Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મિત્ર ક્યારેય તમારી આંગળી ‘પકડશે’ નહીં, પણ તમને આંગળી ‘ચીંધશે’

મિત્ર ક્યારેય તમારી આંગળી ‘પકડશે’ નહીં, પણ તમને આંગળી ‘ચીંધશે’

16 April, 2024 07:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારી દરેક વાત તેને ગમે જ એવી અપેક્ષા પણ તમે તમારા મિત્ર પાસે રાખી ન શકો

કવિત પંડયાની તસવીર

સોશ્યોલૉજી

કવિત પંડયાની તસવીર


મિત્રો પાછળ ‘મરવું’ નહીં, મિત્રો માટે ‘જીવવું’. મિત્રો સાચા કે ખોટા, સારા કે ખરાબ, પ્રિય કે અપ્રિય હોતા જ નથી; મિત્ર મિત્ર જ હોય છે. તે બીજું કશું હોઈ જ ન શકે.

મિત્ર વિચારો અને નિખાલસતાની ફૂલદાની છે, તે તમારી નવરી ક્ષણોને પસાર કરવાનું રમકડું નથી. તમે અતિ વ્યસ્ત હો કે કામમાં ઓતપ્રોત હો તો પણ સ્મરણો દ્વારા તમારો મિત્ર તમારી અંદર રમતો હોય છે. તમારો મિત્ર તમારી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાનું સાધન નથી. તે તો તમને જીવનનાં ગહન રહસ્યોની યાત્રા કરાવી સત્યાર્થ સુધી લઈ જઈ તેજોમય વિશ્વનો અનુભવ કરાવે છે. મિત્ર તમારાં નવાં સપનાંઓને વાવતો રહે છે. તમને ખબર ન પડે એમ એનું સિંચન કરે અને ઉગાડે અને પછી એમાંથી તમને જે ફળ મળે એનો દૂર ઊભા-ઊભા મનોમન અંત:કરણથી સંતોષ માને.
યાદ રહે, મિત્ર તમારો ‘અરીસો’ છે અને ‘માર્ગ’ પણ. તે તમારી ક્યારેય આંગળી ‘પકડશે’ નહીં, પણ તમને આંગળી ‘ચીંધશે’. વિશ્વમાં આ એક જ વ્યક્તિ એવી છે જે ક્યારેય તમને સસ્તો કે હલકો માર્ગ નહીં બતાવે, કારણ કે તેની એક જ અભિલાષા હોય છે કે તમે જીવનના કપરામાં કપરા માર્ગોને બહાદુરીપૂર્વક પડકારો અને પ્રામાણિકતાથી ઓળંગો. તે તમને ‘લડતાં’ શીખવે છે તો ‘જીવતાં’ પણ. તમારો મિત્ર તમને તમારા ભ્રમણાના વિશ્વમાંથી બહાર કાઢે છે.



તમારી દરેક વાત તેને ગમે જ એવી અપેક્ષા પણ તમે તમારા મિત્ર પાસે રાખી ન શકો. તે માત્ર તમને ‘સાંભળે’ નહીં, ‘સંભાળે’ પણ છે. તે તમારી પાસે પોતાની મોટાઈનાં બણગાં ક્યારેય નહીં ફૂંકે, કારણ કે તે તો તમને મોટા ‘બનાવવા’ અને તમને મોટા ‘કરવા’માં જ વ્યસ્ત હોય છે. તમારો મિત્ર તમને ક્યારેય ‘રિફ્યુઝ’ નહીં કરે, પણ ‘રિફ્રેશ’ કરે છે. તે ક્યારેય તમારા ‘હું’ને પ્રોત્સાહન નહીં આપે, પણ તમારી અંદર રહેલા ‘હું’ને  ઓગાળશે. તે તમારી ‘પાસે’ હોય કે ન હોય, ‘સાથે’ તો હશે જ. તમારો સાચો  મિત્ર માઇલોનાં માઇલો તમારાથી દૂર હશે, પણ તમારામાં ઓતપ્રોત હશે.


મિત્ર, ‘નૈતિકતા’ વગરની ‘સુંદરતા’ અને ‘સચ્ચાઈ’ વગરની ‘ઊંચાઈ’ કશા કામની નથી. નદીને તારો આદર્શ બનાવજે અને સાગરને તારી પ્રેરણા. નદી તને ‘વહેતાં’ શીખવશે, સાગર તને ‘સ્થિરતા’ શીખવશે. નદીથી તું જીવનનું મૂલ્ય સમજીશ અને સાગર તને અસ્તિત્વનું મૂલ્ય સમજાવશે. હે મિત્ર, ગતિશીલ જીવન દ્વારા જ તો અસ્તિત્વની ઓળખ છે. આવું કહેનારો મિત્ર તમારી પાસે છે? જો હોય તો ખરેખર તમે સૌથી ધનવાન છો.

અહેવાલ : કવિત પંડયા


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK