આ હકીકત હોય તો તમે કેવી રીતે એ કક્ષાનું આઉટકમ આપી શકવાના છો? આ વાત માત્ર પ્રોડ્યુસર પૂરતી સીમિત નથી, આ વાત સાથે ઑડિયન્સનો પણ બહુ મહત્ત્વનો રોલ છે

રીજનલ એ માત્ર ભાષાભેદ છે. રીજનલનો અર્થ ઊતરતું કન્ટેન્ટ નથી જ નથી. મને હમણાં કોઈએ ગુજરાતી રીજનલ સિરિયલ અને નાટકોનાં બજેટ કહ્યાં, જે સાંભળીને મને રીતસર ઝાટકો લાગ્યો. આ શોષણથી સહેજ પણ ઓછું નથી અને આવું શોષણ દરેક રીજનલ ઇન્ડસ્ટ્રીમાં છે જે બંધ થાય એ બહુ જરૂરી છે.
કોઈ પણ ફિલ્મ હોય, આપણે એની કમ્પૅરિઝન તો મેગા બજેટ હિન્દી ફિલ્મ કે સાઉથ અને હૉલીવુડની ફિલ્મો સાથે જ કરતા રહીએ છીએ. સામા પક્ષે આજેય મરાઠી, ગુજરાતી જેવી રીજનલ ફિલ્મ અને સિરિયલોમાં બજેટની રામાયણ અકબંધ છે. જો આ હકીકત હોય તો તમે કેવી રીતે એ કક્ષાનું આઉટકમ આપી શકવાના છો? આ વાત માત્ર પ્રોડ્યુસર પૂરતી સીમિત નથી, આ વાત સાથે ઑડિયન્સનો પણ બહુ મહત્ત્વનો રોલ છે
રજનીકાન્તની ફિલ્મ આવવાની હોય ત્યારે ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો જોવા માટે ફૅનની જે કક્ષાએ પડાપડી થતી હોય છે એવી પડાપડી તમને બીજી કોઈ રીજનલ ફિલ્મોની રિલીઝ વખતે જોવા મળી છે ખરી? ક્યારેય તમે એની કલ્પના પણ કરી છે ખરી?
સાઉથની ઑડિયન્સની આ ખૂબી છે. તેઓ પોતાના સ્ટારને લઈને બહુ પઝેસિવ છે અને તેમનું ડેડિકેશન પણ ઉચ્ચ કક્ષાનું છે. સાઉથની ફિલ્મોના નિર્માણમાં અને એના બૉક્સ ઑફિસ પર્ફોર્મન્સ પર પણ આ ફૅક્ટર બહુ મહત્ત્વું છે. તમે જ કહોને, કઈ બીજી ભાષામાં તમે ફૅનનું આવું ઝનૂન રિલીઝના દિવસે કે રિલીઝ પહેલાં જોયું છે? અફકોર્સ, અહીં મારી સરખામણી રજનીકાન્ત જેવા દિગ્ગજ કલાકારની તુલના કોઈ સાથે કરવાની નથી, પણ દરેક રીજનલ ભાષા પાસે પોતાના આવા દિગ્ગજો છે જ, જે કલાકાર તરીકે શ્રેષ્ઠ છે, પણ એમ છતાં તેમને મળતા રિસ્પૉન્સમાં કંઈક ખૂટે છે.
આજે ટેક્નૉલૉજી એ સ્તરે પહોંચી છે કે હવે વર્લ્ડ સિનેમા તમારી મુઠ્ઠીમાં છે અને કોરિયન કે જૅપનીઝ જેવી ફિલ્મો અને વેબ-સિરીઝ પાછળ લોકો દોટ મૂકતા થઈ ગયા છે ત્યારે ઘણા લોકોના મનમાં આવે છે કે આ બધું મરાઠી કે ગુજરાતી જેવી રીજનલ ફિલ્મો, સિરિયલો અને નાટકોના ભોગે થઈ રહ્યું છે. ઘણા મને આ વિશે પૂછે છે, પણ ના, મને આ આખી વાત ગેરવાજબી લાગે છે. એમાં વાસ્તવિકતાને કોઈ જાતની નિસબત નથી. હકીકત સમજવાની જરૂર છે. કોઈ વાત તેમને ગમે છે એટલે એ જુએ છે તો કોઈ વાત જોવાનું તેમણે બિલકુલ છોડી દીધું છે એવું આપણે ધારી લઈએ છીએ, પણ હું એ વાત સાથે પણ સહમત નથી.
હકીકતને બરાબર સમજવી પડશે અને સ્વીકારવું પડશે કે વર્લ્ડ સિનેમામાં જે પ્રકારનું કન્ટેન્ટ અપાઈ રહ્યું છે એમાં આપણું રીજનલ કન્ટેન્ટ ક્યાંક પાછું પડી રહ્યું છે. માત્ર સ્ટોરી કે સારા રાઇટરના અભાવે જ નહીં, પણ ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં રીજનલ માટેનું જે માઇન્ડસેટ છે એ માનસિકતાને કારણે. રીજનલ ફિલ્મોને હંમેશાં ગરીબ બનાવીને જ રાખવામાં આવી છે. મારી વાત કરું તો હું તો સિરિયલો, ફિલ્મો અને થિયેટર એમ ત્રણેય માધ્યમ સાથે સંકળાયેલો છું અને વિવિધ ભાષામાં કામ કરી ચૂક્યો છું એટલે સ્વાનુભવે કહીશ કે કોવિડ પછી તો રીજનલ એન્ટરટેઇનમેન્ટનાં બજેટ ઑર નીચાં ગયાં છે.
તમે કહો છો કે આપણે ત્યાંની રીજનલ ટીવી-સિરિયલો વેબ-સિરિઝ કે પછી હિન્દી સિરિયલો જેવી દમદાર કેમ નથી હોતી તો મારે તમને સૌથી પહેલાં તો એ કહેવું છે કે હિન્દી સિરિયલોમાં જે પ્રકારનાં સેન્સલેસ ત્રાગાં દેખાડાય છે એના કરતાં તો રીજનલ ચૅનલો પર આવતી સિરિયલોમાં થોડી સેન્સિબિલિટી હોય છે, પણ હા, ચોક્કસ છે કે અહીં સૌથી મોટો પ્રશ્ન બજેટનો છે. ફિલ્મો, સિરિયલો અને થિયેટર એમ ત્રણેયમાં આ વાત લાગુ પડે છે, પરંતુ સિરિયલોમાં એની અસર વિશેષ જોવા મળે છે, કારણ કે સિરિયલોમાં બજેટની સાથે સમયનો પણ અભાવ છે.
આવતી કાલનો એપિસોડ આજે લખાતો હોય અને એ પણ પચીસ મિનિટનો એપિસોડ તો એ સમય નીકળી ગયા પછી મૂલ્યહીન થઈ જાય. જેમ આજનું અખબાર સાંજે રદ્દી ગણાય છે એવી જ રીતે. હવે આ પચીસ મિનિટના એપિસોડમાં તમારે લોકોને એન્ટરટેઇન કરવાના, જકડી રાખવાના અને સાથે કાલે એ સિરિયલ જોવા ઉત્સુક રહે એવું પણ કરવાનું. પે-સ્કેલ ઓછા હોય, સમય ઓછો હોય અને હવે તો શૂટિંગ દરમ્યાન એવી પણ અપેક્ષા રાખવામાં આવે કે ૩૬ કલાક પછીના એપિસોડના પણ ચાર-પાંચ સીન તૈયાર થઈ જાય એવો આગ્રહ રાખવાનું શરૂ થઈ ગયું છે. નૅચરલી આ બધી વાતની અસર તો પડવાની જ પડવાની.
આ બધી બાબતોમાં ઓટીટી પ્લૅટફૉર્મ પાસેથી આપણે થોડી ઇન્સ્પિરેશન લેવાની જરૂર છે. ઓટીટી પ્લૅટફૉર્મને કારણે રીજનલ એન્ટરટેઇનમેન્ટના કન્ટેન્ટને વધુ મોટો સ્કોપ મળી શકે છે. આમ તમે જુઓ તો નેટફ્લિક્સ, ઍમેઝૉન વિશે આપણે પાંચેક વર્ષથી થોડા અવેર થયા. તમે માનશો નહીં, પણ એક હકીકત એ પણ છે કે આજે પણ આ ઓટીટીનું આપણે ત્યાં સબસ્ક્રિપ્શન પાંચ ટકાથી પણ ઓછું છે.
ભારતની લોકસંખ્યા જોતાં હજી ઓટીટીમાં તો ઘણો ગ્રોથ આવશે અને એટલે જ આપણે એ પ્લૅટફૉર્મને કૉમ્પિટિશન તરીકે જોવા કરતાં આ પ્લૅટફૉર્મનો બિઝનેસના દૃષ્ટિકોણથી કેવી રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય એ વિશે વિચારવું જોઈએ. એક વાત હકીકત છે કે ફિલ્મો, સિરિયલો કે નાટકો તમે એન્ટરટેઇનમેન્ટ આપવાની સાથે કમાવા માટે જ બનાવો છો એ જ કમાણી ઓટીટીથી વધતી હોય તો શું કામ એનો વિરોધ કરવો જોઈએ અને એ વાત પાયાવિહોણી છે કે ફલાણી વસ્તુનો વ્યાપ વધશે તો નાટકો બંધ થશે ને સિરિયલો કોઈ નહીં જુએ. એન્ટરટેઇનમેન્ટમાં એવું નહીં થાય અને ક્યારેય એવું નહીં બને. કારણ કે દરેક માધ્યમનો પોતાનો ચાર્મ છે.
લાઇવ આર્ટને ડેઇલી સોપ સાથે કમ્પેર ન કરી શકાય તો એવી જ રીતે ડેઇલી સોપને તમે સિનેમા સાથે સરખાવી ન શકો. બધાનું મહત્ત્વ છે અને બધાનું પોતાનું આગવું ઑડિયન્સ પણ છે. એટલે જ હું કહેતો હતો કે ઓટીટીમાં આજે રીજનલ કન્ટેન્ટ ચાલે છે. જે મરાઠી છે તેને પોતાની ગમતી મરાઠી સિરિયલ હૉટસ્ટાર પર મળે કે મરાઠી ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ પર જોવા મળે તો એ જોશે જ એટલે કન્ટેન્ટ ક્રીએટર માટે ઓટીટી આમદનીનું નવું માધ્યમ બનશે. અત્યારે આપણે બહુ મહત્ત્વના પાસિંગ ફેઝમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ સંક્રાન્તિનો સમય છે અને એના પછીનો સમય મને ઘણાબધા પૉઝિટિવ બદલાવ સાથેનો દેખાય છે, પણ એને માટે તમારે બજેટ પ્રત્યેની જે માનસિકતા છે એમાં પણ ચેન્જ લાવવો પડશે. રીજનલ એ માત્ર ભાષાભેદ છે. રીજનલનો અર્થ ઊતરતું કન્ટેન્ટ નથી જ નથી. મને હમણાં કોઈએ ગુજરાતી રીજનલ સિરિયલ અને નાટકોનાં બજેટ કહ્યાં, જે સાંભળીને મને રીતસર ઝાટકો લાગ્યો. આ શોષણથી સહેજ પણ ઓછું નથી અને આવું શોષણ દરેક રીજનલ ઇન્ડસ્ટ્રીમાં છે જ, પણ એ બંધ કરીને જો ઓટીટી તરફ નજર કરીશું તો નવી ઇન્કમના સોર્સ પણ જોવા મળશે જ અને સમજાશે પણ ખરું.