અમોલ, આ કેસમાં આપણે ટપકાંઓ જોડતાં જવાનાં છે, ડૉટ જૉઇન કરીશું તો જ આખું પિક્ચર તૈયાર થશે
ઇલસ્ટ્રેશન
‘જો કેસનું પોસ્ટમૉર્ટમ કરવું હોય તો અત્યારે જે ક્લુ આપણને મળી છે એના આધારે કહી શકાય કે...’ સોમચંદે ઇન્સ્પેક્ટર અમોલને કહ્યું, ‘મરનારી વ્યક્તિ ગુજરાતી હોઈ શકે છે. બીજું, તે ગુજરાત સાથે કનેક્ટેડ હોઈ શકે છે અને ત્રીજું, તે ગુજરાતથી અહીં શિફ્ટ થઈ હોઈ શકે છે.’
‘એવું પણ બને કે તે ગુજરાતની જ હોય અને અહીં તેણે લાશનો નિકાલ કર્યો હોય.’
ADVERTISEMENT
‘ના, લાશને છેક ગુજરાતથી અહીં લાવવી અશક્ય છે. અત્યારે તો ચેકિંગ પણ જે પ્રકારનું છે એ જોતાં તો આ વાત મને અસંભવ લાગે છે.’ સોમચંદે તર્ક સાથે કહ્યું, ‘આ જે વ્યક્તિ છે એ ગૃહિણી હોવાની શક્યતા વધારે છે. આપણને કોઈ પ્રૂફ નથી મળ્યું એટલે અનુમાન પર જ ચાલવાનું છે. અનુમાનના આધારે આપણે એવું પણ ધારી શકીએ કે આ છોકરી મૅરિડ હશે અને એટલે તેના હસબન્ડ પર શક કરી શકાય પણ શકને સાઇડ પર રાખીએ, આપણે પહેલાં એ વિચારીએ કે તેનો હસબન્ડ ક્યાં હશે તો હું કહીશ કે તેનો હસબન્ડ ટર્નર-ફિટર કે એવું કોઈ નાનું-મોટું કામ કરતો હશે જે ITI ફીલ્ડનું હોય. તે MIDCની કોઈ ફૅક્ટરીમાં જૉબ કરતી હોય એવું ધારી શકાય, કારણ કે MIDCમાં આ પ્રકારના સ્ટાફની જરૂર પડતી હોય છે.’
‘MIDCમાં તપાસ કરાવવી છે?’
‘સ્વાભાવિક છે, તપાસ કરાવવી જ જોઈએ પણ એક તકલીફ છે. મરનારી મહિલા છે એટલે એવી પૂછપરછ કઈ રીતે કરવી કે જેમાં તમે કોઈની વાઇફની પણ ઇન્ક્વાયરી કરી શકો.’ સોમચંદની વાતમાં તથ્ય હતું, ‘પુરુષ બધા હાજર હશે અને એ બધા કહી પણ દેશે કે વાઇફ ઘરે છે. આપણે કેવી રીતે વાઇફને લઈને તેમને આવવાનું કહી શકીએ?’
‘તો કરશું શું?’ ડ્રાઇવ કરતાં અમોલે સવાલ કર્યો, ‘ત્રણ દિવસ તો ઑલરેડી નીકળી ગયા છે. આ ત્રણ દિવસમાં આપણને એક પણ એવી ક્લુ નથી મળી જેના આધારે એક સ્ટેપ પણ આગળ વધી શક્યા હોઈએ.’
‘અમોલ, આ કેસમાં આપણે ટપકાંઓ જોડતાં જવાનાં છે. ડૉટ જૉઇન કરીશું તો જ આખું પિક્ચર તૈયાર થશે.’ અચાનક સોમચંદને સ્ટ્રાઇક થયું, ‘બૉડી પરથી બીજું કંઈ એવું મળ્યું જે નોટિસેબલ હોય?’
‘હંમ... એક ટૅટૂનો ઉલ્લેખ છે પણ એ ટૅટૂ દેખાતું નથી.’
‘ઉલ્લેખ છે ને દેખાતું નથી!’ સોમચંદને નવાઈ લાગી, ‘એવું કેવી રીતે બને?’
‘ફાઇલ પાછળ જ પડી છે, જોઈ લે...’
ગાડીની પાછળની સીટમાં પડેલી ફાઇલ હાથમાં લઈ સોમચંદે ફૉરેન્સિક લૅબોરેટરીનો રિપોર્ટ જોવાનું શરૂ કર્યું.
ઇન્સ્પેક્ટર અમોલની વાત
સાચી હતી.
છોકરીના જમણા હાથમાં એક ટૅટૂ હતું પણ એ ટૅટૂ પરની આખી સ્કિન ઉતારી લેવામાં આવી હતી. એવું ધારી શકાય કે કોઈનું નામ ટૅટૂમાં લખાવ્યું હશે અને મર્ડરર નહોતો ઇચ્છતો કે એ નામ લોકોની સામે આવે. ટૅટૂવાળી સ્કિન કાઢી લીધા પછી પણ ટૅટૂના એન્ડમાં આવતાં ત્રણ ટપકાં અકબંધ હતાં. ફૉરેન્સિક લૅબોરેટરીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હાથ જે પ્રકારે કપાયો છે એ જોતાં બની શકે કે ઘા આડો લાગ્યો હોય અને એને લીધે પણ ટૅટૂવાળા કાંડાની સ્કિન નીકળી ગઈ હોય. આ જ રિપોર્ટમાં એ પણ ચોખવટ હતી કે સ્કિનની નીચેના ભાગમાં પણ ટૅટૂ પરની ઇન્ક મળી નથી, જેને કારણે ટૅટૂમાં શું લખ્યું હતું એ જાણી શકાયું નથી. એક સ્પષ્ટતા એ પણ હતી કે હાથમાં કરવામાં આવેલા ટૅટૂમાં ત્રણ ડૉટ એટલે કે ત્રણ ટપકાં જ હોઈ શકે છે. જોકે એ વાત સોમચંદને ગળે નહોતી ઊતરતી.
lll
‘જ્યારે કોઈ પુરાવો ન મળે ત્યારે અનુમાનને પુરાવો બનાવીને આગળ વધવું જોઈએ...’ ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘અત્યારે આપણી પાસે બે પુરાવાઓ ભેગા થયા છે. એક, દાંતમાં કૅપ હતી અને બીજો પુરાવો આ ટૅટૂ... અમોલ, આપણે કોઈ પણ હિસાબે એ જાણવાનું છે કે આ ટૅટૂમાં શું લખ્યું હતું.’
‘લખ્યું એવું કેમ ધારી શકાય? બને કે એ ડિઝાઇન પણ હોય.’
‘અનુમાન... જ્યારે પુરાવો ન
હોય ત્યારે અનુમાનને પુરાવો બની આગળ વધો.’
ઇન્સ્પેક્ટર અમોલની ધારણા ખોટી નહોતી તો ડિટેક્ટિવ સોમચંદની સ્ટ્રૅટેજી પણ ગેરવાજબી નહોતી.
lll
‘મને ગુમ થયેલી વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ જોઈએ છે.’ પોલીસ-સ્ટેશનમાં દાખલ થતાં જ ડિટેક્ટિવ સોમચંદે અમોલને કહ્યું અને સાથોસાથ સૂચના પણ આપી, ‘મુંબઈના તમામ સબર્બમાંથી ગુમ થયા હોય એના ફોટોગ્રાફ્સ અને ગોરેગામથી પાર્લા વચ્ચેથી ગુમ થયેલા લોકોના મૅક્સિમમ ફોટોગ્રાફ્સ.’
‘ઓકે.’
ઇન્સ્પેક્ટર અમોલે ફોન હાથમાં લીધો કે તરત સોમચંદે વધુ એક
સૂચના આપી.
‘ગુજરાતી મહિલાના ફોટો તાત્કાલિક મંગાવજે.’
અમોલે સૂચના આપી દીધી અને થોડી વારમાં ફોટો આવવાના શરૂ પણ થઈ ગયા. જોકે આવતા ફોટોમાં કંઈ ખાસ જાણવા કે સમજવા મળે એવી શક્યતા દેખાતી નહોતી એટલે ઇન્સ્પેક્ટર અમોલે શંકા વ્યક્ત કરી.
‘લેડી ગુમ થવાની કોઈ કમ્પ્લેઇન્ટ લખાવવામાં ન આવી હોય એવું બને તો...’
‘ચાન્સ છે. ફૉરેન્સિક લૅબોરેટરીનો રિપોર્ટ કહે છે કે આ મર્ડરને અડતાલીસથી બોંતેર કલાક થયા હોઈ શકે છે.’ સોમચંદે ચોખવટ કરી, ‘આટલા સમયમાં વ્યક્તિ ગુમ થઈ હોય એવું કદાચ કોઈ ન પણ લખાવે અને ગુજરાતી છે તો કદાચ એવું પણ બને કે કમ્પ્લેઇન્ટ અહીં ન પણ થઈ હોય. અમોલ, એક કામ કર, સુરત સુધીના વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાઓના ફોટો પણ મગાવીએ. કદાચ એમાંથી કોઈ ક્લુ મળે.’
‘ગુજરાત પોલીસ એટલી ઝડપથી કામ કરશે?’ શંકા સાથે ઇન્સ્પેક્ટર અમોલે કહી દીધું, ‘મને નથી લાગતું કે તું માગે છે એટલી ઝડપે ત્યાંથી ડેટા આવે.’
‘આપણે કહી દઈએ. બાકી એ લોકોનું નસીબ...’
મુંબઈની અલગ-અલગ ચોકીમાંથી જે ફોટોગ્રાફ્સની મેઇલ આવવા માંડી હતી એ ફોટો જોવામાં સોમચંદ લાગી ગયા અને ઇન્સ્પેક્ટર અમોલ ગુજરાતના DIG સાથે વાત કરવામાં. જોકે એ વાત પૂરી થાય એ પહેલાં જ સોમચંદે એક ફોટો અલગ તારવી લીધો હતો.
lll
કરિશ્મા શૈલેશ પટેલ.
ઉંમર વર્ષ ૨૯.
અંધેરી ઈસ્ટ.
lll
‘અમોલ, આપણને આ છોકરીના વધારે ફોટોગ્રાફ જોઈએ છે. તાત્કાલિક મગાવ.’ કહી દીધા પછી સોમચંદ
શાહ ઊભા થઈ ગયા, ‘એક કામ કર, ફોટો મગાવવા નથી. આપણે રૂબરૂ જઈએ. ચાલ...’
‘શું થયું?’ ઇન્સ્પેક્ટર અમોલ પણ ઊભા થયા, ‘ફોટો પરથી બાંધો જુદો લાગે છે.’
‘પાણીમાં લાશ ફૂલતી હોય છે એ સામાન્ય વાત તું કેમ ભૂલે છે?’ સોમચંદની ચાલમાં ઉતાવળ હતી, ‘ફોટો ધ્યાનથી જો, તેના હાથમાં ટૅટૂ દેખાય છે. આ એ જ સાઇડનો હાથ છે જે લાશમાં પણ હતો.’
‘બહુ સામાન્ય વાત છે સોમ આ...’
‘હા, પણ આપણે કેસ તો અસામાન્ય સૉલ્વ કરવાનો છેને?’ ગાડીમાં બેસતાં સોમચંદે કહ્યું, ‘તું લાઇનસર બધી વાત નોટિસ કરતો જા. કરિશ્મા ગુમ છે. કરિશ્માના હાથમાં ટૅટૂ છે અને કરિશ્મા મૂળ ગુજરાત, વાપીની છે.’
‘ઓહ, એ મારું ધ્યાન નથી.’ ઇન્સ્પેક્ટર અમોલે સ્વીકારી લીધું, ‘મેં તો અંધેરી ઈસ્ટ વાંચીને ફોટો સ્ક્રોલ કરી નાખ્યો.’
‘વાંધો નહીં, હવે ગાડી જલદી ચલાવ.’
lll
‘એ તો ચારેક દિવસથી બહારગામ ગયાં છે.’
કરિશ્માના ઘરે તાળું હતું એટલે સોમચંદ-અમોલે બાજુનો ફ્લૅટ ખખડાવ્યો હતો.
‘ભાઈ તો લગ્નમાં જવાનાં હતાં પણ બહેન અહીં જ હતાં. ખબર નહીં, કદાચ તે પાછળથી લગ્નમાં ગયાં હોય.’
‘લગ્નમાં ક્યાં જવાનાં હતાં, કંઈ ખબર છે?’
‘વાપીનાં છેને, ત્યાં જ ગયાં હશે.’ પાડોશીએ સહેજ ખચકાટ સાથે કહ્યું, ‘અમારે બહુ બનતું નહીં. ઝઘડા જેવું નહોતું પણ આખો દિવસ ઘરમાં બહેન એકલાં હોય ને ફ્લૅટનો દરવાજો
પણ બંધ હોય. પછી ક્યાંથી વધારે વાતચીત થાય?’
‘તેમના હસબન્ડનું નામ...’
‘શૈલેશ પટેલ.’
‘પૂછું એટલું નહીં, ખબર હોય એટલું બોલો...’
સોમચંદે ઇન્સ્પેક્ટર અમોલના પાછળના પૉકેટમાં હાથ નાખી વૉલેટ બહાર કાઢ્યું અને અમોલનું મહારાષ્ટ્ર પોલીસનું આઇ-કાર્ડ દેખાડ્યું.
‘ક્રાઇમ કેસની ઇન્ક્વાયરી ચાલે છે. અહીં માહિતી આપી દેશો તો તમારા હિતમાં રહેશે. બાકી પોલીસ-સ્ટેશન આવવું પડશે.’
‘કહ્યુંને સાહેબ, વધારે ખબર નથી. હસબન્ડનું નામ શૈલેશ પટેલ. એ ભાઈ કોઈક ફૅક્ટરીમાં કામ કરે છે. બાળકો નથી. પતિ-પત્ની બે જ જણ ઘરમાં રહે છે.’
‘ઘરમાં કોઈની અવરજવર... રેગ્યુલર કોઈ આવતું હોય એવું.’
‘શૈલેશભાઈના એક ફ્રેન્ડ છે એ આવતા પણ વીકમાં એકાદ વાર.
એને રેગ્યુલર કહેવાય કે નહીં એ તમે નક્કી કરો.’
‘શૈલેશભાઈનો નંબર કે પછી તેનું વાપીનું ઍડ્રેસ.’
‘ના, કંઈ નથી સાહેબ.’ પાડોશીને અચાનક યાદ આવ્યું, ‘હા, વાપીમાં મોટી બજારમાં કદાચ તેનાં મમ્મી-પપ્પા રહે છે. અગાઉ એક વાર વાત થઈ એટલે યાદ છે...’
‘ઠીક છે.’ સોમચંદે પોતાનો નંબર આપ્યો, ‘શૈલેશભાઈ આવી જાય તો આ નંબર પર ફોન કરી દેજો. બીજું કંઈ યાદ આવે તો પણ ફોન કરજો.’
lll
‘લઈ લે વાપી...’
ગાડીમાં બેસતાં સોમચંદે ઇન્સ્પેક્ટર અમોલને કહ્યું અને ઇન્સ્પેક્ટર અમોલ ઇરિટેટ થઈ ગયો.
‘સોમ, આ કંઈ રીત નથી યાર...’ અમોલની વાત ખોટી નહોતી, ‘આપણે ક્રાઇમ કેસ પર કામ કરીએ છીએ. ડેઇલી ડાયરીમાં એની નોટ થવી જોઈએ. એ નોટ કર્યા વિના કેવી રીતે સ્ટેશન છોડી શકાય?’
‘એક મિનિટ.’ ગાડીનો દરવાજો ખોલી સોમચંદ બહાર નીકળી ગયા, ‘તું પોલીસ-સ્ટેશન જા, હું કૅબ કરીને વાપી જાઉં છું.’
‘અરે પણ...’
‘અમોલ, પ્રેમ અને ક્રાઇમ બન્ને સરખા. જો સમયસર પકડો નહીં તો એ હાથમાંથી સરકી જાય.’
ઇન્સ્પેક્ટર અમોલે તરત નિર્ણય લઈ લીધો.
‘બેસ, ફોન પર નોટ કરાવી દેશું. વાપી અત્યારે જ જઈએ.’
lll
‘શૈલેશ પટેલ?’
‘હા... તમે...’
‘મુંબઈ પોલીસ. થોડી વાત
કરવી છે.’
વાપીની મોટી બજારમાં પહોંચ્યા પછી શૈલેશ પટેલનું ઘર શોધવામાં થોડી તકલીફ પડી પણ મુંબઈવાળા શૈલેશ પટેલને શોધવાનું કામ સરળ બની ગયું અને એ સરળતામાં વધારે આસાની ઊભી કરવાનું કામ કરિશ્મા પટેલના ફોટોએ કર્યું.
લેડીનો ફોટો દેખાડવાનો હતો એટલે અમોલ-સોમચંદે રેસિડેન્શ્યલ એરિયા પકડી લીધો. થોડાં ઘરોમાં ફોટો દેખાડ્યા પછી એક ઘરમાંથી માહિતી મળી.
‘આ તો જમનભાઈના છોકરાની વહુ...’ ઓળખ આપનારાએ કહ્યું, ‘શું થ્યું ભાઈ, આ બહેનને?’
‘કંઈ થયું નથી, અમે તેના હસબન્ડને શોધીએ છીએ.’ જવાબ આપ્યા પછી એમાં તર્ક પણ સોમચંદે ઉમેર્યો, ‘શૈલેશભાઈ મૅરેજમાં ઘરે આવ્યા છે અને બહેનને પગમાં ફ્રૅક્ચર આવ્યું છે. શૈલેશભાઈનો ફોન લાગતો નથી એટલે રૂબરૂ આવવું પડ્યું.’
‘એક કામ કરો. સીધા જાઓ ને પછી મહાકાળીના મંદિર પાસેથી વળાંક લઈ લેજો. વળાંક લ્યો એટલે માનો...’ સરનામું સમજાવનારાએ મનોમન ગણતરી કરી, ‘ત્રીજું, હા ત્રીજું ઘર... એ ઘર જમનભાઈનું. શૈલેશ ત્યાં જ હોવો જોઈ.’
‘તેમને ત્યાં મૅરેજ છે?’
‘એવી તો અમને નથી ખબર પણ હા... હશે. શૈલેશથી નાનાનાં લગ્ન બાકી હતાં એટલી ખબર છે એટલે કદાચ તેનાં લગ્ન હોય એવું બને.’ વાપીવાસીએ શંકા વ્યક્ત કરી, ‘નવાઈ કહેવાય, મોટી વહુ દિયરનાં લગ્નમાં આવી નહીં.’
(ક્રમશ:)


