Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કલ્યાણજી–આણંદજીની જીવનકથા જિંદગી કા સફર એટલે જીવન જીવવાની કળા માટેની જડીબુટ્ટીઓનો અખૂટ ભંડાર

કલ્યાણજી–આણંદજીની જીવનકથા જિંદગી કા સફર એટલે જીવન જીવવાની કળા માટેની જડીબુટ્ટીઓનો અખૂટ ભંડાર

Published : 10 December, 2024 03:27 PM | Modified : 10 December, 2024 03:49 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

નાનપણમાં જે સંગીતકારોને આરાધ્યદેવ માનીને પૂજતો, જેમનાં ગીતો સાંભળીને દિલ ઝૂમતું, ગાતું અને આર્દ્ર થઈને ઝરતું એ સંગીતકારોને એક દિવસ રૂબરૂ મળવાનો અને તેમની સાથે ગુફ્તગૂ કરવાનો મોકો મળશે એની તો કલ્પના જ નહોતી.

નરેન્દ્ર મોદી સાથે આણંદજીભાઈ.

વિશેષ લેખ

નરેન્દ્ર મોદી સાથે આણંદજીભાઈ.


મશહૂર નવલકથાકાર અને નાટ્યકાર ગ્રેહામ ગ્રીન પોતાની આત્મકથાની શરૂઆતમાં એક સરસ વાત કરે છે, ‘કોઈએ મને પ્રશ્ન કર્યો કે શા  માટે માણસે પોતાના કે અન્યના ભૂતકાળમાં જવું જોઈએ? તો એના જવાબમાં હું સોરેન કર્કગાર્ડનું એક અવતરણ ટાંકું છું : કેવળ લૂંટારાઓ અને જિપ્સીઓ જ પોતે જ્યાં એક વખત ગયા હોય ત્યાં પાછા જતા નથી.

ગ્રેહામ ગ્રીનની વાત જોડે દરેક સમજુ માણસ સહમત થશે જ. આમ પણ દુનિયામાં યાદ રાખવા જેવું મોટા ભાગે કંઈ હોતું નથી. જો સુખી થવું હોય તો બસ, થોડી મીઠી સ્મૃતિઓને સમયાંતરે મમળાવી લેવી જોઈએ.



૧૯૯૬માં શરૂ કરેલી અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે આજ સુધી ૧૪૨ કાર્યક્રમોનું આયોજન કરવાનો અવસર મળ્યો એ ઈશ્વરકૃપા. એ નિમિત્તે ગુજરાતી સાહિત્ય, સંગીતના દિગ્ગજો ઉપરાંત હિન્દી ફિલ્મોના મહારથી કહેવાય એવા સંગીતકારોના પરિચયમાં આવ્યો એને હું એક ચમત્કાર ગણું છું. નાનપણમાં જે સંગીતકારોને આરાધ્યદેવ માનીને પૂજતો, જેમનાં ગીતો સાંભળીને દિલ ઝૂમતું, ગાતું અને આર્દ્ર થઈને ઝરતું એ સંગીતકારોને એક દિવસ રૂબરૂ મળવાનો અને તેમની સાથે ગુફ્તગૂ કરવાનો મોકો મળશે એની તો કલ્પના જ નહોતી.


સંગીતકાર નૌશાદ, ઓ. પી. નૈયર, ખય્યામ, રવિ, આણંદજીભાઈ, પ્યારેલાલ, રવીન્દ્ર જૈન; ગાયક કલાકાર મન્ના ડે, ભૂપિન્દર સિંહ, અનુપ જલોટા, શંકર મહાદેવન, રૂપકુમાર રાઠોડ અને બીજા કલાકારો સાથે જે મુલાકાતો થઈ એમાં પ્રમુખ વાતો તેમની સંગીતસફરની હતી. સંગીતકાર મદનમોહન, હેમંતકુમાર, સલિલ ચૌધરી, ચિત્રગુપ્ત, મોહમ્મદ રફી, કિશોરકુમારના  પરિવારજનો સાથે મુલાકાતો થઈ એમાં એ સૌના જીવનનાં અણદીઠાં પાસાંઓ જાણવા મળ્યાં. દરેક  વિશે ‘મિડ-ડે’ની કૉલમ ‘વો જબ યાદ આએ’માં વિસ્તારથી લખાયું; પરંતુ આણંદજીભાઈ સાથેની મુલાકાતોમાં એક વાતની પ્રતીતિ થઈ કે તેમના જીવનની વાતો તો સંગીતસફરથી પણ વધુ રોમાંચક છે એટલું જ નહીં, એનો અર્ક કાઢીએ તો એ પ્રેરણાત્મક વાંચનનો ઉત્તમ ગ્રંથ બની શકે. એટલા માટે સતત ૫૮ અઠવાડિયાં પ્રકાશિત થયેલી આ સુરીલી સંગીતસફર અને રસપ્રદ જીવનસફરને પુસ્તકરૂપે આકાર આપવાનો નિર્ણય કર્યો.

પ્રામાણિકપણે કહું તો મને લખવાનો ખૂબ કંટાળો આવે. મારા ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ એવા સુરેશ દલાલ કહેતા, ‘તારી અંદર ઘણું સત્ત્વ છે. એ બધું કાગળ પર આવવું જોઈએ. મને લાગે છે તારે નિયમિત લખવાની આદત પાડવી જોઈએ.’


સુરેશભાઈનાં સંપાદન થયેલાં અનેક પુસ્તકોમાં મારા લેખ છપાયા છે. સાહિત્યમાં ઊંડો રસ એટલે છૂટીછવાઈ કવિતાઓ લખાઈ. તે કહેતા, ‘તું સન્ડે પોએટ છો. કંઈ પણ ન સૂઝે તો અનુવાદ કર, કારણ કે લખવાનો રિયાઝ સતત ચાલુ રહેવો જોઈએ.’

યોગાનુયોગ ‘મિડ-ડે’ના તંત્રી રાજેશ થાવાણી સાથે ૨૦૧૨માં મુલાકાત થઈ અને તેમણે કૉલમ લખવાનું આમંત્રણ આપ્યું. ‘ડેડલાઇન’ના તકાજાને કારણે જ આટલાં વર્ષોથી સતત લખાયું છે.

આમ જોઈએ તો દરેક કલાકારની કથનીમાં અમુક ઘટનાઓ ‘કૉમન’ છે. નૌશાદ હોય કે ઓ. પી. નૈયર, ખય્યામ હોય કે મન્ના ડે, દરેકના પિતા એમ માનતા કે પુત્ર આડી લાઇને ચડી ગયો છે. એ વિરોધની પરવા કર્યા વિના આ દરેકે નાનોમોટો બળવો કરીને સંગીતની રાહ પકડી. આ બાબતમાં કલ્યાણજી-આણંદજી થોડા જુદા પડે છે. પરિવારની સંપૂર્ણ સહમતી બાદ જ તેમનો ફિલ્મી દુનિયામાં પ્રવેશ થયો અને અપાર સફળતા મળી. એમાં પિતા વીરજીભાઈની દૂરંદેશીએ પણ ભાગ ભજવ્યો એ વાતનો ઇનકાર ન થાય.

ફુરસદના સમયમાં ફિલ્મોમાં મ્યુઝિશ્યન તરીકે અને શોખ ખાતર ઑર્કેસ્ટ્રાના શો કરતા ભાઈઓને પ્રથમ વાર સ્વતંત્ર સંગીતકાર બનવાનો મોકો મળ્યો જ્યારે સુભાષ દેસાઈએ કલ્યાણજીભાઈને કહ્યું, ‘હું તમને એકસાથે પાંચ ફિલ્મોનો કૉન્ટ્રૅક્ટ આપું છું.’

તેમણે જવાબ આપ્યો, ‘મને નથી લાગતું હું એક સંગીતકાર તરીકે એકસાથે પાંચ ફિલ્મો સાઇન કરી શકું.’ સુભાષ દેસાઈએ કહ્યું, ‘મને ખાતરી છે કે એક દિવસ તમે ટોચના સંગીતકાર બનશો. બહુ વિચાર કરવા જેવું નથી. પહેલી ફિલ્મના ૫૦૦૦ મળશે, બીજી ફિલ્મના ૧૦,૦૦૦ મળશે અને પાંચમી  ફિલ્મના ૨૫,૦૦૦ મળશે. ત્યાં સુધીમાં એટલા ફેમસ થઈ ગયા હશો કે લાખ રૂપિયા માગશો. એટલે જ એકસાથે પાંચ ફિલ્મોની વાત કરું છું.’

મૂંઝાઈ ગયેલા કલ્યાણજીભાઈએ પિતાને વાત કરી. તેમણે કહ્યું, ‘જે કોઈ ચીજ સામેથી આવે એને ના ન પાડવી. આમાં વિધિનો કોઈ સંકેત હશે એટલે જ આવી ઑફર આવી છે.’ કલ્યાણજીભાઈએ કહ્યું, ‘આ ઑર્કેસ્ટ્રાના કાર્યક્રમ કરવા જેટલી સહેલી વાત નથી; ગીતો કમ્પોઝ કરવાં, રિહર્સલ કરવાં, રેકૉર્ડ કરવાં એ સહેલું કામ નથી.’ વીરજીભાઈ કહે, ‘તમે કામ માગવા નહોતા ગયા, આ સામેથી આવ્યું છે એટલે જ આ કામ છોડવા જેવું નથી.’ અને શરૂ થઈ કલ્યાણજી વીરજી શાહની સંગીતયાત્રા. પહેલી ફિલ્મ ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’નું સંગીત લોકપ્રિય થયું અને બીજા પ્રોડ્યુસરની ફિલ્મો પણ મળવા લાગી.

મૉરલ ઑફ ધ સ્ટોરી, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય. સામેથી મળતું કામ ભલે મુશ્કેલ લાગે તો પણ એનો અનાદર ન કરવો, કારણ કે એમાં વિધિનો કોઈ સંકેત હશે. પ્રારબ્ધ સાથે પુરુષાર્થનો સમન્વય થાય તો સફળતા દૂર નથી હોતી. આવી ગહન વાત શીરાની જેમ ગળે ઊતરી જાય એવો આ પ્રસંગ છે. પુસ્તકમાં આવા એક નહીં, અનેક પ્રસંગો છે જેમાં જીવનમૂલ્યોની સાચી સમજ સહજ અને સરળ રીતે મળતી જાય.

રામબાણ ઇલાજ જેવા અનેક નુસખા કલ્યાણજી-આણંદજીને ગળથૂથીમાં મળ્યા. એ સાથે સંકળાયેલા પ્રસંગો એટલા રસપ્રદ છે કે એનો સચોટ ઉપયોગ ફિલ્મી દુનિયાની આંટીઘૂંટીવાળા સંજોગોમાં બન્ને ભાઈઓએ કર્યો એટલું જ નહીં, આ કસબનો ઉપયોગ તેઓ હરકોઈ માટે કરતા રહ્યા. ફિલ્મી દુનિયામાં કોઈનું પણ કોઈ સાથે મનદુઃખ થતું ત્યારે લોકો કહેતા, ‘તમે કલ્યાણજી–આણંદજીને મળો. તમને સાચી સલાહ મળશે.’

જીવનકથા લખવાનો આશય એટલો જ દરેક વ્યક્તિ પાસે કશુંક એવું કહેવા જેવું છે જે બીજાને માટે માર્ગદર્શન બને. એક જ પરિસ્થિતિમાં હરકોઈ અલગ-અલગ રીતે વર્તન કરે. દરેકનો પ્રતિભાવ અલગ હોય, પરિણામ અલગ હોય. આપણે આ સંજોગોમાં કઈ રીતે કામ લેવું એના અનેક ઑપ્શન્સ જાણવા માટે આવાં પુસ્તકો હાથવગાં હોવાં જ જોઈએ.

જ્યારે વ્યક્તિની જીવનકથા લખાતી હોય છે ત્યારે એમાં સંકળાયેલાં બીજાં પાત્રોની ખૂબીઓનું આપોઆપ નિરૂપણ થઈ જાય છે. જીવનકથા કેવળ એક વ્યક્તિનો નહીં પરંતુ પૂરા સમાજનો, વ્યવસ્થાનો અને સાંપ્રત રાજકારણનો આયનો બની જાય છે. આ પુસ્તકમાં કલ્યાણજી-આણંદજીના સામાન્ય માનવી ઉપરાંત રાજકારણીઓ, સાધુસંતો, કારોબારીઓ, ઉદ્યોગપતિઓ અને ફિલમજગતના નામાંકિત કલાકારો સાથેના અનુભવોની વાતો છે. એમાં ક્યાંય કડવાશ  નથી. કલ્યાણજીભાઈ કહેતા, ‘કેરી ગમે એટલી મીઠી હોય, ગોટલો તો ફેંકી જ દેવો પડે. એમ માણસના નેગેટિવ પૉઇન્ટને બહાર ફેંકી દેવા પડે.’ આ સાંભળી આપણને યાદ આવે, ‘સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે’ની રે.’

આઇસિંગ ઑન ધ કેક જેવી, આ પુસ્તકની મોટામાં મોટી સરપ્રાઇઝ છે આણંદજીભાઈ અને પરિવારની નરેન્દ્ર મોદી સાથેની એ સમયની મુલાકાત જ્યારે તેઓ કેવળ RSSના પ્રચારક હતા.  ત્યાર બાદની મુલાકાતો થઈ ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના વડા પ્રધાન સાથે. દરેક વખતે મોદીસાહેબનો આણંદજીભાઈને એક જ પ્રશ્ન શું હતો એ રોમાંચક વાતો એટલે ‘બ્રેકિંગ ન્યુઝ’નો મોટો ખજાનો. આ એક જ ચૅપ્ટર માટે આ પુસ્તક અચૂક વાંચવું જ રહ્યું.

આ પુસ્તક કલાકાર બેલડીની જીવનકથા અને સંગીતયાત્રા ઉપરાંત વિશેષ છે. આ  ‘વિશેષ’ શું છે એની અનુભૂતિ દરેક વાચકે પોતે કરવાની છે. જેમ કવિતા એ કવિનો એક્સરે છે તેમ આ પુસ્તક સંગીતકાર બંધુઓના અસ્તિત્વનો ધૂંધળો આકાર છે. એ કશુંક ઉજાગર કરે છે અને કશુંક ગોપિત રાખે છે. ભાવકે પોતાની ભીનાશ વડે એક નવી સૃષ્ટિનું નિર્માણ કરીને એનો આસ્વાદ લેવાનું સત્કર્મ કરવું પડશે.

મંઝિલ પર પહોંચવાનો એક આનંદ તો હોય જ પરંતુ યાત્રા દરમિયાન પ્રવાસીએ જે રોમાંચ અનુભવ્યો હોય એ ઝીલવાનો આમાં પ્રયાસ છે. જીવનના અલગ-અલગ બિન્દુઓને એકત્રિત કરીને જે આકૃતિ સર્જાય એને આત્મકથા કહી શકાય. અહીં એવો સભાન પ્રયત્ન નથી કર્યો. સહજ રીતે વાતો કરતાં, ખાતાં-પીતાં, ગપ્પાં ગોષ્ઠિ કરતાં અમે મુકામે પહોંચ્યા છીએ. ઘટનાઓ કોઈ પણ જીવનકથાની કરોડરજ્જુ હોય છે. એ વિના માળખું બંધાય નહીં. એટલા માટે જ પ્રસંગો અને વધુમાં વધુ પ્રસંગો (કોઈ પણ જાતના અનુક્રમ વિના) સાથે પૂરો ઉપક્રમ સચવાય એ જ હેતુ રાખ્યો છે.

આણંદજીભાઈ સાથે જે સંવાદ થયો એના ૨૫ ટકાનો જ આ પુસ્તકમાં સમાવેશ થઈ શક્યો એનો ખટકો છે, પણ રંજ નથી. ઑફ ધ રેકૉર્ડ થયેલી ખાટીમીઠી ગપશપ તો જુદી. કલ્યાણજીભાઈને વર્ષો પહેલાં તેમના મ્યુઝિક હૉલમાં મળ્યો હતો. તેઓ જો હયાત હોત તો પુસ્તકનો રંગ ઓર ખીલી ઊઠ્યો હોત એ પ્રશ્ન મનમાં થાય, પણ એનો વસવસો કરવો વ્યર્થ છે. ‘જો’ અને ‘તો’ની વચ્ચેની દુનિયા જીવનસિક્કાની વરદાન અને અભિશાપ નામની બે બાજુ છે. એટલે એ વિચારોને ગણકારતો નથી.

આણંદજીભાઈ વિશે ટૂંકમાં કહેવું હોય તો એમ જ કહેવાય કે તેઓ એક માણસનો કાફલો છે. એક વ્યક્તિમાં અનેક આણંદજીભાઈ સંપીને જીવે છે. પોતાની વાત કરતા હોય ત્યારે કોઈ આપવડાઈની આતશબાજી ન હોય. અરીસામાં જોઈ જાતનાં ઓવારણાં લેતા નથી. ૯૧ વર્ષની ઉંમરે વૃદ્ધ થયા વિના સતત વૃદ્ધિ પામતા રહે છે. જીવન તો સૌને મળ્યું છે પણ જીવન જીવવાની કળા કોઈ તેમની પાસેથી શીખે.

આ પુસ્તક મારી અનુભૂતિનું અત્તર છે. જ્યારે જીવનકથા લખીએ ત્યારે જાણે-અજાણે આપણે એ વ્યક્તિનું જીવન જીવતા હોઈએ છીએ. સાથે-સાથે આપણું જીવન પણ બનતું હોય છે. આ પુસ્તક લખ્યું એ કેવળ લખવા માટે નહીં પણ અમારી વચ્ચેનો ઋણાનુબંધ પ્રકટ કરવા માટે.

આણંદજીભાઈની હાજરીમાં આ પુસ્તકના લોકાર્પણનો જલસો ઑડિયો-વિઝ્યુઅલ સાથે આવતી કાલે રાતે ૭ કલાકે ચેમ્બુરના ફાઇન આર્ટ્‍સ ઑડિટોરિયમમાં યોજાયો છે જેમાં પદ્‍મવિભૂષણ આશા ભોસલેની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સંપર્ક : રજની મહેતા 9920915703 / 8779690213

જ્યોતિષવિદ્યાના પ્રચંડ જાણકાર બિપિનભાઈ અને અમિતાભ બચ્ચન
અનેક પ્રસંગો એવા છે જે એક રોમાંચક નવલિકાની ગરજ સારે છે. આણંદજીભાઈના જીવનમાં એક એવું પાત્ર હતું બિપિનભાઈ. જ્યોતિષવિદ્યાના પ્રચંડ જાણકાર બિપિનભાઈએ  ફિલ્મોમાં પગ જમાવવાની કોશિશ કરતા અમિતાભ બચ્ચનને પહેલી વાર જોયા ત્યારે જ ભવિષ્યવાણી કરી હતી કે આ વ્યક્તિનો રાજયોગ છે. બિગ બીને આ વાતની જાણ થતાં તે કુંડળી લઈને આવ્યા. કહે, આટલી મહેનત કરું છું પણ સફળતા કેમ નથી મળતી? બિપિનભાઈએ જે કારણ આપ્યું એ સમય જતાં સાચું ઠર્યું ત્યારથી બિગ બી તેમના ભક્ત થઈ ગયા.

આ જ બિપિનભાઈ બિગ બીની ગંભીર બીમારીના સમયે ચોક્કસ કહી નહોતા શકતા કે તેઓ આમાંથી સાજાસમા બહાર નીકળશે કે નહીં. પોતાની મર્યાદાનો સ્વીકાર કરતાં તેમણે  આણંદજીભાઈને એટલું જ કહ્યું કે જો ૧૫ દિવસનો આ સમય હેમખેમ નીકળી જાય તો તેમનું લાંબું આયુષ્ય છે. આણંદજીભાઈએ એક તરકીબ કરી અને આ ‘જો’ અને તો’ વચ્ચેની  અનિશ્ચિતતાનો અંત આણ્યો. તેમણે કોઠાસૂઝ વાપરી એક એવું કામ કર્યું કે એક વાત નક્કી થઈ ગઈ કે અમિતાભ બચ્ચન ૧૦૦ ટકા આ બીમારીમાંથી હેમખેમ બહાર નીકળશે. જેની કોઈને આશા નહોતી એવી આ ઘટનાને દેશવિદેશના ડૉક્ટરોએ ‘Act of God’ ગણાવી. આ થ્રિલરનું પૂરું રહસ્ય જાણીએ ત્યારે આણંદજીભાઈના પ્રૅક્ટિકલ થિન્કિંગ માટે માન થાય.  

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2024 03:49 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK