પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ નૃત્યાંગનાની ૯૫ વર્ષની ઉંમરે વિદાય : આ વ્યક્તિગત ડાન્સ-ફૉર્મને સમૂહ-નૃત્ય સ્વરૂપમાં પરિવર્તિત કર્યું અને પરંપરાગત કથાઓને બદલે સમકાલીન કથાઓનાં પાત્રો ઉમેર્યાં
કુમુદિની લાખિયા
૧૨ એપ્રિલ ૨૦૨૫ના શનિવારે હનુમાન મહારાજના પ્રાગટ્યદિવસે અમદાવાદમાં વિશ્વવિખ્યાત નૃત્યાંગના કુમુદિની લાખિયાનું ઑલમોસ્ટ ૯૫ વર્ષની વયે નિધન થયું. ૧૯૩૦ની ૧૭ મેએ જન્મેલાં કુમુદિની લાખિયા કથક નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા કદંબ સેન્ટર ફૉર ડાન્સ ઍન્ડ મ્યુઝિકનાં સંસ્થાપક-નિયામક હતાં. તેમનું મૂળ નામ કુમુદિની જયકર, પિતાનું નામ દિનકરભાઈ તથા માતાનું નામ લીલાબહેન. તેમના પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્ત્વનું સ્થાન અપાતું હતું.
કુમુદિનીબહેને માત્ર ૭ વર્ષની વયે કથક નૃત્યશૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. લાહોર ખાતેની ક્વીન મૅરી હાઈ સ્કૂલમાં ભણવાની સાથોસાથ તેમણે નૃત્યની આરાધના શરૂ કરી હતી. તેમણે અલાહાબાદના કૃષિ મહાવિદ્યાલયમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. કૃષિ એટલે ખેતી વિષયમાં ગ્રૅજ્યુએટ થયેલી કોઈ યુવતી આગળ જતાં વિશ્વવિખ્યાત નૃત્યાંગના બને એ નવાઈ પમાડે એવી હકીકત છે.
ADVERTISEMENT
કુમુદિની લાખિયાનું સમૂહ કથક
કુમુદિનીબહેનના જીવનનું મુખ્ય ધ્યેય બાલ્યાવસ્થાથી જ નૃત્યક્ષેત્રે કારકિર્દી ઘડવાનું રહ્યું હતું. ૧૯૪૬માં આકસ્મિક રીતે જ વિખ્યાત નૃત્યકાર રામ ગોપાલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત એક નૃત્યનાટિકામાં તેમની સાથે નૃત્યાંગના તરીકે સામેલ થવાનું તેમને આમંત્રણ મળ્યું. વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો ત્યારે માત્ર ૧૭ વર્ષની વય ધરાવતી આ યુવા નૃત્યાંગના રામ ગોપાલના વૃંદની એ સમયે સૌથી નાની વયની કલાકાર હતી.
વિશ્વના દેશોના પ્રવાસથી પાછાં આવ્યા પછી તરત જ કુમુદિની લાખિયાને નવી દિલ્હી ખાતેના ભારતીય કલાકેન્દ્ર ખાતે શંભુ મહારાજના માર્ગદર્શન હેઠળ નૃત્યની વિશેષ તાલીમ લેવા માટેની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ. એના પરિણામે તેમને ઉત્કૃષ્ટ નૃત્યાંગના તરીકે પ્રસિદ્ધિ તો પ્રાપ્ત થઈ જ, અને એની સાથોસાથ પંડિત બિરજુ મહારાજ જેવા કથક નૃત્યના જાણીતા કલાકારોની સાથે નૃત્યનાટિકાઓમાં સહિયારાં નૃત્યો રજૂ કરવાની તક પણ મળતી ગઈ. બૅન્ગલોરના નૃત્યગુરુ યુ. એસ. કૃષ્ણરાવના માર્ગદર્શન હેઠળ તેમણે ભરતનાટ્યમ્ શૈલીની તાલીમ પણ મેળવી હતી.
થોડાંક વર્ષો સુધી આ રીતે કામ કર્યા પછી કુમુદિનીબહેને તેમનું સમગ્ર ધ્યાન ઊગતા કલાકારોને કથક નૃત્યશૈલીની તાલીમ આપવા પર કેન્દ્રિત કર્યું અને વીસમી સદીના છઠ્ઠા દાયકામાં એ માટેની પ્રવૃત્તિઓ શરૂ કરી, જેના પરિણામરૂપે ૧૯૬૭માં અમદાવાદમાં કદંબ સેન્ટર ફૉર ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના થઈ. ત્યારથી છેલ્લા સાડાત્રણ દાયકાના ગાળા દરમ્યાન આ સંસ્થાની માવજત અને વિકાસમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. આ સંસ્થાની નિશ્રામાં તેમના થકી જે લાક્ષણિક કાર્ય થયું છે એના પર તેમના વ્યક્તિત્વ અને દૂરંદેશીપણાની છાપ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
પંડિત બિરજુ મહારાજ સાથે કુમુદિની લાખિયા
કથક નૃત્યશૈલીની બાબતમાં કુમુદિની લાખિયાના સર્વાંગીણ અને અભિનવ દૃષ્ટિકોણને લીધે એ ક્ષેત્રમાં એક નવા યુગનાં મંડાણ થયાં છે એમ માનવામાં આવે છે. આ સંસ્થા પછી તો ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં તાલીમ માટે ખ્યાતિ ધરાવતી થઈ. અહીં તાલીમ લેનારા પોતાના શિષ્યોને કથક ઉપરાંત નૃત્યનાં અન્ય ક્ષેત્રો માટે પણ કામ કરવાની કુમુદિની લાખિયા પ્રેરણા આપતાં.
કુમુદિનીબહેને રજનીકાંત લાખિયા સાથે લગ્ન કર્યાં હતાં. રજનીકાંત લાખિયા રામગોપાલ કંપનીમાં વાયોલિનવાદક હતા અને ૧૯૬૦માં અમદાવાદમાં સ્થાયી થયા હતા. કુમુદિનીબહેનને શ્રીરાજ નામનો પુત્ર અને મૈત્રેઈ નામની દીકરી છે.
ભારત સરકારે કુમુદિની લાખિયાને ૧૯૮૭માં પદ્મશ્રી, ૨૦૧૦માં પદ્મભૂષણ અને આ વર્ષે પદ્મવિભૂષણથી નવાજ્યાં હતાં. આ ઉપરાંત તેમને ઘણા અવૉર્ડ્સ અને સન્માન મળ્યાં છે.
કુમુદિની લાખિયાએ નૃત્યસાધના દ્વારા અમદાવાદ કે ગુજરાત જ નહીં, સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું હતું. પૈસા અને વેપાર માટે જાણીતા ગુજરાત પ્રદેશ અને ગુજરાતી પ્રજામાં કલાનો વ્યાપ અને પ્રભાવ ઊભો કરવાનો ઘણો મોટો યશ કુમુદિનીબહેનને પણ જાય છે.
જાણીતી કૃતિઓ
કુમુદિની લાખિયાની જાણીતી કૃતિઓમાં ‘ઠુમરીમાં ભિન્નતા’, ‘વેણુ નાદ’, ‘ભજન’, ‘હોરી’, ‘કોલાહલ’, ‘દુવિધા’, ‘ધબકાર’, ‘યુગલ’, ‘ઉમરાવ જાન’, ‘અતહ કિમ’, ‘ઓખા હરણ’, ‘હું-નારી’, ‘ગોલ્ડન ચેઇન્સ’ (નીના ગુપ્તા માટે, લંડન), ‘સામ સંવેદન’, ‘સમન્વય’, ‘ભાવ ક્રીડા’, ‘મુષ્ટિ’ વગેરેનો સમાવેશ થતો હતો.
અનોખો સર્જનાત્મક પ્રયોગ
નૃત્યક્ષેત્રે કુમુદિની લાખિયાનું નોંધપાત્ર, માતબર અને સર્જનાત્મક પ્રદાન છે. કથક નૃત્ય વ્યક્તિગત નૃત્ય છે. તેમણે કથકના એકલ સ્વરૂપને વિસ્તારીને સમૂહ-નૃત્ય સ્વરૂપમાં પરિવર્તિત કર્યું. તેમનો આ સર્જનાત્મક પ્રયોગ કલાના સ્વરૂપને વધારનારો અને ભાવકના ભાવમાં વધારો કરનારો સાબિત થયો. તેમણે કથકમાં પરંપરાગત કથાઓને બદલે સમકાલીન કથાઓનાં પાત્રો ઉમેર્યાં. ભારતમાં કથક નૃત્ય શૈલીમાં આવા પ્રયોગોનું શ્રેય તેમને મળે છે.
કુમુદિનીબહેન સામૂહિક નૃત્ય-નિર્દેશન માટે જાણીતાં છે. ધબકાર, યુગલ અને અતહ કિમ? (ક્યાં હવે?) તેમનાં જાણીતાં સમૂહ-નૃત્યો છે. તેમણે ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ‘ઉમરાવ જાન’ (૧૯૮૧)માં નૃત્ય-નિર્દેશન કર્યું હતું. સમગ્ર વિશ્વમાં તેમણે નૃત્યના અનેક યાદગાર કાર્યક્રમો કર્યા હતા.

