Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું પત્ની પતિને ભરણપોષણ આપે એ આપણા સમાજથી હજમ થશે?

શું પત્ની પતિને ભરણપોષણ આપે એ આપણા સમાજથી હજમ થશે?

06 May, 2024 10:53 AM IST | Mumbai
Laxmi Vanita

ભારતમાં હજી પણ જીવનસાથી અને લગ્નના બંધનને બહુ જ ઊંચું સ્થાન આપવામાં આવે છે. એના જ સંદર્ભમાં સદીઓ જૂની પ્રથાનો સદીઓ જૂનો સવાલ કે સ્ત્રીઓના પૈસા પુરુષોથી લેવાય કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

યે જો હૈ ઝિંદગી

પ્રતીકાત્મક તસવીર


બીમારીને લીધે કમાઈ ન શકતા પતિને ભરણપોષણ આપવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે પત્નીને કર્યો હતો. હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ ‘જીવનસાથી’  શબ્દ છે એનો ઉલ્લેખ લેવાયેલો અને વળતર આપનારાઓમાં પતિ અને પત્ની બન્નેનો સમાવેશ થાય છે એવું કહેવાયું હતું. ભલે આપણે બહુ પ્રગતિશીલ સમાજની વાત કરતા હોઈએ, પણ સમાજ તરીકે પત્ની દ્વારા પતિને ભરણપોષણ મળે એ વાત સ્વીકારવા માટે આપણે કેટલા સજ્જ છીએ?

ગયા મહિને જ બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૧૬માં છૂટાછેડા માટે ફાઇલ થયેલા કેસમાં નિર્ણય આપ્યો કે બીમારીને લીધે કમાઈ ન શકતા પતિને પત્નીએ ભરણપોષણ આપવું પડશે. આધુનિક સમયમાં આ વાત પુછાઈ રહી છે એટલે જ ચર્ચાનો વિષય બની છે. સ્ત્રી અને પુરુષની જાતિને લઈને ઊભો થયેલો આ પહેલો પ્રશ્ન નથી. ૨૦૧૬માં રોલ-રિવર્સલ એટલે કે પતિ અને પત્નીની પારંપારિક વ્યાખ્યા બદલાય તો સંબંધમાં શું સમસ્યાઓ ઉદ્ભવે એ વિષય પર ‘કી & કા’ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે ઘર-ઘરમાં ચર્ચા થઈ રહી હતી. આજે હવે જ્યારે એ જ સંબંધના પરિમાણમાં અન્ય પ્રશ્ન ઊભો થયો છે કે છૂટા પડે ત્યારે જે કમાતું હોય તેણે ભરણપોષણના પૈસા આપવાના. જોકે વિદેશમાં તો આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે કે જેની પાસે વધારે પૈસા હોય તે ઍલિમની એટલે કે ભરણપોષણના પૈસા આપે. એ જ કારણથી ત્યાં પ્રી-નપ (પ્રી-નપ્શલ ઍગ્રીમેન્ટ જેમાં છૂટાછેડા થાય તો કોણ કોની પાસે કેટલી માગણી કરી શકે એનો કરાર)નો બહુ મોટો રિવાજ છે. પણ ભારતમાં હજી આ રિવાજ બહુ પ્રચલિત નથી. 

ભારતમાં હજી પણ જીવનસાથી અને લગ્નના બંધનને બહુ જ ઊંચું સ્થાન આપવામાં આવે છે. એના જ સંદર્ભમાં સદીઓ જૂની પ્રથાનો સદીઓ જૂનો સવાલ કે સ્ત્રીઓના પૈસા પુરુષોથી લેવાય કે નહીં?  ચર્ચા કરીએ કે આટલા વર્ષો જૂના પ્રશ્નના ઉત્તરોમાં બદલાવ આવ્યો છે કે એ પણ હજી જૂના જ છે.

પુરુષોએ મેઇન્ટેનન્સ આપવું પડે એ વાત સ્વીકારવા આપણે તૈયાર નથી તો પછી... :  ડૉ. શમીન મેઘાણી મોદી - અસિસ્ટન્ટ પ્રોફેસર, સ્કૂલ ઑફ લૉ, મુંબઈ

સ્ત્રી પુરુષને ભરણપોષણ આપે એમાં ખોટું નથી પણ હું માનું છું કે આપણે તો હજી પુરુષે સ્ત્રીને મેઇન્ટેનન્સ આપવું જોઈએ એ વાત સ્વીકારવા તૈયાર નથી. આપણને એ વાતનું અમલીકરણ કરાવવામાં વર્ષો લાગી જાય છે. કોર્ટ તો કહી દે છે કે પુરુષોએ પત્નીને મેઇન્ટેનન્સ આપવું જોઈએ પરંતુ તેઓ ગમે તે રીતે એમાંથી નીકળીને કોર્ટની બહાર એક ચોક્કસ રકમ આપીને સેટલમેન્ટ કરતા હોય છે. જો સમાજની વાત કરીએ તો આપણો સમાજ પતિ પત્નીને કે પત્ની પતિને મેઇન્ટેનન્સ આપે એ બાબતમાં ચોક્કસપણે તૈયાર નથી. દરેક સમયમાં કાયદાઓ હોય જ છે, પરંતુ સમય સાથે એનું પુનઃ અર્થઘટન થતું હોય છે. સમાજની માનસિકતા પણ સમય સાથે બદલાતી હોય છે. આદિવાસી શ્રમિકોની મદદ કરવા માટે ૨૦૦૯માં જ્યારે એક આંદોલનકારી તરીકે મારી ધરપકડ કરવામાં આવી ત્યારે મારા વકીલે એક મહિલાને જામીન મળવા જોઈએ એ દલીલ દાખલ કરી હતી પરંતુ ત્યારે કોર્ટે ‘શમીન મોદી અબલા નારીની શ્રેણીમાં નથી આવતી’ એમ કહીને જામીન નહોતા આપ્યા. આજે જ્યારે પુરુષ એમ કહે કે તેને સ્ત્રી તરફથી ભરણપોષણ મળવું જોઈએ તો એમાં પણ પાસાંઓ હોવાં જોઈએ.

જે પુરુષે ક્યારેય પત્ની સાથે જવાબદારીની ભાગીદારી કરી જ ન હોય, સદાય પત્નીને એકતરફી જવાબદારી આપી હોય, તેની સાથે વર્તાવ પણ સારો ન કર્યો હોય, મારઝૂડ કરી હોય કે તેને કમાવા જ ન જવું હોય એવા કેસોમાં જો પતિ અલગ થઈને પત્ની પાસે ભરણપોષણના પૈસા માગે તો એ વાત કેમ સ્વીકારવી? હું હજીયે કહું છું કે પત્ની પતિને સાચવે એમાં જરાય ખોટું નથી, પણ તેમના છૂટાં થયા પહેલાંના સંબંધોનાં પાસાંઓ ધ્યાનમાં લેવાં જરૂરી છે.



પતિને આર્થિક રીતે સહાય કરવી પડે તો એમાં કંઈ ખોટું નથી, પણ કાયદો બને એ ચિંતાનો વિષય છે : ડૉ. નંદિતા શાહ, સોશ્યલ વર્કર, અક્ષરા કો-ડિરેક્ટર અને મૅનેજિંગ ટ્રસ્ટી

ક્યારેક એવી પરિસ્થિતિ આવે જ્યારે પત્નીએ પતિને આર્થિક રીતે સહાય કરવી પડે તો એમાં કંઈ જ ખોટું નથી, પણ જ્યારે એ કાયદો બને ત્યારે ચિંતાનો વિષય છે. આપણા ઘરે કામ કરવા આવતી બાઈઓની પરિસ્થિતિ આપણે સાંભળી જ છે. મોટા ભાગના કેસોમાં પતિ દારૂ પીએ છે અને પત્ની કામ કરે છે. એમ કહું તો ખોટું નહીં કે આવાં ૪૦ ટકા જેટલાં ઘરોમાં મહિલાઓ એકલા હાથે જ જવાબદારી ઉપાડતી હોય છે. પતિ બીજી સ્ત્રી સાથે ફરતો હોય અને તેની સાથેના પરિવારને સપોર્ટ કરતો હોય અને આ બાઈ બિચારી એકલી જ ઘર સંભાળતી હોય છે. પતિ દારૂ પીને કોઈનો માર ખાઈને હૉસ્પિટલમાં પડ્યો છે અને એમાં કાયદો એમ કહે કે પત્ની કમાય છે એટલે તેને સપોર્ટ કરવો જ પડે તો એ ચિંતાનો વિષય છે. તમે જ્યારે એને કાયદો બનાવો છો ત્યારે સમસ્યા ઊભી થાય છે. પછી પતિ કંઈ પણ કર્યા વગર ઘરે બેસી જાય તો પણ આપણે કંઈ કહી નથી શકતા. તમે જુઓ તો ગરીબ વિસ્તારમાં મોટા ભાગનાં ઘરોમાં મહિલાઓ સરખેસરખી પરિવારની જવાબદારી લેતી હોય છે. એક બાજુ એવા પતિઓ પણ છે જે પત્ની પૈસા કમાય એને કે તેમની પાસેથી આર્થિક મદદ લેવાને બદનામી માને છે.


એવો સમાજ પણ છે જ્યાં પરિવારની દીકરીઓને કોઈ પણ સ્કિલ શીખવવામાં નથી આવતી અને તેમને જો આવો સમય આવે તો તેમનામાં આત્મવિશ્વાસ પણ નથી હોતો. સમાજ દીકરીઓ કમાઈને પતિને આપે એના માટે તૈયાર હોતો નથી પરંતુ પરિસ્થિતિને આધીન તૈયાર થઈ જાય છે. આજે કેટલીયે દીકરીઓ કમાઈને પોતાનાં મમ્મી-પપ્પાને આપે છે, કારણ કે સમયની માગ છે. જીવનસાથી શબ્દની વાત કરો ત્યારે આપણે બન્નેની બધી વસ્તુ તો જોવા નથી જતાને! ગ્રામીણ વિસ્તારમાં જુઓ, સ્ત્રીઓ લગભગ પુરુષો કરતાં વધારે કામ કરે છે અને તેમને તેમનું વળતર મળે પણ છે કે કેમ એ પણ સવાલ છે. કાયદો બનાવીશું તો એનો દુરુપયોગ થશે.

આજે લોકો માટે સમાજ શું કહેશે એ પ્રશ્ન જ નથી: ડૉ. મયૂરિકા દાસ, સાઇકોલૉજિસ્ટ અને લાઇફ કોચ

શું પત્ની પોતાના બીમાર પતિનું ભરણપોષણ કરશે? આ સવાલ બહુ જ મોડો પડ્યો છે. આપણે એ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છીએ કે ઘરની મહિલા કામ કરશે, પણ ચર્ચાસ્પદ સવાલ એ છે કે જો મહિલા કામ કરશે તો ઘરનો પુરુષ કંઈ કામ કર્યા વગર બીમાર પડ્યો રહેશે? તો કોઈ પણ બીમાર વ્યક્તિની જવાબદારી પરિવારની હોય છે. પતિને પણ બીમાર થવાનો હક છે અને તે પોતાની મરજીથી બીમાર નથી પડ્યો. બીમાર પડેલાને સાચવવા કે કામ પર જવું એ હવે જાતિનો પ્રશ્ન નથી રહ્યો. દરેક વ્યક્તિને પરિવાર તરફથી સહકાર મળવો જ જોઈએ. ધારો કે તમને કહેવામાં આવે કે તારો પતિ બીમાર છે, હવે તારે તો કામ કરવું જ પડશે પણ પરિવાર પાસેથી કોઈ મદદની અપેક્ષા રાખતી નહીં. તારે ઑફિસ પણ જવાનું અને ઘરે આવીને બધું કામ પણ કરવાનું એ વાતથી મુદ્દો વધુ ઉગ્ર બને છે. જ્યારે પુરુષ કામ પર જાય છે તો તે નહાવા જાય ત્યારથી લઈને ઑફિસ જાય ત્યાં સુધીની બધી જ વસ્તુ તેને તૈયાર મળે છે અને રાત્રે ઘરે આવે ત્યારે પણ તેને રસોઈ તૈયાર મળે છે. એ જ સપોર્ટ તમે વર્કિંગ વુમનને પણ આપો. સ્ત્રીઓ જવાબદારીમાંથી બચવાની કોશિશ નથી કરતી કે જવાબદારીમાં આનાકાની નથી કરતી.


પણ એમ પૂછો કે શું પત્નીએ પતિને પૈસા આપવા જોઈએ તો જ્યારે બન્ને લગ્નગ્રંથિથી બંધાયાં છે તો એ પરિવારનો ભાગ છે અને પરિવારની જવાબદારી દરેકની હોય છે. એમાં જો સ્ત્રીને એ મંજૂર ન હોય તો તે છૂટાછેડા લઈ લે કે જુદી થઈ જાય એ તેની ચૉઇસ છે પણ વિચારો જો આ જ પરિસ્થિતિમાં પુરુષ પોતાની બીમાર પત્નીને તરછોડી દે તો સમાજ એ પુરુષોને કઈ દૃષ્ટિએ જુએ છે? એટલે આજે સંબંધમાં કોણ કોને સપોર્ટ કરે એમાં જાતિ વચ્ચે આવતી નથી. આજે મોટા ભાગના લોકો માટે સમાજ શું કહેશે એ પ્રશ્ન જ નથી. આજે ગામડાંમાં રહેતાં પતિ-પત્નીની ઇન્સ્ટા પર રીલ ચાલતી હોય છે અને તેઓ એના દ્વારા જ પૈસા પણ કમાતાં હોય છે. એ જ આશ્ચર્ય થવું જોઈએ કે લોકોના વિચારો કેટલા બદલાયા છે. બદલાયેલી ઇકૉનૉમી સાથે માનસિકતા અને દૃષ્ટિકોણ પણ બદલાયાં છે.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 10:53 AM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK