અમે આવીને કરિશ્માના મર્ડરનું કંઈ બોલ્યા નથી તો તને ખબર કેવી રીતે પડી કે મર્ડર તેનું થયું છે?
ઇલસ્ટ્રેશન
‘સર, મારે કંઈ નિસબત જ નથી. પૂછો તમે શૈલેશને. હું ને શૈલેશ છેલ્લા ત્રણ મહિનાથી વાત પણ નથી કરતા...’
સંજય માનસાતાની બૉડી-લૅન્ગ્વેજમાં ઉશ્કેરાટ હતો પણ તે પોતાના શબ્દોમાં પ્રયાસ કરતો હતો કે આ ઉશ્કેરાટ છલકે નહીં.
ADVERTISEMENT
‘બરાબર છે, આપણે એની પણ વાત કરીશું પણ અત્યારે તું મને એટલું કહે... ગયા શુક્રવારે તું ક્યાં હતો?’
‘હું, હું મારા ઘરે જ હતો અને પછી હું ક્યાંય બહાર ગયો પણ નથી. તમારે તપાસ કરાવવી હોય તો કરાવી લો, હું શૈલેશના ઘર તરફ ગયો પણ નથી.’
‘તારે અને શૈલેશને સંબંધો કયા કારણે બગડ્યા?’
‘પૈસા... તેને જ્યાં સુધી પૈસા આપતો હતો ત્યાં સુધી હું સારો હતો પણ પછી જેવી ઉઘરાણી શરૂ કરી કે તરત તેને મારામાં તકલીફ પડવા માંડી.’
‘અત્યાર સુધીમાં તેં એને કેટલા રૂપિયા આપ્યા?’
‘એક્ઝૅક્ટ આંકડો યાદ નથી પણ મેં લખીને રાખ્યું છે ને શૈલેશને પણ એ હિસાબ આપ્યો છે...’
‘અંદાજે કેટલા રૂપિયા?’
‘માનો તમે, પંદરથી વીસ લાખ રૂપિયા.’
‘એમાંથી શૈલેશે તને કેટલા રૂપિયા પાછા આપ્યા?’
‘એકેય નહીં સાહેબ... દર વખતે તે બહાનાં જ કાઢતો રહ્યો. છેલ્લે પછી મને લાગ્યું કે મારો ગેરલાભ લેવાય છે એટલે મેં તેને કહી દીધું, તારે જે વેચવું હોય એ વેચ પણ મને મારા પૈસા પાછા આપ.’
‘હંમ... પછી?’
‘પછી શું, તેણે પૈસા આપ્યા જ નહીં. વાયદા કરતો રહ્યો.’
‘એટલે તને ગુસ્સો આવ્યો ને તેં શૈલેશનું મર્ડર કરી નાખ્યું?’
‘હેં? શૈલૈશનું મર્ડર?’ સંજયે તરત ચોખવટ કરી, ‘તમારી કંઈક ભૂલ થતી લાગે છે, શૈલેશના નહીં, કરિશ્માના મર્ડરની વાત છે.’
સટાક...
મા-સમાણી ગાળ સાથે ડિટેક્ટિવ સોમચંદે સંજય માનસાતાના ગાલ પર થપ્પડ જડી દીધી.
‘અમે આવીને કરિશ્માના મર્ડરનું કંઈ બોલ્યા નથી તો તને ખબર કેવી રીતે પડી કે મર્ડર તેનું થયું છે?’
સંજયની બોલતી બંધ થઈ ગઈ અને સાથોસાથ ઇન્સ્પેક્ટર અમોલની પણ.
lll
‘સોમ, મને તારી કામ કરવાની રીત સમજાતી નથી.’
ઇન્સ્પેક્ટર અમોલે સોમચંદની સામે જોયું. બન્ને સંજય માનસાતાને મળવા મલાડ જતા હતા.
‘વાપીથી જ તેં શૈલેશનો ફોન લઈ લીધો. અહીં આવ્યા પછી પણ શૈલેશને તેં પોલીસપહેરામાં બેસાડી દીધો. શૈલેશને કહે છે કે આ મર્ડરમાં તે ઇન્વૉલ્વ છે અને મને કહે છે કે આ મર્ડરમાં સંજય ઇન્વૉલ્વ છે. સમજાતું નથી, તું શું કરે છે?’
‘જે સમજાતું ન હોય એને સ્વીકારીને આગળ વધતા રહેવાનું...’ અમોલની સામે જોઈને સોમચંદે કહ્યું, ‘તું પણ એ જ કર, આગળ વધતો રહે અને જોતો જા, શું થાય છે.’
lll
‘બોલ, શું કામ કરી કરિશ્માની હત્યા?’
સંજયના ગાલ પર પડેલી બીજી થપ્પડે મૂળમાંથી એક દાંત હચમચાવી નાખ્યો હતો.
‘કહીશ તો ઓછો માર પડશે.’
‘એટલે?’
‘માર તો પડવાનો જ છે પણ નક્કી તું કર. બધું કહી દઈશ, સ્વીકારી લઈશ તો ઓછા ખર્ચાપાણીમાં વાત પૂરી થશે. નહીં તો...’
સટાક.
ત્રીજી થપ્પડ સંજયના ગાલ પર આવી અને સોમચંદે કહ્યું, ‘મુંબઈના વરસાદની જેમ, આ એકધારી ચાલુ રહેશે.’
‘કહું, બધું કહું.’ સંજયે હાથ જોડ્યા, ‘પાણી... મોઢામાં લોહી નીકળે છે.’
સોમચંદે ટેબલ પર પડેલી પાણીની બૉટલ સંજયની સામે લંબાવી અને પછી પૉકેટમાંથી ડેન્ટલ-કિટ કાઢી.
‘આમાંથી રૂનું પોતું અંદર મૂકી દે... બ્લીડિંગ બંધ થઈ જશે.’ ઇન્સ્પેક્ટર અમોલની આંખમાં તાજ્જુબ જોઈને સોમચંદના ફેસ પર સ્માઇલ આવ્યું, ‘આ ગધેડા માટે જ કિટ સાથે લીધી. ખાતરી હતી કે આને બેચાર પડશે નહીં ત્યાં સુધી તે મોઢામાંથી બકવાનો નથી અને તેને બોલાવવા હાથ ઉપાડીશ તો... આની જરૂર પડશે.’
lll
‘કરિશ્મા મને બ્લૅકમેલ કરવા માંડી હતી.’ સંજયનો હાથ હજી પણ તેના જમણા જડબા પર હતો, ‘પહોંચી શકાય એવા ખર્ચમાં મને વાંધો નહોતો પણ તેની ડિમાન્ડ એટલી વધી ગઈ કે મારે નાછૂટકે તેને ધમકાવવાનું શરૂ કરવું પડ્યું. શરૂઆતમાં તો તે શૈલેશના નામથી ડરીને અટકી જતી, પણ પછી તો તેને શૈલેશની પણ બીક નીકળી ગઈ. મને કહે કે વધી-વધીને શું થશે, શૈલેશ ડિવૉર્સ આપશે એટલું જને! હું એ લેવા પણ તૈયાર છું.
‘બ્લૅકમેલમાં પૈસાની જ વાત હતી કે પછી...’
‘તેને મારું બેબી જોઈતું હતું, જે પ્રૅક્ટિકલી શક્ય નહોતું.’ સંજયે વાત આગળ વધારી, ‘હું કરિશ્માને બધી વાતમાં ટાળતો રહ્યો એટલે પછી તેણે શરૂ કર્યું કે હું તેની સાથે અંધેરી-ઈસ્ટના ફ્લૅટમાં રહું. પણ જો એવું કરું તો શૈલેશને અણસાર આવ્યા વિના રહે નહીં અને એ હું નહોતો ઇચ્છતો.’
‘મર્ડર સુધી વાત કેવી રીતે પહોંચી?’
‘બુધવારે રાતે કરિશ્મા ઘર છોડીને મારે ત્યાં આવી ગઈ. જોકે કરિશ્માએ ઘર છોડી દીધું છે એ વાતની શૈલેશને ખબર નહોતી. સાંજે છ વાગ્યે તે ઘરે આવી ગઈ અને મને કહે કે હવે તે કાયમ માટે મારે ત્યાં જ રહેશે. લકીલી એ સમયે મારી વાઇફ વાપી હતી એટલે બીજો કોઈ ઇશ્યુ થયો નહીં. એ દિવસે મેં તેને માંડ સમજાવીને રવાના કરી પણ મને સમજાઈ ગયું કે કરિશ્માથી પીછો છોડાવવાનો સમય આવી ગયો છે.’ પાણીનો એક ઘૂંટ પીને સંજયે વાત આગળ વધારી, ‘ગુરુવારે મેં કરિશ્માને મળીને શુક્રવારે ઘરે આવવાનું કહ્યું. કરિશ્માને કારણે મને ખબર હતી કે શુક્રવારથી શૈલેશ વાપી જવાનો છે ને પાંચ દિવસ ત્યાં રહેવાનો છે. શુક્રવારે કરિશ્મા ઘરે આવી અને તેને મેં...’
‘મર્ડર આ ઘરમાં કર્યું?’
‘હા સર, રૂમમાં...’
‘તારી બધેબધી વાત સાચી પણ સંજય, મને એક વાત સમજાતી નથી.’ ડિટેક્ટિવ સોમચંદ ઊભા થયા, ‘તેં શૈલેશ સાથે બોલવાનું કેમ બંધ કરી દીધું?’
‘પૈસા માટે. મેં કહ્યુંને, કરિશ્માની ડિમાન્ડ વધવા લાગી, જેને પૂરી કરવા મને વધારે ને વધારે પૈસાની જરૂર પડતી. જૉબ તો મારી નામની છે. બાકી પૈસા હું વાપીથી જ મગાવું છું પણ એ મગાવવાની એક મર્યાદા હોય એટલે મેં શૈલેશ પાસે જૂની ઉઘરાણી શરૂ કરી અને શૈલેશને એમાં તકલીફ પડવા માંડી. મારો ગુસ્સો કરિશ્મા પર હતો. જો તે મને બ્લૅકમેલ ન કરતી હોત તો કદાચ મેં ક્યારેય શૈલેશ પાસે પૈસા માગ્યા ન હોત, પણ...’
‘તારે નાછૂટકે પૈસા માગવા પડ્યા. રાઇટ?’
સંજયે હકારમાં મસ્તક નમાવ્યું અને બીજી જ ક્ષણે તેના ગાલ પર થપ્પડ આવી.
‘અધૂરી વાત નહીં, પૂરી વાત કર. આખી વાત ને પૂરી વાત.’
‘મેં... મેં જે સાચું હતું એ બધેબધું તમને કહી દીધું...’
સંજયની જમણી બાજુનો દાંત ઊખડી ગયો હતો પણ સોમચંદને કહેવાની હિંમત નહોતી.
‘સાચી વાત તો તું શું, તારો બાપ પણ કહે... હું આખી વાત કરવાનું કહું છું. આખી વાત ને પૂરી વાત. એ કોણ કહેશે?’
બહેનસમાણી ગાળ સાથે સોમચંદે હાથ ઊંચો કર્યો કે બીજી જ સેકન્ડે સંજય માનસાતા તેના પગમાં ઢોળાઈ ગયો.
‘મને માફ કરો સાહેબ, મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ.’
ધાડ.
સોમચંદે સંજય માનસાતાને લાત મારી અને ઇન્સ્પેક્ટર અમોલનું બ્લડપ્રેશર વધી ગયું. શકમંદને તેના જ ઘરમાં આ રીતે માર્યા પછી જો તે કોર્ટમાં આ મારામારીના પ્રૂફ રજૂ કરે તો એ ગુંડાગીરી સાબિત થાય અને એ માટે કોર્ટ પણ કોઈ રહેમદિલી રાખતી નથી.
‘સોમ, નહીં...’
‘એય... જસ્ટ શટઅપ...’
સોમચંદની આંખો જોઈને ઇન્સ્પેક્ટર અમોલ પણ ધ્રૂજી ગયા. સોમચંદે ફરી પગ પાસે નજર નાખી. પેટમાં પડેલી લાતના કારણે સંજય માનસાતા ગોટો વળી ગયો હતો. સંજય કંઈ કહે, કરે કે વર્તે એ પહેલાં તેના પેટમાં ફરી લાત આવી.
‘અમને મૂર્ખ બનાવીશ... અમને?’ સોમચંદની કમાન છટકી ગઈ હતી, ‘તમારા જેવા હરામખોરો માટે પોલીસ સ્ટાફ છે? અમે આ કામ કરવા માટે અપૉઇન્ટ થયા છીએ?’
‘સોમ, બે મિનિટ. તું આમ આવ.’
‘અરે, સાલ્લાને જીવતો નથી મૂકવો.’ સોમચંદને અમોલે પકડ્યો હતો તો પણ તેણે વધુ એક લાત સંજયને જડી દીધી, ‘સાલ્લા... બાપને રમાડીશ?’
‘સોમ, જો તું... એ બેહોશ થઈ ગયો છે.’
સોમચંદે સંજય સામે જોયું. અમોલની વાત સાચી હતી. સંજય બેભાન થઈ ગયો હતો. અલબત્ત, એ પછી પણ સોમચંદનો ગુસ્સો કાબૂમાં નહોતો આવ્યો.
‘તેણે ગુનો કબૂલી લીધો પછી શું કામ આટલો ઉશ્કેરાય છે?’
‘અમોલ, તું... તું આ લોકોની વાતોમાં આવે છે?’ સોમચંદ અમોલ સામે જોયું, ‘આ ત્રણેત્રણ હરામી છે. એક-એકથી ચડે એવા હરામી...’
‘પહેલાં તું પાંચ મિનિટ બેસ.’
અમોલે પરાણે સોમચંદને સોફા પર બેસાડ્યો અને પછી ફોન કરીને સોસાયટીમાં નીચે વેઇટ કરતા કૉન્સ્ટેબલ પાસે પાણી મગાવ્યું.
lll
‘સંજય પોતાનો ગુનો કબૂલી લે છે એ પછી તને કેમ એવું લાગે છે કે સંજય આપણને બધી વાત નથી કરતો?’
‘સિમ્પલ છે અમોલ, સંજય હજી પણ કોઈને બચાવે છે?’
‘કોને?’
‘જો આ...’
સોમચંદે શૈલેશના મોબાઇલની ગૅલરી ખોલી અને કરિશ્માનો ફોટોગ્રાફ કાઢી એ ઝૂમ કર્યો. કરિશ્માના ડાબા કાંડા પર ચીતરેલા ટૅટૂને જોઈ અમોલની આંખો પહોળી થઈ.
‘સમજાયું હવે?’
અમોલ પાસે કોઈ જવાબ નહોતો.
‘વિચાર તું... હાથ પર હસબન્ડના નામનું એટલે કે શૈલેશના નામનું ટૅટૂ કર્યું છે. સંજય કહે છે કે કરિશ્માનું મર્ડર તેણે કર્યુ. જો મર્ડર તેણે કર્યું હોય તો સંજયે શૈલેશનું નામ કાંડા પરથી શું કામ હટાવવું પડે? એ શૈલેશનું નામ, જેની સાથે તે ત્રણ મહિનાથી બોલતો નથી એવું કહે છે.’
‘હંમ... પણ કારણ શું?’
‘નથિંગ. બાઇસેક્સ્યુઅલ રિલેશનશિપ.’
‘મતલબ...’
‘સંજય અને શૈલેશ બાઇસેક્સ્યુઅલ રિલેશનશિપથી જોડાયેલા હતા જેની આટલા વખતે કરિશ્માને ખબર પડી એટલે કરિશ્માએ બ્લૅકમેલ કરવાનું શરૂ કર્યું. બ્લૅકમેલ પછી પણ કરિશ્માના મનમાં એક વાત રહી ગઈ કે આ બન્નેએ તેને ચીટ કરી એટલે તેણે નક્કી કર્યુ કે શુક્રવારે તે શૈલેશ સાથે વાપી મૅરેજમાં જશે અને ત્યાં જઈને તે શૈલેશ-સંજયનો ભાંડો ફોડશે. શૈલેશને તો હજી પણ ઓછી બીક હતી પણ સંજય તો પૂરેપૂરો વાઇફથી દબાયેલો હતો એટલે તેણે નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે કરિશ્માને રસ્તામાંથી હટાવવી અને એમાં સાથ આપ્યો શૈલેશે.’
સોમચંદે પાણીનો એક ઘૂંટ પીધો.
‘આ જ ઘરમાં કરિશ્માને મારવામાં આવી અને આ જ ઘરથી મરોલ સુધી તેની ડેડ-બૉડી આ બે હરામીઓ લઈ ગયા. એક જ જગ્યાએ બૉડી ફેંકવાને બદલે એ લોકોએ બૉડી અલગ-અલગ જગ્યાએ નાખી, પણ નાખી MIDCમાંથી નીકળતા કેમિકલ વેસ્ટવાળી ગટરમાં. મનમાં હતું કે એકાદ વીકમાં કેમિકલના કારણે બૉડી સડી જશે, પણ ભલું થજો પેલા કૂતરાઓનું કે એણે કરિશ્માને ન્યાય અપાવ્યો.’
ડિટેક્ટિવ સોમચંદ ઊભા થયા.
‘આ હલકટ ભાનમાં આવે એટલે પોલીસ-સ્ટેશન લઈ જજે... જે પ્રૂફની જરૂર પડે એ મગાવી લેજે.’ છેલ્લી લાત બેભાન સંજયના પેટમાં ફટકારી સોમચંદે અમોલની સામે જોયું, ‘જો ગુનો સ્વીકારે નહીં તો બોલાવજે મને.’
સંપૂર્ણ


