Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 43

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 43

09 February, 2020 02:52 PM IST | Mumbai
Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 43

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક... અપહરણવાળી આખી ઘટનાનું નિર્માણ કરીને રઘલા નામના ચોરને સારા રસ્તા પર ચડાવીને સંજય અને ઈશ્વર બન્ને પાછા ફરે છે. સંજય ઈશ્વરને પૂછે છે કે પોતે ઈશ્વર હોવા છતાં ખરાબ વ્યક્તિઓનું નિર્માણ કેમ કરે છે અને જીવનનો સાચો આનંદ શેમાં છે? ઈશ્વર તેને વૈદિક કાળના ઋષિ મધૂછંદાની વાત કરીને સમજાવે છે કે જીવનનો સાચો આનંદ સ્વયંની મસ્તીમાં છે. સંજયને બહાર જવાનું કહે છે જ્યાં સામે રહેતા ૯૪ વર્ષના એક કાકા અચાનક રસ્તે જતા એક વરઘોડામાં નાચવા માંડે છે. આવા અજુગતા વર્તન માટે જ્યારે સંજય તેમને પૂછે છે ત્યારે તેઓ જણાવે છે...

હવે આગળ...



‘આ વાત ત્યારે શરૂ થયેલી જ્યારે હું ૭ વર્ષનો હતો. અમારા ગામમાં એક ચોરો હતો. ગામમાં કોઈનાં પણ લગ્ન હોય, વરઘોડો હંમેશાં એ ચોરા પાસેથી જ નીકળે. જ્યારે અમે ઢોલનો અવાજ સાંભળીએ એટલે સઘળાં કામ પડતાં મૂકીને દોડીએ. મને વરઘોડામાં લોકો નાચે એ જોવાનું બહુ ગમે.’ હાંફતાં-હાંફતાં એ વૃદ્ધ ભૂતકાળમાં સરી પડ્યા.


‘એ દિવસે અચાનક ઢોલ વાગ્યો. અમે દોડ્યા અને ચોરા પર એક વડલાના ઓટલે ચડીને વરઘોડાને માણવા લાગ્યા. કોણ જાણે કેમ પણ ઢોલીના તાલના તાલે હું પણ નાચવા લાગ્યો. વરઘોડામાં રહેલા લોકોએ મને સરસ રીતે નાચતો જોયો. એક માણસે મને ઊંચકીને વરઘોડાની વચ્ચે મૂકી દીધો અને હું તો મારી મસ્તીમાં હતો, મન મૂકીને નાચ્યો. થોડા લોકોએ મને સિસોટી અને તાળીઓથી વધાવ્યો અને અમુક લોકોએ મારા પર પૈસા ઉછાળ્યા. મારા કાકા નજીકથી પસાર થતા હતા. મને જોઈને તેમણે મારો હાથ પકડ્યો અને મને ઢસડીને ઘરે લઈ ગયા. ઘરમાં પ્રવેશતાંની સાથ જ મારા ગાલ પર એક તસતસતો લાફો ચોડ્યો અને બજાર વચ્ચે બેફામ બની નાચવા બદલ મારા પર ખૂબ ગુસ્સે થયા. તેમના દરેક શબ્દો તો મને યાદ ન રહ્યા, પણ મારા મગજમાં એક જ વાત કોતરાઈ ગઈ હતી કે સારા ઘરના લોકો આમ જાહેરમાં ન નાચે. મારા કોમળ મગજે એ વાતને ઝીલી લીધી. ત્યાર પછી જીવનમાં અનેક પ્રસંગ આવ્યા, પણ હું કયારેય નાચ્યો નહોતો. મારા હૃદયમાં ઊંડે-ઊંડે મન મૂકીને નાચવાની ઇચ્છા દબાયેલી તો હતી, પણ મગજ એમ કહેતું હતું કે સારા ઘરના લોકો આમ જાહેરમાં નાચે? કેવું લાગે?

આજે જ મને ૯૪મું બેઠું અને આ વરઘોડો આપણા ઘરની આગળથી પસાર થયો. અંતરના ઓરડામાં પુરાઈ રહેલા પેલા શોખે બૂમ પાડીને મને કહ્યું કે હવે તો મરવાની ક્ષણ આવી ગઈ છે. પોતાને સારું ન લાગતું હોય એ કરીને કોઈકને સારું શું કામ લગાડવું? હજી પણ એક ચાન્સ છે તારા પોતાના માટે જીવી લે. ઇચ્છા છે તો મન મૂકીને નાચી લે પછી મરતી વખતે અફસોસ ન રહે કે જીવનમાં જે કરવું હતું એ કર્યું નહીં. પછી થયું કે જીવનભર જેમની સામે હું કડકાઈ અને નિયમોના દંભમાં રહ્યો છું એ દીકરાઓ, તેમની વહુઓ અને વહુઓની વહુઓ સૌ શું વિચારશે? એ સૌને કેવું લાગશે? અને ત્યારે મનને પૂછ્યું કે મારે જે કરવું છે એ હું નહીં કરું તો મારા મનને કેવું લાગશે? મારી આંખ સામેથી વરઘોડો નીકળવાનો શરૂ થયો અને મારી અંદર પેલું ચોરા પર નાચી રહેલું મારું બાળપણ જાગી ગયું અને હું મન મૂકીને નાચ્યો. હવે મને સંતોષ છે. હવે તો ઈશ્વર ગમે ત્યારે ઉઠાવી લે એમાં કોઈ વાંધો નથી.’


હાંફતાં-હાંફતાં પણ તેમના ચહેરા પરનું બોખું સ્મિત તેમને વધારે પ્રભાવશાળી બનાવતું  હતું. આખી જિંદગી મોઢું ચડાવીને ફરતા અને કદી પ્રેમથી સામું જોઈને ન હસેલા આ પાડોશી પ્રત્યે સંજયને માન અને વહાલ બન્ને થયું.

ઘરમાં પાછા આવીને જીવનને સાચી રીતે જીવવાની આટલી સરળ સમજણ આપવા બદલ તેણે ઈશ્વરનો આભાર માન્યો. સોફા પર બેઠેલા ઈશ્વરના ખોળામાં તે ઢળી પડ્યો. આંખમાંથી અશ્રુધારા વહેતી હતી અને પછી તેણે એ પ્રશ્ન પૂછ્યો જે ઘણા વખતથી તેના મનમાં ઊઠી રહ્યો હતો.

‘હે પ્રભુ, મને એમ કહો કે હું તો એવો કોઈ મોટો આસ્તિક માણસ નથી કે પછી તમારો ભક્ત તો  ન કહેવાઉં. ધર્મનાં કોઈ મોટાં કામ તો મેં કર્યાં નહોતાં અને અગરબત્તી પણ તમે એટલે કે  ભગવાન મારું ખરાબ ન કરે એવી બીકે જ કરી છે‍, તો પણ હું વૈકુંઠ સુધી પહોંચ્યો અને તમે મારી શરત મંજૂર રાખી અને મારી સાથે રહેવા આવ્યા... મને સંપૂર્ણપણે ડગલે ને પગલે તમારી આ ઈશ્વરોલૉજી શીખવાડી તો સાવ સાચું કહેજો કે આ આખા જગતના કરોડો લોકોમાંથી તમે મને જ કેમ પસંદ કર્યો?’

ઈશ્વરે એ જ સુંદર સ્મિત સાથે કહ્યું, ‘હું આ જ પ્રશ્નની તો રાહ જોતો હતો. મને હતું જ કે ક્યારેક તો તું આ પ્રશ્ન મને પૂછીશ જ અને એનો જવાબ છે ભાંડુ.’

ઈશ્વરના મોઢે પોતાના પિતૃઓના ગામનું નામ આવતાં સંજય ચમક્યો. ભાંડુ એક ખૂબ નાનકડું ગામ જ્યાં તેના દાદા અને બા રહેતાં. ઉનાળાના વેકેશનમાં તે ત્યાં રહેવા જતો હતો. શહેરની ભીડથી દૂર સાવ સરળ શાંત વાતાવરણમાં એક અજીબની શાંતિ તેને અનુભવાતી હતી. ગામમાં તેની જ ઉંમરના બિન્દાસ છોકરાઓ સાથે આખો દિવસ કોઈ પણ ચિંતા કર્યા વગર રખડવાની મજા તેને હમેશાં ભાંડુ તરફ જવા આકર્ષતી હતી, પણ ભાંડુ અને ઈશ્વરને અહીં આવવા માટે શું લેવાદેવા એ તેને ન સમજાયું.

ઈશ્વરે તેના માથા પર હાથ ફેરવતાં-ફેરવતાં તેને યાદ દેવડાવવાનુ શરૂ કર્યું.

‘કાબો યાદ છેને?’ 

આ કાબો એટલે ભાંડુનો સૌથી વધારે તોફાની છોકરો. મોટા ભાગે સંજય ભાંડુમાં તેની સાથે જ સમય પસાર કરતો. કંઈકેટલાંય તોફાનો બન્નેએ ભેગા મળીને કર્યાં હતાં. અચાનક બાળપણના એ તોફાની મિત્રનું નામ ઈશ્વરના મોઢે સાંભળતાં તે મલકાઈ ગયો.

ઈશ્વરે પૂછ્યું, ‘કૂકડાવાળા સ્વામી યાદ છે?’

આ વાક્ય સાંભળતાં જ સુપરસોનિક ગતિએ સંજયનું મન પણ ભૂતકાળમાં ફરી વળ્યું.

‘કાબા, આ પથ્થરની મૂર્તિને શું ભજવાનું. આપણે તો હાચા ભગવાન મળે તો જ મજા પડે.’ બેઉ મુઠ્ઠીમાં ગામના મંદિરની આરતીનો પ્રસાદ ભરીને ખાતાં-ખાતાં નાનકડા સંજયે કહ્યું.

જડ બુદ્ધિના કાબાને ઝાઝું વિચારવાનું જ ક્યાં હતું. તેણે તો ગઈ કાલે રાતે જ તેના બાપા કોઈક સાથે વાત કરતા હતા કે ગામની દક્ષિણે આવેલા પહાડની ભોંયગલીમાં એક કૂકડાવાળા સ્વામી આવ્યા છે. બહુ સિદ્ધ સંત છે અને પોતે આસપાસ ઘણા બધા કૂકડાઓ રાખે છે. તેઓ એટલા મોટા સંત છે કે ધારે તો ભગવાનને પણ મેળવી શકે.

આ વાત તેણે સંજયને કરી. સંજયનું મગજ નાનપણથી જ તર્ક અને પ્રશ્નો કરવાવાળું. તેણે પૂછ્યું, ‘પહાડની તળેટીમાં રહેતો કોઈ બાવો જો ભગવાનને મેળવી શકતો હોય તો તે પોતે કેમ ભગવાનને મળીને તેમની જોડે રહે. આમ અહીં પથ્થરોમાં શું કરવા રહે?’

કાબા પાસે તો સંજયના પ્રશ્નોના ક્યારેય જવાબ નહોતા એટલે તેણે એટલું જ કહ્યું કે મને એની ખબર ન પડે. તું કહેતો હોય તો તેમની પાસે જઈએ અને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે ભગવાનનો ભેટો કરાવી દો.’

સંજય અને કાબો બન્ને એ દિવસે ટીલાની પાછળ આવેલી ભોંયગલી તરફ જવા નીકળ્યા. ચારે તરફ જુદા-જુદા કૂકડાઓ ફરતા અને થોડાં બીજાં પક્ષી પણ હતાં. એક અતિમેધાવી સંત હાથમાં દાણા લઈને જુદા-જુદા કૂકડાઓને નામ લઈને પ્રેમથી બોલાવતા હતા અને સૌને દાણા ખવડાવતા હતા. કાબો અને સંજય બન્ને જણ ત્યાં પહોંચ્યા. બન્નેએ પેલા બાબાને પ્રણામ કર્યા અને પછી તેમનું ત્યાં આવવાનું કારણ કહ્યું.

જો બીજું કોઈ હોત તો આ નાનકડા છોકરાઓની જીદ અને ભગવાનને મળવાની વિચિત્ર માગ સાંભળીને હસી પડત, પણ આ કોઈ અલગ માટીના સંત હતા. તેમણે ખૂબ જ શાંતિથી તેમની માગ સાંભળી અને પછી પાછું વળીને બે નામ લીધાં એટલે બે કૂકડા તેમની પાસે આવ્યા.

બન્નેને લઈ એક કાબાને અને એક સંજયને આપતાં તેમણે કહ્યું કે ‘ભગવાનને મળતાં પહેલાં બલિ દેવો પડે એટલે જાઓ, આને લઈ જાઓ અને કોઈ જોતું ન હોય ત્યારે એકબીજાથી અલગ-અલગ એકલામાં આ કૂકડાઓને મારી નાખો અને પછી અહીં આવો એટલે હું તમને ભગવાનને મેળવી દઈશ.’

સંજયને ખૂબ ચીડ ચડી, પણ સંતની ભવ્યતા જ એટલી હતી કે તે કશું બોલી ન શક્યો. આ તરફ આટલાં સરળ કામ કરવાથી ભગવાન મળી જવાના છે એ જાણીને કાબો તો ખુશ થઈ ગયો. તેણે બોચીથી જડથાની જેમ કૂકડાને ઊંચક્યો. સંજયને  એ ન ગમ્યું છતાં તેને લઈને ઊભો થયો.

સંતે તેમને ચેતવ્યા કે એકબીજાની સામે પણ આ કામ કરવાનું નથી. તદ્દન એકલામાં અને જેનું કામ થાય તેણે અહીં મારી પાસે આવી જવાનું એટલે હું ભગવાનને મળાવી દઈશ.

કાબો અને સંજય પોતપોતાના કૂકડા લઈને છૂટા પડ્યા. કાબાના મગજને ઝાઝું વિચારવાની ટેવ નહીં એટલે તે તો ત્યાં જ પહાડની પાછળના ભાગમાં એક મોટા પથ્થર પાછળ જઈને પેલા કૂકડાની ડોક મરડવાના પ્લાનિંગમાં લાગ્યો. સંજય બે હાથમાં કાળજીથી પકડેલા કૂકડાને લઈને ઘર સુધી પહોંચ્યો. દાદા અને બાની નજરથી બચીને છેક અગાશીમાં જઈ તેણે ત્રીજા માળની ઓરડીમાં એ કૂકડાને પૂરી દીધો. તેના નાનકડા મગજમાં અંધાધૂંધ વિચારોનો મારો ચાલી રહ્યો હતો. તે નીચે ગયો અને રસોડામાંથી બાની નજર ચૂકવીને એક મોટો છરો લઈ આવ્યો. ભગવાનને મળવું હોય તો બલિ તો આપવો પડેને એમ પોતાની જાતને કહીને મગજને તૈયાર કર્યું. ઓરડીમાં દાખલ થઈને તેણે જોયું કે સવારથી મળેલો કૂકડો તેની પાસે આવ્યો. ડાબા હાથે બોચી પકડી અને જમણા હાથે છરો વીંઝ્‍યો અને ત્યાં જ....

(વધુ આવતા અંકે)

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2020 02:52 PM IST | Mumbai | Dr. Hardik Nikunj Yagnik

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK