પણ જસ્ટ વિચારો, જો કામિયા ફોનમાં જૂઠું બોલશે તો તમને સચ્ચાઈની ખબર ક્યાંથી પડશે?
ઇલસ્ટ્રેશન
મારી સામે એક એવી સ્ત્રી બેઠી હતી જે ઠંડે કલેજે પોતાના પતિની હત્યા કર્યા પછી મને પોતાના જ બંગલામાં બોલાવીને મસ્ત એસ્પ્રેસો કૉફી પીવડાવીને મારા મોબાઇલમાં પોતાનું કન્ફેશન રેકૉર્ડ કરાવી રહી હતી.
દમયંતી તનેજાની કબૂલાતમાં જે બે નામો સંભળાયાં એ કાને પડતાં જ મારું દિમાગ સચેત થઈ ગયું હતું. એ નામો હતાં...
ADVERTISEMENT
ગીતાંજલિ ઐયર અને કરણ મલ્હોત્રા!
અમારી મહિલા કૉન્સ્ટેબલ રાધિકા તો વચમાં જ બોલી પડી હતી કે ‘સર, આ તો એ જ ગીતાંજલિ જે ...’
મેં તરત જ રાધિકાને ચૂપ રહેવા માટે ઇશારો કરી દીધો હતો! મારી સાથે આવેલો ફોટોગ્રાફર પણ ઊંચોનીચો થઈ રહ્યો હતો.
અમારી એસ્પ્રેસો કૉફી પતવા આવી હતી. મેં ફોટોગ્રાફરને કહ્યું, ‘તારી કૉફી પતી ગઈ હોય તો આ ડેડ-બૉડીના ફોટો ઉપરાંત મૅડમ તનેજાના ફોટો પણ લઈ લે. અને હા, આ રિવૉલ્વરના પણ ...’
ફોટોગ્રાફરે મને યાદ કરાવ્યું, ‘સર, ફિન્ગરપ્રિન્ટ માટે પણ એક્સપર્ટને બોલાવી લેવા પડશેને?’
‘ઓહ યસ!’ કૉફીનો કપ ટિપોય પર મૂકતાં મને ભાન થયું કે હવે તો અમારા ત્રણેયની ફિન્ગરપ્રિન્ટ્સ પણ આ કૉફીના કપ પર આવી ગઈ છે!
એક ક્ષણ માટે મને શંકા થઈ કે આ ચાલાક સ્ત્રીએ ક્યાંક અમારી કૉફીમાં તો કંઈ ભેળવી નહીં દીધું હોયને?
જાણે મારા દિમાગનો વિચાર એ બાઈ વાંચી ગઈ હોય એમ તે બોલી, ‘શું વિચારો છો ઇન્સ્પેક્ટર ધારીવાલ? આ કૉફીમાં મેં ઝેર નખાવ્યું હશે?’
દમયંતી તનેજા બહુ વિચિત્ર રીતે હસી રહી હતી. ‘ડોન્ટ વરી ઇન્સ્પેક્ટર, તમને લોકોને મારી નાખવાથી મને હવે શું મળશે? મેં તમને પહેલાં જ કહ્યું છે કે મેં એક નહીં, બે નહીં; ત્રણ-ત્રણ મર્ડર કર્યાં છે!’
‘યુ મીન ગીતાંજલિ ઐયર અને કરણ મલ્હોત્રા? તેમને તો ...’
‘એક મિનિટ!’ દમયંતીની આંખો જાણે મને વીંધી નાખવાની હોય એ રીતે સ્થિર થઈ ગઈ. પછી તે પોતાના પાતળા હોઠ ત્રાંસા કરતાં કટાક્ષમાં બોલી:
‘તમે પોલીસવાળાઓ ડોબા જ રહેવાના. તમે લોકો માત્ર એ જ ગુનાઓ સૉલ્વ કરી શકો છો જે ઇમોશન્સના બહાવમાં આવીને કરવામાં આવ્યા હોય. પણ જે હત્યાઓ ઠંડા કલેજે, પૂરેપૂરા પ્લાનિંગ સાથે થઈ હોય એને તમે વર્ષો સુધી ઉકેલી શકતા નથી.’
‘યુ આર સો રાઇટ મિસિસ તનેજા.’ મેં મારી કડવાશ ગળા નીચે ઉતારતાં કહ્યું. ‘હવે જો તમે તમારી કૉફી પતાવી લીધી હોય તો આગળ વધીએ?’
‘અફકોર્સ.’ તે હસી પણ તેણે તેની દલીલો ચાલુ રાખી.
‘ઇન્સ્પેક્ટર સાહેબ, તમારા લોકોની ઇન્વેસ્ટિગેશન મેથડ શું હોય છે? સરકમ-સ્ટેન્શિયલ એવિડન્સિસ, રાઇટ?’
એક તો આ બાઈ જાણીજોઈને અમારી ટેક્નિકલ ભાષાના શબ્દનો આવો ઉચ્ચાર કરી રહી હતી.. ‘સરકમ-સ્ટેન્શિયલ.’ ઉપરથી જાણે અમને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ ભણાવવાનો રોફ મારી રહી હતી.
હું મનોમન વિચારી રહ્યો હતો કે આ બાઈને જો હું છંછેડવા જઈશ તો તે જે કંઈ કબૂલ કરવા જઈ રહી છે એમાંથી આખી વાત બીજે જ ફંટાઈ જશે, એટલે હું ચૂપ રહ્યો.
દમયંતી તનેજાએ કૉફીનો કપ બાજુમાં મૂકતાં કડવાશ સાથે મને સંભળાવે રાખ્યું:
‘તમે લોકો સંજોગોથી ઊભા થયેલા પુરાવાઓ શોધતા હો છો. બીજી રીતે કહીએ તો, તમારી નજર સામે જે પુરાવાઓ છે એને તમારી કહેવાતી કલ્પનાશક્તિ વડે એની ઉપર સંજોગોને ફિટ કરો છો... અને પછી એક સ્ટોરી બનાવી કાઢો છો કે જો આ બધું આમ છે તો જરૂર આમ જ બન્યું હોવું જોઈએ, રાઇટ?’
‘રાઇટ.’ મેં દાંત ભીંસીને બને એટલા નમ્ર અવાજે જવાબ આપ્યો.
‘તો બસ, હું જે મર્ડર કરવા જઈ રહી હતી એમાં હું ખરેખર તો સર્કમ-સ્ટેન્શિયલ, યાને કે સંજોગો જ ઊભા કરી રહી હતી.’
હું કંઈ બોલ્યો નહીં.
અચાનક તેણે અમારી લેડી કૉન્સ્ટેબલ તરફ મોં ફેરવીને પૂછ્યું, ‘અચ્છા રાધિકા, તારો ધણી તારી નજર સામે જે બાઈ સાથે સૂતો હોય તે બાઈને તું કેવી રીતે મારી નાખે? તેનો ચોટલો ઝાલીને તું એ સાલીને તેના ઘરમાંથી ઢસડીને બહાર લાવે અને પછી તેની છાતી પર ચડી જઈને ...’
આટલું બોલતાં-બોલતાં મિસિસ તનેજા હાંફી ગયાં હતાં. અમે ડરી રહ્યાં હતાં કે આ સ્ત્રી કંઈ કરી ન બેસે.
‘પણ ના...’ તેનો શ્વાસ હવે ધીમો થઈ રહ્યો હતો.
‘ના, મારે ગીતાંજલિને એ રીતે નહોતી મારવી. તેને બિચારીને તો ખબર જ ક્યાં હતી કે તેની સાથે હું શું કરવાની છું! એટલે...’
દમયંતી તનેજાએ ગળું ખોંખાર્યું કે તરત મેં મારા મોબાઇલમાં રેકૉર્ડિંગ શરૂ કર્યું...
lll
ગીતાંજલિ સીધી અમારા કૉટેજ હાઉસ ‘પ્રાર્થના’ તરફ જ જઈ રહી હતી. હું જાણતી હતી કે ગીતાંજલિ પાસે કૉટેજ હાઉસના દરવાજાની એક ચાવી જરૂર હશે.
આવા જ કોઈ મોકાની તલાશમાં મેં પણ એ ચાવીની ડુપ્લિકેટ બનાવી રાખી હતી એટલું જ નહીં, આજે તો હું પૂરી તૈયારી સાથે નીકળી હતી. મારી પર્સમાં છ ગોળીઓ ભરેલી એક રિવૉલ્વર પણ હતી.
ગીતાંજલિએ ઢાળ પર કાર ચડાવીને અંદર પાર્ક કરી. પછી તે કારમાંથી ઊતરી. કૉટેજનો દરવાજો ખોલીને તે અંદર ગઈ.
હું થોડે દૂર કાર પાર્ક કરીને બધું જોઈ રહી હતી. ધુમ્મસ હવે ધીરે-ધીરે વધારે ગાઢ થવા લાગ્યું હતું.
પાંચેક મિનિટ રાહ જોયા પછી હું કારમાંથી નીકળી. કૉટેજ હાઉસની ચારે તરફ ઘટાદાર ઝાડી હતી અને ગાઢ અંધકાર હતો. અહીંથી દૂર-દૂર સુધી કોઈની અવરજવર પણ નહોતી.
મેં અંદર જઈને કૉટેજનો દરવાજો ખોલ્યો ત્યારે મને જોઈને ગીતાંજલિ ચોંકી ગઈ!
પણ મેં તરત જ તેની સામે રિવૉલ્વર ધરી દીધી.
‘ડોન્ટ મૂવ. સહેજ પણ હોશિયારી કરીશ તો શૂટ કરી દઈશ.’
તે પાછલા પગલે ચાલવા લાગી, પણ દીવાલ આવતાં અટકી ગઈ. મેં કહ્યું:
‘કમ ઑન નાઓ, તારી સાડી ઉતા૨.’
એ ડઘાઈ ગઈ. મેં પિસ્ટલ ઊંચી કરીને ફરી હુકમ કર્યો, ‘તારે જીવતા રહેવું છેને? તો સાડી ઉતાર.’
તેણે સાડી ઉતારી. મેં કહ્યું, ‘હવે ચણિયો કાઢી નાખ.’
તે બઘવાઈ ગઈ હતી. મેં કહ્યું, ‘આઇ ઍમ નોટ એ લેસ્બિયન. હું કહું છું એમ કર.’
તેણે ચણિયો ઉતાર્યો. મેં શાંતિથી કહ્યું, ‘ગુડ. હવે જરા દીવાલ તરફ મોં કરીને ઊભી રહે.’
બિચારી ચૂપચાપ એ રીતે ઊભી રહી.
મેં તેની નજીક જઈને તેની પીઠથી માત્ર ત્રણ ફુટનું અંતર રાખીને નિશાન લીધું... ગોળી પીઠમાંથી સીધી હૃદયમાં વાગવી જોઈએ.
મેં ટ્રિગર દાબી દીધું.
બીજી જ ક્ષણે તે ઢળી પડી.
પર્ફેક્ટ. હવે મારે કરણ મલ્હોત્રાનું મર્ડર કરવાનું હતું.
તમે વિચારશો કે કરણ મલ્હોત્રાને ગીતાંજલિ સાથે શું લેવાદેવા?
પણ જો હું કરણ મલ્હોત્રાનું ખૂન કરું તો જ મારા પ્લાનમાં પર્ફેક્શન આવે એમ હતું...
lll
કરણ મલ્હોત્રા?
આ સાંભળતાં જ મારા દિમાગમાં એક વીજળીનો કરન્ટ લાગ્યો હોય એવો આંચકો લાગ્યો!
કરણ મલ્હોત્રાનું ખૂન શા માટે?
તમારી જેમ મને પણ આ સવાલ થયો હતો અને હું તો પોલીસ-ઇન્સ્પેક્ટર છું. મેં ભલભલા મર્ડર કેસ જોયા છે પણ આ ટ્રિપલ મર્ડર કેસ તો મારી પણ સમજની બહાર હતો.
શો હતો દમયંતી તનેજાનો પ્લાન? તેની જ જુબાની સાંભળો...
lll
મેં ગીતાંજલિ તરફ જોયું. તે ઊંધી ગબડી પડી હતી. તેના શરીર ૫૨ બ્લાઉઝ અને નિકર જ હતાં. પીઠમાંથી ઘૂસેલી બુલેટ તેના હૃદયને વીંધીને આરપાર નીકળી ગઈ હશે, કારણ કે તેની છાતીના ભાગમાંથી ધકધક વહી રહેલું લોહી ઝડપથી ફર્શ પર ફેલાઈ રહ્યું હતું.
હવે મેં ઝડપ કરી.
તરત જ બહાર નીકળીને મારી કાર સ્ટાર્ટ કરી. ત્યાંથી ચારેક કિલોમીટર દૂર એક કૉર્નર પર એક રેસ્ટોરાંની બહાર એક ટેલિફોન-બૂથ હતું.
મેં અંદર જઈને કરણ મલ્હોત્રાનો મોબાઇલ-નંબર જોડ્યો.
‘હલો?’
તેનો અવાજ સંભળાયો કે તરત જ મેં ફોનના રિસીવર પર મારો રૂમાલ ગોઠવીને જરા વધારે તીણો અવાજ કાઢીને કહ્યું:
‘મિસ્ટર કરણ મલ્હોત્રા! તમારે તમારી પત્ની વિશેની સચ્ચાઈ જાણવી છે? તો હું કોણ છું અને ક્યાંથી બોલું છું એ બધા સવાલો કર્યા વિના સીધા હાઇવે પર જ્યાં ‘પ્રાર્થના’ કૉટેજ હાઉસ છે ત્યાં પહોંચી જાઓ!’
‘પણ હલો?’
મેં તરત જ ફોન કટ કરી નાખ્યો.
મને ખાતરી હતી કે તે સ્તબ્ધ થઈ ગયો હશે, કારણ કે હું જાણતી હતી કે તે તેની પત્ની કામિયાને બેહદ પ્રેમ કરતો હતો. લાયન્સ ક્લબમાં અવારનવાર એ કપલને જોઈને હું સખત રીતે જલતી રહેતી હતી.
મનમાં પાંચ ગણ્યા પછી મેં ફરી રીડાયલનું બટન દબાવ્યું. તેણે ફોન ઉપાડતાં વાર લગાડી. કદાચ તે મોબાઇલ પર મારો નંબર જોતો હશે, પણ છેવટે તેણે ફોન ઉપાડ્યો.
હું એક ક્ષણ ગુમાવ્યા વિના ઝડપથી બોલી ગઈ, ‘મને ખબર છે તમે કામિયાને મોબાઇલ ક૨શો. પણ જસ્ટ વિચારો, જો કામિયા ફોનમાં જૂઠું બોલશે તો તમને સચ્ચાઈની ખબર ક્યાંથી પડશે?’
મેં ફોન કાપી નાખ્યો.
શંકા બહુ જ બૂરી ચીજ હોય છે. ભલભલા પ્રેમીઓની જિંદગીને તે ઊભી ચીરી નાખતી હોય છે. મને ખબર હતી કે હવે કરણ આ જ ટેલિફોન-બૂથના નંબર ૫૨ રિંગ મારશે.
હવે તો ધુમ્મસ પૂરેપૂરું આખા મસૂરી ટાઉન પર છવાઈ ગયું હતું. ધીમો-ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.
મેં મનોમન એકથી દસ સુધી ગણ્યા. મને ખબર હતી કે મારા દસના કાઉન્ટ પર સામેથી રિંગ આવશે જ!
પણ હું તૈયાર હતી...
(ક્રમશઃ)

