કરાટેમાં ઇન્ટરનૅશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતીને આવેલી આ સ્કૂલગર્લનું ધ્યેય સ્પષ્ટ છે : ભાંડુપની જાહ્નવી ભાનુશાલી પોતાના કરાટે ક્લાસ શરૂ કરીને બીજાને પણ આ આર્ટ શીખવવા માગે છે
જાહ્નવી ભાનુશાલી
આપણે લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે આજની જનરેશન ઘણી સ્માર્ટ છે, ફોકસ્ડ છે. ભાંડુપમાં રહેતી નવમા ધોરણમાં ભણતી ૧૪ વર્ષની જાહ્નવી ભાનુશાલીની સાથે વાત કરો તો આ વાતને પુષ્ટિ મળે છે. જાહ્નવી ભણવાની સાથે કરાટે શીખી રહી છે અને આગળ જઈને તેને મર્ચન્ટ નેવી જૉઇન કરવું છે અથવા પાઇલટ બનવું છે.
પોતાના આ સપના વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જાહ્નવી કહે છે, ‘બે વર્ષ પહેલાં મેં કરાટે જૉઇન કર્યું. થયું એવું કે સમર વેકેશન હતું. અમારા ફ્રેન્ડ્સના ગ્રુપે નક્કી કર્યું કે કોઈક ક્લાસ જૉઇન કરીએ, એવા ક્લાસ જે આગળ કામ આવે. અમે સર્ચ કરવા લાગ્યાં. મારા ઘરની બાજુમાં જ માર્શલ આર્ટ સ્કૂલ છે. અમે ત્યાં ગયાં અને ત્યાંની ઍક્ટિવિટી જોઈને મને કરાટેમાં ખૂબ રસ પડ્યો અને મેં માર્શલ આર્ટ સ્કૂલ જૉઇન કરી લીધી. બેઝિક શીખવાનું ચાલુ થયું. ચાર જ મહિનામાં મારો રસ અને પર્ફોર્મન્સ જોઈને સરે ટુર્નામેન્ટમાં મોકલવાનું નક્કી કર્યું અને એ સાથે જ તૈયારીઓ ચાલુ થઈ. પહેલાં લોકલ, પછી સ્ટેટ લેવલની અને આમ ને આમ એક દિવસ હું ઇન્ડો-નેપાલ ચૅમ્પિયનશિપ જે નેપાલના પોખરામાં યોજાઈ હતી એમાં અન્ડર-16માં ૪૫થી ૫૦ની વેઇટ-કૅટેગરીમાં ભાગ લેવા ગઈ અને ગોલ્ડ મેડલ જીતીને આવી.’
ADVERTISEMENT
આ ટુર્નામેન્ટ રમવા માટે જાહ્નવીએ બે મહિના પહેલાંથી પ્રૅક્ટિસ શરૂ કરી હતી અને એ માટે ખૂબ મહેનત પણ કરી હતી. જાહ્નવી કહે છે, ‘ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ હતી એટલે રોજના પાંચ-છ કલાક પ્રૅક્ટિસ કરવી પડતી. એ ઉપરાંત ફિટનેસ જાળવવા રૂટીનમાં પણ ઘણા ચેન્જિસ કરવા પડ્યા. એ દિવસો દરમિયાન હું સાત વાગ્યા પહેલાં ડિનર કરી લેતી. બે કિલો જેટલું વજન પણ ઉતાર્યું. આમ તો સ્કૂલ અને કરાટે મૅનેજ થઈ જતાં પરંતુ જે દિવસોમાં ટુર્નામેન્ટ હતી એ જ દિવસોમાં મારી ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ હતી. મેં સ્કૂલમાં એક લેટર સાથે મારું નેપાલનું સાત દિવસનું શેડ્યુલ સબમિટ કર્યું. સ્કૂલમાંથી ટુર્નામેન્ટમાં જવાની પરમિશન મળી ગઈ. એ ટુર્નામેન્ટમાં મને ગોલ્ડ મેડલ મળ્યો. નેપાલથી પાછી આવી ત્યાર બાદ મારી પરીક્ષા લેવાઈ. મને એ દિવસ બરાબર યાદ છે જ્યારે હું જીતીને આવી ત્યારે સ્કૂલની બહાર મારા નામ અને ફોટોવાળું મોટું બૅનર લગાવેલું. હું, મારા સર, મારી ફૅમિલી તો ખુશ હતાં જ અને મારા સ્કૂલવાળા પણ બધા ખૂબ રાજી થયા. એ જ રીતે ૨૦૨૩માં ભાંડુપમાં જ ઇન્ટરસ્કૂલ ટુર્નામેન્ટ હતી. મુંબઈની અનેક સ્કૂલોએ એ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. મેં મારી સ્કૂલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અન્ડર-47 ગર્લ્સ કૉમ્પિટિશનમાં હું બેસ્ટ ફાઇટરનો અવૉર્ડ જીતી ગઈ. એ મારી લાઇફની બેસ્ટ મોમેન્ટ હતી. મારી સ્કૂલમાં મારા ટીચર્સ અને મારા ક્લાસમેટ્સ સામે ટ્રોફી લેતાં મને બહુ જ પ્રાઉડ ફીલ થયું. ટ્રોફી સાથે કૅશ ઇનામ પણ મળેલું જે મેં મમ્મીને આપી દીધું. મેં કરાટે શીખવાનું ચાલુ કર્યું ત્યારથી જ મને આ આર્ટમાં અત્યંત રસ પડવા લાગ્યો છે. અત્યારે હું પર્પલ શોટોકન છું. પર્પલ પછી બ્રાઉન અને પછી બ્લૅક બેલ્ટ હોલ્ડર થઈ જઈશ. બ્લૅક બેલ્ટ મળી જાય પછી આપણે પોતાના ક્લાસિસ શરૂ કરી શકીએ. મને પોતાના કરાટેના ક્લાસ શરૂ કરવા છે, અન્યોને આ આર્ટ શીખવાડવી છે. ભણવાનું પૂરું થાય પછી મારે મર્ચન્ટ નેવી જૉઇન કરવું છે અથવા પાઇલટ બનવું છે. ફૅમિલી અને નેશનને પ્રાઉડ કરાવવું છે. આ મારો આગળનો ગોલ છે.’
જાહ્નવીના પ્રાઉડ પેરન્ટ્સનું દીકરીની અચીવમેન્ટ્સ વિશે શું કહેવું છે
જાહ્નવીનું સપનું હવે તેનાં મમ્મી-પપ્પાનું સપનું પણ બની ગયું છે. જાહ્નવીનાં મમ્મી દીપાબહેન કહે છે, ‘મને પણ નાનપણમાં કરાટે શીખવાનું જબરદસ્ત આકર્ષણ હતું અને જાહ્નવીએ કરાટે જૉઇન કર્યું એટલે સૌથી વધારે ખુશી મને થઈ છે. પેરન્ટ્સ તરીકે અમે તેની ઉપલબ્ધિઓ માટે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. ટુર્નામેન્ટ્માં જ્યારે નેપાલ જવાનું છે એ વાત આવી ત્યારે મારું મન થોડું પાછું પડતું હતું. અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ અને તેને ક્યારેય એકલી મૂકી નથી. માત્ર પાર્ટિસિપન્ટ જઈ શકે એવો રૂલ હતો. મને થોડોક ડર લાગી રહ્યો હતો, પરંતુ જાહ્નવી અને તેના પપ્પા બન્ને આ વાતે બહુ ઉત્સાહી હતાં. મારા હસબન્ડ મેહુલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા કે તેણે જવું જ જોઈએ. તેમણે મને પણ ખૂબ હિંમત આપી અને સમજાવી કે ચિંતા ન કર. અમારી ફૅમિલીમાં ઍક્ચ્યુઅલી બધાને તેને એકલી મોકલતાં જીવ નહોતો ચાલી રહ્યો. બધાએ એકબીજાને હિંમત બંધાવી એમ કહીએ તો ચાલે. મેહુલે કહ્યું હતું તે ભલે જાય છે, ઝંડા ગાડીને આવશે અને તેમની વાત સાચી પડી. જોકે તેને એકલી મોકલ્યા પછી હું ચિંતામાં માંદી પડી ગઈ હતી. જાહ્નવી ત્યાંથી દરરોજ ફોન પર મને ચિંતા ન કરવાની સલાહ આપતી. પરંતુ આજે અમને અમારી દીકરી પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. તેનું સપનું પૂરું થાય એ માટે અમે પણ હવે મંડી પડ્યાં છીએ.’


