અમેરિકન ટૅરિફને કારણે પૉલિશ્ડ ડાયમન્ડના અશોક જૈનના બિઝનેસમાં જબરદસ્ત મંદી આવી ગઈ હતી. અગાઉથી લીધેલા ઑર્ડર કૅન્સલ થતા હતા અને એ જ કારણ હતું કે અશોક જૈને નક્કી કર્યું હતું કે નવા ફ્લૅટમાં હમણાં શિફ્ટ થવું નહીં, પણ...
ઇલસ્ટ્રેશન
‘બન્યું કેવી રીતે?’
‘કાર્ડિઍક અરેસ્ટ...’ જવાબ આપી દીધા પછી અશોક જૈને ફોઈબાની ઉંમર જોઈને ચોખવટ પણ કરી લીધી, ‘હાર્ટ-અટૅક. જુઓને, અત્યારે કેટકેટલા યંગસ્ટર્સને હાર્ટ-અટૅક આવવા માંડ્યા છે.’
ADVERTISEMENT
‘હાસ્તો, હજી કાલે જ પેપરમાં વાંચ્યું કે ૨૮ વર્ષના એક છોકરાને લોકલમાં અટૅક આવી ગયો. હવે ક્યાં કંઈ નક્કી રહ્યું છે.’ ફોઈબાએ સાડીના છેડાથી આંખ લૂછી, ‘અશોક, આપણી એશા તો હજી બહુ નાની હતી. કેટલાં ૧૬ વર્ષની હતી?’
‘ના, ના... ૧૭ વર્ષ...’
અશોકભાઈએ વાઇફની સામે જોયું કે તરત વાઇફે ચોખવટ કરી, ‘ના, એશાને આ નવેમ્બરમાં ૧૮ પૂરાં થયાં હોત.’
‘તો પણ બહુ નાની ઉંમર કહેવાય...’ ફોઈબાએ ફરી ભત્રીજા સામે જોયું, ‘તારે જાણ તો કરવી જોઈએ. રાતે આ બધું બન્યું ને તમે બધા અહીં એકલા...’
‘ઘાટકોપરથી ક્યાં તમે રાતે હેરાન થવા આવ્યાં હોત ફોઈબા...’ અશોકભાઈએ ચોખવટ સાથે કહ્યું, ‘તમને હેરાન કરવાથી દીકરીનો જીવ પાછો આવવાનો હોત તો-તો બોલાવી જ લીધાં હોત, પણ હશે... ઉપરવાળાની મરજી.’
‘હા રે, આદેશ્વરદાદા જે કરે એ સારા માટે જ કરે.’ ફોઈબાએ ઊભા થતાં કહ્યું, ‘હવે બેટા, થોડોક વખત ઘરમાં રહેજે. તું તો બહાર કામમાં મન પરોવી દઈશ, પણ મારી વર્ષા બિચારી એકલી-એકલી હિજરાયા કરશે... બધું ભૂલીને થોડોક ટાઇમ ઘરમાં રહેજે.’
‘હા ફોઈબા...’ અશોક જૈને જવાબ આપ્યો, ‘આમ પણ વિધિઓ પૂરી કરવામાં જ અઠવાડિયું નીકળી જશે. ફૂલ પધરાવવા પણ જવાનું છે. વિચારું છું કે બધું પૂરું થઈ જાય પછી વર્ષાને લઈને જાત્રાએ જઈ આવું.’
‘એ બહુ સારું વિચાર્યું... પણ હું કહું છું કે વિચારને અમલમાં મૂકજે. કરી આવ જાત્રા, તને પણ સારું લાગશે.’ ફોઈબાએ રજા લેતાં કહ્યું, ‘આમ તો ઘરે ન જઉં તો પણ ચાલે; પણ શું છે, મારી બધી દવાઓ ઘાટકોપર પડી છે અને દવા વિના હવે રહેવાતું નથી.’
‘રોકાવું હોય તો ફોઈબા તમારું જ ઘર છે.’ વર્ષા જૈને કહ્યું, ‘એવું હશે તો ડ્રાઇવર જઈને દવા લઈ આવશે.’
‘આજે જઈ આવવા દે. આમ પણ હમણાં તો ઘરમાં સગાંવહાલાંની અવરજવર રહેશે. એવું લાગે તો મને ફોન કરજે, આવી જઈશ. થોડાક દિવસ અહીં રહીશ.’
ફોઈબા ઘરની બહાર નીકળ્યાં કે
ત્યાં જ સોસાયટીની બધી લેડીઝ સાથે ઘરમાં આવી.
મોઢે થવા આવનારાઓમાં કોઈ પુરુષ નહોતું એટલે અશોક જૈને ઊભા થઈને એશાના ફોટોગ્રાફ પાસે નવેસરથી તેની ફેવરિટ અગરબત્તી પ્રકટાવી અને પછી તે રૂમમાં ગયા.
lll
એશા જૈન.
ટ્વેલ્થ પાસ કરીને NIITની તૈયારી કરતી એશા બોરીવલીમાં રહેતી હતી. ચુસ્ત જૈન પરિવારની એશાની એક સમયે ઇચ્છા હતી કે તે દીક્ષા લે. આ જ કારણે તેણે પોતાની ટીનેજ લાઇફ દીક્ષાર્થી જેવી કરી પણ નાખી હતી. અશોક જૈન અને વર્ષા જૈનને એશા ઉપરાંત બે દીકરાઓ પણ હતા. બન્ને દીકરા મોટા અને ફૅમિલીમાં સૌથી નાની એશા. એશાના મનમાં ધર્મને રોપવાનું કામ પણ પેરન્ટ્સે કર્યું હતું અને એ ધર્મનો ક્ષય કરવાનું કામ પણ પેરન્ટ્સે જ કરવું પડ્યું હતું. જોકે આ બન્ને કામમાં અશોક કે વર્ષા જૈનને બહુ તકલીફ નહોતી પડી એ પણ એટલું જ સાચું.
બે દીકરા પછી ફૅમિલીમાં આવેલી દીકરીને મમ્મી-પપ્પાએ ખુલ્લા મને લાડ લડાવ્યાં હતાં. એશાને જે જોઈએ એ તેને મળતું. ઘરની નાનામાં નાની વાતમાં એશાનો મત લેવામાં આવતો અને એશાના ઓપિનિયનની સાથે પપ્પા હંમેશાં ઊભા રહેતા.
lll
‘બેટા, નવા ફ્લૅટમાં અત્યારે ઇન્ટીરિયર કરાવવું છે?’ અશોક જૈને એશાની સામે જોયું, ‘હમણાં રહેવા નથી જવું તો થોડા મહિના પછી ઇન્ટીરિયર કરાવીએને?’
‘ના પપ્પા...’ એશાએ પપ્પા સામે જોયું, ‘ટાઇમ છે તો આપણું ઇન્ટીરિયર શાંતિથી થઈ જાય અને દોડાદોડી પણ ન રહે.’
‘હા, પણ પપ્પા એમ કહેવા માગે છે...’
‘વર્ષા...’ અશોક જૈને વાઇફ સામે જોયું, ‘એશા કહે છે એ બરાબર છે. અત્યારે શાંતિથી કામ થઈ જાય તો સારું... આમ પણ મારી દીકરી કેટલાં વર્ષ નવા ફ્લૅટમાં રહેવાની?’
‘પપ્પા...’ એશા ઇરિટેટ થઈ, ‘શું દર વખતે આવી વાત? હું ક્યાંય નથી જવાની. હું અહીં જ રહીશ અને તમારી સાથે જ રહેવાની છું...’
‘બેટા, દીકરી તેના સાસરે જ શોભે...’ આ વખતે જવાબ મમ્મીએ આપ્યો હતો, ‘તને ખબર છેને, બન્ને ફિયા અને તારી માસી ક્યાં છે?’
‘એ જે હોય એ, હું ક્યાંય નથી જવાની.’
એશા લાડથી પપ્પાને વળગી અને પપ્પાએ ઝડપથી રસ્તો કાઢ્યો.
‘વર્ષા, આપણે એશા માટે છેને ઘરજમાઈ શોધીશું. દીકરી પણ અહીં અને તેનો વર પણ અહીં...’
‘તમારે ટૉપિક ચેન્જ કરવો છે કે હું જઉં?’
‘ભાઈ, તું જઈશ ક્યાં?’ પપ્પાએ એશાનો હાથ પકડ્યો, ‘બેસ અને સાંભળી લે, હું નવા ફ્લૅટના ઇન્ટીરિયરમાં ક્યાંય ટાઇમ આપી શકવાનો નથી એટલે બધું તારે જોવાનું છે અને સાંભળ, આ વખતે તારા મનમાં જે હોય એ મુજબનો જ આ નવો ફ્લૅટ બનાવજે.’
‘સેન્ટ્રલી એસી?’
‘ડન... કહ્યુંને તને ગમે એવો.’
‘બજેટ?’
‘મારી દીકરીનું પેટ ભરાય એટલું...’
અશોકની વાત સાંભળીને વર્ષાના ચહેરા પર થોડી ચિંતા આવી.
અમેરિકન ટૅરિફને કારણે પૉલિશ્ડ ડાયમન્ડના અશોક જૈનના બિઝનેસમાં જબરદસ્ત મંદી આવી ગઈ હતી. અગાઉથી લીધેલા ઑર્ડર કૅન્સલ થતા હતા અને એ જ કારણ હતું કે અશોક જૈને નક્કી કર્યું હતું કે નવા ફ્લૅટમાં હમણાં શિફ્ટ થવું નહીં, પણ અત્યારે તે જ દીકરીને બધી વાતની છૂટ આપતા હતા.
lll
‘જો વર્ષા, એકની એક દીકરી છે. અહીં આપણી સાથે કેટલાં વર્ષ રહેવાની? વધીને બે-ચાર વર્ષ. તો પછી શું કામ આટલું બધું વિચારવાનું. કરવા દે તેની જે ઇચ્છા હોય એ મુજબ. તે રાજી રહે એટલું તો આપણે ઇચ્છીએ છીએ.’
‘હા, પણ એશાને તમારી ફાઇનૅન્શિયલ હાલતની ખબર હોય તો એમાં ખોટું શું છે?’ વર્ષાના તર્કમાં તથ્ય હતું, ‘હાથ સંકડામણ વચ્ચે આવે ત્યારે કેમ જીવવું એ પણ આપણે દીકરીને શીખવવાનું છેને?’
‘ના, જરા પણ નહીં.’ બેડરૂમનો દરવાજો બંધ છે કે નહીં એ ચેક કર્યા પછી અશોક જૈને કહ્યું, ‘આપણે એવું કંઈ એશાને શીખવવાની જરૂર નથી. એશાને એવા જ ઘરે વળાવીશું જ્યાં તેણે ક્યારેય આર્થિક તંગી જોવી ન પડે.’
lll
‘બાપ-દીકરીને કેવું બનતું વર્ષાબેન...’ સોસાયટીમાં રહેતાં અલકાબહેને મમ્મી સામે જોયું, ‘અમે તો તે બન્નેની વાતો કરતાં થાકતાં નહીં. એશા કહે એટલે અશોકભાઈ એ કરે જ કરે.’
‘ઉપરવાળા સામે ક્યાં કોઈનું
ચાલ્યું છે?’
‘હા રે...’ છેલ્લે આવેલાં શર્મિલાબહેને સુખડનો હાર પહેરાવેલા એશાના ફોટો પર નજર કરી, ‘એવું જ લાગે છે જાણે હમણાં ફોટોમાંથી બોલશે અને કહેશે કે મમ્મી, જુઓ હું આવી ગઈ, તમે રડો નહીં...’
વર્ષાબહેનની આંખોમાં આંસુ આવી ગયાં.
તે પણ એ જ ઇચ્છતાં હતાં કે એક વાર એશા સામે આવી જાય તો તે એશાની બધી વાત માની લે અને પતિને ચોખ્ખા શબ્દોમાં કહી દે...
lll
‘તમે એશા માટે વાલકેશ્વરમાં ફ્લૅટ ભાડે રાખ્યો?’
જમતી વખતે મૌન રાખતા પતિને સવાલ પૂછતી વખતે પણ વર્ષાબહેનને ખબર હતી કે જવાબ નથી મળવાનો, પણ મનની અકળામણ સમય અને સંજોગો જોવાનું ચૂકી જતી હોય છે.
‘તમે માનો કે નહીં, પણ હું કહીશ કે તમે ખોટું કરો છો.’
અશોક જૈનનો એક શાર્પ લુક આવ્યો, પણ એ લુક સાથે પણ વર્ષાબહેનના શબ્દો અટક્યા નહીં.
‘દીકરીને ક્લાસમાં પહોંચવામાં મોડું ન થાય એ માટે આવી રીતે તમે ફ્લૅટ ભાડે રાખો એ મને બરાબર નથી લાગતું. તે ત્યાં એકલી રહેશે, આપણે અહીં બોરીવલીમાં... જરાક વિચારો, કંઈ ઊંચ-નીચ થઈ ગઈ તો?’
ધડામ.
ટેબલ પર જોરથી પાણીનો ગ્લાસ પટકાયો અને વર્ષાબહેને પતિ સામે જોયું.
અશોક જૈને હાથ ધોઈ નાખ્યા હતા.
‘આજે બોલી એ બોલી, આજ પછી આવા શબ્દો તારી જીભ પર આવવા જોઈએ નહીં, ક્યારેય નહીં.’ અશોક જૈનનો ચહેરો લાલ થવા માંડ્યો હતો, ‘મારી દીકરીમાં મારું લોહી છે, મેં આપેલા સંસ્કાર છે. તે ક્યારેય એવું સ્ટેપ નહીં લે જે હું ઇચ્છતો નથી.’
‘જુવાન લોહીને દોડવું હોય ને જો ઢાળ મળી જાય તો તે સંસ્કાર ભૂલી જાય.’
‘એ દિવસે હું ભૂલી જઈશ કે એશા મારી દીકરી છે...’
જવાબ આપવા માટે વર્ષાબહેને મોઢું ખોલ્યું ત્યાં જ અશોક જૈને કહી દીધું, ‘ના કહીને તને, હવે આ વિષય પર મારે વાત નથી કરવી.’
‘હું જઉં તેની સાથે રહેવા...’
‘કાયમ નહીં...’ અશોક જૈને ચોખવટ કરી, ‘વારતહેવાર જવાની છૂટ. બાકી તને કહ્યુંને, એશાને તેની મર્યાદાઓ ખબર છે.’
lll
‘બેટા, હવે તો તને ઍડ્મિશન પણ મળી ગયું, હવે પાછી આવી જાને...’
‘ના મમ્મી, મને ત્યાં મજા આવે છે.’ પપ્પા સામે જુએ છે એ નોટિસ કર્યા પછી એશાએ કહ્યું, ‘પપ્પા, મને વાલકેશ્વરથી કૉલેજ નજીક પડશે. મારા માટે રોજ આવવું-જવું ઈઝી થઈ જશે.’
‘મમ્મી શું કહે છે?’
‘પાછા આવવાનું...’
લાડ કરતાં એશાએ પપ્પાને હગ કરી અને અશોક જૈન સોફા પરથી ઊભા થયા.
‘તારી ઇચ્છા પૂરી થઈ, હવે મમ્મીનું માનવું પડશે...’
‘પપ્પા....’
પપ્પા પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા હતા.
પહેલી વખત બન્યું કે પપ્પાએ એશાની વાત સાંભળી નહીં.
lll
‘સર, આ ફૉર્મલ ઇન્ક્વાયરી છે. તમે જાણો છો કે જે પ્રકારે ઘટના બની અને જે પ્રકારે તમારી ડૉટરનું ડેથ થયું એ સહેજ...’
અશોક જૈને હાથના ઇશારે ઇન્સ્પેક્ટર વસંત વાનખેડેને ચૂપ રહેવાનું કહીને સમજાવી દીધું કે તેમને બધું સમજાઈ ગયું છે.
‘પૂછો, શું પૂછવાનું છે?’
‘એ જ કે ઘટના શું બની?’
‘કંઈ બન્યું જ નથી...’ અશોકને બદલે તેના નાના ભાઈ કૌશિકે વાત ઉપાડી, ‘રાતે અમે લોકોએ સાથે ડિનર કર્યું. ડિનર પછી થોડી વાર બધાએ ટીવી જોયું અને ટીવી જોયા પછી નવરાત્રિની વાતો કરતાં બધા પોતપોતાની રૂમમાં ગયા.’
‘કલાક પછી મારી વાઇફ વર્ષા મારી ડૉટરની રૂમમાં દૂધ આપવા ગઈ ત્યારે તેણે જોયું કે એશાને બેચેની લાગે છે. એશાને લઈને તે બહાર આવી.’ વાત આગળ અશોક જૈને વધારી હતી, ‘અમે તરત ફૅમિલી ડૉક્ટરને બોલાવી લીધા. ડૉક્ટર આવે ત્યાં સુધીમાં એશાની તબિયત વધારે બગડવા માંડી. તેની રાઇટ સાઇડ ખેંચાતી હતી અને બ્રીધિંગમાં પ્રૉબ્લેમ થતો હતો. ડૉક્ટરની રાહ જોવાને બદલે અમે એશાને તરત જ હૉસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું. મારો બ્રધર બેઝમેન્ટમાંથી ગાડી લેવા પહેલાં ગયો અને અમે એશાને લઈને રવાના થયા, પણ ગ્રાઉન્ડ ફ્લોર પર જ અમને ફૅમિલી ડૉક્ટર મળી ગયા.’
‘આ લોકો નીચે આવ્યા ત્યાં સુધીમાં એશા અનકૉન્શિયસ થઈ ગઈ હતી.’ કૌશિક જૈને વાત કન્ટિન્યુ કરી, ‘ડૉ. પરીખે તેને ચેક કરી અને કહ્યું કે કાર્ડિઍક અરેસ્ટ...’
‘આ હાર્ટ-અટૅકના કિસ્સા યંગસ્ટર્સમાં બહુ વધી ગયા છે, હેંને?’
ઇન્સ્પેક્ટર વાનખેડેના સવાલમાં ટાઇમપાસ માનસિકતા આવી ગયેલી જોઈને કૌશિક ઊભો થયો, ‘સર, જો તમને વાંધો ન હોય તો બીજી વાત પછી કરીએ. ભાઈ અને ભાભી થોડાં અપસેટ...’
‘હા, હા... સમજું છું હું...’ વાનખેડેએ હાથ જોડ્યા, ‘પછી મળું છું સર...’
ઇન્સ્પેક્ટર વાનખેડેને ક્યાં ખબર હતી કે અત્યારે તેણે જે રીતે હાથ જોડ્યા છે એ જ રીતે તેણે ફરીથી હાથ જોડવા પડશે અને એ પણ ડિટેક્ટિવ સોમચંદને.
(ક્રમશ:)


