું, ‘મળી લે, એવું હોય તો આપણે પછી મળીએ.’
‘અરે ના રે, કોઈ ગાંડો છે. બેત્રણ વખત મળી લીધું પણ તેનું મગજ ચસકી ગયું છે. વાત માનતો જ નથી.’
‘ચસકેલા ઘણી વખત ચમકવાળી દિશામાં લઈ જાય. મળી લે.’ સોમચંદ ઊભા થયા, ‘હું તો આમ પણ ટાઇમપાસ માટે જ આવ્યો હતો. મારે કંઈ કામ નથી.’
‘અરે, પણ તું કેમ ઊભો થયો? બેસને...’ ઇન્સ્પેક્ટર વાનખેડે ઊભા થયા, ‘હું એ છોકરાને બહાર મળી આવું છું. તું બેસ...’
‘ઓકે...’
ડિટેક્ટિવ સોમચંદ ફરી ચૅર પર ગોઠવાયા. ઇન્સ્પેક્ટર વાનખેડે બહાર ગયા અને અડધી જ મિનિટમાં વાનખેડેનો સત્તાવાહી અવાજ આવ્યો.
‘ક્યા હૈ? ક્યૂં ચિલ્લા રહે હો...’
સોમચંદની ઇચ્છા નહોતી તો પણ તેના કાન બહારની દિશામાં ચીટકી ગયા.
lll
‘સર, એક વાર... એક વાર મને સાંભળી લોને. પ્લીઝ...’
‘તુઝે બોલા ના...’ વાનખેડેએ કૉન્સ્ટેબલ સામે જોયું, ‘તેં આને રાતે આવવાનું કહ્યું કે નહીં?’
‘કબ કા બોલ દિયા સર.’
‘તો ફિર...’ વાનખેડેએ છોકરાની સામે જોયું, ‘ક્યૂં તમાશા કરતા હૈ? ચલ વટક લે. રાત કો દસ બજે કે બાદ આના...’
‘હું, હું રાતે પણ આવીશ પણ અત્યારે મારી વાત તો સાંભળો...’ છોકરાના અવાજમાં ટેન્શન હતું, ‘હું સાચું કહું છું, છોકરીના જીવને જોખમ છે.’
‘અરે તૂ સમજતા ક્યૂં નહીં હૈ?’ વાનખેડેએ કૉન્સ્ટેબલના હાથમાંથી લાકડી લીધી, ‘જો આ પડશે તો તું બીજી માગીશ નહીં. ચલ અબ નિકલ... રાત કો આના...’
છોકરો કંઈ કહે એ પહેલાં તો બે કૉન્સ્ટેબલે તેને હાથથી પકડી દરવાજા તરફ ખેંચવાનું શરૂ કરી દીધું અને છોકરાના અવાજથી આખું પોલીસ-સ્ટેશન ભરાઈ ગયું.
‘સાહેબ, તમે સમજો. હું સાચું
કહું છું...’
lll
‘ઇડિયટ.’ ઝાટકા સાથે ચેમ્બરનો દરવાજો ખોલી વાનખેડે અંદર આવ્યા, ‘મગજ ફેરવી નાખ્યું. માંડ નિરાંતે વાત કરતા હતા.’
‘શું છે, અફેર?’
‘એવું જ કંઈ... પણ સોમચંદ, ખોટો છોકરો છે. તેણે કહ્યું એ બધી તપાસ પૂરી થઈ ગઈ તો પણ તે લપ નથી છોડતો.’ વાનખેડેએ દરવાજા તરફ આંખ માંડી, ‘થોડી સર્વિસ થશે તો આપોઆપ દિમાગ ઠેકાણે આવી જશે.’
‘સીધો કરવા માર મારવાની જરૂર નથી. એવું હોય તો તે કહે ત્યાં તેને સાથે લઈ જા. ક્લિયર કરાવી દે વાત એટલે મૅટર એન્ડ...’
‘જોઈએ.’ વાનખેડેએ ચહેરા પર સ્માઇલ પહેરી લીધું, ‘તું કહે, તું હમણાં ક્યાં છો, ઘણા વખતથી દેખાયો નથી... દુકાન કેમ ચાલે છે?’
‘મંદી છે.’ સોમચંદે સ્માઇલ સાથે કહ્યું, ‘એક વાત છે, અમારી મંદી પ્રૂવ કરે કે પોલીસ પોતાનું કામ બેસ્ટ રીતે કરે છે એટલે અમારો બિઝનેસ બંધ થાય એમાં જ સોસાયટીનો લાભ છે.’
ફરી એક વાર ચાનો ઑર્ડર અપાયો અને વાતોના ગપાટા આગળ વધ્યા.
lll
‘સર, સર...’
પોલીસ-સ્ટેશનમાંથી સોમચંદ બહાર આવ્યા કે તેની પીઠ પર થોડી વાર પહેલાં સંભળાયેલો પેલા છોકરાનો અવાજ અથડાયો. સોમચંદ ટર્ન થયા અને તેણે ઇશારાથી જ પૂછી લીધું કે એ છોકરો તેને બોલાવે છે. છોકરાએ પણ હકારમાં નૉડ કરતાં આંગળીના ઇશારે પૂછ્યું કે તે પાસે આવી શકે?
બહેરા-મૂંગાની એ બોલીનો દોર આગળ વધ્યો અને સોમચંદે તેને નજીક બોલાવ્યો. પેલો છોકરો નજીક આવ્યો એટલે સોમચંદે પોતાની બન્ને પાંપણો ઉપર કરી ઇશારાથી જ પૂછી લીધું કે શું કામ છે.
‘એક હેલ્પ જોઈએ છે.’
‘ગુજરાતી?’
સવાલ ગુજરાતીમાં આવ્યો અને ગુજરાતીમાં શુદ્ધતા હતી એટલે સોમચંદે સવાલ કર્યો. સામેથી હકારમાં માથું નમ્યું અને પછી તરત જ ચોખવટ આવી.
‘પરમાર...’
‘દલિત?’ ફરી હા અને સોમચંદે છોકરાના ખભા પર હાથ મૂક્યો, ‘આવ, ચા પીતાં વાત કરીએ.’
lll
‘સર, પેલો ફરીથી આવ્યો હતો.’ સોમચંદ જેવા પોલીસ-સ્ટેશનમાંથી બહાર નીકળ્યા કે તરત ઇન્સ્પેક્ટર વાનખેડે ફોન પર લાગી ગયા હતા, ‘દર વખતની જેમ આ વખતે પણ તેની એક જ વાત છે કે...’
‘સમજી ગયો...’ સામેથી વાત કાપવામાં આવી, ‘તમારાથી રોકાતો નથી?’
‘ટ્રાય તો કરું છું પણ કૂતરાની પૂંછડી જેવો છે. સીધો થતો જ નથી.’ વાનખેડેનો અવાજ દબાયેલો હતો, ‘રાતે બોલાવ્યો છે. કહેતા હો તો થોડો સમય માટે લાંબી સફર પર ફરી મોકલી દઉં.’
‘કેટલો સમય અંદર રહી આવ્યો?’
‘દોઢેક મહિનો રહ્યો હશે... પણ એ તો ઠીક છેને.’ વાનખેડેએ કૉન્ફિડન્સ સાથે કહ્યું, ‘આ વખતે એવું કરીએ કે એકાદ-બે વર્ષ સુધી બહાર ન આવે. આમ પણ આજકાલ મુંબઈમાં અફીણ અને ગાંજો બહુ પકડાય છે. રાઇડર છે, આવું બધું કામ તો તેને વધારે ફાવે. તમારો નહીં તો ભલે સરકારનો જમાઈ...’
‘જરૂર ન હોય ત્યારે ચૂપ રહેવું જોઈએ ઇન્સ્પેક્ટરસાહેબ.’ માનપૂર્વક પણ પૂરેપૂરી કરડાકી સાથે વાનખેડેને રોકવામાં આવ્યા, ‘એવું બધું કરવાની જરૂર નથી. આજે મળવા આવે ત્યારે તેને સારી રીતે સમજાવો અને આ વખતે એવું સમજાવો કે તે પાછો ગુજરાત જતો રહે. એક મિનિટ...’
થોડી ક્ષણોમાં સામેના છેડેથી થતી વાતમાં અવાજ બદલાયો.
નવા અવાજે વાનખેડેને સૂચના આપતાં કહ્યું, ‘તે આજે ગુજરાત જ પાછો જવો જોઈએ. તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિધાનસભ્ય સાહેબ સાથે વાત થઈ ગઈ છે, તમારું પ્રમોશન પણ જોવાઈ જશે ને જો આજે કામ થઈ ગયું તો માનો, મુંબઈમાં તમારું ઘર લેવાનું સપનું પણ સવાર સુધીમાં પૂરું...’
‘એ કઈ રીતે?’
‘ઈસ્ટમાં આપણો નવો પ્રોજેક્ટ કમ્પ્લીટ થવામાં છે. અમારા કામના સારા સમાચાર આપો અને સવારે એ પ્રોજેક્ટમાંથી એક ફ્લૅટ પસંદ કરો.’
‘ફ્લૅટ નંબરનો ટોટલ ‘નવ’ થતો હોય એવા નંબર કાઢી રાખો, સવારે મળીએ છીએ અને...’ ઇન્સ્પેક્ટર વાનખેડેએ કહ્યું, ‘એ પહેલાં આજ તમારું કામ પૂરું થાય છે.’
‘નવી પ્રૉપર્ટી મુબારક હો ઇન્સ્પેક્ટરસાહેબ...’ ફોન પૂરો કરવાના ભાવ સાથે સામેવાળી વ્યક્તિએ કહી દીધું, ‘અમારા વતી છોકરાને કહી દેજો, મિચ્છા મિ દુક્કડં...’
lll
‘તું બોલ્યો, મેં બધું સાંભળ્યું... પણ સાચું કહું? મને સમજાયું કંઈ નથી.’ ડિટેક્ટિવ સોમચંદે હોઠ વચ્ચે સિગારેટ મૂકતાં કહ્યું, ‘તારે બધું ફરીથી કહેવું પડશે.’
‘શ્યૉર સર...’
સોમચંદના મોઢામાં સિગારેટ જોઈને છોકરાએ ટેબલ પર પડેલી માચીસ ઉપાડી, પણ એ સગળાવે એ પહેલાં જ સોમચંદે હાથના ઇશારે તેને અટકાવ્યો.
‘સિગારેટ પીવાની આદત છૂટી ગઈ પણ હોઠ પર એને ટીંગાડી રાખવાની આદત છૂટી નથી એટલે રાખી છે...’ સોમચંદે કહ્યું, ‘તું વાત કર, તું છો કોણ?’
‘સર, મારું નામ અંશુલ છે... અંશુલ પરમાર.’ અંશુલે વાત શરૂ કરી, ‘આમ તો હું મૂળ સુરતનો પણ વર્ષોથી મુંબઈ રહું છું. શરૂઆત મેં ડાયમન્ડ માર્કેટથી કરી. રત્નકલાકાર તરીકે હું કામ કરતો પણ કોવિડના પિરિયડમાં મારી જૉબ છૂટી ગઈ અને એ પછી મેં જાતજાતના બિઝનેસ કર્યા.’
‘હંમ...’
‘એ બધા બિઝનેસમાં પણ થયું એવું કે સીઝનલ રહ્યા. ક્યારેક આ ચાલે ને ક્યારેક પેલું ચાલે. પછી મને થયું કે આ બધું કરવાને બદલે બહેતર છે કે હું સેલ્ફ-એમ્પ્લૉય્ડ બનું જેમાં મારી ફિક્સ ઇન્કમ પણ હોય અને સાથોસાથ હું મહેનત કરું એ મુજબ મને વધારાનું વળતર પણ મળતું રહે.’ અંશુલે વાત આગળ વધારી, ‘શરૂઆતમાં તો મને કોઈ એવી લાઇન મળી નહીં પણ એક દિવસ અચાનક મારું ધ્યાન એક ઑટોરિક્ષાની પાછળ લાગેલા બૅનર પર ગયું જેમાં લખ્યું હતું કે તમારી પાસે બાઇક હોય તો અમારી પાસે તમારા માટે જૉબ અને એક્સ્ટ્રા ઇન્કમ બન્ને છે.’
‘રાઇડર?’
‘યસ સર, રાઇડરની એ જૉબ હતી અને સાચું કહું તો મને ફરવું, રખડવું એવું બધું કામ બહુ ગમે. આમ જોવા જઈએ તો આ સ્કિલ્ડ જૉબ છે જેમાં તમને બાઇક આવડવી જોઈએ અને તમારી પાસે લાઇસન્સ હોવું જોઈએ. બસ, એનાથી વધારે કંઈ નહીં.’ અંશુલે પાણીનો એક ઘૂંટડો ભરી ગળું ભીનું કર્યું, ‘મેં રાઇડર તરીકેની જૉબ સ્વીકારી લીધી.’
lll
‘ફિશ યાર, કેટલું મોડું થયું?’
એશાના ફેસ પર અકળામણ આવી ગઈ હતી. આવે પણ શું કામ નહીં? વાલકેશ્વરમાં પપ્પાએ ફ્લૅટની વ્યવસ્થા કરી આપી હતી અને એ પછી પણ તેમણે નિયમ રાખ્યો હતો કે રાતે સાડાઆઠ વાગ્યા પહેલાં ફ્લૅટ પર પાછાં આવી જવાનું.
આજે જ ક્લાસમાં મોડું થયું અને આજે જ પપ્પાએ ફોન કરીને કહ્યું કે હું ને તારી મમ્મી આજે તારા ફ્લૅટ પર આવીએ છીએ. સાડાઆઠ સુધીમાં પહોંચી જઈશું, પછી આપણે ડિનર પર જઈએ.
ટૅક્સી માટે એકધારા પ્રયાસ પછી પણ એક પણ ટૅક્સી ઊભી નહોતી રહેતી અને ડિજિટલ ઘડિયાળના ડૉટ્સ આગળ વધતા જતા હતા.
હવે કરવું શું?
‘બાઇક જોઉં... જો પહેલાં મળી જાય તો.’ એકલાં-એકલાં બબડતાં એશાએ મોબાઇલ ઍપ ખોલી, ‘કૅબમાં તો ટ્રાફિક પણ નડશે, બાઇક હશે તો ફટાફટ પહોંચી જઈશ. બાઇક જ બેસ્ટ છે.’
એશાએ મોબાઇલની રાઇડર ઍપમાં ક્લિક કર્યું અને પિસ્તાલીસ સેકન્ડમાં તેની પાસે બાઇક આવીને ઊભી રહી ગઈ.
‘એશા જૈન...’ અંશુલે હેલ્મેટની વિન્ડો ખોલી, ‘OTP.’
‘280398...’
OTP આપતાં એશા બાઇકરની પાછળ ગોઠવાઈ અને બાઇક રસ્તા પર આગળ વધી. એશાને ક્યાં ખબર હતી કે આગળ વધતી આ બાઇક તેની જિંદગીને પણ એક નવા જ ટ્રૅક પર લઈ જવાની છે.
(ક્રમશ:)


