Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ વાંચી જાઓ ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળાને કોરોનાનો રામબાણ ઇલાજ માનતા હો તો

આ વાંચી જાઓ ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળાને કોરોનાનો રામબાણ ઇલાજ માનતા હો તો

14 July, 2020 08:09 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આ વાંચી જાઓ ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળાને કોરોનાનો રામબાણ ઇલાજ માનતા હો તો

આ વાંચી જાઓ ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળાને કોરોનાનો રામબાણ ઇલાજ માનતા હો તો


ભારતમાં કોરોના-સંક્રમણના કેસ વધતાં આયુષ મંત્રાલયે ક્વાથ પીવાની ભલામણ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના સામેના જંગમાં વૈકલ્પિક ચિકિત્સા પર ભાર મૂક્યો છે. હાલમાં ઘર-ઘરમાં પ્રાકૃતિક ઔષધિ નાખી બનાવેલા ઉકાળા પીવાનું ચલણ વધ્યું છે ત્યારે એની અસર અને આડઅસર વિશે સંપૂર્ણ જાણકારી હોવી આવશ્યક છે. સવાર-બપોર-સાંજ ગરમાગરમ ઉકાળા ગટગટાવી જતા વાચક બિરાદરોના માર્ગદર્શન માટે નિષ્ણાતો સાથે કરેલી વાતચીતને અહીં રજૂ કરવામાં આવી છે.

મેસેજ નં-૧ : સવારે ચાની અવેજીમાં પીઓ અમૃત ઉકાળો ને આપો કોરોનાને જાકારો. પહેલા ત્રણ દિવસમાં જ ફાયદો જોવા મળશે. આ અમારો અનુભવસિદ્ધ પ્રયોગ છે.



મેસેજ નં-૨ : યહ કાઢા પીને સે કોરોના તો ક્યા વિશ્વ કા કોઈ ભી વાઇરસ આપકો નુકસાન નહીં પહૂંચા સકતા, આયુર્વેદ હી જીવન હૈ.


મેસેજ નં-૩ : આયુર્વેદની સહાયથી કોરોનાને દૂર રાખી શકાય છે. હૉસ્પિટલમાંથી સ્વસ્થ થઈને બહાર આવેલા દરદીઓનું કહેવું છે કે તેમને ઉકાળો આપવામાં આવતો હતો. કોવિડ-19ના દરદીઓમાં સૂંઠ પાઉડરનો પ્રયોગ અકસીર ઇલાજ હોવાનું પુરવાર થયું.

મેસેજ નં-૪ : સંકલ્પ કરો કે વાઇરસને શરીરમાં ઘૂસવા નથી દેવો. આયુર્વેદિક ઉકાળાની અમૂલ્ય ટિપ્સને અનુસરો અને કોરોનાથી બચો.


આવા તો કેટલાય સંદેશાઓ રોજ-રોજ સોશ્યલ મીડિયા પર ઠલવાય છે. કોરોના-સંક્રમણના ભયના ઓથાર તળે ઘર-ઘરમાં પ્રાકૃતિક ઔષધિમાંથી બનાવેલો ઉકાળો પીવાનું ચલણ વધ્યું છે. આયુષ મંત્રાલયે પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ક્વાથ પીવાની સલાહ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંદર્ભે દેશને સંબોધિત કરતી વખતે વૈકલ્પિક ચિકિત્સા પર ભાર મૂક્યો હતો. આપણે નસીબદાર છીએ કે આપણી પાસે આયુર્વેદ મેડિસિનનો ભંડાર છે. એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને અનેક રોગોથી બચી શકાય છે એમાં કોઈ શંકા નથી, પરંતુ શું ઉકાળો પીવાથી કે નાક વાટે સૂંઠનો પાઉડર સૂંઘવાથી કોરોના ભાગી જશે? સોશ્યલ મીડિયા પર ઠલવાતી ઉકાળો બનાવવાની રીતને અનુસરવી યોગ્ય છે? દિવસમાં કેટલી વાર ઉકાળો પીવો જોઈએ, એને બનાવવાની સાચી રીત અને આડઅસર વિશે જાણી લો.

કોરોના ભાગી જાય?

વૈકલ્પિક ચિકિત્સા એ કોઈ દવા નથી કે રોગ મટી જાય. ઠાકુરદ્વારનાં જનરલ ફિઝિશ્યન ડૉ. સીમા પારેખ કહે છે, ‘આયુર્વેદની આડઅસર ઓછી હોવાથી લોકો અનુસરવા લાગ્યા છે. વાસ્તવમાં એની પાછળ ફિયર સાઇકોલૉજી કામ કરે છે. આજકાલ કોઈને પણ પૂછો, તમને જુદા-જુદા આયુર્વેદ ક્વાથનું જ્ઞાન મળી રહેશે. અમે તો

સવાર-સાંજ લઈએ છીએ. તુલસીનો રસ પીવાથી તાવ ઊતરી જાય છે, અસ્થમાના દરદી માટે આદું કે સૂંઠનો પ્રયોગ ફાયદેમંદ છે. મરીમાં છાતીમાં જામેલા કફને બહાર કાઢવાની ક્ષમતા છે. લીંબુમાં વિટામિન સી છે તો તજ પાઉડર શુગરને કન્ટ્રોલમાં રાખે છે. પ્રાકૃતિક ઔષધિઓ એના ગુણધર્મોના કારણે લાભદાયી હોવાથી આયુષ મંત્રાલય દ્વારા ક્વાથનો પ્રયોગ સૂચવવામાં આવ્યો છે, પરંતુ એનાથી કોરોના મરતો નથી. ઉકાળો મેડિસિન નહીં, ઇમ્યુનિટી બૂસ્ટર છે જે પ્રાથમિક લક્ષણો સામે ફાઇટ કરવામાં હેલ્પ કરે છે. વાઇરસ ગળામાં હોય ત્યાં સુધી ઉકાળા કામ લાગે, જેવો ફેફસાંમાં એન્ટર થાય તમારે ગોળીઓ અને સારવાર લેવી પડે છે.’

આયુર્વેદના કન્સેપ્ટ પ્રમાણે પાણીને પણ ઉકાળીને પીવું જોઈએ. એને ઉષ્ણડક કહે છે. ખારઘરનાં આયુર્વેદ મિડિસિન એક્સપર્ટ ડૉ. નિખિતા શેરે કહે છે, ‘સવારમાં પાણીને અડધી માત્રા રહે એટલું ઉકાળીને પીવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે. હિન્દીમાં કાઢા, ગુજરાતીમાં ઉકાળો અને સંસ્કૃતમાં ક્વાથ તરીકે ઓળખાતાં સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદિક પીણાં અનેક રોગોમાં રામબાણ ઇલાજ છે. જોકે એનાથી કોરોનાના જંતુ નાશ પામશે એવું હાલમાં કહી ન શકાય. ઍલોપથી કે આયુર્વેદ કોઈની પાસે કોરોનાને ભગાડવાની દવા નથી. ઉકાળા ઇમ્યુનિટી બિલ્ડ કરવા માટે છે.’

ઉકાળો પીવાના નિયમો

આયુર્વેદમાં ક્વાથ પીવાના કેટલાક નિયમો છે. હવામાન અને ઋુતુ પ્રમાણે એનો પ્રયોગ કરો તો સારું રિઝલ્ટ મળે. ડૉ. નિખિતા શેરે કહે છે, ‘કોરોનાની ભારતમાં એન્ટ્રી થયા બાદ આયુષ મંત્રાલયે કાળાં મરી, તજ, લવિંગ, આદું, ગોળ વગેરેનો પ્રયોગ કરી ઉકાળો પીવાની સલાહ આપી હતી. હવે ચોમાસું બેસી ગયું છે તેથી એમાં થોડા ફેરફાર કરવા જોઈએ. દરેક ઋુતુનાં જુદાં હર્બ્સ હોય છે. વરસાદની મોસમની સાથે વાત-પિત્તની તકલીફ ઊભી થાય છે. એવામાં બૅલૅન્સ્ડ ઇમ્યુનિટી બૂસ્ટર લેવું જોઈએ. જેમ કે સૂંઠ લો છો તો એની સામે બ્લૅક મનુકા (સૂકી કાળી દ્રાક્ષ) પણ પેટમાં જવી જોઈએ. ગોળની જગ્યાએ ખડી સાકર વાપરવી. ગિલોય શ્રેષ્ઠ છે. ઉકાળો બનાવતી વખતે એનો પ્રયોગ અચૂક કરવો.’

 ઉકાળાની રીત અને એમાં ઉમેરવામાં આવતાં હર્બ્સ વિશે અધકચરી જાણકારી હોય તો આયુષ મંત્રાલય દ્વારા લૉન્ચ કરવામાં આવેલા ક્વાથ સરસ છે એવી ભલામણ કરતાં ડૉ. સીમા પારેખ કહે છે, ‘બજારમાં તૈયાર ક્વાથ મળે છે. આયુષ ક્વાથનો સ્વાદ પણ બધાને ભાવે એવો છે. સવાર-સાંજ એક ચમચી પીવાથી ઇમ્યુનિટી બિલ્ડ થશે. ક્વાથ ઉપરાંત ટૅબ્લેટના ફૉર્મમાં પણ ઉપલબ્ધ છે. જોકે ફ્રેશ હૉટ વૉટર ફર્મેન્ટેશન બેસ્ટ કહેવાય. રોગપ્રતિકારક શક્તિ વધારવા ક્વાથ ઉપરાંત વિટામિન સી અને ઝિન્કની ટૅબ્લેટ્સ લેવાની છે. વિટામિન ડી માટે સવારમાં થોડી વાર તડકો ખાવો જરૂરી છે.’ 

 

ઉકાળાનો અતિરેક

કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી. આડેધડ ઉકાળા પીવાથી મોઢામાં છાલાં પડી ગયાં હોય, ગળામાં બળતરા થતી હોય, ઍસિડિટી વધી ગઈ હોય, પિરિયડ્સની ડેટ વહેલી આવી ગઈ હોય એવા અનેક કેસ આવે છે. ડૉ. સીમા કહે છે, ‘ગળામાં બળતરા થાય એટલે દરદી ગભરાઈ જાય. મને કોરોના તો નથીને? હકીકતમાં તેમની બૉડીમાં હીટ વધી ગઈ હોય છે. હિસ્ટરી પૂછો તો ખબર પડે કે તેઓ દિવસમાં ત્રણ-ચાર વાર ઉકાળા પીવે છે. પ્રાકૃતિક ઔષધિમાં અઢળક ગુણો છે, પરંતુ ઘરગથ્થુ ઉપચારો કરતી વખતે એની માત્રા, પીવાનો સમય અને તાસીર જોયા વગર ઉપચાર કરવાથી આડઅસર થઈ શકે છે. આડઅસરને શાંત કરવા મલ્ટિવિટામિન્સ અને સિરપ આપવાની ફરજ પડે છે.’

ક્વાથને ફ્રેશ જ પીવો જોઈએ. ઘણા લોકો તપેલી ભરીને બનાવી રાખે ને પછી આખો દિવસ પીધા કરે છે. રીહીટ કરવાથી હર્બ્સના ગુણધર્મો નાશ પામે છે. આ રીતે પીવાતો ઉકાળો શરીરમાં ટૉક્સિન ક્રીએટ કરે છે એવી માહિતી આપતાં ડૉ. નિખિતા શેરે કહે છે, ‘હર્બ્સને નિયમો અનુસાર લેવામાં ન આવે તો આડઅસર થાય છે. આયુર્વેદમાં મધને પકવવાની મનાઈ ફરમાવવામાં આવી છે પણ મોટા ભાગના લોકો એને ગરમ પાણીમાં નાખીને લે છે. ઉકાળાને નૉર્મલ ટેમ્પરેચરમાં રાખીને મધ ઉમેરાય. હળદરવાળું દૂધ ગુણકારી છે, પરંતુ આ સીઝનમાં પિત્ત વધારે છે. જો પીવું હોય તો એમાં સહેજ સૂંઠ અને મરી પાઉડર ઉમેરવાં. રાત્રે હળદરવાળું દૂધ પીતી વખતે અડધી ચમચી ઘી નાખવું જોઈએ. અશ્વગંધા અને ત્રિફળાનો કરેક્ટ ડોઝ લેવામાં ન આવે તો એની આડઅસર થાય છે. આયુર્વેદની પર્સનલાઇઝ્ડ ચિકિત્સા છે. એના પ્રયોગમાં આંધળૂકિયાં ન કરાય. પ્રાકૃતિક ઔષધિઓની અસર ધીમે-ધીમે થાય છે. કોરોનાથી ડરવાની અને સ્ટ્રેસ લેવાની જરૂર નથી. ક્વાથ લેવાની સાચી રીતને અનુસરશો અને નૅચરલ હર્બ્સ પર વિશ્વાસ રાખશો તો ચોક્કસ સારું પરિણામ મળશે.’

આયુર્વેદમાં ક્વાથ પીવાના કેટલાક નિયમો છે. હવામાન અને ઋુતુ પ્રમાણે એનો પ્રયોગ કરો તો સારું પરિણામ મળે. વરસાદની મોસમની સાથે વાત-પિત્તની તકલીફ ઊભી થાય છે. એવામાં બૅલૅન્સ્ડ ઇમ્યુનિટી બૂસ્ટર લેવું જોઈએ. જેમ કે સૂંઠ લો છો તો એની સામે બ્લૅક મનુકા પેટમાં જવી જોઈએ. ગોળની જગ્યાએ ખડી સાકર વાપરવી. ગિલોય અને ગડૂચી શ્રેષ્ઠ હર્બ્સ છે.

- ડૉ. નિખિતા શેરે, આયુર્વેદ નિષ્ણાત

ડૉ. નિખિતા શેરેએ સૂચવેલો ઉકાળો

વરસાદની મોસમમાં ક્વાથ બનાવવા માટે ગડૂચી, ગિલોય અને બ્લૅક મનુકા (સૂકી કાળી દ્રાક્ષ)નો પ્રયોગ કરવો જોઈએ. પા ચમચી સૂંઠ પાઉડર, ચારથી પાંચ બ્લૅક મનુકા અને સરખી માત્રા (અડધી ચમચી)માં ગડૂચી તેમ જ ગિલોય લઈ બે કપ પાણીમાં નાખવું. પાણી ઉકાળતી વખતે વાસણની ઉપર પ્લેટ ઢાંકવી નહીં. વરાળ ઊડી જાય ત્યારે જ ક્વાથ પચવા લાયક બને છે. આ ક્વાથને વહેલી સવારે પીવો જોઈએ.

આખા ધાણા, આખું જીરું અને વરિયાળીને સરખી માત્રામાં લઈ પાણીમાં ઉકાળવું. પાણી ઉકાળતી વખતે ઉપરની રીત અનુસરવી. જમ્યા પછી એક કલાક રહીને આ ક્વાથ પીવાથી પાચનતંત્ર સુધરે છે. ચોમાસામાં માથું ઊંચકતા પેટના રોગોમાં આ ક્વાથ અકસીર ઇલાજ છે.

ઉકાળાના અતિરેકથી મોઢામાં છાલાં પડી ગયાં હોય, ગળામાં બળતરા થતી હોય, ઍસિડિટી વધી ગઈ હોય, પિરિયડ્સની ડેટ વહેલી આવી ગઈ હોય એવા અનેક કેસ આવે છે. આયુર્વેદનો પ્રયોગ કરતાં પહેલાં એની માત્રા અને બનાવવાની સાચી રીત જાણી લેવી જોઈએ. જો સમજણ ન પડે તો આયુષ મંત્રાલય દ્વારા લૉન્ચ કરવામાં આવેલા ક્વાથ અને ટૅબ્લેટ્સનો ઉપયોગ કરી શકાય

- ડૉ. સીમા પારેખ, જનરલ ફિઝિશ્યન

ડૉ. સીમા પારેખે સૂચવેલો ઉકાળો

૮-૧૦ તુલસીનાં પાન, ૩ ગ્રામ તજ પાઉડર, એક ઇંચ આદુંનો ટુકડો, ૩-૪ દાણા કાળાં મરી અને ૧ લાકડી ગિલોયને એક લિટર પાણીમાં નાખી બસ્સો મિલીલીટર પાણી રહે ત્યાં સુધી ઉકાળી સવારે બ્રેકફાસ્ટ લેતાં પહેલાં પીવું. ઇચ્છો તો લીંબુનો રસ અથવા મધ ઉમેરી શકો છો. આ ઉકાળો ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરશે. સામાન્ય વ્યક્તિએ દિવસમાં એક વાર ૧૦૦ મિલીલિટર જેટલી માત્રામાં ઉકાળો પીવો જોઈએ. જો પ્રાથમિક લક્ષણ દેખાય કે તબિયત નરમ હોય એવું જણાય તો દિવસમાં બે વાર લઈ શકાય. ગિલોયની સ્ટિકનો વાંરવાર ઉપયોગ કરવાથી એમાં કસ રહેતો નથી તેથી દર વખતે નવી સ્ટિક લેવી.

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 08:09 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK