હા સાહેબ, એ માણસ સાંજે સાડાપાંચ વાગ્યાનો આંટા મારતો હતો અને તેનું ધ્યાન મહેતાસાહેબના ઘર પર હતું
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘ખરાં છે આ બધાં પણ...’
ઘરમાં દાખલ થતાંની સાથે સુબોધ મહેતાની અકળામણ બહાર આવી ગઈ અને તેમણે પત્નીના નામની ફરી બૂમ પાડી, પણ કોઈ જવાબ આવ્યો નહીં એટલે તેઓ રાબેતા મુજબ પોતાની રૂમમાં ગયા. વૉલેટ અને ગાડીની ચાવી એની નિયમિત જગ્યાએ મૂકી સુબોધ મહેતાએ બાથરૂમનો દરવાજો ખખડાવી જોયો, પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે તેમણે દરવાજો ખોલ્યો. બાથરૂમ ખાલી હતું અને બાથરૂમની ફર્શ પણ કોરી હતી, મતલબ કે છાયાએ હમણાં શાવર નથી લીધું.
ADVERTISEMENT
‘તો પછી છાયા ગઈ ક્યાં?’
‘છાયા...’
અવાજની સાથે સુબોધ મહેતા રૂમમાંથી બહાર નીકળ્યા અને બહાર આવીને કિચન તરફ ગયા. કિચનમાંથી કોઈ પ્રકારનો અવાજ આવતો નહોતો એટલે સંભાવના એવી હતી કે કિચન સાથે જોડાયેલા ઘરના પાછળના ભાગમાં છાયા કામ કરતી હોય, પણ કિચન એરિયામાં પડતા અંધકારને કારણે અનુમાન લગાવવું આસાન હતું કે પાછળના ભાગમાં ખૂલતો કિચનનો દરવાજો પણ બંધ છે.
‘ખરી છે આ બાઈ... અત્યારે આ સમયે તે ક્યાં...’
બબડાટ સાથે મોઢામાંથી નીકળતું વાક્ય કિચનનું દૃશ્ય જોતાં જ સુબોધ મહેતાની જીભ પર અધૂરું રહી ગયું.
છાયા જમીન પર પડી હતી. છાયાના પેટમાં છરી હતી. છરી મારનારાએ એટલી ક્રૂરતાથી ઘા માર્યો હતો કે છાયાનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં અને ફર્શ લોહીથી લથબથ હતી.
lll
‘તમને ઘટનાની ખબર ક્યારે પડી?’
‘મેં તમને કહ્યું સાહેબ, ઘરે આવ્યા પછી... મેં બધેબધી વાત કરી દીધી.’
‘મિસ્ટર મહેતા, હું સમય પૂછું છું. તમે કેટલા વાગ્યે ઘરે આવ્યા?’
‘ઓહ, એમ...’ સુબોધ મહેતાની કાંડાઘડિયાળમાં સાડાસાત વાગ્યા હતા, ‘સવા કલાક થયો હશે સાહેબ. ૬ વાગ્યે હું બૅન્કમાંથી નીકળ્યો. ટ્રાફિક ન હોય તો મને ઘરે પહોંચતાં ૧૫ મિનિટ લાગે... આજે ટ્રાફિક નહોતો એટલે હું ટાઇમસર ઘરે આવી ગયો.’
‘હંઅઅઅ...’
વાત આગળ વધે એ પહેલાં કૉન્સ્ટેબલ આવીને ઇન્ક્વાયરી ઑફિસરને ખૂણામાં લઈ ગયો. જે ફૉર્માલિટી કરવાની હતી એની પરમિશન લીધી એટલે ફોટોગ્રાફરે તરત જ લાશ અને ઘરમાં ફોટો પાડવાનું શરૂ કરી દીધું અને ઑફિસર ફરી સુબોધ મહેતા પાસે આવ્યા.
‘તમને કોઈ પર ડાઉટ?’
‘ના સર, કોઈ પર નહીં. અમારા એવા કોઈ સાથે સંબંધ ખરાબ થયા જ નથી. બસ, અમે અમારી જિંદગી જીવીએ. આજે રાતે તો અમે ફિલ્મ જોવા જવાનાં હતાં. ખબર નહીં, આ શું થઈ ગયું...’
સુબોધ મહેતાની આંખમાં આંસુ આવી ગયાં. અત્યાર સુધી તેઓ સંજોગો અને પરિસ્થિતિ સામે ભાગતા હતા, પણ હવે વાસ્તવિકતા તેમની આંખો સામે આવી ગઈ હતી. એકમેકનાં જીવનસાથી બનીને જિંદગીભર એકબીજાને સાથ આપવાનો કૉલ આજે અચાનક જ અહીં, આ ક્ષણે પૂરો થઈ ગયો હતો.
‘વડીલ, શાંત...’ અનુભવના આધારે ઇન્સ્પેક્ટરે સુબોધ મહેતાના ખભા પર હાથ મૂકી સાંત્વના આપી, ‘હજી તો તમારે આખી ઇન્ક્વાયરીમાં સાથે ઊભા રહેવાનું છે. આપણે આવું કરનારાને જેલમાં મોકલવાનો છે. તમે હિંમત હારો એ કેમ ચાલે?’
ઘરમાં કોઈ હતું નહીં એટલે સુબોધ મહેતાને પાણી આપવાનું કામ પણ કૉન્સ્ટેબલે કર્યું અને પછી સુબોધ મહેતાને લઈને પોલીસ અંધેરી પોલીસ-સ્ટેશને જવા રવાના થઈ.
lll
ઇન્સ્પેક્ટર પાલેકરે સુબોધ મહેતાનું આખું સ્ટેટમેન્ટ વાંચી લીધું.
આ કેસમાં જ્યારે-જ્યારે ઇન્ક્વાયરી ઑફિસર ચેન્જ થયા હતા ત્યારે-ત્યારે સુબોધ મહેતાનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને તેમના સ્ટેટમેન્ટમાં રતીભાર ફરક નહોતો આવ્યો. અરે, પોતે ઘરમાં કેવી રીતે દાખલ થયા એનું પણ આખું વર્ણન ડિટ્ટો ટુ ડિટ્ટો એ જ હતું. પાલેકરે ફાઇલમાં રાખવામાં આવેલાં એ તમામ સ્ટેટમેન્ટની તારીખો પર પણ નજર કરી લીધી. અમુક સ્ટેટમેન્ટ વચ્ચે તો ત્રણ-ચાર વર્ષનો ગાળો હતો અને એ પછી પણ સુબોધ મહેતાના શબ્દો ક્યાંય બદલાયા નહોતા.
ઇન્ક્વાયરી આગળ કેવી રીતે વધી એ જોઈ લેવું જોઈએ.
ઇન્સ્પેક્ટર પાલેકરે ફાઇલનાં પાનાં ઊથલાવ્યાં અને પહેલાં ઇન્ક્વાયરી ઑફિસર રાઠોડની જે તપાસ હતી એ તપાસ પર નજર કરવાની શરૂઆત કરી.
ઇન્સ્પેક્ટર રાઠોડે એ એરિયામાં ૧૦૦થી વધારે લોકોની પૂછપરછ કરી હતી અને એ પૂછપરછ પછી એક શકમંદ દેખાયો હતો.
lll
‘હા સાહેબ, એ માણસ અહીં સાંજે સાડાપાંચ વાગ્યાનો આંટા મારતો હતો અને તેનું ધ્યાન મહેતાસાહેબના ઘર પર હતું.’ પાડોશમાં રહેતાં જ્યોત્સનાબહેન શાહનો અવાજ અચાનક ધીમો થઈ ગયો હતો, ‘મેં તેને બેત્રણ વખત જોયો છે એવું તેને લાગતાં તે થોડીક વાર માટે ગુમ થઈ ગયો પણ પછી મેં કિચનમાંથી જોયું તો તે પાછો આવી ગયો હતો...’
‘પછી તે ક્યાં ગયો કે બીજી કોઈ ખબર છે?’
‘ના સાહેબ, પછી મારે બોરીવલી મારાં વેવાણને ત્યાં જવાનું હતું એટલે હું નીકળી ગઈ અને મને ત્યાં જ આ સમાચાર મળ્યા...’
‘તે માણસ કેવો દેખાતો હતો એ કહી શકો?’
‘હાસ્તો, આંખોમાં છપાઈ ગયો છે તે...’
lll
શકમંદ એવા એ માણસનું ઇલસ્ટ્રેશન તૈયાર થયું અને એ ઇલસ્ટ્રેશન સાથે પોલીસ કૉન્સ્ટેબલ એ વિસ્તારમાં ફરી ચૂક્યા તો ઇન્સ્પેક્ટર રાઠોડે પણ પોતાના ખબરી નેટવર્કમાં એ ફોટો મોકલી દીધો. વૉટ્સઍપનો જન્મ તો થઈ ગયો હતો, પણ ઇન્ડિયામાં એ હજી એટલું પૉપ્યુલર નહોતું એટલે ફોટો મોકલવા માટે મલ્ટિમીડિયા મેસેજનો ઉપયોગ થતો.
ઇન્સ્પેક્ટર રાઠોડે મોકલેલા એ MMSને જોઈને રાતે તેને રાજુ સોપારીનો ફોન આવ્યો.
‘સાહેબ, આ માણસને હું ઓળખું છું...’
‘ક્યાં છો? રૂબરૂ મળવું છે...’
‘આવી જાઓ ગુંદવલી નાકે. ગલીમાં માલની ડિલિવરી કરવા જવાનું છે.’ રાજુએ મજાકમાં કહી પણ દીધું, ‘તમે હશો તો બીજા કોઈ પૂછપરછ નહીં કરે.’
‘એ હરામખોર, તારા અફીણની ડિલિવરીમાં તું મારો સપોર્ટ લે છે?’
અફીણનાં ફૂલની સાઇઝ સોપારી જેવડી હોય છે. રાજુ એ ફૂલ વેચતો એટલે તેનું નામ રાજુ સોપારી પડી ગયું હતું.
‘મર્ડરરને પકડવા માટે તમે પણ મારો સપોર્ટ લો જ છોને...’ રાજુએ હસીને વાત વાળી લીધી, ‘ટેન્શન નહીં કરો. તમારા પહેલાં પહોંચીને માલની ડિલિવરી પતાવી લઈશ. આવી જાઓ ગુંદવલી, ત્યાં મળીએ.’
lll
‘નામ શું છે આ માણસનું?’
‘આખું નામ તો ખબર નથી, પણ સાહેબ, માણસ ભણેલો છે. કદાચ એન્જિનિયર છે. ચંદ્ર મુથ્થુ કે એવું જ કંઈક નામ છે.’
‘તું કેવી રીતે ઓળખે?’
‘સા’બ, કૈસી બાત કરતે હો... અપન કો પૈચાનનેવાલા તો વો હી હોગાના...’ રાજુએ ચલમની સ્ટાઇલ કરી, ‘રેગ્યુલર કસ્ટમર હૈ અપના... પર હા, એક હફ્તે સે દિખાઇચ નઈ... રોકડા લાતા થા ઔર હોલસેલ મેં માલ લેતા થા. એક વાર તો એવું થયું કે મારે લોખંડવાલામાં મોટી ડિલિવરી આપવાની હતી અને મારી પાસે માલ ઓછો હતો તો મેં તેને પૂછ્યું. આ મુથ્થુ પાસે માલ હતો. તેણે કહી દીધું, આ જાઓ ઔર લે જાઓ. મેં તેને પૈસાનું પૂછ્યું તો મને કહે કે માલ સામે માલ, મને જરૂર પડે ત્યારે ડિલિવરી કરી જજે, હિસાબ ચૂકતે...’
‘માલ લેવા તું ક્યાં ગયો હતો?’ ઇન્સ્પેક્ટર રાઠોડની આંખોમાં ચમક આવી ગઈ હતી, ‘આપણે ત્યાં જવું છે... ઊભો થા.’
‘અત્યારે નહીં હોય... એ તો તેની ઑફિસ હોય એવું મને લાગ્યું.’
‘શેની ઑફિસ...’
‘પતા નહીં પર... અહીં ઈસ્ટમાં શેર-એ-પંજાબ સોસાયટીમાં જે હાઇરાઇઝ બને છે એની સાઇટ પર હું ગયો હતો.’ રાજુને ઝબકારો થયો, ‘સાહેબ, કદાચ તે ત્યાં નોકરી કરતો હોય એવું બને...’
રાજુએ ઝાટકા સાથે ટેબલ પર પડેલા વૉડકાનો ગ્લાસ પેટમાં ઠાલવી દીધો અને ઊભો થઈ ગયો.
‘ચાલો, ત્યાં જઈએ... ત્યાં બીજા પણ મારા એક-બે કસ્ટમર છે.’
lll
‘આ અમારા સાહેબ છે... મુથ્થુસાહેબ.’ સ્કેચ જોઈને એક મજૂરે રાજુને કહ્યું, ‘અહીંના સિવિલ એન્જિનિયર છે. બહુ સારા માણસ છે.’
‘તે ક્યાં છે?’
‘એ તો ખબર નથી, પણ એકાદ વીકથી દેખાતા નથી.’
‘જૉબ છોડી દીધી હોય એવું બને?’
‘બને સર, તેની જગ્યાએ બીજું કોઈક તો હમણાં આવે છે...’ મજૂરે રાજુ સામે જોયું, ‘આ સાહેબની ઓળખાણ...’
‘આપણા બધાયના બાપુજી... ચલ જા, અપના કામ કર.’
lll
બનતી એક સાઇટ, એ સાઇટ પર જૉબ કરતો સિવિલ એન્જિનિયર, એક મર્ડર અને મર્ડર પછી એ માણસનું ગુમ થવું. ઘટનાના તંતુઓ મળતા હતા, પણ હજી ઘટના માટેનું કારણ નહોતું સમજાતું એટલે ઇન્સ્પેક્ટર રાઠોડ બીજા દિવસે બિલ્ડરની ઑફિસ પહોંચ્યા. એ જે સાઇટ હતી એના માલિક શિવાનંદ શેટ્ટી હતા.
‘મુથ્થુને અમે તો છૂટો નથી કર્યો, પણ તેને મુંબઈમાં ફાવતું નહોતું એટલે તે થોડા સમયથી અમને કહેતો હતો. લાસ્ટ વીક તેની સૅલેરી જમા થઈ એટલે તે અમારી પાસે આવ્યો અને કહે કે હવે હું અહીં રહેવા નથી માગતો.’
‘નોટિસ પિરિયડ જેવું કંઈ હોય કે નહીં?’
‘હોયને, અમારે પણ છે, પરંતુ સાહેબ સાચું કહું, માણસ સીધો હતો અને હોમ-સિકનેસ દેખાતી હતી એટલે તેના પર વધારે પ્રેશર કર્યા વિના અમે જૂની ઍપ્લિકેશનમાંથી લોકલ એન્જિનિયરને બોલાવી લીધો અને તે આવી પણ ગયો.’
‘મુથ્થુએ કેટલો સમય તમારી સાથે કામ કર્યું?’
‘દોઢ-બે વર્ષ... એક્ઝૅક્ટ ડેટ જોઈતી હોય તો એ પણ આપી દઉં...’
‘મને તેની ઍપ્લિકેશન આપો... એમાં તેનું ઍડ્રેસ હશેને?’
‘હા સર હોય જ, અમે એ લેતા હોઈએ છીએ અને અમે તેના પૅનકાર્ડની કૉપી પણ રાખીએ...’ શેટ્ટીએ રાઠોડ સામે જોયું, ‘આપી દઉં એની પ્રિન્ટ પણ?’
‘એ બધું પણ અને મુથ્થુનો ફોટો પણ...’
થોડી વાર બાદ બધી પ્રિન્ટ ઇન્સ્પેક્ટર રાઠોડના હાથમાં હતી.
lll
‘હા સાહેબ... આ જ માણસ હતો. પાક્કા પાયે આ જ એ સાંજે અહીં મહેતાસાહેબના ઘર પાસે આંટા મારતો હતો...’
‘એ દિવસ પહેલાં ક્યારેય તમે તેને અહીં જોયો હતો?’
‘એવું તો યાદ નથી હોં સાહેબ... આપણે ક્યાં ઘરની બહાર હોઈએ. એ તો એ દિવસે અનાયાસ ઘરની બહાર હતી અને આ ભાઈ જરાક વિચિત્ર રીતે ફરતા હતા એટલે નજરે ચડી ગયા. બાકી મને કોઈના ઘરમાં નજર કરવાની આદત નહીં...’
બીજી વખત ઘરે આવેલા ઇન્સ્પેક્ટરને કારણે હવે જ્યોત્સનાબહેનને પણ મનમાં ડર પેસી ગયો હતો. તેઓ પણ હવે વધારે વાત કરવા માગતાં નહોતાં અને એ ઉતાવળ તેમના વર્તનમાં સ્પષ્ટ દેખાતી હતી.
lll
‘મિસ્ટર મહેતા, આ માણસને તમે ઓળખો છો?’ ઇન્સ્પેક્ટર રાઠોડે ચંદ્ર મુથ્થુનો ફોટોગ્રાફ હાથમાં આપતાં સવાલ કર્યો, ‘અત્યારે છાયાબહેનના મર્ડર માટે આ માણસ પર શંકા જાય છે, પણ હજી સુધી કશું કન્ફર્મ નથી.’
ઉંમરને કારણે આવી ગયેલા નજીકના નંબરને કારણે સુબોધ મહેતાએ આંખ પરથી દૂરના નંબરવાળાં ચશ્માં ઉતારી આંખ પર વાંચવાનાં ચશ્માં ચડાવ્યાં અને તેમના ચહેરા પર ખુન્નસ પ્રસરવું શરૂ થઈ ગયું.
‘હા સાહેબ, આ માણસ... આ માણસે મારા હાથનો માર પણ ખાધો છે...’
સુબોધ મહેતાના આ શબ્દોએ ઑલમોસ્ટ જંગ જીતી ગયાનો અનુભવ એ સમયે ઇન્સ્પેક્ટર રાઠોડને કરાવ્યો હતો.
(ક્રમશઃ)