આપણે ચૅપ્ટર ક્લોઝ કરવાનું છે, નહીં તો કોર્ટની ડેડલાઇન ફૉલો કરવાનું શરૂ કરવું પડશે
ઇલસ્ટ્રેશન
‘આ બુઢ્ઢો જો ફરીથી જાગ્યો...’ મુંબઈના પોલીસ કમિશનરે ફાઇલ ફેંકતાં ઇન્સ્પેક્ટર પાલેકરને કહ્યું, ‘મને તો થાય છે કે સાલા આ બુઢ્ઢાનું એન્કાઉન્ટર કરી નાખીએ એટલે વાત પૂરી થાય. શાંતિથી જીવતો નથી ને આપણને જીવવા દેતો નથી.’
‘કૂલ સર...’ પાલેકરે ફાઇલ હાથમાં લેતાં કહ્યું, ‘કેસનો કોઈ આગળ-પાછળનો રેફરન્સ હોય તો હું સ્ટડી કરી લઉં.’
ADVERTISEMENT
‘શું સ્ટડી કરીશ તું?’ કમિશનરનું ઇરિટેશન હજી પણ અકબંધ હતું, ‘સત્તર વર્ષ જૂનો કેસ છે. કેસ સાથે જોડાયેલા મોટા ભાગના જુબાની આપનારાઓ પણ અત્યાર સુધીમાં મરી ગયા હશે, પણ આ બુઢ્ઢાને સાલાને સમજાતું નથી.’
‘થયું શું, અચાનક આ સત્તર વર્ષ જૂના કેસની વાત ક્યાંથી નીકળી?’
‘અરે, સાલો હાઈ કોર્ટમાં ગયો અને હવે ત્યાંથી કેસ રીઓપન કરવાનો ઑર્ડર લઈ આવ્યો.’ કમિશનરે બળાપો કાઢ્યો, ‘ઑર્ડર લાવ્યો એ તો સમજીએ. બેચાર વીકમાં હાઈ કોર્ટ ફરી બધું ભૂલી જાય, પણ આ વખતે આ માણસ, આ ઇડિયટ, હાઈ કોર્ટ પાસેથી ઑર્ડર લઈ આવ્યો છે કે કેસ રીઓપન થયા પછી પોલીસ દર પંદર દિવસે કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરે કે કેસનું હવે સ્ટેટસ શું છે અને હાઈ કોર્ટે પણ ઑર્ડર કરી દીધો... જાણે આપણે અહીં નવરા બેઠા હોઈએ અને સરકારી સૅલેરી એમ જ લેતા હોઈએ...’
પોલીસ કમિશનર વિક્રમ મલ્હોત્રાની વાત કે તેમનો ગુસ્સો ખોટાં નહોતાં.
પોલીસ ડિપાર્ટમેન્ટની મોટામાં મોટી લાચારી એ છે કે એમાં જેટલું કામ નરી આંખે જોઈ શકાય છે એનાથી ૧૦૦ ગણું કામ બીજું ચાલતું હોય છે. એવામાં જો પોલીસે પોતાની રોજિંદી જવાબદારીને પડતી મૂકી, આ રીતે કેસ રીઓપન થાય એની તપાસમાં લાગવાનું હોય તો ચોક્કસપણે કોઈ પણ સિનિયર ઑફિસરની કમાન છટકે.
‘પાલેકર, તું એક કામ કર...’ કમિશનરે ઑર્ડર કર્યો, ‘કેસનો સ્ટડી કર અને પેપર્સ તૈયાર કર. આપણે જવાબ મૂકી દઈએ કે આ કેસમાં હવે ઇન્ક્વાયરીનો કોઈ સ્કોપ નથી. આરોપી મળવાનો નથી.’
‘એમાં તો આપણું ખરાબ લાગશે સર...’
‘સો વૉટ...’ કમિશનરે મન બનાવી લીધું હતું, ‘વધીને મીડિયા પાછળ પડશે એટલું જને! પણ આ કેસમાં હું મારી ફોર્સનો ઉપયોગ કરવાનું પસંદ નથી કરતો. પાલેકર, અત્યારે બીજી ઘણી રિસ્પૉન્સિબિલિટી પર ધ્યાન આપવાનું છે. યુ નો ૨૬ જાન્યુઆરી આવે છે. થ્રેટ્સના મેઇલ ચાલુ છે. દિલ્હીથી પ્રેશર છે કે કંઈ એવું ન બનવું જોઈએ કે ગવર્નમેન્ટને નીચું જોવું પડે. નો... નેવર, હું અત્યારે આવા કોઈ કેસમાં ફોર્સને ઇન્વૉલ્વ નહીં કરું.’
‘સર, એક સજેશન આપું?’ પાલેકરે કહ્યું, ‘આપણે હાઈ કોર્ટને કહીએ કે ફેબ્રુઆરીમાં આપણે આ કેસ રીઓપન કરીશું અને એ પછી રેગ્યુલર અપડેટ્સ પણ કોર્ટને આપીશું.’
‘તને ખાતરી છે ફેબ્રુઆરીમાં આપણે પગ પર પગ ચડાવીને બેઠા હોઈશું?’
કટાક્ષમાં પુછાયેલા સવાલના જવાબની પાલેકરને પણ ખબર હતી એટલે પાલેકરે ચૂપ રહેવાનું નક્કી કર્યું.
‘યુ જસ્ટ ડૂ વનથિંગ, તું કેસ સ્ટડી કરી લે અને પછી આપણે પેપર ફાઇલ કરીએ કે આ કેસ રીઓપન કરવાનો કોઈ અર્થ નથી. આરોપી આર વૉટએવર, શકમંદનો પણ હવે કોઈ પત્તો નથી.’ ઇરિટેશન સાથે કમિશનરે કહ્યું, ‘તું, તારી રીતે પહેલાં કેસનો સ્ટડી કરી લે એટલે આપણે કેસને પર્મનન્ટ્લી બંધ કરીએ.’
‘શ્યૉર સર...’
‘યુ મે ગો નાઓ...’ પાલેકર ચેમ્બરની બહાર નીકળે એ પહેલાં વિક્રમ મલ્હોત્રાએ કહ્યું, ‘ડોન્ટ વેસ્ટ ટાઇમ... આપણે ચૅપ્ટર ક્લોઝ કરવાનું છે. નહીં તો કોર્ટની ડેડલાઇન ફૉલો કરવાનું શરૂ કરવું પડશે.’
‘જી સર...’
બંધ ચેમ્બરમાં જમીન પર અથડાયેલા લેધર શૂઝનો અવાજ ગુંજ્યો અને એ પછી કમિશનરને આપવામાં આવેલી કડક સૅલ્યુટે ઇન્ડિયન પોલીસની લાચારી દર્શાવી દીધી.
lll
૨૦૦૮ની ૨૧ એપ્રિલ...
ફાઇલ ખોલતાંની સાથે જ ઇન્સ્પેક્ટર પાલેકર સામે તારીખ આવી અને એ તારીખ વાંચતાંની સાથે જ પાલેકરના મનમાં વિચાર ઝબકી ગયો.
મારા બર્થ-ડેના એક દિવસ પહેલાં.
ઘટના ઘટી ત્યારે પાલેકરની ઉંમર ૧૨ વર્ષ અને ૩૬૩ દિવસ હતી.
માથું ઝાટકીને પાલેકર ફરી કેસ પર આવ્યા.
ઘટના અંધેરી-ઈસ્ટમાં બની હતી.
આજે તો ઈસ્ટનો મોટા ભાગનો એરિયા કૉર્પોરેટ હાઉસમાં કન્વર્ટ થઈ ગયો છે, પણ એ સમયે શેર-એ-પંજાબ અને એની આજુબાજુના અંધેરી-ઈસ્ટના એરિયામાં બંગલા પુષ્કળ હતા. સુબોધ મહેતા પણ આ જ એરિયામાં રહેતા. સુબોધ મહેતાની ફૅમિલીમાં બીજું કોઈ હતું નહીં. તે અને તેમનાં વાઇફ છાયા મહેતા. છાયા મહેતા ગૃહિણી હતાં અને સુબોધ મહેતા બૅન્કર. સવારે ૧૦ વાગ્યે બૅન્ક જવા માટે હસબન્ડ નીકળી જાય એટલે છાયા મહેતા આખો દિવસે ઘરે એકલાં. નિરાંતે ઘરમાં ટીવી જુએ અને ઘરકામ માટે આવે એ મેઇડ સાથે વાતો કરીને સમય પસાર કરે.
૨૧ એપ્રિલની સાંજે સાતેક વાગ્યે ઘટના ઘટી અને એ ઘટનાએ અત્યારે મુંબઈ પોલીસના સુપ્રીમો એવા પોલીસ કમિશનરનો સંતાપ વધારી દીધો હતો.
ઘટના વિશે વાંચવાને બદલે પહેલાં પાલેકરે હાઈ કોર્ટનો ઑર્ડર વાંચ્યો.
હાઈ કોર્ટે જે ટકોર કરી હતી એ આકરા શબ્દોમાં હતી.
એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે એક પ્રૌઢ જો આટલાં વર્ષોથી પોતાની પત્નીના કાતિલને પકડવા માટે પોલીસ-સ્ટેશને ધક્કા ખાતો હોય અને એ પછી પણ પોલીસ હજી સુધી કામ ન કરી શકી હોય તો એ પુરવાર કરે છે મુંબઈ પોલીસ કામચોર છે!
lll
‘નામદાર, દર પંદર દિવસે મારો નિયમ છે કે હું પોલીસ-સ્ટેશન જાઉં અને મારા આ કેસની ઇન્ક્વાયરી વિશે પૂછું.’
કોર્ટના કઠેડામાં ઊભા રહેલા સુબોધ મહેતાની આંખમાં પાણી આવી ગયાં હતાં. તેમણે ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી અને કોર્ટ સમક્ષ વાંચવાની શરૂઆત કરી...
‘આ ૧૭ વર્ષમાં મેં ૧૦૭ ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર જોઈ છે, કેસની ઇન્ક્વાયરી કરતા ૨૦૦થી વધારે કૉન્સ્ટેબલોને મળ્યો છું. આટલું ઓછું હોય એમ, મારી વાઇફના મર્ડર પછી મેં અંધેરી-ઈસ્ટનાં પોલીસ-સ્ટેશનનાં ચાર નવાં ઍડ્રેસ પણ જોઈ લીધાં છે અને એ પછી પણ હું હજી ન્યાય નથી મેળવી શક્યો.’
ચિઠ્ઠી ખિસ્સામાં મૂકતાં સુબોધે કહ્યું હતું, ‘હું આપને એટલી જ વિનંતી કરું છું કે હવે તો મારું આયુષ્ય પણ પૂરું થવા પર છે. આવા સમયે મને ન્યાય મળે, મારી વાઇફના કાતિલને પકડવામાં આવે અને તેના આત્માને શાંતિ મળે એવું આપ કરો.’
કોર્ટમાં પ્રસરી ગયેલા ઇમોશનલ વાતાવરણ વચ્ચે આછોસરખો ગણગણાટ શરૂ થયો એટલે મૅજિસ્ટ્રેટની મેજ પર હથોડો અથડાયો,
ઠક... ઠક... ઠક...
‘ઑર્ડર ઑર્ડર ઑર્ડર...’
મૅજિસ્ટ્રેટ ગોડબોલેએ સુબોધ મહેતાની સામે અને પછી બચાવ પક્ષના વકીલ સામે જોયું. વકીલ આગળ આવીને કંઈ કહે કે બચાવ રજૂ કરે એ પહેલાં જ ગોડબોલેએ સર્વસામાન્ય ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું, ‘હજી પણ બચાવ રજૂ કરશો? શરમ નથી આવતી તમને? એક માણસ કહે છે કે મરતાં પહેલાં મને ન્યાય અપાવો... આનાથી મોટી લાચારી બીજી કઈ હોઈ...’
‘મિલૉર્ડ...’
‘નો એક્સક્યુઝ...’ પેન હાથમાં લેતાં મૅજિસ્ટ્રેટે ઑર્ડર કર્યો, ‘કેસ રીઓપન.’
સુબોધ મહેતાની આંખો ફરી ઊભરાઈ. તેમણે મૅજિસ્ટ્રેટ તરફ હાથ જોડ્યા અને પછી ધીમેકથી હાથ ઊંચો કરીને બોલવાની પરમિશન માગી. મૅજિસ્ટ્રેટે પોતાની આંખ પરથી ચશ્માં ઉતાર્યાં અને ઇશારાથી જ બોલવાની પરવાનગી આપી.
‘નામદાર, પોલીસવાળાનો અનુભવ મને બહુ ખરાબ થયો છે. જો આપ હજી પણ એક ફેવર કરો તો...’
‘બોલો...’
ઇચ્છા નહોતી તો પણ મૅજિસ્ટ્રેટના અવાજમાં આદેશનો ભાવ ભળી ગયો.
‘કેસ રીઓપન થયા પછી ઇન્ક્વાયરી ક્યાં પહોંચી એનો જવાબ પોલીસ આ કોર્ટમાં જમા કરાવે તો...’
મૅજિસ્ટ્રેટે ફરી ચશ્માં નાક પર ચડાવ્યાં અને પેન હાથમાં લીધી.
‘દર પંદર દિવસે મુંબઈ પોલીસે ખંડપીઠમાં ઇન્ક્વાયરી રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.’ આકરા કહેવાય એવા શબ્દો એ પછી આવ્યા, ‘નિલ’ એટલે કે કશું આગળ નથી વધ્યું કે કોઈ ઇન્ક્વાયરી નથી થઈ શકી એવા બે રિપોર્ટ જમા કરાવવામાં આવશે તો મુંબઈ પોલીસના સિનિયર ઑફિસર અને કેસ રીઓપન થયા પછી એના જે ઇન્ક્વાયરી ઑફિસર હશે તેમની સામે દંડનીય પગલાં લેવામાં આવશે...’
lll
એક મહિનાની જેલ કે સરકારને કહીને સૅલેરીમાંથી ૫૦ ટકા રકમ પોલીસ વેલ્ફેરમાં જમા કરાવવા સુધીનાં પગલાં લેવાની સત્તા કોર્ટની રહેશે.
વાંચી લીધા પછી ઇન્સ્પેક્ટર પાલેકરને પહેલી વાર કેસની ગંભીરતા સમજાઈ,
‘સાલું આવું તે કંઈ હોતું હશે?’
‘ગુનો કોઈ કરે, ફરાર કોઈ થાય, ફરિયાદ કોઈ ત્રીજો જ કરે અને સજા કોઈ ચોથાને મળે!’
lll
‘છાયા...’
ઘરની બહાર નીકળતાં પહેલાં સુબોધ મહેતાએ વાઇફના નામનો અવાજ કર્યો કે તરત છાયા બહાર આવી.
‘રાતે પિક્ચરમાં જવું છેને?’ મહેતાએ પૂછ્યું, ‘કહે છે ‘ક્રેઝી-ફોર’ બહુ કૉમેડી છે, મજા આવશે.’
‘હા જઈએ, પણ લેટ નાઇટ શોમાં નહીં. પછી એમાં મારે સૂવાનું જ આવે છે.’
‘તો સૂજેને તું, તારે ક્યાં સવારે વહેલી ઊઠીને સાસુ-સસરાના નાસ્તાની તૈયારી કરવાની છે.’
સુબોધ મહેતાએ મજાક કરી, પણ મજાકનો જવાબ ગંભીરતાથી આવ્યો,
‘મારે છોકરાંઓને પણ ક્યાં સ્કૂલ મોકલવાનાં છે!’
વાતાવરણ અચાનક ભારે થઈ ગયું અને એ ભાર દૂર કરવાનું કામ પણ છાયાએ જ કર્યું.
‘મજાક કરું છું હું...’
‘હું હજી પણ કહું છું, અડૉપ્શન માટે વિચાર કર...’ સુબોધ મહેતાએ ચોખવટ કરી, ‘હું મજાક નથી કરતો.’
‘બાળકો તમારાં હોવાં જોઈએ.’
‘હું સહમત નથી... બાળકો, બાળકો હોવાં જોઈએ.’ સુબોધ મહેતાએ વહાલથી છાયાના માથા પર હાથ મૂક્યો, ‘તને મમ્મી કહેવાવાળાએ કોઈ બીજાની કૂખનો સહારો લીધો હોય તો એમાં આપણને શું ફરક પડે છે?’
‘મને ફરક પડે છે!’ વાત આગળ વધે એ પહેલાં છાયાએ કહી દીધું, ‘ચાલો, હવે તમે નીકળો. પછી આવવામાં મોડું કરશો તો આપણે પરાણે લેટ નાઇટ શોમાં ફિલ્મ જોવા જવું પડશે...’
‘અરે હા...’ સુબોધ મહેતાએ ઘરની બહાર પગ મૂક્યો, ‘આ મલ્ટિપ્લેક્સને કારણે એક સારું થયું છે. તમને ૭ વાગ્યે પણ ફિલ્મ જોવા મળે અને આઠ વાગ્યે પણ ફિલ્મ જોવા મળે. પહેલાં તો ત્રણથી છ, છથી નવ ને એવા જ શો હતા...’
‘આઠનો શો હોય તો ટિકિટ લઈ લેજો.’
છાયાએ જવાબ તો આપી દીધો, પણ તેને ક્યાં ખબર હતી કે ફિલ્મની ટિકિટ આવે એ પહેલાં તેની આ દુનિયામાંથી જવાની ટિકિટ ફાટી જવાની છે.
lll
‘બહુ કરી... આટલી બેલ મારી તો પણ છાયા દરવાજો કેમ નથી ખોલતી?’
સુબોધ મહેતાએ સિક્યૉરિટી ડોરમાંથી અંદર નજર કરી, પણ ક્યાંય કોઈ દેખાયું નહીં એટલે તેણે સળિયામાં હોઠ ઘુસાડીને જોરથી રાડ પાડી, ‘છાયા... એ છાયા...’
એ જ નીરવ શાંતિ, જે થોડા સમયથી પ્રસરેલી હતી.
‘શાંતિ, એ શાંતિ...’
મેઇડનો પણ કોઈ જવાબ આવ્યો નહીં અને સમય પસાર થતો જતો હતો. બૅન્કથી કલાક વહેલા આવી ગયેલા સુબોધ મહેતાએ હવે સિક્યૉરિટી ડોરના સળિયામાંથી હાથ અંદરની તરફ નાખ્યો અને સહેજ મહેનત કરીને તેમણે અંદરની સાઇડમાં ઉપર લગાડેલી સ્ટૉપર ખોલી નાખી.
છાયા શાવર લેવા ગઈ હોય ત્યારે આવું બનતું એટલે સુબોધને નવાઈ તો નહોતી લાગતી, પણ ઘરમાં રહેલી શાંતિ તેમને અજૂગતી ચોક્કસ લાગી હતી.
પહેલાં સુબોધ મહેતા રૂમમાં જોવા ગયા પણ રૂમ ખાલી હતી એટલે સુબોધ મહેતા કિચનમાં ગયા અને કિચનનું દૃશ્ય જોઈને તેઓ ધબકારા ચૂકી ગયા.
(ક્રમશઃ)

