ટ્રાન્સજેન્ડરો માટે લડત ચલાવી રહેલાં મયૂરી આળવેકરે સમાજની બીબાઢાળ માનસિકતાને તોડી નાખ્યું છે. ૨૦૨૪માં તેમણે ટ્રાન્સજેન્ડરોને મત આપવાનો અધિકાર અપાવ્યો હતો. સમાજમાં ઉપેક્ષિત લોકોને સામાજિક પ્રવાહમાં લાવવા તેમણે કરેલો સંઘર્ષ દેશભરમાં મિસાલ છે
આપદામાં લોકોને કેવી રીતે બચાવવા એની ટ્રેઇનિંગ લઈ રહેલા ટ્રાન્સજેન્ડરો.
મે મહિનામાં કોલ્હાપુરનું રાજારામ તળાવ એક ઐતિહાસિક નિર્ણયનું સાક્ષી બન્યું હતું. સ્થાનિક સ્તરે ચાલતા મૈત્રી સંગઠનના ૧૦ વ્યંડળોએ જિલ્લા-પ્રશાસનની ફ્રેન્ડ્સ ઇન ડિઝૅસ્ટર પહેલ હેઠળ આપદામાં લોકોને કઈ રીતે બચાવવા એની તાલીમ લીધી. કોલ્હાપુર જિલ્લામાં વારંવાર પૂર આવતાં હોય છે. ખાસ કરીને ૨૦૦૫, ૨૦૧૯ અને ૨૦૨૧માં અહીં ભયાનક પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી. પૂરથી પ્રભાવિત વિસ્તાર હોવાથી પ્રશાસન દ્વારા સમયાંતરે નવી રેસ્ક્યુ ટીમ ઊભી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ટ્રાન્સજેન્ડરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર રેસ્ક્યુ ટીમ સજજ થઈ એની પાછળ ટીમ-લીડર મયૂરી આળવેકરની વર્ષોની મહેનત છે. સમાજમાં ઉપેક્ષિત લોકોને સામાજિક પ્રવાહમાં લાવવા તેમણે કરેલો સંઘર્ષ દેશભરમાં મિસાલ બની ગયો છે. આ મુકામ સુધી પહોંચવા તેમણે અનેક સામાજિક અવરોધો, વહીવટી પડકારો અને ઉપેક્ષાની દીવાલોને પાર કરી છે. ટ્રાન્સજેન્ડરોને જોવાનો સામાજિક નજરિયો કઈ રીતે બદલાયો અને તેમની ટીમ કટોકટીના સમયે કઈ રીતે જીવનરક્ષક બનશે એ જાણીએ મયૂરી પાસેથી.
જીવનરક્ષક બન્યાં
ADVERTISEMENT
આ ઐતિહાસિક સફરની શરૂઆત આશરે ૩ મહિના પહેલાં થઈ હતી. મયૂરી આળવેકરની સંસ્થા મૈત્રી સંગઠન હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ (HIV)ના દરદીઓ, સેક્સવર્કરો તથા લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ ઍન્ડ ટ્રાન્સજેન્ડર (LGBT) કમ્યુનિટીના અધિકારો માટે કામ કરે છે. સંસ્થાનાં કાર્યો અને વહીવટી મંજૂરીઓ માટે તેઓ અવારનવાર કોલ્હાપુરના કલેક્ટરની ઑફિસમાં જતાં હતાં. એ સમયે કલેક્ટરની ઑફિસમાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને નવી રેસ્ક્યુ ટીમ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. મયૂરી આવળેકરે આત્મવિશ્વાસ સાથે પ્રશાસન સામે પ્રસ્તાવ મૂક્યો કે પુરુષો અને મહિલાઓ આપત્તિ-વ્યવસ્થાપનનું કઠિન કામ કરી શકતાં હોય તો અમે પણ એટલા જ સક્ષમ છીએ, અમને એક તક મળવી જોઈએ. કલેક્ટરે ટ્રાન્સજેન્ડરોની શારીરિક તાકાતની નોંધ લઈને એ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને બીજા દિવસે રાજારામ તળાવ પાસે ચાલી રહેલી તાલીમ જોવા આવવાનું આમંત્રણ આપ્યું. મયૂરી અને તેની ટીમે આ તક ઝડપી લીધી.
તાલીમ વિશે વાત કરતાં ૪૪ વર્ષની મયૂરી ‘મિડ-ડે’ કહે છે, ‘ટ્રેઇનિંગ ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી પ્રશાસને દરેક પ્રક્રિયાને ઝીણવટપૂર્વક ફૉલો કરવા કહ્યું. એ પછીના દિવસે અમારી તાલીમ શરૂ થઈ. તાલીમનો દરેક તબક્કો કઠિન હતો. સૌથી પહેલાં મેડિકલ ઇમર્જન્સીની તાલીમ આપી, જેમાં પૂર દરમ્યાન ડૂબી ગયેલી કે બેભાન થઈ ગયેલી વ્યક્તિને કઈ રીતે પ્રાથમિક સારવાર (First Aid) આપવી અને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) કઈ રીતે આપવું, લાઇફ-જૅકેટનો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવવામાં આવ્યું. ત્યાર બાદ પૂરરાહતની સૌથી મહત્ત્વની કડી ઇન્ફ્લેટેબલ રેસ્ક્યુ બોટ (IRB)ની તાલીમ શરૂ થઈ. બોટને કઈ રીતે જાતે અસેમ્બલ કરવી, એના અલગ-અલગ ભાગોને કઈ રીતે જૉઇન કરવા, સુરક્ષિત રીતે પાણીમાં કઈ રીતે ઉતારવી એનું સ્ટેપ-બાય-સ્ટેપ ટેક્નિકલ જ્ઞાન આપવામાં આવ્યું. કટોકટીના સમયે બોટના એન્જિનમાં ફ્યુઅલ કઈ રીતે રીફિલ કરવું અને મેકૅનિકલ ખામી સર્જાય તો શું કરવું એની ટેક્નિકલ માહિતી પણ આપવામાં આવી. તાલીમ દરમ્યાન કમાન્ડો ટીમે તળાવના શાંત પાણી અને નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેનો ભૌગોલિક તફાવત સ્પષ્ટ રીતે સમજાવ્યો. ચોમાસામાં જ્યારે ભયાનક પૂર આવે અને પાણીનું જોર હોય ત્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટને કઈ રીતે બૅલૅન્સ કરવી અને બોટ કઈ રીતે ચલાવવી એની વ્યૂહરચના સમજાવી. એક લાઇફગાર્ડને પંચગંગા નદીના ઊંડા પાણીમાં ઝંપલાવવાનું કહેવામાં આવ્યું અને ત્યાર બાદ અમારી ટીમ બોટ લઈને પાણીની વચ્ચે ગઈ અને ડૂબતા લાઇફગાર્ડને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર લાવી. અમારી ૧૦ જણની ટીમને સૈનિકની જેમ સજ્જ કરવામાં આવી. આ આખી તાલીમનો સૌથી સુંદર અનુભવ એ હતો કે ત્યાં કોઈ ભેદભાવ નહોતો. સમાજમાં ડિસ્ક્રિમિનેશન ન હોય તો અમે બધું જ કરી શકીએ છીએ. ભગવાનની દયાથી આ ચોમાસામાં કોલ્હાપુરમાં પૂરની ભયાનક પરિસ્થિતિ સર્જાઈ નથી એટલે ટીમને પ્રત્યક્ષ રીતે લોકોને બચાવવા માટે પાણીમાં ઊતરવાની જરૂર પડી નથી, પરંતુ અમારી ટીમ ૨૪ કલાક સજ્જ છે.’
સંઘર્ષમય સફર
ટ્રાન્સજેન્ડરોને આ મુકામ સુધી પહોંચાડવા માટે મયૂરીએ બે દાયકા સંઘર્ષ કર્યો છે. કોલ્હાપુરના સામાન્ય પરિવારમાં પુત્ર તરીકે જન્મેલી મયૂરીની કહાણી પથ્થરમાંથી પાણી કાઢવા જેવી છે. તે બે વર્ષની હતી ત્યારે પિતા અવસાન પામ્યા. માતા જેમતેમ કરીને સંતાનોને ઉછેરી રહી હતી. મયૂરી સાતમા ધોરણમાં હતી ત્યારે પહેલી વાર તેને અહેસાસ થયો કે તે ગલત શરીરમાં જીવી રહી છે. સ્કૂલમાં છોકરીઓની બેન્ચ પર બેસીને ભણવાનું તેને ગમતું. તેની હરકતો જોઈને આસપાસના લોકો કહેતા કે સુધરી જા, આ શોભતું નથી. તેને મનોમન વિચાર આવતો કે હું ક્યાં બગડેલી છું કે સુધરી જાઉં? તેણે એવી દલીલ પણ કરી કે જે પણ છું, આ સમાજનો હિસ્સો છું અને માતાના ઉદરમાંથી જ જન્મ લીધો છે. જોકે સમાજે તેનો સ્વીકાર ન કર્યો. તે લોકોની ટિપ્પણીઓ અને અપમાન સહન કરતી રહી. દરમ્યાન તેની માતાને કૅન્સરની બીમારી થતાં તેનો અભ્યાસ છૂટી ગયો. નાનું-મોટું કામ કરીને પાંચ વર્ષ માતાનો ઇલાજ કરાવ્યો. ત્યાર બાદ તેની માતાનું અવસાન થઈ ગયું. ભાઈ તેના જીવનમાં આગળ વધી ગયો. સગાંસંબંધીઓ અને સમાજ દ્વારા હડધૂત થયા પછી માત્ર ૧૭ વર્ષની ઉંમરે તેણે ઘર છોડી દીધું અને સેક્સવર્કર બની ગઈ.
એ દિવસોને યાદ કરતાં મયૂરી કહે છે, ‘કિશોરાવસ્થામાં ઘરનો ત્યાગ કર્યા પછી મંદિરમાં આશ્રય લીધો. વ્યંડળ સમાજ સાથે જોડાઈ ગઈ. પેટની આગ ઠારવા શરીર વેચવું પડ્યું. સેક્સવર્કર તરીકે કામ કરતી વખતે અમને પોલીસની અને લોકલ ગુંડાઓની કનગડત હતી. તેઓ ખૂબ પરેશાન કરતા. રાજકારણીઓ પાસે પ્રોટેક્શન લેવા જતા તો તેઓ કહેતા, કોઈ સંગઠન છે તમારું? જ્યાં પણ જતા ત્યાં સંસ્થા હોવી જોઈએ એ બાબત પર ભાર મૂકવામાં આવતો. પોતાના જેવા જ બીજા સેંકડો લોકોની પીડા, કાનૂની અધિકારોનો અભાવ, સ્વાસ્થ્ય સંબંધિત લાચારી અને સમાજ દ્વારા થતો બહિષ્કાર જોઈને નક્કી કર્યું કે પોતાના એકલા માટે નહીં, આખા ટ્રાન્સજેન્ડર સમાજના આત્મસન્માન માટે લડવું પડશે. ૨૦૦૭માં મૈત્રી સંગઠનની સ્થાપના કરી. જોકે બે વર્ષ તો અમારી વાત કોઈએ કાન દઈને સાંભળી નહીં. ૨૦૦૯માં વૈશ્વિક સંસ્થા ‘બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ દ્વારા મૈત્રી સંગઠનને ફન્ડિંગ પ્રાપ્ત થયું. લોકશાહી પદ્ધતિથી અમારી સંસ્થાની ચૂંટણી પણ થઈ. ત્યારથી અમારી સંસ્થા જુદા-જુદા પ્રોજેક્ટ પર કામ કરીને ટ્રાન્સજેન્ડરોને સામાજિક પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.’
મતાધિકાર અપાવ્યો
મૈત્રી સંગઠન એક રજિસ્ટર્ડ સંસ્થા છે જે ટ્રાન્સજેન્ડરોના સ્વાસ્થ્ય અને અધિકારો માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે. મયૂરીના માર્ગદર્શનમાં સંસ્થાએ જિલ્લા સ્તરથી લઈને કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરી છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળ્યો એ તેમની મોટી જીત હતી. મયૂરી કહે છે, ‘ટ્રાન્સજેન્ડર સમાજમાં વોટિંગ વિશે અવેરનેસ લાવવી એ સમયની ડિમાન્ડ છે. સમાજ અને તંત્ર તેમને સ્વીકારે અને મતદાનમથકો પર ટ્રાન્સજેન્ડરોને પ્રાયોરિટી મળવી જોઈએ એવી જોરદાર ઝુંબેશ અમે ચલાવી હતી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અમારા માટે ઐતિહાસિક રહી. ૪૪ ટકા રેકૉર્ડબ્રેક વોટિંગ સાથે અમે પહેલી વાર મતદાન કર્યું. આ પ્રક્રિયામાં તલાટી ઑફિસના કર્મચારીઓએ ઘણો સપોર્ટ કર્યો. અમારો સૌથી વધુ ભાર એજ્યુકેશન પર છે, કારણ કે શિક્ષણ હશે તો જ સન્માનજનક રોજગાર મળશે. એક સમય હતો જ્યારે હું પોતે ખૂબ ભણવા માગતી હતી, પરંતુ મારી પાસે નહોતો કોઈ સોર્સ કે નહોતો સમાજનો સપોર્ટ. આજે અમે સંઘર્ષ કરીને એ મુકામ પર પહોંચ્યા છીએ જ્યાં ટ્રાન્સજેન્ડરો ગર્વભેર સ્કૂલ અને કૉલેજમાં જઈને અભ્યાસ કરી શકે છે. આ દિશામાં આગળ વધવા માટે મહારાષ્ટ્ર સરકાર સમક્ષ શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રાન્સજેન્ડરો માટે આરક્ષણનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. વર્ષોના સંઘર્ષ બાદ આજે બદલાવ દેખાઈ રહ્યો છે. મારી સાથે જ રહેતી રિયા (રિયા મયૂરી આળવેકર) દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર સરકારી શિક્ષકા બનીને નવો ઇતિહાસ રચી ચૂકી છે. શિવાની ગજબરે ફૂડ ઍન્ડ સાયન્સ ટેક્નૉલૉજીમાં ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો છે અને હવે તે માસ્ટર ઑફ સોશ્યલ સાયન્સનો અભ્યાસ કરે છે. હું ૨૦૧૬-‘૧૯માં મહારાષ્ટ્ર રાજ્યની પૅરા લીગ વૉલન્ટિયર પૅનલમાં બેસનારી રાજ્યની પ્રથમ ટ્રાન્સજેન્ડર બની હતી. આ સફળતા સાબિત કરે છે કે જો તક મળે તો અમે પણ દેશના વિકાસમાં ભાગીદાર બની શકીએ છીએ.’
મૈત્રી સંગઠન ટ્રાન્સજેન્ડરોના અધિકારો માટે કટિબદ્ધ છે. એનો પહેલો પ્રોજેક્ટ હતો પેહચાન પ્રોજેક્ટ; જેમાં કમ્યુનિટીના લોકોને ભેગા કરીને હેલ્થ-કૅમ્પ, સોશ્યલ ડૉક્યુમેન્ટ્સ કઢાવી આપવા જેવાં કામો શરૂ કર્યાં જેથી સમાજમાં તેમની ઓળખ સ્થાપિત થાય. મહારાષ્ટ્ર પોલીસ ભરતીની પ્રક્રિયા દરમ્યાન ૭૦ જેટલા ટ્રાન્સજેન્ડરોએ જમીની તાલીમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. જિલ્લા અધિકારીઓએ કોલ્હાપુરની સરકારી કચેરીઓમાં સૅનિટાઇઝેશનનું કામ સંસ્થાને સોંપ્યું છે. આયુષ્માન ભારત યોજનાનો લાભ મળે એ માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે. હવે તેઓ એક નવો અધ્યાય લખવા જઈ રહ્યા છે. આવતા મહિને દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર સંચાલિત રૅશનિંગની દુકાન ખૂલવા જઈ રહી છે. ગર્વભેર મયૂરી કહે છે, ‘અમે લગભગ ૩૦૦ સેક્સવર્કરોના સત્તાવાર રૅશનિંગ અને આઇડેન્ટિટી કાર્ડ રજિસ્ટર્ડ કરાવી દીધાં છે. સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ સરળતાથી મળી રહે એ માટે અમારા વિસ્તારમાં વસતા ટ્રાન્સજેન્ડર સમાજના પાંચસો મીટરના દાયરાના ડેટા ટ્રાન્સફર કરવાની સત્તાવાર વિનંતી પણ કરી છે. રૅશનિંગ દુકાનની દસ્તાવેજી પ્રક્રિયા માટે જ કલેક્ટરની ઑફિસે ગઈ હતી અને ત્યાં અમારી સક્રિયતા જોઈને જિલ્લા પ્રશાસનની ડિઝૅસ્ટર રેસ્ક્યુ ટીમનો હિસ્સો બનવાની સુવર્ણ તક મળી. પૂરમાં લોકોનાં જીવન બચાવવાની સાથે માનવસર્જિત હોનારતો જેમ કે આગ લાગવી, ઇમારતો પડવી જેવી દુર્ઘટના ઉપરાંત રસ્તા પર પડી ગયેલાં વૃક્ષો હટાવવા જેવી કામગીરી પણ કરીશું. અમે સમાજમાં તાલી અને ગાલી માટે નથી બન્યા, અમે જીવનરક્ષક બની શકીએ એટલા સક્ષમ છીએ એવો સંદેશ પહોંચાડવો અમારો ઉદ્દેશ છે. અમારી ઇચ્છા છે કે કેન્દ્ર સરકાર સેનામાં સામેલ થવાની તક આપે જેથી દેશસેવા કરવા મળે અને સમાજનો અમારા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય.’
