ફર્સ્ટ-ટાઇમ વોટર્સ માટે તથા વોટિંગ-લિસ્ટમાં જેમનું નામ ન હોય જેમના નામમાં સુધારો હોય તેમના માટે ખાસ કૅમ્પ યોજવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત ૪ દિવસ માટે મુંબઈનાં બધાં જ વિધાનસભા ક્ષેત્રોમાં સ્પેશ્યલ વોટર રજિસ્ટ્રેશન કૅમ્પ યોજવામાં આવશે. ફર્સ્ટ-ટાઇમ વોટર્સ, વોટિંગ-લિસ્ટમાંથી નામ ગાયબ થઈ ગયું હોય એવા વોટર્સ તથા નામ કે અન્ય વિગતોમાં સુધારો કરાવવા ઇચ્છતા હોય એવા વોટર્સ માટે આ કૅમ્પ યોજવામાં આવશે. ૧૯, ૨૦, ૨૬, અને ૨૭ સપ્ટેમ્બરે આ કૅમ્પ યોજવામાં આવશે. ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ ક્લેમ્સ તથા ઑબ્જેક્શન વિન્ડો ૩૦ સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે અને એમાં પણ ઑનલાઇન અને ઑફલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત વોટર-લિસ્ટમાંથી નામ કઢાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
વોટર બૂથ લેવલ ઑફિસર (BLO) પાસેથી આ માટેનું ફૉર્મ મેળવી શકશે. ઑનલાઇન પ્રક્રિયા માટે વોટરો ઇલેક્શન કમિશનના ઑનલાઇન સર્વિસ પોર્ટલ અથવા તો ECINET મોબાઇલ ઍપ્લિકેશન અથવા http://voters.eci.gov.in/ વેબસાઇટ પર જઈને પોતાની ઍપ્લિકેશન મોકલી શકે છે.
ઉલ્લેખનીય છે કે ૩૧ ઑગસ્ટે મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર માટે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જાહેર કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ-રોલમાં એન્ટ્રી બાબતે કોઈ પણ જાતનો વાંધો ઉઠાવવો હોય કે કોઈ દાવો કરવો હોય એ માટેની છેલ્લી તારીખ ૩૧ સપ્ટેમ્બર છે. નામ ગાયબ હોય તો એ વિશે ફરિયાદ કરવા માટે છેલ્લી તારીખ ૩૧ સપ્ટેમ્બર છે.
જે લોકો SIRની પ્રક્રિયા દરમ્યાન હાજર ન હોય એવા પાત્ર વોટર્સનાં નામ ગાયબ હોય એવું બની શકે છે. ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઑફિસર તથા BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ મુંબઈગરાઓને આ સ્પેશ્યલ કૅમ્પનો લાભ લઈને જે સુધારા-વધારા કરાવવા હોય એ કરાવવાની તથા નવાં નામોની નોંધણી કરાવવાની અપીલ કરી છે.
