° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

આર્મી ટ્રેઇનિંગની અનિવાર્યતા સમજવાનો સમય આવી ગયો છે

06 March, 2021 12:44 PM IST | Mumbai | Sanjay Raval

આર્મી ટ્રેઇનિંગની અનિવાર્યતા સમજવાનો સમય આવી ગયો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દેશદાઝ, રાષ્ટ્રભક્તિ.

આપણે ત્યાં એવું બની ગયું છે કે જો પાકિસ્તાન કે ચીન આડાઈ કરે તો આપણા મનમાં દેશભક્તિ જાગી જાય. બેચાર દિવસ એ રહે અને એ પછી પાછા આપણે હતા એવાને એવા જ. હું કહીશ કે ભલે તમે બિઝી હો, ભલે તમે કરીઅર બનાવવામાં કે પછી સપનાં પૂરાં કરવામાં વ્યસ્ત હો, પણ એનો અર્થ એવો નથી કે તમારામાં દેશદાઝ ન હોય. એ હોવી જ જોઈએ અને જ્યારે સમય આવે ત્યારે એ ઝળકવી પણ જોઈએ.

આતંકવાદીઓ હુમલો કરે ત્યારે જ શું કામ આપણા મનમાં રાષ્ટ્રભક્તિ જાગે. પુલવામામાં અટૅક થાય ત્યારે જ શું કામ આપણને દેશ સૂઝે અને ઉરીમાં આપણા જવાનો શહીદ થાય ત્યારે જ કેમ આપણું લોહી ગરમ થાય. જો એવું જ હોય તો નાછૂટકે કહેવું પડે કે પાકિસ્તાન કે ચીને કાંકરીચાળો કરતા રહેવું જોઈએ. એનો કાંકરીચાળો આપણને રાષ્ટ્રભક્ત બનાવે છે. યાદ રહે કે દેશ માટે કંઈક કરવાનો અને દેશના પડખે ઊભા રહેવાનો સમય આવી ગયો છે અને આ જ આપણા દેશની આજની પ્રાથમિક જરૂરિયાત છે.

નેતાઓ પોતાનું કામ કરે છે, સૈન્ય સરહદ પર પોતાનું કામ કરે છે અને પોલીસ પણ પોતાની ફરજ નિભાવે છે, પણ આપણે શું કરીએ છીએ. આપણે આપણો આંતરિક વિકાસ કરવામાં અને સંપત્તિઓ વધારવામાં વ્યસ્ત છીએ. ખોટું નથી એમાં કશું, પણ કોવિડની મહામારી પછી સમય આવી ગયો છે કે આપણે આપણા સ્વકેન્દ્રીય સ્વભાવને છોડીને સમાજ માટે, રાષ્ટ્ર માટે સભાન બનીએ અને જવાબદારી નિભાવીએ. આપણે હવે સાબિત કરવાનું છે કે કોઈ પણ સમયે આપણે દેશ માટે કંઈ પણ કરવા તત્પર છીએ.

આપણે નાગરિકો સરહદે લડવા નથી જવાના અને એવું કોઈ કહેતું પણ નથી, પરંતુ આપણા દેશના જવાનોને એ સરહદ પર સંદેશો પહોંચવો જોઈએ કે અમે અહીં છીએ, પણ છીએ તમારી સાથે. આ સંદેશો આપવા માટે આપણે એક જ કામ કરવાનું છે અને એ સૌકોઈએ પોતાની લાઇફનો નિયમ બનાવવાનો છે.

તમને સેના સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ જોવા મળે કે પછી ક્યાંય તમને એની ગાડી જોવા મળે તો પહેલાં એને આગળ જવા દો, જગ્યા કરી આપો કે પછી કહો કે તેમને પ્રાધાન્ય આપો. જો તે ક્યાંય ઊભા હોય તો તેમને જઈને મળો, તેમને સૅલ્યુટ કરો અને તેમના ઑટોગ્રાફ લો. તેઓ આપણા સાચા સુપરસ્ટાર છે. સલમાન, શાહરુખ જેવા કચકડાના હીરોની તેમની સામે કોઈ ઔકાત નથી. એવા કચકડાના હીરોને બદલે આ રિયલ હીરો સાથે તમારાં બાળકોને મેળવશો તો તેમને હિંમત અને સાહસની સાચી વ્યાખ્યા સમજાશે. હું તો ત્યાં સુધી કહીશ કે જો શક્ય હોય તો તમે તમારા નજીકમાં આવેલી આ પ્રકારની લશ્કરી છાવણી પર તમારાં બાળકોને લઈ જાઓ અને પરમિશન લઈને તેમની સાથે બાળકોનો ફોટો પડાવો. આ જરૂરી છે. આપણે આપણી નવી પેઢીને સેના સાથે જોડી જ નથી, ખાસ કરીને ગુજરાતીઓએ.

થોડો સમય સેનાના જવાન સાથે રહેશો તો તેમને દેખાશે, સમજાશે કે એ લોકો બધું ભૂલીને ફક્ત ને ફક્ત તમારા રક્ષણ માટે અહીં ઊભા છે. ઠંડી, તડકો અને વરસતા વરસાદને સહન કરે છે. જરા કલ્પના કરો કે હમણાં શિયાળો ગયો એ શિયાળામાં સિયાચીનમાં તેમની શું હાલત થતી હશે. એક તો ઠંડી અને ઉપરથી હવા પાતળી. તમે માનશો નહીં, પણ એ જગ્યાએ ચા બનાવવી હોય તો પણ ત્રણથી ચાર કલાક લાગે. એક રોટલી બે કલાકે પાકે. અરે, ફિલ્મ ને ટીવીવાળાની પાછળ ભાગવાને બદલે આવા હીરોને તમારી નજીક લાવો.

આ થઈ આપણા રિયલ હીરોની વાત, પણ સાથોસાથ આપણે સામાજિક દૃષ્ટિએ પણ સજ્જતા કેળવવાની છે. નિયમ બનાવો કે હવેથી પાણી, વીજળી, ઈંધણ અને બીજી ચીજવસ્તુઓને ખોટી રીતે વાપરશો નહીં અને એનો વેડફાટ પણ અટકાવશો. આ બધાની બચતથી જ દેશ સમૃદ્ધ થશે. વૉટસઍપ-બહાદુર બનવાને બદલે એવું કંઈક કરો જેમાં મિલિટરી ટ્રેઇનિંગ તમને અને તમારાં સંતાનોને મળે. તમે શોધશો તો તમને આજુબાજુમાં ક્યાંક રિટાયર્ડ આર્મી જવાન મળી જશે. તેમને જઈને રિક્વેસ્ટ કરો કે એ તમારાં બાળકોને એવી ટ્રેઇનિંગ આપે જેથી તેમને કઠિન અવસ્થાનો અનુભવ થાય અને દેશદાઝ જન્મે. દુનિયાના અમુક દેશોમાં તો ભણવામાં જ મિલિટરી ટ્રેઇનિંગ ફરજિયાત છે. આ ટ્રેઇનિંગને લીધે જ શિસ્ત આવતી હોય છે. શિસ્ત પણ આવે છે અને શારીરિક સજ્જતા પણ તેમને લીધે જ કેળવાય છે. આખો દિવસ પીત્ઝા, બર્ગર અને વડાપાંઉ ખાઈને ફાંદ વધારવાનો કોઈ અર્થ નથી. જો કોઈ ખિસ્સામાંથી વૉલેટ લઈને ભાગી જાય તો એને પકડવા પાછળ દોડી શકીએ એવું પણ શરીર રહ્યું નથી અને આખો દિવસ વૉટસઍપ પર બહાદુરીનાં ગાણાં ગાઈએ છીએ. મારી વાત ખોટી નથી. એક વખત બે કિલોમીટર દોડીને જોઈ લેજો તમે. તમને પણ ખબર પડી જશે કે ૨૦૦ મીટર પણ ભાગી નથી શકાતું. ભાગવાનો અર્થ એવો નથી કે પીઠ દેખાડીને ભાગીએ છીએ. ના, જરા પણ નહીં. કોઈની પાછળ ભાગવામાં મર્દાનગી છે અને એ મર્દાનગી હવે આપણે ચૂકવા માંડ્યા છીએ. આ બધામાં આર્મી ટ્રેઇનિંગ મળે એવું કશુંક આપણે કરવું જોઈએ. હું અત્યારે જે નવી યુનિવર્સિટી શરૂ કરવાનો છું એ યુનિવર્સિટીમાં દરેક સ્ટુડન્ટને આર્મી ટ્રેઇનિંગ મળે એવું પ્લાનિંગ કર્યું છે અને એને માટે રિટાયર્ડ આર્મી ઑફિસરની હેલ્પ લેવાનું પણ ફાઇનલ કર્યું છે. લડવા માટે જ તાકાત એકત્રિત કરવાની હોય એવું જરા પણ નથી. અચાનક લડવાની પરિસ્થિતિ આવે એવા સમયે પણ તમે શારીરિક અને માનસિક રીતે સજ્જ હો એ ખૂબ જરૂરી છે અને એવી સજ્જતા તમને તો જ મળશે જો તમે એને માટે અત્યારથી તૈયારી કરતા હો.

આપણે એવી રીતે નવી જનરેશનને તૈયાર કરીએ છીએ જાણે એના હિસ્સામાં વાતાનુકૂલિત વાતાવરણ જ રહેવાનું છે અને એના ભાગમાં ગાડી અને બંગલા જ લખાવાનાં છે. એવું હોય તો પણ લડાયક માનસિકતા તો જરૂરી છે જ છે. આ લડાયક માનસિકતા આપણે મનમાં જન્માવવી પડશે. બાળક પડીને આવે તો તરત જ આપણે તેને મનાવવામાં અને આંસુ લૂછવામાં લાગી જઈશું. પડ્યો હોય એ કામ કરવાની ના પાડી દેતા હોઈએ છીએ. ભલા માણસ, બાળક ઉછેરો છો કે ફૂલનો છોડ કે આટલી માવજત કરો છો. બાળક ખજૂરીના વૃક્ષની જેમ મોટું થવું જોઈએ. રણમાં ઊગતા ખજૂરીના ઝાડને પાણી નથી મળતું, તાપ સહન કરવો પડે છે અને એ પછી પણ એ ખારેક આપવાનું કર્મ કરે છે. માવજત છોડી દો, એને એની જાતે ઊભો થવા દો.

દોડો અને દોડાવો. તમારા ભલા માટે પણ એ જરૂરી છે. રાતે બે વાગ્યે કોઈ તમારી સામે આવીને બંદૂક કાઢીને ઊભું રહી જશે ત્યારે એ બાળક માઈકાંગલું બનીને ઊભું રહે એના કરતાં ચપળતા સાથે તમે બન્ને એનો સામનો કરો એ જરૂરી છે અને આ જે જરૂરિયાત છે એ દેશદાઝ છે, એ રાષ્ટ્રભક્તિ છે. ઇઝરાયલમાં આર્મી ટ્રેઇનિંગ ફરજિયાત છે, પણ એનો અર્થ એવો પણ નથી કે દરેકેદરેક યુવાન બૉર્ડર પર જઈને લડવા માંડે છે. ના, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પણ તે બને છે અને આર્કિટેક્ટ પણ એ બાળક બને છે અને એ પછી પણ તેનામાં આર્મી ટ્રેઇનિંગ લેવાને લીધે આવેલા બધા ગુણ હોય છે.

આર્મી ટ્રેઇનિંગ આજના સમયની અનિવાર્યતા છે. એક બિઝનેસમૅનમાં હોવા જોઈએ એવા ગુણ પણ એ ટ્રેઇનિંગથી જ આવવાના છે અને એક પ્રોફેશનલમાં હોય એવી ડિસિપ્લિન પણ તમને આ ટ્રેઇનિંગથી જ મળવાની છે. એક સારા પિતાના ગુણ પણ મળશે અને એક સારી માતાના ગુણો પણ આ આર્મી ટ્રેઇનિંગથી મળશે. એક સારા સંતાન હોવાનું લેશન પણ આ જ ટ્રેઇનિંગ આપે છે અને એક સારા નાગરિક હોવાની સમજણ પણ તમને આર્મી ટ્રેઇનિંગથી જ મળશે, પણ એને માટે પહેલાં મનમાં સજ્જતા લાવવી પડશે. ભલે દેશ એ ટ્રેઇનિંગ ફરજિયાત ન બનાવે, પણ તમે તો એને ફરજિયાત કરી જ શકો છો. આ જ આર્ટિકલમાં એનો રસ્તો પણ દેખાડ્યો છે. કોઈ રિટાયર્ડ જવાનનો કૉન્ટૅક્ટ કરીને તેને સોસાયટીનાં બાળકોને ટ્રેઇન કરવાનું શીખવો અને જો શક્ય હોય તો તમે પણ શીખો.

રાષ્ટ્ર આપનું આભારી રહેશે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

06 March, 2021 12:44 PM IST | Mumbai | Sanjay Raval

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK