Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતના ચાહક-અભ્યાસી ફાર્બસનું એકે સ્મારક ગુજરાતમાં નથી પણ મુંબઈમાં તેમના નામની સંસ્થા આજેય અડીખમ ઊભી છે

ગુજરાતના ચાહક-અભ્યાસી ફાર્બસનું એકે સ્મારક ગુજરાતમાં નથી પણ મુંબઈમાં તેમના નામની સંસ્થા આજેય અડીખમ ઊભી છે

25 February, 2023 04:54 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યા પછી ફાર્બસે પહેલું કામ કર્યું તે હિન્દુસ્તાની ભાષા શીખવાનું. ૧૮૪૩માં બે મહિનાના ટૂંકા ગાળામાં તેમણે હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા આપી.

ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બસ (ડાબે) અને ફૉર્બસ પત્ની માર્ગરેટ (પાછલી વયે)

ચલ મન મુંબઈનગરી

ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બસ (ડાબે) અને ફૉર્બસ પત્ની માર્ગરેટ (પાછલી વયે)


અમને ખબર છે, સુજ્ઞ વાચકો જરૂર તેમના સવાલના જવાબની રાહ જોતા હશે : ‘ગયે અઠવાડિયે ‘ફૉર્બસ ફૉર્બસ’ કર્યા કરતા હતા તો એ અંગ્રેજ સાહેબ હતા કોણ?’ 

ઔપચારિક જવાબ તો બે-ચાર શબ્દોમાં આપી શકાય : ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બસ હતા એક અંગ્રેજ સનદી અધિકારી. આજના વાતાવરણથી ટેવાયેલા કેટલાક વાચક મનોમન બોલશે : અચ્છા અચ્છા! એટલે અંગ્રેજ સરકારને રાજી રાખવા એક સંસ્થા સાથે તેમનું નામ જોડી દીધું. આજે જેમ કોઈ સંસ્થા સાથે રાતોરાત અલાણા-ફલાણા નેતાનું નામ જોડાય છે, દરેક સરકારી જાહેરખબરને તેમના ફોટો શોભાવે છે એમ. પણ એવું નહોતું. ગુજરાત અને એની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, સાહિત્ય વગેરેના પરમ ચાહક હતા એ સાહેબ. અભ્યાસી હતા. ગુજરાતી સરસ રીતે વાંચી-બોલી શકતા. અંગ્રેજી ભાષામાં ગુજરાતના ઇતિહાસનું  પહેલવહેલું પુસ્તક બે દળદાર ભાગમાં તેમણે લખેલું. આટલું જાણ્યા પછી આ ફૉર્બસ સાહેબ વિશે વધુ જાણવાનું મન થયુંને? તો હવે વાંચો આગળ.



આખું નામ ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બસ. પણ કવિ દલપતરામ તેમને ફાર્બસ કહેતા એટલે ગુજરાતીઓ તેમને ‘ફાર્બસ’ તરીકે વધુ ઓળખે. જન્મ લંડન શહેરમાં ૧૮૨૧ના જુલાઈની સાતમી તારીખે. જૉન ફોર્બ્સ-મિચેલ અને ઍન પોવેલને કુલ છ સંતાનો. તેમાં ઍલેક્ઝાન્ડર સૌથી નાના. યુવાન વયે તેમની આંખોમાં સ્થાપત્ય વિશારદ થવાનું સપનું અંજાયું હતું. પ્રખ્યાત અંગ્રેજ સ્થપતિ બનેવી પાસે તેમણે આઠેક મહિના અભ્યાસ પણ કર્યો. પણ પછી  બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. એ માટે ઈસ્ટ ઇન્ડિયા કૉલેજમાં જોડાવાનું જરૂરી હતું. 


૧૮૪૧ના જાન્યુઆરીની ૭, ૮ અને ૯ તારીખે લેવાયેલી પ્રવેશ પરીક્ષામાં ફાર્બસ બેઠા અને બીજા સોળ પરીક્ષાર્થીઓ સાથે એ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. પછીથી તેઓ કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા અને હેલબરી અને ઇમ્પીરિયલ સર્વિસ કૉલેજમાં અભ્યાસ કર્યો. અહીંના અભ્યાસકાળ દરમ્યાન તેઓ પ્રખ્યાત ઇન્ડોલૉજિસ્ટ સર વિલિયમ જોન્સનાં પુસ્તકોના પરિચયમાં આવ્યા. અગાઉ સ્થાપત્યકલાનો ભલે થોડો, પણ અભ્યાસ કર્યો હતો અને હવે આ પુસ્તકો દ્વારા તેઓ ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પરિચયમાં આવ્યા. હિન્દુસ્તાનમાંના લાંબા વસવાટ દરમ્યાન એનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા અને સાહિત્યમાં જે ઊંડો રસ ફાર્બસે લીધો એનાં મૂળ આ બે ઘટનામાં શોધી શકાય. 

તાલીમ પૂરી થયા પછી બૉમ્બે પ્રેસિડન્સીની સિવિલ સર્વિસમાં ફાર્બસ ૧૮૪૨ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જોડાયા. ત્યારે તેમની ઉંમર હતી ૨૧ વર્ષ. પણ એ પછી લગભગ એક વર્ષે, ૧૮૪૩ના નવેમ્બરની ૧૫મી તારીખે તેમણે પહેલી વાર હિન્દુસ્તાનની ધરતી પર – મુંબઈના બારામાં -- પગ મૂક્યો. આપણે ત્યાં અભ્યાસ કે સંશોધનના ક્ષેત્રે કેવી-કેવી વેઠ ઉતારાય છે એના દાખલા ફાર્બસ વિશે જે લખાયું છે એમાંથી મળે છે. એક ‘અભ્યાસી’એ ફાર્બસ પરના લેખમાં લખ્યું છે કે ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે વિશે ફાર્બસ આટલું કામ કરી શક્યા એનું કારણ એ હતું કે તેમણે લગ્ન કર્યાં નહોતાં. પહેલી વાત તો એ કે લગ્ન કર્યાં હોય તો આવાં કામ થઈ જ ન શકે એવી વાત જ વાહિયાત છે. પણ હકીકતમાં ફાર્બસે તો લગ્ન પણ કર્યાં હતાં. આપણા આ મુંબઈમાં જ ૧૮૪૬ના માર્ચની પચીસમી તારીખે માર્ગારેટ મોઇર ફૉર્બસ-મિચેલ સાથે ફાર્બસનાં લગ્ન થયાં. લાંબા લગ્નજીવન દરમ્યાન તેમને છ સંતાનો થયાં. એમાં ઍલેક્ઝાન્ડર સૌથી નાના. સરકારી નોકરીમાંથી રજા લઈ ફાર્બસ થોડા વખત માટે સ્વદેશ પાછા ગયેલા એ સમયગાળાને બાદ કરતાં જિંદગીનાં બાકીનાં બધાં વર્ષો તેમણે હિન્દુસ્તાનમાં બલકે બૉમ્બે પ્રેસિડન્સીમાં જ વિતાવ્યાં હતાં. 


હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યા પછી ફાર્બસે પહેલું કામ કર્યું તે હિન્દુસ્તાની ભાષા શીખવાનું. આ માટે તેમને અહમદનગર મોકલવામાં આવ્યા. ૧૮૪૩ના નવેમ્બરની ૨૦મી તારીખે તેઓ અહમદનગર પહોંચ્યા એ પછી બે મહિનાના ટૂંકા ગાળામાં તેમણે હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા આપી અને એમાં પાસ થયા. ત્યાર બાદ અહમદનગરના થર્ડ અસિસ્ટન્ટ કલેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ. ૧૮૪૪ના ઑક્ટોબરની ૧૦મી તારીખે ફાર્બસે મરાઠી માટેની પરીક્ષામાં પણ સફળતા મેળવી. પરિણામે ૧૮૪૪ના નવેમ્બરની આઠમીથી તેમને બઢતી મળી અને ખાનદેશના ‘સેકન્ડ અસિસ્ટન્ટ કલેક્ટર’ તરીકે નિમણૂક થઈ. ૧૮૪૬ના એપ્રિલ સુધી તેઓ આ પદે રહ્યા.

એ વર્ષના એપ્રિલની છઠ્ઠી તારીખે ફાર્બસની નિમણૂક મુંબઈની સદર અદાલત (બૉમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત)ના ઍક્ટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે થઈ. પણ બે જ દિવસ પછી, આઠમી એપ્રિલે, તેમની નિમણૂક અમદાવાદના અસિસ્ટન્ટ જજ તરીકે થઈ. જોકે એ વર્ષના નવેમ્બર સુધી તેઓ મુંબઈમાં જ રહી સદર અદાલતનું કામ કરતા રહ્યા. એ પછી નવેમ્બરમાં તેઓ અમદાવાદ ગયા. અને ત્યારથી તેમના ગુજરાત સાથેના પરસ્પર હિતકારી સંબંધની શરૂઆત થઈ. ફાર્બસે પોતાની આસપાસ જે જોયું એનાથી એક વાત તેમના મનમાં ઠસી ગઈ : આ સમાજને અર્વાચીનતા તરફ લઈ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઈ શકે નહીં એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા. 

ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી ગુજરાતીના કોઈ સારા શિક્ષકનું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ કવિ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. પહેલી વાર બંને મળ્યા એ જ દિવસથી દલપતરામ ફાર્બસના ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયા, પણ પછી ગુજરાત બાબતના સંશોધનમાં તેમના મદદનીશ બની રહ્યા અને અમુક અંશે બંને વચ્ચે મૈત્રીસંબંધ પણ બંધાયો. ફાર્બસ ગુજરાતી બોલતાં-વાંચતાં તો જલદી શીખી ગયા. તેઓ અંગ્રેજીમાં ગુજરાતનો ઇતિહાસ લખવા ધારતા હતા. એ માટેની કાચી સામગ્રી એકઠી કરવાનું કામ તેમણે દલપતરામને સોંપ્યું. દલપતરામ પ્રવાસ ખેડીને જરૂરી હસ્તપ્રતો મેળવતા કે એની નકલ કરાવી લેતા. ફાર્બસે આ કામ માટે પોતે પણ પ્રવાસ કર્યા હતા અને દલપતરામ ઉપરાંત બીજાઓની મદદ પણ લીધી હતી. 

કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા ફાર્બસે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે અમદાવાદમાં બોલાવી. એ સભામાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. ૧૯મી સદીમાં ગુજરાતનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ વગેરેના અભ્યાસમાં આ સોસાયટીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. આજના ગુજરાતીભાષી પ્રદેશમાંથી પહેલું અખબાર અને પહેલું સામયિક આ સંસ્થાએ શરૂ કર્યું. ઘણાં પુસ્તકો પ્રગટ કર્યાં. સરકારી નોકરીમાં બદલીઓ થતી રહી. જ્યાં ગયા ત્યાં ફાર્બસે ગુજરાતી સંસ્કૃતિ વિશેનું કોઈ ને કોઈ કામ કરવાનો પ્રયત્ન કર્યો.

આ પણ વાંચો: અંગ્રેજ વિદ્વાન અધિકારીની યાદ સાચવતી ફાર્બસ ગુજરાતી સભા

સરકારી નોકરીમાંથી રજા લઈને ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી એ બધી પોતાની સાથે લઈ ગયાં. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ નામના બે દળદાર ભાગમાં ગુજરાતનો ઇતિહાસ પહેલી વાર અંગ્રેજીમાં લખીને પોતાના ખર્ચે પ્રગટ કર્યો. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક પ્રગટ થયું એ પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા અને નોકરીમાં ફરી જોડાયા. ફરી બદલીઓ. ૧૮૬૧માં તેમની નિમણૂક મુંબઈની સદર અદાલતના જજ તરીકે થઈ. આ સદર અદાલત એટલે બૉમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત. 

બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપનાની જાહેરાત કરતો બ્રિટનનાં મહારાણીનો ઢંઢેરો.

૧૮૬૨ના જૂન મહિનાની ૨૪મી તારીખે બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતું હુકમનામું ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ બહાર પાડ્યું. એમાં બૉમ્બે હાઈ કોર્ટમાં કુલ છ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. આ છમાંના એક હતા ઍલેક્ઝાન્ડર ફાર્બસ. આમ તેઓ બૉમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા છ ન્યાયાધીશોમાંના એક બન્યા. બૉમ્બે હાઈ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર લખવામાં આવ્યું છે : ‘મિસ્ટર જસ્ટિસ ઍલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ આઇ.સી.એસ. હિન્દુસ્તાનની સનદી સેવાના સભ્ય હતા અને ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે જે પહેલા છ ન્યાયાધીશોની નિમણૂંક થઈ તેમાંના તેઓ એક હતા. તેઓ પોતાના જમાનાના એક ઉમદા ન્યાયાધીશ હતા. આ દેશ વિષે તેઓની ઊંડી જાણકારી, હિન્દુસ્તાનની ભાષાઓ, તેના રીતરિવાજો પશ્ચિમ ભારતનું લોકસાહિત્યની જાણકારી વગેરેને લીધે તેઓ હિન્દુસ્તાનીઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેમના સ્વભાવમાં એક ‘સંતનાં લક્ષણો’ જોવા મળતાં હતાં.’

મુંબઈ આવ્યા પછી થોડા વખતમાં તેઓ બૉમ્બે બ્રાન્ચ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટીના ઉપપ્રમુખ બન્યા, યુનિવર્સિટી ઑફ બૉમ્બેના વાઇસ ચાન્સેલર બન્યા, સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના પ્રમુખ બન્યા. ૧૮૬૫માં તબિયત બગડતાં ડૉક્ટરોની સલાહથી હવાફેર માટે પુના ગયા. પણ ત્યાં તબિયત વધુ બગડી અને માત્ર ૪૩ વરસની વયે ૧૮૬૫ના ઑગસ્ટની ૩૧મી તારીખે ફાર્બસનું પુનામાં અવસાન થયું. 

ફાર્બસના અવસાન પછી તેમનું વસિયતનામું લંડનની રજિસ્ટ્રીમાં પત્ની અને પુત્રોએ ૧૮૬૯ના જુલાઈની ૨૪મી તારીખે રજિસ્ટર કરાવ્યું હતું. આ વિશેની નોંધમાં વસિયતનામામાંની કુલ મિલકત એકસો પાઉન્ડ કરતાં ઓછી હોવાનું જણાવ્યું છે. એ જમાનામાં પણ આ રકમ ઘણી નાની ગણાય. આજે ફાર્બસ ફરી ગુજરાતમાં આવે તો આજના ગુજરાતને ઓળખી શકે? કદાચ ના. અને ગુજરાતે તો ફાર્બસને ક્યારનાયે વિસારે પાડી દીધા છે. પોતાની જિંદગીનાં ઉત્તમ વર્ષો જેમણે ગુજરાતને, ખાસ કરીને અમદાવાદને આપી દીધાં એ ફાર્બસનું ભલે નાનકડું, પણ એક્કેય જાહેર સ્મારક અમદાવાદમાં નથી. હા, મુંબઈમાં તેમની યાદગીરી સાચવતી સંસ્થા આજેય અડીખમ ઊભી છે. બીજા કેટલાક ભારતપ્રેમી અંગ્રેજો બાબતની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2023 04:54 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK