રાતના દોઢ વાગ્યે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા, રંગોળીઓ બનાવી, પુષ્પવર્ષા કરી, અશ્રુભીની આંખે સ્વાગત કર્યું પોતાની વહાલી હાથણીનું, અનંત અંબાણીનું બૅનર લગાવી માન્યો આભાર
મધરાતે દોઢ વાગ્યે હાથણીનું ગ્રૅન્ડ વેલકમ કરતા કોલ્હાપુરવાસીઓ.
ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી દ્વારા પ્રાણીઓ માટે બનાવાયેલી ખાસ ફૅસિલિટી વનતારામાં આશરે ૧૩ મહિના વિતાવીને સારવાર લીધા બાદ મહાદેવીના નામે પણ ઓળખાતી કોલ્હાપુરના શિરોળના નાંદણી મઠની હાથણી માધુરી નાંદણી મઠ પાછી ફરી હતી. શુક્રવારે મધરાત બાદ દોઢ વાગ્યે માધુરી કોલ્હાપુર પહોંચી ત્યારે એના સ્વાગત માટે હજારોની સંખ્યામાં કોલ્હાપુરવાસીઓ હાજર હતા. તેમણે રંગોળીઓ બનાવીને તથા પુષ્પવર્ષા કરીને એનું સ્વાગત કર્યું હતું. માધુરીનું જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એ જોઈને ગણેશોત્સવ પહેલાં જ જાણે દિવાળી ઊજવવામાં આવી રહી હોય એવો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે નાંદણી જૈન મઠમાં ઊછરેલી માધુરી સાથે કોલ્હાપુરવાસીઓનો ખૂબ લગાવ છે અને તેમનો આ મૂક પ્રાણી પ્રત્યેનો ભાવ અને પ્રેમ એને પાછી લાવવામાં આવી ત્યારે સ્પષ્ટ દેખાયો હતો. કોલ્હાપુર જ નહીં, સાંગલી જેવા આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો માધુરીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા અને ગુલાલ અને પુષ્પોની વર્ષા કરીને એનું સ્વાગત કર્યું હતું. ઠેઠ કર્ણાટક બૉર્ડર પરથી અને અમુક લોકો તો કર્ણાટકથી માધુરીને પાછી આવતી જોવા માટે એકઠા થયા હતા. લોકોએ પોતાની દુકાનો જલદી બંધ કરીને તથા કામ પરથી જલદી રજા લઈને માધુરીનું સ્વાગત કર્યું હતું. લોકોએ સાકર તથા મીઠાઈઓ વહેંચીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. જાણે કોઈ વીસરાઈ ગયેલું સ્વજન ઘરે પાછું ફર્યું હોય એવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ બે દિવસ છેટે છે અને શ્રી વિનાયકનું મસ્તક હાથીનું છે ત્યારે માધુરી હાથણીનું આગમન કોલ્હાપુરવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
શા માટે માધુરીને મોકલવી પડી હતી વનતારા?
માધુરી અનેક ક્રોનિક મેડિકલ કન્ડિશનથી પીડાઈ રહી હતી. ગ્રેડ 4 આર્થ્રાઇટિસ, પગમાં સડો, એકલતાને કારણે સાઇકોલૉજિકલ ડિસ્ટ્રેસ જેવી બીમારીઓના કારણે માધુરીને સ્પેશ્યલાઇઝ્ડ ટ્રીટમેન્ટની જરૂર હતી. એને પગલે કોર્ટ દ્વારા પ્રક્રિયા હાથ ધરાયા બાદ હાઈ પાવર્ડ કમિટી (HPC) નીમવામાં આવી હતી, જેણે માધુરીની સારવાર માટે એને અનંત અંબાણી દ્વારા બનાવવામાં આવેલી વનતારા જેવી હાઇલી સ્પેશ્યલાઇઝ્ડ ફૅસિલિટીમાં મોકલવાનું સૂચન કર્યું હતું. એને પગલે ૨૦૨૫ની પચીસ 28 જુલાઈએ માધુરીને વનતારા
લઈ જવામાં આવી હતી. એ વખતે કોલ્હાપુરવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
