પેરન્ટ્સ તરીકે એક તરફ મનમાં ચાલે કે તેણે પોતાનું હોમવર્ક બરાબર કર્યું હશે અને બીજી તરફ મનમાં એમ થાય કે તેણે ક્યાંક ભૂલ કરી હશે તો?
પ્રતીકાત્મક તસવીર
હમણાં અમારી દીકરી તમન્નાએ પહેલી વાર સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે ‘ઝમકૂડી’ નામની ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી. તેણે કોરિયોગ્રાફ કરેલા સૉન્ગ ‘એક રાજાને સો-સો રાણી...’ની કોરિયોગ્રાફીનાં ખૂબ વખાણ થયાં અને સોશ્યલ મીડિયા પર રીલ્સમાં પણ એ સુપરહિટ રહ્યું. નૅચરલી, પેરન્ટ્સ તરીકે અમે તો સૌથી વધારે ખુશ છીએ. આજની જનરેશનને આપણે થોડી બેદરકાર માનતા હોઈએ છીએ. તેમના બિહેવિયરને કારણે આપણને એવું પણ લાગે કે એ લોકો કામ પ્રત્યે બહુ સિરિયસ નથી, પણ એવું નથી હોતું. તેઓ પોતાના કામ પ્રત્યે જેટલી ગંભીરતા ધરાવે છે એટલા તો આપણે પણ આપણી કરીઅરના સમયે ગંભીર નથી હોતા. ફરક માત્ર એટલો છે કે તેઓ આખો દિવસ એ વિશે બોલતા નથી રહેતા. તેઓ કામને કામની જગ્યાએ રાખે છે અને પોતાની પર્સનલ લાઇફને એની જગ્યાએ, જેને લીધે પેરન્ટ્સને એવું લાગે છે કે એ લોકોને કામ પ્રત્યે સિરિયસનેસ નથી. તમન્નાના આ સૉન્ગની જ વાત કરું તો અમે તેને કેટલીયે વાર પૂછ્યું કે તેં કોરિયોગ્રાફી કેવી સેટ કરી છે એની વાત તો કર; પણ ના, તેણે અમને કશું જ કહ્યું નહીં અને અમને કહી દીધું કે તમે સેટ પર આવજો અને ત્યાં જ જોઈ લેજો.
પેરન્ટ્સ તરીકે એક તરફ મનમાં ચાલે કે તેણે પોતાનું હોમવર્ક બરાબર કર્યું હશે અને બીજી તરફ મનમાં એમ થાય કે તેણે ક્યાંક ભૂલ કરી હશે તો? પણ સેટ પર ગયા પછી રિહર્સલ્સમાં અમે જે જોયું એ અમારી ધારણા બહારનું હતું. તેણે માત્ર કોરિયોગ્રાફીનું જ નહીં, કૉસ્ચ્યુમ્સથી માંડીને કોરસ ડાન્સરમાં પણ ધ્યાન આપ્યું હતું તો જેને ડાન્સમાં ઓછી ફાવટ હતી તેની પાસે ઓછામાં ઓછો ડાન્સ કરાવવા માટે શું કરવું એનું પણ ધ્યાન રાખ્યું હતું. અમારી દીકરી છે એટલે નહીં, જો બીજું કોઈ હોય તો પણ અમારા મોઢેથી નીકળી ગયું હોત - હૅટ્સ ઑફ.
ADVERTISEMENT
તમન્નાની એફર્ટ્સને કારણે જ અમને સમજાયું કે મોટા ભાગના પેરન્ટ્સની પણ મેન્ટલ પોઝિશન આ જ હોવી જોઈએ. તેમને પણ એ જ લાગતું હશે કે તેમનાં સંતાનો કામની બાબતમાં બેદરકાર કે ગંભીર નહીં હોય; પણ ના, એ આપણી ભ્રમણા માત્ર છે. હા, તેઓ કામને ગાઈ-વગાડતાં નથી, કામ વિશે વધારે ડિસ્કસ નથી કરતાં; પણ તેમના મનમાં સતત કામ ચાલ્યા કરે છે અને એટલે જ્યારે પર્ફોર્મ કરવાનું આવે છે ત્યારે પર્ફેક્ટ લેવલનો પર્ફોર્મન્સ આપી દે છે. આપણે આ ન્યુ જનરેશન પાસેથી એ જ શીખવાનું છે. કામને બૅગેજ બનાવીને રાખવાને બદલે કામ સમયે સંપૂર્ણ સમય એને આપવાનું જો શીખી જઈએ તો ખરેખર કામ થકી સાચો આનંદ મળતો થઈ જશે અને કામ ભારરૂપ નહીં બને.

