પેટ-લવર્સ તો ઘણા હોય છે; પરંતુ વર્ષોથી એકલા હાથે ૪૦-૪૫ બિલાડીઓ અને ૭-૮ સ્ટ્રે ડૉગ્સને પોતાનાં બાળકોની જેમ ઉછેરનારાં વિલે પાર્લેનાં મિતુલ પ્રદીપે પોતાનું આખું ઘર જ નહીં, તેમનું જીવન આ શેરી કૂતરા અને બિલાડીઓના નામે કરી દીધું છે
મિતુલબહેન
પેટ-લવર્સ તો ઘણા હોય છે; પરંતુ વર્ષોથી એકલા હાથે ૪૦-૪૫ બિલાડીઓ અને ૭-૮ સ્ટ્રે ડૉગ્સને પોતાનાં બાળકોની જેમ ઉછેરનારાં વિલે પાર્લેનાં મિતુલ પ્રદીપે પોતાનું આખું ઘર જ નહીં, તેમનું જીવન આ શેરી કૂતરા અને બિલાડીઓના નામે કરી દીધું છે. વ્યવસાયે પેઇન્ટર એવાં મિતુલબહેન પાસેથી જાણીએ આ પ્રાણીઓ વિશે અને તેમના જીવન સાથે સંકળાયેલા રસપ્રદ કિસ્સાઓ વિશે
અરે! આ દિવાળીના ફટાકડાઓનો અવાજ એટલો સતત આવી રહ્યો છે કે ટીનટીન તો સોફાની નીચે જ ઘૂસેલી છે, એ બહાર જ નથી આવતી. રૂપેરી આજે ખાસ્સી મસ્તીએ ચડી છે તો આ મ્યાઓ-મ્યાઓનાં નખરાં તો ઓછાં જ નથી થતાં. ક્યારની કહું છું ખાઈ લે પણ નહીં, એ જીદે ચડી છે કે એને ખોળામાં લઈને બેસીશ ત્યારે જ એ ખાશે. હવે અત્યારે એને જોઉં કે આ સોનેરી અને બેબીનાં ત્રણ-ત્રણ બચ્ચાંઓએ ઘરને જે વૉર-ઝોનમાં બદલી નાખ્યું છે એને શાંત કરું? બધાં બચ્ચાંઓ માંડ ૨-૩ મહિનાઓનાં છે છતાં કેટલાં મસ્તીખોર છે. એકબીજાને હેરાન કરવામાં કશું બાકી રાખતાં નથી. આજે આ સ્પીડીને ડૉક્ટર પાસે લઈ જવાની છે. એનું પેટ ખરાબ થઈ ગયું છે. આપણી આ કૂતરીનો પણ કૅન્સરનો ઇલાજ ચાલે છે. પહેલાં કરતાં એને થોડું સારું છે. ટ્વીટીને હું ખોઈ બેઠી, એનું ધબકતું હૃદય જ્યારે અચાનક બંધ થઈ ગયું ત્યારે મને લાગ્યું કે મારું દિલ બેસી ગયું છે. તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગઈ પણ ન બચાવી શકી. પણ આ શું? આ નાનકડા બિલાડીના બચ્ચાને કોણ અહીં તરફડતું છોડી ગયું? હે ભગવાન! એના પગ ઘવાયેલા છે... એને પહેલાં પટ્ટી કરી દઉં.
ADVERTISEMENT
આ દૃશ્યો છે વિલે પાર્લેમાં રહેતાં ૬૫ વર્ષનાં આર્ટિસ્ટ મિતુલ પ્રદીપજીના રોજિંદા દિવસનો. આ ટીનટીન, રૂપેરી, મ્યાઓ-મ્યાઓ, સોનેરી, બેબી, સ્પીડી, ટ્વીટી, બધી એમની બિલાડીઓ છે. મિતુલબેન હાલમાં લગભગ ૪૦-૪૫ બિલાડીઓ અને આઠેક જેટલા કૂતરાઓના ભરણપોષણની જવાબદારી એકલા હાથે નિભાવે છે. આ બધી બિલાડીઓ અને ડૉગીઝ તેમના પાલતુ નથી, રેસ્ક્યુ કરેલાં છે. તેમને ત્યાં અનાયાસે શરણમાં આવેલાં છે. પોતાનાં બાળકોની જેમ તેઓ આ બધાનું નિ:સ્વાર્થપણે ધ્યાન રાખે છે. ફક્ત એમનું ખાવા-પીવાનું જ નહીં પરંતુ માંદગી અને વૅક્સિનેશન જેવી જરૂરિયાતોનો પણ એમાં સમાવેશ થાય છે. ક્યારેક કોઈ હેલ્પર મળે અને ક્યારેક નહીં, છતાં કોઈ પણ પ્રાણીને ઝીણી તકલીફ પણ ન પડે એનું તે એકલપંડે ધ્યાન રાખતાં હોય છે, જે ધારીએ એટલું સહેલું પણ નથી. તેઓ પ્રોફેશનલી એક જાણીતાં પેઇન્ટર છે અને તુલિકા આર્ટ સેન્ટરના નામે વર્ષોથી ઘણા સ્ટુડન્ટને પેઇન્ટિંગ શીખવે છે.
શરૂઆત કઈ રીતે થઈ?
આમ તો મિતુલ જાણીતાં કવિ પ્રદીપનાં દીકરી છે. તેમના પપ્પા મધ્ય પ્રદેશના અને તેમનાં મમ્મી મૂળ સૌરાષ્ટ્રનાં પણ મુંબઈમાં જ જન્મેલાં-ઊછરેલાં ગુજરાતી. એ વાત સાથે ગર્વથી તેઓ કહે છે કે તેમની મા તરફથી મળેલી ભાષા એટલે કે તેમની માતૃભાષા ગુજરાતી છે અને પિતૃભાષા હિન્દી છે. તેમણે લગ્ન નથી કર્યાં. આ પ્રાણીઓને જ તેઓ પોતાનાં સંતાનો તરીકે ઉછેરે છે જેમની સાથે તેઓ હિન્દી અને ગુજરાતીમાં બન્ને ભાષામાં વાત કરે છે. પોતાના પ્રાણીપ્રેમની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં મિતુલબહેન કહે છે, ‘હું નાની હતી ત્યારથી જ અમારા ઘરે પ્રાણીઓ રહેતાં. મારાં નાના-નાની અને દાદા-દાદીને પણ એ ગમતાં. મને યાદ છે કે અમારા ઘરે એક કૂતરી પ્રેગ્નન્ટ હતી ત્યારે રખડતી-રખડતી આવી પહોંચેલી અને પપ્પાએ એને ખાવાનું આપ્યું પછી એ ઘરમાં જ રહી ગઈ હતી. એનાં બચ્ચાં અમારે ત્યાં જ જન્મ્યાં. હું માંડ બે વર્ષની હતી ત્યારે. એ બચ્ચાંઓની સાથે હું ભાઈ-બહેનોની જેમ મોટી થઈ હતી. અત્યારે યાદ કરું તો એ જાડાં ગલૂડિયાં મારા હાથમાં રહેતાં નહોતાં, સરકી જાય કે પડી જાય છતાં હું તેમને લઈ-લઈને ફરતી રહેતી એવું દૃશ્ય મને દેખાય છે. એ અમારા જીવનનું પહેલું પ્રાણી હતું કે કહી શકાય કે પ્રાણીપ્રેમ ત્યારથી શરૂ થયો. મારાં નાનીને બિલાડીઓ ગમતી એ મને યાદ છે.’
સવાર-સાંજનું મસ્ત રૂટીન
આટલી બધી બિલાડીઓ અને કૂતરાઓ સાથે એમનો ટિપિકલ દિવસ કઈ રીતે પસાર થાય એ વાત કરતાં મિતુલબહેન કહે છે, ‘સવારે હું ઊઠું ત્યારે ૨૦-૨૫ બચ્ચાંઓએ કાઉ-કાઉ કરી દીધું હોય છે. મને ખાવાનું આપો-ખાવાનું આપો કરતાં હોય. એટલે હું ખાલી જ એમને ઠપકો આપું કે મને ચા તો પીવા દો. પણ હકીકત એ છે કે એમને ખાવાનું આપીને ૧ કલાક પછી જ હું ખાઉં. એ પછી થોડો દિવસ ચડે એટલે એ લોકો ઘરમાંથી બહાર ફરવા જતાં રહે. સાંજે લગભગ ૫-૫.૩૦ આસપાસ એ બધાં ઘરે આવે અને એ સમયે કંઈ પણ થાય મારે ઘરે રહેવું જ પડે. કશે પ્રોગ્રામ હોય, કંઈ પણ હોય એકાદ કલાક ચાલી જાય પણ એનાથી વધુ નહીં. ૬.૩૦ સુધીમાં તો મારે આ બધાંને ખાવાનું આપવું પડે. એ આપતાં-આપતાં જ મારો એક કલાક નીકળી જાય. આ સિવાય કોઈને ડૉક્ટર પાસે લઈ જવાનાં, કોઈને રસી મુકાવવાની જેવાં રૂટીન કામો પણ હોય જ.’
માનસિક આઘાત પ્રાણીમાં પણ
એ પછી તેમના ઘરમાં સમયે-સમયે પ્રાણીઓ આવતાં ગયાં. પ્રાણીઓ કેટલાં સંવેદનશીલ હોય છે એ વાત કરતાં તેમના ઘરની પહેલી બિલાડી વિશે મિતુલબહેન કહે છે, ‘લગભગ ૧૯૬૫માં મારા ઘરની બહાર એક બિલાડીના બચ્ચાને એના આગળ-પાછળના બે-બે પગ બાંધી દઈને કોઈ ફેંકી ગયું હતું. એ ભયંકર ડરેલું બચ્ચું લગભગ ૨-૩ મહિના એકદમ લપાઈને સૂતું જ રહ્યું. એને ખાવાનું-પીવાનું આપતી રહી.ધીમે-ધીમે એ સ્વસ્થ થયું અને થોડા સમયમાં એ ફિઝિકલી સ્ટ્રૉન્ગ બની ગઈ પણ માનસિક રીતે તો એ સદા ડરેલી જ રહેતી એટલું જ નહીં, એ પ્રેગ્નન્ટ થઈ અને એને બચ્ચાં આવ્યાં ત્યારે પણ એ બચ્ચાંઓને ખૂબ સંતાડીને રાખતી. જાણે કે એ એનાં બાળકોને કહેતી હોય કે માણસોથી બચીને રહેવું. મેં મારો પ્રેમ અને સિક્યૉરિટી આપીને એના મનમાંથી ડર કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એ થયું નહીં. બધા જ પ્રકારની સ્વતંત્રતા આપવા છતાં આ બિલાડી જીવનભર એટલે કે ૧૮ વર્ષ એકદમ ગરીબડી થઈને જ રહી. માનસિક આઘાત ફક્ત માણસને નહીં, પ્રાણીઓને પણ એટલો જ હેરાન કરે છે એ હું એને જોઈને સમજી શકી.’
સમજદારી તો ખૂબ જ હોય
પ્રાણીઓ અતિ સમજદાર હોય છે એના કેટલાક કિસ્સાઓ જણાવતાં મિતુલબહેન કહે છે, ‘મારા ઘરે બે ગલૂડિયાંઓ હતાં જેમાંથી એક કૂતરો હતો અને બીજી કૂતરી. એમાં બહેન ખૂબ જ સમજદાર અને ભાઈ તોફાની. એ તોફાન કરે ત્યારે હું જો એને ખીજાઉં તો બહેન તરત પૂંછડી હલાવતી એની પાસે જઈને બેસી જાય, જાણે સધિયારો આપતી હોય એના ભાઈને કે એને ઠપકો પડ્યો છે પણ એ એની સાથે છે.’
જ્યારે કોઈ બિલાડી કે કૂતરાને કિડનીને લગતી સમસ્યા હોય છે ત્યારે એનું ફૂડ અલગ હોય છે. આપણને લાગે કે પ્રાણી ભૂખ્યાં હોય ત્યારે એ સમજ્યા-વિચાર્યા વગર ખાવા પર તૂટી પડશે, પરંતુ એવું થતું નથી એમ વાત કરતાં મિતુલબહેન કહે છે, ‘જયારે હું કોઈ એક કૂતરા કે બિલાડી માટે અલગથી ખાવાનું મૂકું કે આ તમારે ખાવાનું નથી, આ ફક્ત આ બિલાડીનું જ છે તો બધા સમજે. કોઈ એ ખાવાને હાથ પણ ન લગાડે. સામાન્ય રીતે ટ્રેઇન કરેલાં પેટ્સ એવાં હોય. પણ મારે ત્યાં બધાં શેરીમાં રખડતાં પ્રાણીઓ છે છતાં એ ખૂબ સમજુ છે એટલું જ નહીં, મારે રાત્રે ક્યાંય જવાનું થાય તો હું એમને કહું છું કે કોઈ તોફાન નહીં કરે. રાત્રે હું ઘરે આવું એ પહેલાં બધાં સૂઈ જજો. તો ખરેખર બધાં સૂઈ પણ જાય છે.’
સૌથી મોટું દુઃખ
પ્રાણીઓને પોતાના બાળકની જેમ ઉછેરવાં, એમની પાસેથી અઢળક સ્નેહ મેળવવો અને એમની આ પ્રકારની સેવા કરવી એ એક મોટું પુણ્યનું કામ છે. પરંતુ બિલાડી અને કૂતરા બન્નેની ઉંમર ૧૨-૧૪ વર્ષ સુધીની માંડ હોય છે. મિતુલબહેન એમનું એટલું ધ્યાન રાખે છે કે એમને ત્યાં ૧૮-૧૮ વર્ષની બિલાડીઓ પણ જીવે છે. પરંતુ પોતાના બાળક સમા પેટ્સને આંખ સામે મરતાં જોવાં અને એ દુઃખ સહન કરવું ખૂબ અઘરું છે. આ કેવી રીતે તમે સહન કરો છો? આ પ્રશ્નનો જવાબ આપતાં મિતુલબહેન કહે છે, ‘આ સૌથી મોટું દુઃખ છે. એ જીરવવું ખરેખર મારા માટે મુશ્કેલ છે. હું મારા કોઈ પણ બચ્ચાને છેલ્લા શ્વાસ સુધી બચાવવાની કોશિશ કરતી રહું છું. આજ સુધી હું મારાં ઘણાં બચ્ચાંઓને ખોઈ ચૂકી છું અને મારા જીવનનું એ સૌથી મોટું દુઃખ બની જતું હોય છે.’
મોક્ષનો માર્ગ
પ્રાણીઓ તો ઘણા લોકોને વહાલાં હોય પણ આટલાં બધાં પ્રાણીઓને શરણ આપવાની શું જરૂર? કોઈ લિમિટ પણ બાંધી શકાય એવું તમને નથી લાગતું? ત્યારે હસતાં-હસતાં મિતુલબહેન કહે છે, ‘ના, એવું એટલે નથી લાગતું કે આ પ્રાણીઓને મેં પસંદ નથી કર્યાં, એમણે મને પસંદ કરી છે. કોઈ મારે ત્યાં આવી જાય તો એને હડસેલી તો ન જ મૂકું ને હું. કોઈ પણ રીતે હેરાન થઈ રહેલું પ્રાણી મારા શરણે પહોંચી જાય છે એ મારાં કર્મ જ છે. હું એમના માટે કંઈ કરી શકું એ મારા માટે પરમ આનંદ છે. આ ઘર એમનું જ છે. મારા માટે તેઓ બે ખુરશી વાપરવા છોડી દે છે એ મોટી વાત છે. બાકી કોણ કોના માટે છે અને કોણ કોનું કરી રહ્યું છે એ તો ભગવાનને જ ખબર. પણ મને લાગે છે કે મારા માટે આમની સેવા એ મુક્તિનો-મોક્ષનો માર્ગ છે. એટલે હું એના પર ચાલું છું.’