Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > એટલું સત્ય મીણ સમજે છે

એટલું સત્ય મીણ સમજે છે

09 June, 2024 11:42 AM IST | Mumbai
Hiten Anandpara

વિદ્યાર્થીનો ઝોક અને રસ કઈ દિશામાં છે એ સમજવું માબાપ માટે ગરજ છે અને ટીચર માટે ફરજ છે

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


આપણે કેટલુંક સમજીએ છીએ અને કેટલુંક નજરઅંદાજ કરીએ છીએ. એમાં આવડત, રસ ઉપરાંત દાનતનો પણ સવાલ રહેવાનો. ગમે એટલું બંજી જ​મ્પિંગ કરે તોય ઘણા લોકોને ગણિતમાં ટપ્પી નથી પડતી તે નથી જ પડતી. કેટલાકને ભૂગોળ કંટાળાજનક લાગે તો કેટલાક ઇતિહાસના ભાર નીચે દબાઈ જાય. વિદ્યાર્થીનો ઝોક અને રસ કઈ દિશામાં છે એ સમજવું માબાપ માટે ગરજ છે અને ટીચર માટે ફરજ છે. રાજેશ વ્યાસ મિસ્કિનની પંક્તિઓ સાથે અવઢવમાં ઉમેરો કરીએ...  


હોઈએ ના એય દેખાવું પડે છે



ખૂબ વારેઘડીએ સંતાવું પડે છે


કોણ સમજે એ દશા મજબૂર મનની

હોય ના ઇચ્છા ને વ્હેંચાવું પડે છે


એક જીવન અનેક જવાબદારીઓમાં વહેંચાયેલું હોય. મોટા ભાગે મનને મારવાના પ્રસંગો સ્ત્રીવર્ગ માટે વિશેષ ઊભા થાય. એનાં વ્યાવહારિક કારણો પણ હોઈ શકે અને અંગત કારણો પણ હોઈ શકે. રાત્રે ગમતા કાર્યક્રમમાં એકલા જવાનું હોય તો સલામતીની દૃષ્ટિએ વિચાર કરવો પડે. જે કલામાં પોતાને રસ હોય એમાં જીવનસાથીને લગીરે રસ ન હોય તો મનને વાળવું પડે. જાતુષ જોશી આવી કોઈ દબાયેલી કે દુભાયેલી લાગણી પ્રગટ કરે છે...

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી

આંખની સામે રહેલું રણ ફક્ત રેતી નથી

કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે

કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી

મનથી વિચલિત થયા હોઈએ ત્યારે કુદરતના શરણે જવું જ જોઈએ. દરિયા પાસે જઈએ તો  વિશાળતાનો અનુભવ થાય ને લહેરો આપણી ભીતર રહેલા ઉત્પાતને શાતા આપે છે. દરિયો પરોક્ષ રીતે એમ પણ સમજાવે છે કે ભાઈ, તારું દુઃખ મહત્ત્વનું છે એ માન્યું પણ જો, વિશાળ હોવા છતાં મારે ખારાશ સાથે જીવવું પડે છે. વૃક્ષ પાસે જઈએ તો ખરતાં પાંદડાં બતાવીને આવનારી વસંત તરફ સંકેત કરશે. આદિવાસી સ્ત્રીઓ બળતણ માટે જંગલમાંથી મસમોટો ભારો માથે ઊંચકીને લાવતી હોય છે. આપણે આવો જ કોઈ અદૃશ્ય ભારો લઈને સતત ચાલ્યા કરીએ છીએ. એ દેખાતો નથી પણ હોય છે. કિરણસિંહ ચૌહાણ સુરતી મિજાજમાં સંભળાવે છે...

નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે?

તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે?

નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે

કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે

સમસ્યા ટાળવાથી એ ઉકેલાતી નથી. એના સમાધાનમાં અનુભવીઓની સલાહ મળે તો ચોક્કસ લેવી. એમાં કંઈ આપણે નાના નથી થઈ જવાના. ચર્ચાથી વાતનો ઉકેલ કદાચ ન મળે પણ કોઈ દિશાનિર્દેશ મળી શકે. મોટી કંપનીઓમાં મોટી સમસ્યાઓ હોય. એમાં કલાકોના કલાકો ચર્ચા થાય પણ કોઈ ઉકેલ મળે નહીં. છેલ્લે ઊઠતી વખતે કોઈના મોઢામાંથી એકાદ એવું વાક્ય બોલાઈ જાય જે સમાધાનની દિશા ખોલી આપે. જેની પાસેથી સારું મળે એને ગ્રહણ કરવાની ભાવના રાખવી જોઈએ. સુનીલ શાહ અહંકારને કોરાણે મૂકવા સમજાવે છે...  

અન્યની શી રીતે કરશે માપણી

કૈં અલગ ઊંચાઈ પર ખુદને ગણી?

સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ?

જેણે જીવનભર નવી ભીંતો ચણી

સ્નેહની કૂંપળ ઉછેરવામાં ખર્ચો ઓછો અને આનંદ વધારે હોય છે. વૈમનસ્યની ભીંત ચણવામાં ખર્ચો વધારે અને સદ્ભાવ ઓછો હોય છે. ટૂંકા ગાળે જેને આપણે ફાયદો સમજીએ છીએ એ લાંબા ગાળાનું નુકસાન હોઈ શકે. ફાસ્ટ ફૂડના જમાનામાં આ વાત કદાચ ગળે ન ઊતરે એ સ્વાભાવિક છે. આમ પણ સિક્કાને બે બાજુ હોવાની. દુન્વયી દૃષ્ટિએ કોઈ વિશેષ વળતર ન હોવા છતાં ધર્મસાધકો કે કલાસાધકો પોતાની યાત્રા ચાલુ રાખતા હોય છે. મરીઝ આશાયેશ આપે છે...  

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે

ફકીર લોક જમાનાની ચાલ સમજે છે

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું મરીઝ

આ ચાર-પાંચ જે મારો કમાલ સમજે છે

બૉલીવુડનું સંગીત જેટલું પહોંચી શકે છે એટલું સુગમ સંગીત પહોંચી શકતું નથી. હાસ્ય કવિતાઓ જેટલી પહોંચે છે એટલી ગંભીર કવિતાઓ પહોંચતી નથી. વ્યાવસાયિક નાટકો જેટલાં પહોંચે છે એટલી પ્રાયોગિક રંગભૂમિ પહોંચી શકતી નથી. કેટલાંક સત્ય સ્વીકારી લેવામાં સમજદારી છે.

લાસ્ટ લાઇન

શ્વાસ જેને શરીર સમજે છે

લોક એને મશીન સમજે છે

 

આગિયો તેજપુંજ સૂરજને

આજ એનો હરીફ સમજે છે

 

કોઈ પૂજા કરે છે ધરતીની

કોઈ કેવળ જમીન સમજે છે

 

જીવવું એટલે જ ઓગળવું

એટલું સત્ય મીણ સમજે છે

 

ગૂઢ ભાષા નથી ઉકેલાતી

માણસો ગાજવીજ સમજે છે

 

મૌન રહી એ જુએ છે તાસીરો

આમ, સઘળું ફકીર સમજે છે

 

નીતિન વડગામા

ગઝલસંગ્રહ : એકાકાર

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 11:42 AM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK