શુક્રવારે ૨૬ દિવસ બાદ ઘરે પાછો આવતા પેરન્ટ્સે નિરાંતનો શ્વાસ લીધો છે.
ગુરુચરણ સિંહ
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના નામે ફેમસ થયેલો ગુરુચરણ સિંહ ઘણા દિવસથી લાપતા હતો. શુક્રવારે ૨૬ દિવસ બાદ ઘરે પાછો આવતા પેરન્ટ્સે નિરાંતનો શ્વાસ લીધો છે. પોલીસે ગુરુચરણ સાથેનો ફોટો શૅર કર્યો હતો. પોલીસ સમક્ષ પચાસ વર્ષના ગુરુચરણે જણાવ્યું કે આટલા દિવસ તે ધાર્મિક યાત્રા પર ગયો હતો. તેણે અનેક શહેરો જેવાં કે અમ્રિતસર અને લુધિયાણાનાં વિવિધ ગુરદ્વારામાં માથું નમાવ્યું હતું. દિલ્હીમાં ગુરુચરણનાં માતા-પિતા રહે છે. તેમને મળવા તે સતત દિલ્હી જાય છે. તેની ભાળ ન મળતાં તેનો પરિવાર, તેના ફૅન્સ સૌકોઈ ચિંતિત થઈ ગયા હતા. સૌકોઈ પ્રાર્થના કરી રહ્યા હતા કે તે હેમખેમ ઘરે પાછો આવી જાય.
ગુરુચરણ ક્યારે અને કઈ રીતે જતો રહ્યો એના પર એક નજર
ADVERTISEMENT
ગુરુચરણ સિંહ બાવીસ એપ્રિલે દિલ્હીમાં તેના પેરન્ટ્સને મળીને મુંબઈ આવવા સવારે સાડાઆઠ વાગ્યે નીકળ્યો હતો. દિલ્હીથી મુંબઈ આવવાની તેની ફ્લાઇટ હતી, પરંતુ તે ઍરપોર્ટ પહોંચ્યો જ નહીં અને મુંબઈ પણ પાછો ફર્યો નહીં. ૨૪ એપ્રિલ સુધી તેનો ફોન ઍક્ટિવ હતો. એના માધ્યમથી પૈસાનો ઘણો વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. બાદમાં ફોન પણ બંદ થઈ ગયો હતો. તેના ચિંતિત પિતા હરજિત સિંહે મિસિંગની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ ૩૬૫ના આધારે FIR નોંધ્યો હતો. પોલીસે આ કેસની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. તપાસમાં પોલીસે દાવો કર્યો હતો કે ગુરુચરણ પર દેવું વધી ગયું હતું અને તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી, પરંતુ તેની પાસે દસ બૅન્ક-અકાઉન્ટ હતાં. સાથે જ તેનું કિડ્નૅપિંગ થયું હશે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. આ સિવાય શંકા એવી પણ હતી કે તેના પર કોઈનું દબાણ છે અને તેના ઈ-મેઇલ અકાઉન્ટમાંથી ૨૭ ઈ-મેઇલ પણ કરવામાં આવી હતી. પોલીસે દરેક પાસાની તપાસ કરી હતી. મુંબઈમાં આવીને દિલ્હી પોલીસના અધિકારીઓએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટની મુલાકાત લીધી હતી અને એના ઍક્ટર્સ સાથે પણ ગુરુચરણ વિશે પૂછપરછ કરી હતી.