Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લવ-મૅરેજ - ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું (પ્રકરણ ૫)

લવ-મૅરેજ - ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું (પ્રકરણ ૫)

Published : 08 May, 2026 12:27 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

વાર્તાનું આખું પ્રકરણ વાંચો અહીં

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


કારની હેડલાઇટે કૅબિનમાંથી નીકળતા વૉચમૅનની આંખ આંજી દીધી હોય એમ તેણે ચહેરા આડે હાથ કર્યો, પણ અંદર બેઠેલી વ્યક્તિ માટે આટલી ઝલક પૂરતી હતી.

‘અ...મ...ર!’ દરવાજો ખોલી દોટ મૂકીને સીમા અમરને જોઈને પૂતળા જેવી થઈ ગઈ. એ જ સોહામણી સુરત, એ જ ઊંચેરાં કદ-કાઠી. વળતી પળે બે દાયકાનો અંતરાલ ઓળંગતી હોય એમ તે દોડીને અમરને વળગી પડી, છાતીમાં મુક્કા વીંઝવા લાગી : મને જોઈને પણ ભાગી આવ્યો, નિષ્ઠુર!



અમર હજીયે સંકોચાતો હતો, ‘તારા શણગાર જોઈને મને લાગ્યું... મેં માન્યું કે...’


તે શું કહેવા માગે છે એ સમજાતાં સીમાએ વધુ જોરથી મુક્કા વીંઝ્યા : કે સીમા અમરાને ભૂલીને કોઈ પારકાની થઈ ગઈ? મને તો હજી કાલે જાણ થઈ અમર કે નદીમાં ડૂબનારો તું નહોતો. એની ખુશીમાં આ શણગાર સજ્યા...

‘ઓ...હ!’ હવે અમરે સીમાને ભીંસી દીધી. બે હૈયાં પ્રણયસમાધિમાં ડૂબ્યાં.


lll

‘હા, તારી બિરાદરીના જુવાનિયા અડધી રાતે આવ્યા, હાથ-પગ બાંધીને નદીમાં ફંગોળ્યો ત્યાં સુધી મને નહીં જેવા હોશ હતા... અને આંખ ખૂલી ત્યારે હું કોસંબાના માછીના ઘરે હતો.’ અમરે નિ:શ્વાસ નાખ્યો : તારીખિયાનું પાનું ત્યારે ૩ મહિનાનો સમય વિતાવી ચૂક્યું હતું...

ઓ...હ.

‘નદીના પ્રવાહમાં તણાતો હું ભીમા માછીની માછીમારીની જાળમાં ફસાયો હતો. તે મને ઘરે લાવ્યો. દંપતીએ દીકરાની જેમ મારી ચાકરી કરી એ ગણ ક્યારેય નહીં ભુલાય. અભણ પ્રજા પોલીસથી ભડકે એટલે થાણામાં તેમણે જાણ નહોતી કરી અને મને ભાનમાં આવ્યા પછી પણ ઠીક થતાં બે મહિના લાગ્યા. પગે ચાલતો થયા પછી તને મળવા દોડ્યો. વધેલી દાઢીને કારણે કોઈ મને ઓળખી ન શક્યું, પણ તું અને બાપુ...’ અમર અટક્યો : સીમા, બાપુ?

સીમાએ ડોક ધુણાવી : બાપુ ગયા, પણ મને જીવવાના વચનથી બાંધીને ગયા... 

અમરની પાંપણે બુંદ જામી : તેમના આશીર્વાદે જ આપણો મેળ થયો હોય સીમા... બાકી તમને મેં ક્યાં-ક્યાં ન શોધ્યાં! છાપામાં જાહેરાત એટલા માટે ન આપી કે કદાચ તું પરણી હો તો શા માટે તારા સંસારનું સુખ ડહોળાય એવું કરવું! જિંદગીની કોઈ મકસદ નહોતી રહી. બસ, તને એક વાર જોવા-મળવાની આશે હૃદયમાં ધબકારો રહ્યો... થાકી-હારીને અહીં વૉચમૅન તરીકે રોકાઈ ગયો...

‘આ તો નિર્વાણનું ફાર્મહાઉસ છેને? અને પેલી પેનડ્રાઇવનું શું છે?’

‘એક નંબરનો ઐયાશ જુવાન છે. આમ અહીં મારે શાંતિ, પણ મહિને એક-બે વાર તે આવી ચડે ત્યારે વાસનાનો એવો ગંદો ખેલ ખુલ્લેઆમ ચાલે કે ઊબકાઈ જવાય. તેનાં લગ્ન નક્કી થયાં તોય તે ન સુધર્યો એટલે તેની જાણબહાર તેની કામલીલાનું શૂટિંગ ઉતારીને સ્નેહાના માવતરની આંખ ખોલવાના ઇરાદે કાંતા શેઠાણીના શૉફર જગતનું નામ લઈને આવેલો અને તને ફરી પાણીમાં ડૂબતી જોઈ...’

‘હં... જાણો છો અમર, સ્નેહાનાં લવ-મૅરેજમાં પણ ન્યાતજાતની અડચણ છે?’

દેવવ્રત સાથેના પ્રેમનું સાંભળીને અમરે ઊંડો શ્વાસ લીધો : સ્નેહાને આપણે દેવવ્રત સાથે પરણાવી શકીએ કે નહીં એ તો નથી જાણતો, પણ નિર્વાણ સાથે તે નિર્દોષ કન્યાનો ભવ ન બગડે એટલું તો નક્કી કરીશું.

એ કઈ રીતે?

lll

બધાઈ હો!

જુહુ ક્લબના ઓપન પ્લૉટમાં સંગીતની મહેફિલ જામી રહી છે. એન્ટ્રન્સની બરાબર સામે સ્ટેજ પર ઑર્કેસ્ટ્રા બિરાજ્યું છે. એની સહેજ ક્રૉસમાં બીજું સ્ટેજ ડાન્સ-પર્ફોર્મન્સ માટે છે. સામે સોફા પર મહેમાનો બિરાજ્યા છે : ડાબે છોકરીવાળા, જમણે છોકરાવાળા. વચ્ચે રજવાડી ચૅર પર નિર્વાણ-સ્નેહા બેઠાં છે. ચાંપલો ઍન્કર ઑડિયન્સને કનેક્ટ કરવા મથી રહ્યો છે.

ગોવાથી પાછા આવેલા નિર્વાણનું હૅન્ગઓવર હજી ઊતર્યું નથી, પરંતુ ગામથી દાદા-દાદી આવ્યાં હોવાથી અદબમાં રહેવું જરૂરી છે. કૌશિકદાદાનો પ્રભાવ જ એવો છે. સ્નેહા તેની સાથે એક-બે સવાલ-જવાબ કરીને ચૂપ થઈ જાય છે. ત્રીજી રોમાં ગોઠવાયેલા સરદારજી વારે-વારે તેને નિહાળી લે છે. ડ્રોન દ્વારા ઝિલાતું પ્રોગ્રામનું લાઇવ ટેલિકાસ્ટ ડાબે-જમણે લાગેલી મોટી સ્ક્રીન પર થઈ રહ્યું છે.

 સ્ટેજ પરથી ગાયક બેલડી લતા-કિશોરનું રોમૅન્ટિક સૉન્ગ રજૂ કરી રહી છે ત્યારે...

‘હાય વિભૂતિ!’ સીમાએ ઇવેન્ટ ટીમની પોતાની ઓળખીતીને ખોળી કાઢી : મંદિરા મૅડમે આ પેનડ્રાઇવ આપી છે. એમાં સ્નેહા-નિર્વાણના ફોટો છે. આ સૉન્ગ્સ સાથે ફિટ થાય એવા છે... અત્યારે જ સ્ક્રીન પર આવે એવું કરોને, પ્લીઝ!

lll

અને બૉમ્બ ફાટ્યો.

સ્ક્રીન પર જેની-જેની નજર પડતી ગઈ તે મોં વકાસી ગયા. પહેલાં ગણગણાટ અને પછી ખળભળાટ મચી ગયો. પૂલમાં બે અજાણી યુવતી (રેવતી-કામિની) સાથે ઐયાશી માણતા નિર્વાણને જોઈને માબાપની ગરદન ઝૂકી ગઈ.

‘એય!’ પળવાર તો આંચકો ખાઈ ગયેલો નિર્વાણ ખુરસીમાંથી કૂદ્યો, ગાળ સરી ગઈ, ‘કોની આ સાઝિશ છે?’

એવું જ જમણી તરફથી ખાસડું માથામાં વાગ્યું, ‘કુંવર લાજવાને બદલે ગાજે છે!’

કૌશિકદાદા આવેશમાં ધ્રૂજતા હતા.

‘પપ્પા...’ સ્નેહાના તીણા અવાજે બધાનું ધ્યાન ગયું, ‘હું આવા ઐયાશ છોકરાને નહીં પરણું!’

‘આવા જોડે તો હુંય તને ન પરણાવું...’ નીરવભાઈ દીકરીના પડખે આવી ઊભા, ‘સારું થયું આનું ચરિત્ર વેળાસર ઊઘડી ગયું.’ 

‘કાંતાબહેન, આવા તમારા સંસ્કાર?’ મંદિરાબહેનથી બોલી જવાયું.

‘આ હવે વધુપડતું છે...’ બળવંતરાયે ડૅમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, ‘જુવાન લોહી છે, આવેગમાં તણાઈ ગયો છોકરો, ફરી આવું નહીં કરે. ચલ નિર્વાણ, સૉરી કહીને મામલો પતાવ.’

‘તમારા ચિરંજીવીના ચહેરા પર પસ્તાવાની એક લકીર દેખાતી નથી.’ છોકરીના મામા બોલ્યા એટલે છોકરાવાળા કૂદી પડ્યા. બે-પાંચ મિનિટ તો કોણ શું બોલે છે એ સમજાય નહીં એવો શોરબકોર થઈ ગયો.

ધડામ. 

ગોળીબારના ધડાકાએ બધાને પૂતળા જેવા કરી દીધા.

ફ્રેન્ડ પાસેથી ગન લઈને ધડાકો કરનારા નિર્વાણે ઘાંટો પાડ્યો : ચૂપ... સૌ એકદમ ચૂપ. મારો વિડિયો લેનારાને તો હું પાતાળમાંથી ખોળીશ; પણ પહેલાં મૅડમ સ્નેહા, તમે મારી સાથે લગ્નની હા પાડશો.’ કહીને તેની તરફ ગન નચાવી, ‘સે યસ!’

તેની આંખોમાં વણબોલાયેલી ધમકી હતી, જાણે કહેતો હોય કે ના પાડી તો આઇ વિલ શૂટ યુ!

સ્નેહાએ એટલી જ મક્કમતાથી જવાબ વાળ્યો : નો.

‘છોકરી, મારા હાથમાં ગન છે એ જોઈને પણ તું ના બોલે છે? વિચારી લે, હું મારું ધાર્યું કરવા ટેવાયેલો છું, ફરી ના બોલી તો આઇ વિલ શૂટ યુ...’

સૌએ તાણ અનુભવી. નિર્વાણને ફંક્શનમાં એક્સપોઝ કરવાની યોજના બનાવીને આવેલાં સીમા-અમરે આવી કટોકટી ધારી નહોતી.

‘તું પાવર ઑફ કર, હું નિર્વાણ પર લપકું છું...’ અમરે કહેતાં સીમા ફૂડ-કાઉન્ટરની આડશ લેતી ઉતાવળી ચાલે મેઇન સ્વિચ તરફ વધી, પણ તે પહોંચે એ પહેલાં ગોળીબારના ધડાકા સાથે પુરુષની ચીસ ગુંજતાં ફાળ પડી, મેદાનમાં દોડી આવીને જોયું તો...

સ્નેહાએ ફરી ‘ના’ કહેતાં નિર્વાણે ગોળી છોડી હતી જે સ્નેહા સુધી પહોંચે એ પહેલાં કોઈ સરદારજીએ વચ્ચે કૂદીને ઝીલી લીધી હતી ને આનો આંચકો અનુભવતા નિર્વાણ પર લપકીને અમરે ગન કબજે કરી લીધી હતી! ફાર્મહાઉસના વૉચમૅનને જોઈને નિર્વાણ બઘવાયો હતો.

‘પ...પ્પા... મ...મ્મી...’ ધીરે-ધીરે સ્નેહાની પહોળી થતી આંખોમાં આઘાત છવાયો : આ તો દેવવ્રત છે!

હેં!

થોડી વારમાં ઍમ્બ્યુલન્સ આવી. કૌશિકદાદાએ પોલીસને બોલાવીને નિર્વાણનો હવાલો સોંપ્યો.

lll

‘હવે બોલો, બીજી ન્યાતનો ગણીને જેને તમે વખોડ્યો તે છોકરો આજે તમારી દીકરીની ઢાલ બની ગયો ને ન્યાતના મોભીના દીકરા પર કળશ ઢોળ્યો તે બધાં લક્ષણે પૂરો નીકળ્યો! જવાબ આપો તમે નીરવભાઈ, તમે સૌ જાતપાતના ઠેકેદારો કે ૭ ભવના બંધનમાં સંતાનની ખુશી, તેનો પ્રેમ જોવાનો હોય કે ન્યાતજાતની રૂઢિ?’

અમરના સવાલે સોપો સર્જાયો.

‘બિરાદરીના કહેવાતા મોભીઓનો પ્રકોપ અમે વેઠી ચૂક્યા છીએ...’

નિર્વાણની ઐયાશી ખુલ્લી પાડવાનું પ્લાનિંગ પોતાનું હોવાનું કબૂલી ચૂકેલાં અમર-સીમાની ગાથાએ ઘણાનાં અંતર ભીંજવી દીધાં. વૉચમૅનની અસલિયત જાણ્યા પછી બળવંતરાય જેવાએ કંઈ બોલવાનું રહેતું નહોતું.

‘એની માફી હું માગું છું...’

છોકરા પક્ષના ખૂણેથી આવેલા અવાજે અમર-સીમા પણ ચોંક્યાં. કૌશિકભાઈએ ડોક ફેરવી : નંદનલાલ, તું!

ગામના વડીલને જોઈ અમર-સીમા ડઘાયાં.

‘અમરને નદીમાં વહાવવાનો આદેશ આપનારો હું હતો....’ લાકડીના ટેકે ઊભા થતા નંદનલાલના સ્વરમાં ભારોભાર પસ્તાવો હતો, ‘પરન્યાતના રિવાજો સાથે છોકરી સંતુલન ન સાધી શકે તો નાહક સાસરે દુખી થાય એવા તર્કે વાડાબંધીની રૂઢિ ગંઠાઈ હશે એવું મારું માનવું છે, પણ સમય જતાં એમાં મારા જેવા મોભીનો અહમ્ ભળતો ગયો. અરે, તમારા કિસ્સામાં બે દાયકે પણ મને પસ્તાવો ન થાત, કેમ કે લોહીની નદીઓ ઓછી નથી વહી આ ન્યાતજાતના સીમાડા પાળવામાં.’

નજીક આવીને તેમણે સીમાના માથે હાથ મૂક્યો, ‘પણ તારી એક વાતે હું ગુનેગાર ઠરી ગયો...’

એવી તે કઈ વાત? સૌ ઉત્સુક બન્યા. સીમાને પણ સમજાયું નહીં.

‘આ દીકરી તેનું સર્વસ્વ લૂંટાવીને ગામ છોડીને જતી હતી ત્યારે કહી ગયેલી કે આ ગામમાં ફરી કોઈ દીકરી નહીં જન્મે...’

‘ઓહ બાપા, એ તો ત્યારે હું
એમ જ...’

‘નહીં દીકરી, એમ જ નહીં. એ તારી કકળતી આંતરડીનો અંતર્નાદ હતો... કદાચ કોઈથી મનાશે નહીં, પણ જઈને ગામનો રેકૉર્ડ તપાસશો તો જાણશો કે પાછલા બે દાયકાથી ગામમાં અમારી ન્યાતના કોઈ ઘરે દીકરી નથી અવતરી.’

ન હોય! સીમા પોતે માની ન શકી. 

‘સીમાના બોલવાથી આમ બન્યું એવું માનવામાં કોઈને અંધશ્રદ્ધા લાગે તો એવું માની લો કે પાપની સજા કુદરત એની રીતે આપતી જ હોય છે. ગામમાં આજેય પોતરાની ઇચ્છા સાસુને રહેતી હોય છે, પણ એક દીકરા પછી બીજા સંતાનમાં દીકરી ઝંખતી વહુવારુઓની સંખ્યા પણ ઓછી નથી. એ તમામનો હું ગુનેગાર બની ગયો. વર્ષો વીતતાં ગયાં એમ ગાઢ થતા અપરાધભાવ સાથે અહમનું પડળ ચિરાતું ગયું. હવે જોજો, અમારા ગામમાં જો સામું પાત્ર યોગ્ય હોય તો જાતપાતનો માપદંડ અમે રાખ્યો નથી. આ પહેલનો પ્રસાર બીજી ન્યાતવાળા પણ કેમ ન કરે?’

ક્યાંય સુધી તેમના શબ્દો પડઘાયા કર્યા. ચુપકીનો ભંગ કૌશિકદાદાએ કર્યો : નીરવ, સ્નેહાના સંસ્કાર અને દેવવ્રતની પ્રીત પરખાઈ ગઈ. તેમના એક થવાના પ્રસ્તાવને મારું સમર્થન છે. માથાની પાઘડી મૂકીને હું તેમની ન્યાતના મોભીઓને પણ મનાવીશ. કરો કંકુના!

એ જ વખતે હૉસ્પિટલ ગયેલી સ્નેહા દોડતી આવી : પપ્પા, દેવવ્રતને ખભામાં ગોળી વાગી હતી, હી ઇઝ નાઓ સેફ!

નીરવભાઈ ઊઠ્યા, દીકરીના માથે હાથ ફેરવ્યો : હું તેને દેવવ્રત નહીં કહું... થનારા જમાઈને દેવવ્રતકુમાર કહીશ!

સાંભળીને સ્નેહા મહોરી ઊઠી. આખરે ચમત્કાર થયો ખરો!

lll

ચમત્કાર તો દેવલ ગામમાં પણ થયો છે. સીમાને પહેલા ખોળે દીકરી અવતરી અને બે દાયકે પધારેલાં લક્ષ્મીજીને ગામ આખાએ વધાવી લીધાં એ જોઈને સ્વર્ગમાં જીવણબાપા પણ રાજી જ થયા હોય. 

દરમ્યાન દેવવ્રત-સ્નેહાનાં લગ્ન પણ બેઉ ન્યાતની સંમતિથી થયાં અને લગ્ન પછી દેવવ્રતની ગાયિકી ઑર નિખરી છે. તેમના કહેવા પર કૌશિકદાદાએ ફરિયાદ પાછી ખેંચતાં નિર્વાણ જેલમાંથી છૂટ્યો. થોડા દહાડાના જેલવાસે તેની સાન પણ ઠેકાણે આવી ગઈ છે એ એક પ્રેમવિવાહનો આડફાયદો.

‘અમે તો માવતરને, વડીલોને એટલું જ કહીશું કે સંતાનના પ્રેમપાત્રને ચકાસો જરૂર અને તે સંસ્કારમાં પાર ઊતરે તો ન્યાત, જાત, ધરમ, પ્રાંતની વાડાબંધીથી મુક્ત રહીને તેમનાં લવ-મૅરેજમાં આશિષ આપજો.’

અમર-સીમાની સહિયારી ટાંકને અંતે ‘સમાપ્ત’ લખવાને બદલે ‘ન્યુ બિગિનિંગ’ જ લખવાનું હોયને!

(સમાપ્ત)

 

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 12:27 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK