૫૮ વર્ષનાં લેખિકા અને શિક્ષણવિદ રાજશ્રી ત્રિવેદીને માતાજીનાં ભક્ત તરીકે થતી અનુભૂતિઓ અને કલ્પનાઓને ગરબાનું રૂપ આપી લખવું ખૂબ ગમે છે. આ ગરબાઓને તેઓ પોતાની અને માની વચ્ચેના સંબંધને ગાઢ બનાવતો સેતુ માને છે
ડૉ. રાજશ્રી ત્રિવેદી
૫૮ વર્ષનાં જુહુનિવાસી ડૉ. રાજશ્રી ત્રિવેદી મણિબેન નાણાવટી કૉલેજનાં પ્રિન્સિપાલ છે અને લેખિકા પણ છે. તેમની અંગ્રેજીમાં લખાયેલી શૉર્ટ સ્ટોરીઝ અને કવિતાઓ માટે તેઓ જાણીતાં છે. જ્યારે નાનપણમાં અમદાવાદ રહેતાં ત્યારે ગરબાના પ્રાચીન સ્વરૂપ સાથે તેઓ વધુ અવગત હતાં. તેમને ત્યાં ગરબો પધરાવે એટલે દરરોજ પાંચ ગરબા ગાવાનો રિવાજ, જેમાં પુરુષો પણ ગરબા ગાતા હતા. લગ્ન કરીને મુંબઈ આવ્યાં ત્યારે ૨૭ વર્ષની ઉંમરે તેમનાં સાસુની ઇચ્છાએ કૌમુદી મુનશી પાસે સંગીત શીખવાનું તેમણે શરૂ કર્યું.
એ અનુભવ વિશે વાત કરતાં રાજશ્રીબહેન કહે છે, ‘મુંબઈમાં ઘણા જુદા પ્રકારના બેઠા ગરબા થાય છે. નાગરોમાં ચાલતી આ પરંપરા આમ તો બધે જ છે પણ લગ્ન કરીને અહીં આવી ત્યારે મારા માટે એ નવું હતું. ૩૦-૩૧ વર્ષની ઉંમરે મેં પહેલો ગરબો લખ્યો. એ લખવા પાછળનું કારણ એ કે એ સમયે અર્વાચીન ગરબાઓ પણ અમે ગાતાં અને સાંભળતાં. એ ગરબાઓ ઝીલતી વખતે મને અમુક આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ હતી. મને લાગ્યું કે હું જે અનુભવી રહી છું એ મારે લખવું જોઈએ. સાચું કહું તો શરૂઆતના પ્રયત્નો થોડા કાચા રહ્યા પણ એ પછી માતાજીએ સૂઝ પાડી અને લખાતું ગયું.’
ADVERTISEMENT
રાજશ્રીબહેને નાગર ભગિની ગરબા મંડળ, વિલે પાર્લેનાં કો-ઑર્ડિનેટર તરીકે લગભગ પચીસેક વર્ષ કાર્ય કર્યું. પોતાના ગરબાઓ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને એક વાર એવું સૂઝ્યું કે માતાજીનાં ઘરેણાંઓનો અવાજ કેવો હોતો હશે. એ રણકાર વિશેની વાત લખવી હતી. એ માટે ભગવદ્ગોમંડળમાંથી મને સિંજારવ નામનો શબ્દ મળ્યો. ધાતુનાં ઘરેણાંમાંથી આવતો અવાજ એટલે સિંજારવ. આ શબ્દનો પ્રયોગ મેં મારા ગરબામાં કર્યો છે. આ સિવાય મારા ગરબામાં માતાજી સંબંધિત ઘણી જુદી-જુદી કલ્પનાઓનો પ્રયોગ પણ હોય છે. જૂના ગરબાઓ એ સમયના લોકોની કલ્પના હતી. આજના સમયમાં આજના લોકોની કલ્પના જુદી પણ હોઈ જ શકે છે. એને આકાર આપીને, શબ્દોમાં પરોવીને, કંઈ નવું લખવાની કોશિશ થતી રહેવી જોઈએ જેનાથી આવનારી પેઢીને આપણે કંઈ સોંપીને જઈ શકીએ.’
રાજશ્રીબહેને અત્યાર સુધીમાં સત્તરેક ગરબા લખ્યા છે જેને તેઓ કમ્પોઝ કરાવવાની ઇચ્છા પણ ધરાવે છે. તેમની ઇચ્છા છે કે મારા ગરબાની ધૂન એકદમ ધણધણતી ન હોય, મનને એકદમ શાંતિ પમાડે તેવી હોય; મારા ગરબા સાદા, સરળ અને ભાવમય હોવા જોઈએ. જેમ એક મૂર્તિની પૂજા કરનાર કરતાં એ મૂર્તિને ઘડનારો ઈશ્વરની વધુ નજીક રહી શકે એવો જ કોઈ અનુભવ ગરબામાં પૂજા કરનાર કરતાં ગરબા જાતે લખનારને થતો હોય છે. આ વાત સાથે સહમત થતાં રાજશ્રીબહેન કહે છે, ‘જ્યારે ગરબો લખું ત્યારે માની વધુ નજીક હું ખુદને પામું છું કારણ કે તેમનાં જેટલાં સ્વરૂપ વિચારું, તેમની પ્રતિકૃતિ મનમાં મઠારું એટલી મા મને તાદૃશ થાય છે. મારા ઘરે નવરાત્રિના ૯ દિવસ અખંડ જ્યોતિ હોય છે. આ જ્યોતિ મનમાં પ્રગટે છે જ્યારે હું ગરબા લખું છું. સંગીત અને સાહિત્યમાં તમને રુચિ હોય અને તમે લખો એ બરાબર છે, પણ એ લખાણ સીધું તમને ઈશ્વર સાથે જોડે ત્યારે સાચું. મારા ગરબાઓ મને તેમના સુધી લઈ જતો સેતુ છે, એ મને ઈશ્વર સાથે જોડે છે એટલે હું એ લખતી રહીશ.’
રાજશ્રીબહેને લખેલો ગરબો
રાતરાણીએ ફોરમના ફાગ ખેલ્યા ને
અંબા, તારા મંદિરીએ શંખ વાગ્યા
આસોના અજવાળે તિમિર ટળ્યાં ને
અંબા, તારા મંદિરીએ દીપ પ્રગટ્યાં
ક્યાંક મોરલા ટહુક્યા, ક્યાંક વાગે મૃદંગ
સખીઓના વૃંદ પહેરી નૂપુરને છંદ,
દોડી આવી રમવાને, લઈ ઉરે ઉમંગ,
માનો રણકે સિંજારવ જ્યાં રણઝણ રણઝણ
રાતરાણીએ...
માડી ગરબે ઘૂમવા આવે રે સજીધજી સંગ
ગળે હાંસડી રૂપાની, રવ મીઠો મધુરવ
હાથે પિત્તળિયાં કંકણ રૂડો ખણખણ
પાયે સોનાની સિંજાલી રુણઝુણ રુણઝુણ
રાતરાણીએ....


