હાઇવે પર ટ્રાફિક એકદમ જૅમ થયો. શશીએ બહાર જોયું તો તેની છાતીના ધબકારા બંધ થઈ ગયા. આગળ મુંબઈ પોલીસની ત્રણ વૅન અને બૅરિકેડ્સ હતાં. પોલીસ દરેક વાહનનું કડક ચેકિંગ કરતી હતી અને કમર્શિયલ વાહનોના પાછળના ડબ્બા પણ ખોલાવવામાં આવતા હતા.
ઇલસ્ટ્રેશન
કટાક...
શ્વાસ અધ્ધર કરી દેનારી ઝપાઝપી માત્ર દોઢ કે બે મિનિટ ચાલી. કાનજીનું આખું શરીર એકાએક જોરથી ઝટકા મારવા લાગ્યું અને પછી લિવિંગ રૂમના એ સન્નાટામાં સહેજ અમસ્તો અવાજ આવ્યો. કાનજીના આખા શરીરમાંથી એક ભયાનક ધ્રુજારી પસાર થઈ, બચાવ માટે મારવામાં આવતાં તરફડિયાં શાંત થઈ ગયાં અને કાનજીનું ભારેખમ શરીર નિર્જીવ થઈને ઢીલું પડી ગયું.
ADVERTISEMENT
લિવિંગ રૂમમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. હવે ફક્ત શશી અને અરુણના જેટ ઝડપે ભાગતા શ્વાસ અને હાંફવાનો અવાજ સંભળાતો હતો. ઘરમાં AC ચાલુ હોવા છતાં ત્રણે સભ્યો પરસેવે રેબઝેબ હતા. શશીએ બા સામે જોયું.
‘બા... મૂકી દો હવે... તે શાંત થઈ ગયો...’
મંગળાબાએ કાનજીના મોં પરથી પોતાના હાથ હટાવ્યા. તેમના બન્ને હાથ ધ્રૂજતા હતા, જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય. કાનજી જમીન પર ચત્તોપાટ પડ્યો હતો.
શશીએ ધ્રૂજતા પગે જમીન પર બેસીને કાનજીના નાક પાસે પોતાની આંગળીઓ મૂકી. શ્વાસ બિલકુલ બંધ હતા. શશીએ કાનજીના કાંડા પર હાથ મૂકીને પલ્સ ચેક કરવાનો પ્રયત્ન કર્યો. પલ્સમાં ધબકારા નહોતા.
‘બા...’ શશીનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો, ‘આ... આ તો મરી ગયો...’
‘શું?’
ખૂણામાં ઊભેલી અરુણની પત્નીની ચીસ નીકળી ગઈ, પણ અરુણે તરત તેના મોઢા પર હાથ મૂકી દીધો. અરુણની પોતાની આંખો પણ ડરથી ફાટી ગઈ હતી.
સામે પડેલી લાશને જોઈને ગૌતમભાઈની તસવીર સામે હાથ જોડીને મંગળાબા જમીન પર બેસી ગયાં.
‘હે ઠાકોરજી! આ શું થઈ ગયું? મેં જિંદગીમાં એક કીડીને નથી મારી... હું કોઈનો જીવ લેવા નહોતી માગતી... હું તો બસ તેને બોલતો રોકવા માગતી હતી... પણ મારાથી બહુ મોટું પાપ થઈ ગયું... બહુ મોટું પાપ...’
વાત ખોટી પણ નહોતી.
મંગળાબા શું, આખી શાહ ફૅમિલી હંમેશાં અહિંસાના માર્ગે જીવી ને અત્યારે તેમના જ લિવિંગ રૂમમાં મુંબઈના કુખ્યાત બ્લૅકમેઇલર અને ગુંડાની લાશ પડી હતી.
ખૂન થઈ ચૂક્યું હતું. અજાણતાં, અકસ્માતે, પોતાની આબરૂ બચાવવાના ચક્કરમાં; પણ કાયદાની નજરમાં આ એક સજાપાત્ર ગુનો હતો.
lll
શશી હજી પણ ઘૂંટણિયે બેઠો હતો. તેની આંખો લાશ પર હતી. તેના પોતાના માથામાંથી વહેતું લોહી હવે સુકાઈને ચામડી પર જામી ગયું હતું, પણ તેને એ શારીરિક પીડાનો અનુભવ નહોતો. તેના મગજમાં અત્યારે માત્ર એક જ વિચાર ચાલતો હતો : ‘આ ગુનાને કેવી રીતે છુપાવવો? આ પર્ફેક્ટ કવર-અપ કેવી રીતે કરવું?’
‘શશી...’ અરુણનો અવાજ રસોડાના દરવાજેથી ધ્રૂજતો આવ્યો. ‘નીચે... નીચે કાનજીના પેલા બે માણસો ઊભા છે. જો કાનજી નીચે નહીં જાય તો તે લોકો ઉપર આવશે. જો તે લોકો ઉપર આવ્યા અને તેમણે આ જોયું...’
અરુણ આગળ બોલી ન શક્યો, તેનો અવાજ ગળામાં જ અટકી ગયો.
શશી ઊભો થયો. તેના ચહેરા પર હવે ડરની જગ્યાએ ગણતરી આવી ગઈ હતી.
‘અરુણ, રડવા કે ડરવાનો આ સમય નથી. બાને અંદર રૂમમાં લઈ જા અને વૈભવીને કહીને અહીં સફાઈ કરાવી નાખ... જલદી કર...’
‘પણ આ લાશનું શું કરીશું...’
‘એ હું વિચારું છું.’
શશીએ આગળ આવીને કાનજીના શર્ટ અને પેન્ટનાં ખિસ્સાં ચેક કરવાનું શરૂ કર્યું. એમાં કાનજીનો ફોન, સોનાનું બ્રેસલેટ, પાકીટ અને તેની કાંદિવલીની ઑફિસની ચાવીઓ હતી. શશીએ કાનજીનો ફોન લીધો. સદ્નસીબે, ફોન પર કોઈ લૉક નહોતું. બરાબર એ જ સમયે ફોનની સ્ક્રીન ચમકી. સ્ક્રીન પર નામ આવ્યું, ‘જુનિયર સુભાષ’.
શશીનો શ્વાસ અધ્ધર થઈ ગયો. આ સુભાષ કાનજીનો સગો ભત્રીજો હતો અને કાનજીના બધા ગોરખધંધામાં તેની સાથે હતો. ફોન સાઇલન્ટ કરીને શશીએ એ ટેબલ પર મૂકી દીધો.
‘આપણે લાશને અહીંથી બહાર કાઢવી જ પડશે...’ શશીએ અરુણની સામે જોયું, ‘આપણે આ લાશને એવી જગ્યાએ ફેંકવી પડશે જ્યાં કોઈ પકડી ન શકે. ગોરાઈ ખાડી અથવા નૅશનલ પાર્કના જંગલમાં...’
‘આવડો મોટો કાનજી...’
‘બે ગૂણમાં આખો કાનજી આવી જશે.’ શશીએ શાંતિથી કહ્યું, ‘અડધા ભાગમાં એક ગૂણ અને નીચેના ભાગમાં બીજી ગૂણ... આપણે ધ્યાન રાખીશું કે ગૂણ ખેંચાઈ ન જાય.’
‘પણ ભાઈ, લિફ્ટમાં CCTV કૅમેરા છે, ગેટ પર વૉચમૅન બેઠો છે અને બહાર કાનજીના માણસો છે.’ અરુણે પૂછ્યું, ‘તેને નીચે કેમ લઈ જઈશું?’
શશી તરત જ સ્ટોરરૂમમાં ગયો. ત્યાં પ્લાસ્ટિકની મોટી ગૂણો પડી હતી, જે ગૌતમભાઈએ ટ્રસ્ટના અનાજના વિતરણ માટે મગાવી હતી.
‘કાનજીને અનાજની ગૂણની જેમ પૅક કરવો પડશે. અહીંથી તેને લઈ જવા માટે સોસાયટીની પાછળ રહેતા શાકભાજીવાળા રામજીનો ટેમ્પો વાપરીશું.’ અરુણ કંઈ પૂછે એ પહેલાં જ શશીએ કહી દીધું, ‘આમ પણ મેં એ ટેમ્પો ભાડે કર્યો છે. પહેલાં આપણે ગાયોનો ઘાસચારો પહોંચાડવાનો હતો, હવે આપણે આને લઈ જઈશું. બહાનું કાઢીને આપણે રામજીને અહીં જ રોકી દઈશું, ટેમ્પો તું કે હું ચલાવીશું.’
lll
સાંજના પાંચ વાગ્યા હતા.
બન્ને ભાઈઓ અને તેમની પત્નીઓએ સાવધાનીપૂર્વક કાનજીની લાશ પ્લાસ્ટિકની મોટી ગૂણમાં બાંધી દીધી હતી અને લાશની ઉપર શાકભાજીના કરંડિયા ગોઠવી દીધા હતા.
ગેટ પાસે ઊભેલા કાનજીના માણસોને હજી ભગાડવાના હતા એટલે શશીએ અરુણને કાનજીનો મોબાઇલ આપીને પાછળના રસ્તેથી મોકલ્યો અને કાનજીના મોબાઇલથી તેના માણસોને મેસેજ કરાવ્યો...
‘હું બીજી ગાડીમાં નીકળી ગયો છું, તમે લોકો ઑફિસ પહોંચો.’
મેસેજ વાંચતાં જ પેલા બે ગુંડાઓ મોટરસાઇકલ ચાલુ કરીને ત્યાંથી નીકળી ગયા.
lll
ટેમ્પોની ડ્રાઇવિંગ-સીટ પર અરુણ બેઠો અને શશી તેની બાજુમાં ગોઠવાયો. તેમનો પ્લાન ગુજરાત હાઇવે પર કોઈ અવાવરું ખાડામાં લાશ ફેંકી દેવાનો હતો.
ટેમ્પો અલકાપુરી સોસાયટીમાંથી બહાર નીકળીને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ચડ્યો. હાઇવે પર ટ્રાફિક હતો અને અરુણના હાથ સ્ટીઅરિંગ પર ધ્રૂજતા હતા.
‘અરુણ, શાંત...’ શશીએ કહ્યું, ‘આપણે એક સામાન્ય ટેમ્પો લઈને જઈએ છીએ. કોઈને આપણા પર શંકા નહીં જાય.’
જોકે નૅશનલ પાર્કના ફ્લાયઓવરની નીચે ટેન્શન રાહ જોઈને ઊભું હતું.
હાઇવે પર ટ્રાફિક એકદમ જૅમ થયો. શશીએ બહાર જોયું તો તેની છાતીના ધબકારા બંધ થઈ ગયા. આગળ મુંબઈ પોલીસની ત્રણ વૅન અને બૅરિકેડ્સ હતાં. પોલીસ દરેક વાહનનું કડક ચેકિંગ કરતી હતી અને કમર્શિયલ વાહનોના પાછળના ડબ્બા પણ ખોલાવવામાં આવતા હતા.
‘ભાઈ...’ અરુણે પણ આ જ દૃશ્ય જોયું હતું, ‘પોલીસે જો ડબ્બો ખોલ્યો તો આપણે સીધા જેલમાં... ટેમ્પો પાછો વાળી લઉં...’
‘ના! ટેમ્પો પાછો વળશે તો પોલીસને ડાઉટ જશે...’ શશીએ ઠંડા અવાજે કહ્યું, ‘ગાડી આગળ લે. જે થશે એ હું જોઈ લઈશ.’
ટેમ્પો ચેક પૉઇન્ટની નજીક પહોંચ્યો કે તરત એક કૉન્સ્ટેબલ હાથમાં લાકડી લઈને ટેમ્પોની સામે આવ્યો.
‘પાછળ શું ભર્યું છે?’
‘સાહેબ, શાકભાજી અને કેળાં છે...’
‘ખોલો...’ કૉન્સ્ટેબલે પાછળ જતાં કહ્યું, ‘ચેક કરવું છે...’
શશીના કપાળ પર પરસેવો વળી ગયો, પણ તે ટેમ્પોમાંથી ઊતર્યો. કૉન્સ્ટેબલે પાછળનો દરવાજો ખોલ્યો. અંદર કેળાંની મોટી-મોટી ગૂણો હતી, જેની નીચે કાનજીની લાશ હતી. કૉન્સ્ટેબલે લાકડી અંદર નાખીને એક ગૂણને હલાવવાનો પ્રયત્ન કર્યો. આ એ જ ગૂણ હતી જે બાજુએ લાશના પગ હતા.
‘આ ગૂણ ભારે લાગે છે, આમાં શું છે?’
કૉન્સ્ટેબલે શશી સામે જોયું અને ગૂણ તરફ હાથ લંબાવ્યો કે શશીએ ખિસ્સામાંથી પાંચસોની બે નોટો કાઢીને કૉન્સ્ટેબલના હાથમાં સરકાવી.
‘સાહેબ, બહુ મોડું થાય છે. વૈષ્ણવ સમાજના અગ્રણી ગૌતમભાઈ શાહની આજે દસમાની વિધિ છે. અમે તેમના જ માણસો છીએ. પ્લીઝ, જવા દોને, મોડું થાય છે.’
ગૌતમભાઈનું નામ અને પાંચસોની નોટો કામ કરી ગઈ. કૉન્સ્ટેબલે નોટો ખિસ્સામાં સરકાવી : ‘ઠીક છે, ઠીક છે... જલદી નીકળો, પાછળ ટ્રાફિક જૅમ થાય છે.’
અરુણે તરત જ ઍક્સેલરેટર દબાવ્યું અને ટેમ્પો ત્યાંથી આગળ નીકળી ગયો.
lll
હાઇવે પરથી નીકળીને ટેમ્પો સૂમસામ ઇન્ડસ્ટ્રિયલ એરિયા તરફ આગળ વધ્યો. હવે હાઇવે પર આગળ વધવું જોખમી લાગતાં આ એરિયામાં આવેલા કાનજીના ગોડાઉનમાં જ લાશને ટેમ્પરરી છુપાવવાનો પ્લાન શશીના મનમાં હતો. કાનજી પાસેથી મળેલી ચાવીઓનો ઉપયોગ હવે થઈ શકવાનો હતો.
અરુણે ટેમ્પો ગોડાઉનની પાછળના ગેટ પાસે પાર્ક કર્યો. ગાઢ અંધારું થઈ ચૂક્યું હતું. શશી અને અરુણ કાનજીની લાશવાળી ગૂણ નીચે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં જ અંધારામાંથી એક અવાજ આવ્યો
‘કાકા... તમે આવી ગયા?’
શશી અને અરુણ ચોંકી ગયા. લાશ તેમના હાથમાંથી છૂટી ગઈ. બન્નેએ અવાજની દિશામાં જોયું. સામે
એકવીસ-બાવીસ વર્ષનો યુવાન ઊભો હતો, જેના હાથમાં સિગારેટ હતી. તે કાનજીનો ભત્રીજો જુનિયર સુભાષ હતો!
સુભાષે જમીન પર જોયું અને કમનસીબે ગૂણમાંથી કાનજીનું માથું બહાર નીકળી ગયું હતું.
‘આ... આ શું, કાકાને શું થયું?’
અરુણ ભાગવા જતો હતો, પણ શશીએ તેનો હાથ પકડી લીધો. શશી સમજી ગયો હતો કે જો હવે ભાગ્યા તો સુભાષ નક્કી પોલીસને બોલાવશે.
‘સુભાષ... શાંત થા.’ અવાજમાં ડર ન ભળે એનું ધ્યાન રાખતાં શશીએ કહ્યું, ‘તારા કાકા... હવે આ દુનિયામાં નથી.’
સુભાષના હાથમાંથી સિગારેટ નીચે પડી ગઈ. કાનજીનો નિર્જીવ ચહેરો જોઈને તેની આંખો ફાટી ગઈ.
‘તમે... તમે લોકોએ મારા કાકાને મારી નાખ્યા? હું... હું પોલીસને બોલાવું છું.’
સુભાષે મોબાઇલ હાથમાં લીધો કે શશીએ તરત તેનો હાથ પકડી લીધો.
‘સુભાષ, પોલીસને ફોન કરશે તો સૌથી પહેલાં જેલમાં તું જઈશ. તારા કાકાએ જે દોઢ કરોડનું સ્કૅમ કર્યું છે એમાં તારી સહીઓ છે.’ શશીએ વાત આગળ વધારી, ‘તારો કાકો તને પણ છેતરતો હતો.’
‘શું લવારી કરે છે?’
‘હું સાચું કહું છું...’ શશીએ કાનજીનો ફોન સુભાષ સામે ધર્યો, ‘તારા કાકાએ તને કહ્યું હતુંને કે ઑફિસર મોહનદાસ દોઢ કરોડ રૂપિયા માગે છે અને એટલે તેણે તારી સુપરમાર્કેટ માટેની જમીન બજારભાવ કરતાં ઓછી કિંમતે વેચી દીધી. આ જો, ઑફિસર મોહનદાસે માત્ર ૧૫ લાખ રૂપિયા માગ્યા છે... તારો કાકો બધા પૈસા પોતાની પાસે રાખીને દુબઈ ભાગી જવાની ગણતરીમાં હતો. વાંચ આ મેસેજ અને ઑફિસર સાથે થયેલી ડીલ.’
જેમ-જેમ સુભાષ મેસેજ વાંચતો ગયો એમ-એમ તેના ચહેરા પર ગુસ્સો આવવા માંડ્યો. તેને સમજાઈ ગયું હતું કે કાકાએ તેને પણ લૂંટી લીધો હતો.
સુભાષે લાશ તરફ અને પછી શશી સામે જોયું. તેની આંખોમાં હવે કાકા માટેનો કોઈ શોક નહોતો, પણ એક નવો જ સ્વાર્થ અને બદલો મસળી રહ્યા હતા.
‘આ માણસ કૂતરાની મોતે જ મરવો જોઈતો હતો...’ સુભાષે ઇશારો કર્યો, ‘આવો, આપણે બેસીએ... તમારી ઓળખાણ આપો.’
જુનિયર સુભાષ પોતાના અંગત અસંતોષ અને કાકાના દગાને કારણે હવે શાહ પરિવારનો મદદગાર બનવાનો હતો...
lll
‘લાશને નૅશનલ પાર્ક કે ખાડીમાં ફેંકીશું તો પોલીસ બે દિવસમાં લાશ શોધી લેશે.’ સુભાષના હાથમાં સિગારેટ હતી, ‘કાકા સાથે જોડાયેલા બધાને ખબર છે કે કાકા છેલ્લે તમારા ઘરે આવ્યા હતા... એટલે આપણે બીજો કોઈ રસ્તો વાપરવો પડશે અને કાનજીના જે બીજા ૩ બિઝનેસ પાર્ટનર્સ છે તેઓ બધો આરોપ મારા પર અથવા તમારા પર નાખી દેશે. આપણે કંઈક એવું કરવું પડશે કે શંકા શાહ પરિવાર કે મારા પર ક્યારેય ન આવે.’
‘તારી પાસે બીજો કોઈ આઇડિયા છે?’ શશીએ પૂછ્યું.
‘હા...’ સુભાષના ચહેરા પર સ્મિત આવ્યું. ‘આપણે લાશને તેના પોતાના જ ઘરમાં શિફ્ટ કરી દઈએ. કાકી અત્યારે પિયર ગયાં છે, ઘરે કોઈ નથી. આપણે લાશને એવી રીતે ગોઠવીશું કે જાણે કાકાના કોઈ દુશ્મને તેમને મારી નાખ્યા... કાકાના દુશ્મનો ઓછા નથી. વાત આગળ વધે એ પહેલાં આપણે લાશની ગંધ છુપાવવા અને પુરાવા નષ્ટ કરવા એક બીજા માણસની હેલ્પ લઈશું... રહમાન કસાઈ, જે કાકાનો જાની દુશ્મન છે.’
(ક્રમશ:)
