તમે મારું બયાન તમારા મોબાઇલમાં રેકૉર્ડ કરી લો, કેમ કે હું કંઈ તમારા પોલીસ-સ્ટેશનમાં આવવાની નથી
ઇલસ્ટ્રેશન
‘હલો, પોલીસ-સ્ટેશન? જુઓ, મેં અહીં એક મર્ડર કર્યું છે. તમે અહીં આવી શકશો?’
મસૂરી હિલ-સ્ટેશનમાં ઢળતા ચોમાસામાં જેમ અંધારું થાય એમ-એમ ધુમ્મસ પણ ઘેરાવાનું શરૂ થઈ જાય છે. પોલીસ-સ્ટેશનમાં આવી મોસમમાં રાતનો સમય હોય છે ત્યારે લગભગ આખો સ્ટાફ સુસ્ત અવસ્થામાં હોય છે. ઉપરથી અમારા મસૂરી જેવા ખૂબસૂરત ટાઉનમાં ચોરી જેવા મામૂલી કેસ પણ હોતા નથી ત્યાં મર્ડરકેસ માટે આવો ફોન સામેથી આવે તો શું સમજવાનું?
ADVERTISEMENT
મારી ૧૨ વરસની ઇન્સ્પેક્ટર તરીકેની કરીઅરમાં મને એક વસ્તુ બરાબર સમજાઈ ગઈ હતી કે જ્યારે કોઈ ખૂની ખૂબ જ ઠંડા કલેજે મર્ડર કરે અને એટલા જ ઠંડા અવાજે પોતાના ગુનાની કબૂલાત કરે તો માનવું કે ખૂનીને તેણે કરેલા ક્રાઇમનો જરાય અફસોસ નથી.
એમાંય આ તો કોઈ સ્ત્રીનો અવાજ હતો.
તેણે પોતાનું નામ પણ કહ્યું : ‘હલો, મારું નામ દમયંતી તનેજા છે. મેં મારા હસબન્ડની હત્યા કરી નાખી છે. તમે પ્લીઝ અહીં મારા બંગલે આવી જાઓ, મારે મારું કન્ફેશન લખાવવું છે.’
દમયંતી તનેજા? મારા મનમાં એક ઝબકારો થયો.
આ તો મસૂરીના જાણીતા બિઝનેસમૅન રણજિત તનેજાની વાઇફ. માય ગૉડ, તેણે તેના હસબન્ડને મારી નાખ્યો?
રાતના સાડાનવ થઈ રહ્યા હતા.
મેં મારી જીપ બહાર કાઢી. સાથે એક મહિલા કૉન્સ્ટેબલ અને એક ફોટોગ્રાફરને લઈને અમે રણજિત તનેજાના બંગલે પહોંચ્યા ત્યારે મેં જે જોયું એ હું જિંદગીભર નહીં ભૂલી શકું.
બંગલાના વિશાળ ડ્રૉઇંગરૂમમાં તે શાંતિથી એક સોફા પર બેઠી હતી. તેની થીજી ગયેલી ઊંડી આંખોમાં એક ચોક્કસ પ્રકારની ડરામણી ઠંડક હતી.
સાવ પાતળી કાયા, ફિક્કી ગોરી ત્વચા, અણીદાર નાક, ઘેરી લિપસ્ટિક વડે રંગેલા પાતળા હોઠ અને લાંબા સ્ટ્રેટન કરેલા વાળ. એમાંય તેનો ફર્શ સુધી ફેલાયેલો કાળો ગાઉન.
તે બાઈ જાણે કોઈ ભૂતકથાના પુસ્તકમાંથી સીધી બહાર આવીને અહીં બેસી ગઈ હોય એવી જ લાગતી હતી.
સોફાની બાજુમાં જ મોંઘી પર્શિયન કાર્પેટ પર કસાયેલું શરીર ધરાવતા રણજિત તનેજાની છ ફુટની કાયા ફેલાઈને ચત્તી પડી હતી. તેના સફેદ શર્ટમાં ડાબી સાઇડની છાતીમાં બે ગોળી વાગવાનાં નિશાનમાંથી લોહી નીકળીને ફેલાઈ ચૂક્યું હતું.
રણજિત તનેજાની આંખો હજી ખુલ્લી હતી. છત તરફ મંડાયેલી હતી. પગમાં બૂટ, હાથમાં મોંઘી ઘડિયાળ, પેલા સફેદ શર્ટની ઉપર પહેરેલો ડાર્ક બ્લુ કલરનો સૂટ... એ જોતાં લાગતું હતું કે તે હજી બહારથી બંગલામાં આવ્યા હશે એની થોડી જ મિનિટોમાં તેના પર ગોળીઓ ચલાવવામાં આવી હશે.
જે રિવૉલ્વરથી ગોળીઓ ચલાવવામાં આવી હતી એ હજી દમયંતી તનેજાના હાથમાં જ હતી.
હું હજી સ્તબ્ધ થઈને આખો નજારો જોઈ રહ્યો હતો ત્યાં તેણે મને રિવૉલ્વર વડે ઇશારો કરતાં કહ્યું, ‘બેસોને ઇન્સ્પેક્ટર ધારીવાલ. તમે શું લેશો? કંઈ ચા-કૉફી, ઠંડું વગેરે?’
‘નો થૅન્ક્સ.’ મેં કહ્યું.
મને હજી વિશ્વાસ નહોતો પડી રહ્યો કે કોઈ વ્યક્તિ ખૂન કર્યા પછી આટલી બધી સ્વસ્થ શી રીતે હોઈ શકે? હું સામેની એક ખુરસી ખેંચીને બેઠો.
‘તમે કંઈ નોટ, ચોપડો વગેરે નથી લાવ્યા ઇન્સ્પેક્ટર? મારે મારું કન્ફેશન લખાવવું છે.’
‘મૅડમ, એવું છે કે પોલીસ-સ્ટેશનનો રાઇટર દિવસે જ ડ્યુટી પર હોય છે.’
‘ઓકે. તો તમે મારું બયાન તમારા મોબાઇલમાં રેકૉર્ડ કરી લો, કેમ કે હું કંઈ તમારા પોલીસ-સ્ટેશનમાં આવવાની નથી.’
ત્યાર બાદ દમંયતી તનેજાએ જે બયાન રેકૉર્ડ કરાવ્યું છે એના વિશે શું કહું?
કોઈ ૪૦-૪૫ વરસની પાતળી સુકલકડી કાયામાં આટલું બધું જોર હોય? તેણે એક નહીં, ત્રણ-ત્રણ મર્ડર કર્યાં હતાં; એ પણ પૂરેપૂરા પ્લાનિંગ સાથે.
હવે વધુ શું કહું?
દમયંતી તનેજાનું બયાન તમે જાતે જ સાંભળો...
lll
મારું નામ દમયંતી તનેજા. હું રણજિત તનેજાની પત્ની છું.
છેલ્લાં ૨૦ વર્ષથી હું પડ્યું પાનું નિભાવતી આવી છું. તે શરીરે ખડતલ, હું પાતળી; તે દેખાવે હૅન્ડસમ, મારાં ડાચાં બેઠેલાં; તે સ્વભાવે રંગીલા અને હું...
જવા દો. લગ્નની શરૂઆતનાં વરસો મારા માટે જુલમ સમાન હતાં, પણ બે સંતાનો થઈ ગયા પછી તેમણે મને સતાવવાનું ઓછું કર્યું હતું. જોકે એ પછી પણ તેમની શરીરની ભૂખ સંતોષવા માટે મારે સતત ઘસાતા જ રહેવું પડતું. છતાં ભગવાનની દયાથી તેમનો બિઝનેસ એટલો બધો વધી ગયો કે તેમને શરીરની ભૂખ સંતોષવાનો સમય મળતો નહીં.
બન્ને દીકરાઓ અમેરિકામાં ભણવા ગયા પછી મારે પણ ઘરમાં કામ નહોતું રહેતું. નોકર-ચાકરોની સુખસગવડને કારણે મને એમ લાગવા લાગ્યું હતું કે હાશ, હવે સુખના દિવસો આવ્યા ખરા.
પણ આ બધું એક છલના જેવું હતું.
મારા પતિનો બિઝનેસ જેમ-જેમ વધતો ગયો તેમ-તેમ તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું. લાયન્સ ક્લબમાં તે બહુ આગળ પડીને કામ કરતા અને દર શનિવારની સાંજે લાયન્સ ક્લબની મીટિંગમાં અચૂક જતા.
શરૂ-શરૂમાં મને આ બહુ સામાન્ય વાત લાગી હતી, પણ પછી શંકા પડવા લાગી.
શા માટે દર શનિવારે મારા પતિ બાથટબમાં ગુલાબજળ નખાવીને નહાય છે? શા માટે દર શનિવારે જ તેમનાં વસ્ત્રો રંગીન અને અપ-ટુ-ડેટ હોય છે? શા માટે દર શનિવારે સવા૨થી તે ખુશમિજાજ મૂડમાં હોય છે? અને લાયન્સની મીટિંગો તો સાંજે છ વાગ્યે રહેતી. તો પછી શા માટે દર શનિવારે તેમને ઘરે આવતાં બાર-એક વાગી જતા હતા?
જોકે રણજિત તનેજા (એટલે કે મારો પતિ) એટલો હોશિયાર હતો કે દર વખતે તેની પાસે કોઈ ને કોઈ કારણ તૈયાર જ રહેતું અને એ પણ અગાઉથી. ‘આજે મિસ્ટર ગુપ્તાને ત્યાં ડિનર છે...’, ‘આજે શહેરની બહાર એક હાઇવે હોટેલ પર અગત્યની મીટિંગ છે...’, ‘ઓહ, આજે તો સખત હિસાબો પતાવવાના છે...’
જોકે મારા મનમાં શંકાનો કીડો વધુ ને વધુ સળવળી રહ્યો હતો. એક દિવસ મેં મારી કાર લઈને રણજિતનો પીછો કરવાનું નક્કી કર્યું.
લાયન્સ હૉલથી સૌ આઠેક વાગ્યે છૂટા પડીને બહાર નીકળતા હતા ત્યારે મેં જોયું કે રણજિતની અડોઅડ એક સ્ત્રી ચાલી રહી હતી. તે ઊંચી, ગોરી અને અટ્રૅક્ટિવ તો હતી જ, પાછી ખૂબ પૈસાદાર પણ લાગતી હતી. રણજિતે તેને તેની કારનો દરવાજો ખોલી આપ્યો. તે અંદર બેઠી અને કાર ઊપડી. પછી રણજિત પોતાની કારમાં બેઠો.
મેં રણજિતની કારનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. રણજિતે રસ્તામાં બે વાર કાર ઊભી રાખીને થોડાં ફ્રૂટ્સ અને નમકીન ખરીદ્યાં અને એક વાઇન શૉપમાં જઈને તેણે શરાબની બૉટલો ખરીદી. રણજિતના આ શોખની મને ખબર હતી, પણ મારે એ જોવું હતું કે તે શનિવારની રાતના બાર વાગ્યા સુધી કોની સાથે બેસીને શરાબ પીએ છે?
રણજિતની કાર શહેરને છોડીને મસૂરીના હાઇવે પર પહોંચી. સલામત અંતર રાખીને હું તેનો પીછો કરતી રહી. એક હાઇવે રેસ્ટોરાં પાસે રણજિતે કાર ઊભી રાખી. અહીં ઝળહળતો પ્રકાશ હતો. થોડી વાર પછી એક સિલ્વર કાર આવીને ઊભી રહી. મેં જોયું કે કારની ડ્રાઇવિંગ-સીટ ૫૨ યુનિફૉર્મ પહેરેલો કોઈ ડ્રાઇવર હતો, પણ પાછળની સીટમાંથી જે સ્ત્રી નીકળી તેને જોઈને હું ઠરી ગઈ.
તે પેલી લાયન્સ હૉલવાળી જ સ્ત્રી હતી!
ધીમે-ધીમે મસૂરીના આ સૂમસામ પહાડી વિસ્તારમાં ધુમ્મસ ઘેરાવા લાગ્યું હતું. હવે વધારે દૂરનું દૃશ્ય ધૂંધળું બની રહ્યું હતું.
તેની સિલ્વર કાર જતી રહી પછી તે બે-ચાર મિનિટ આમતેમ જોતી ઊભી રહી. પછી ધીમે રહીને તે આગળ ચાલવા માંડી. પ્રકાશ ઓછો લાગે એટલું ચાલ્યા પછી તે ઊભી રહી. બરાબર એ જ સમયે રણજિતની કાર સ્ટાર્ટ થઈ અને ધીમે રહીને પેલી સ્ત્રી પાસે જઈને ઊભી રહી. સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને અંદર બેસી ગઈ. કાર ઊપડી.
હું પીછો કરતી રહી.
છેવટે રણજિતની કાર હાઇવેથી દૂર સૂમસામ ટેકરીઓ વચ્ચે આવેલો ઢાળ ચડીને અમારા કૉટેજ હાઉસ ‘પ્રાર્થના’ના ગેટમાં દાખલ થઈ ગઈ.
હું ગેટ પર જ થંભી ગઈ, પણ અહીંથી અમારા ફાર્મહાઉસની પહોળી અને વિશાળ બારીઓમાંથી બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
એ બન્ને બેશરમ લોકોને લાઇટો બંધ કરવાની પણ પડી નહોતી.
અહીં મારી હાલત હૉરિબલ હતી. હું આ જોઈ શકતી નહોતી છતાં મારી આંખો ખસેડી શકતી નહોતી. ગુસ્સાથી મારાં જડબાં જકડાઈ ગયાં હતાં. મારું ગળું અને હોઠ સુકાઈ ગયાં હતાં. મારું આખું શરીર અક્કડ થઈ ગયું હતું. છેક માથાથી પગ સુધી એક ઝીણી ધ્રુજારી ચાલી રહી હતી. મારી હથેળી ઠંડી પડી ગઈ હતી અને લમણાની નસો ફાટ-ફાટ થઈ રહી હતી.
પૂરી ૪૫ મિનિટ સુધી હું તેમની રતિક્રીડા પૂતળું બનીને જોતી રહી.
આખરે એ લોકો છૂટાં પડ્યાં અને વસ્ત્રો પહેરવા લાગ્યાં ત્યારે જાણે મારા પગમાં હલનચલનનો ભાસ થયો.
એ જ ક્ષણે મારા બન્ને પગમાં ખાલી ચડી. એ ઝણઝણાટીને કારણે હું મારા શરીરનો અહેસાસ પાછો પામી શકી. નહીંતર છેલ્લી ૪૫ મિનિટ સુધી તો હું સાવ ચૂંથાઈ ગયેલા ખાલી ખોખા જેવી બની ગઈ હતી.
એ જ વખતે મેં મનોમન નક્કી કર્યું હતું કે આ સ્ત્રીનો મારે કોઈ ઉપાય કરવો જ પડશે; પરંતુ એ હું શી રીતે કરીશ, ક્યારે કરીશ અને ક્યાં કરીશ એની મને કશી જ ખબર નહોતી.
હા, એક વાત મારા મનમાં સ્પષ્ટ હતી કે મને મારો રણજિત પાછો જોઈતો હતો, કોઈ પણ કિંમતે.
(ક્રમશઃ)


