બુદ્ધિવર્ધક ગ્રંથની જેટલી કૉપી છપાતી અને વેચાતી એ જોઈને કોઈ પણ એવું અનુમાન બાંધી બેસે કે કાં તો ગુજરાતી લોક ભણેલા નથી અથવા તેમને પુસ્તકો વાંચવાનો શોખ નથી
કવિ નર્મદ
ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય આજે પણ ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે. અને એ રીતે ૧૯મી સદીની એક મહત્ત્વની સંસ્થાનું નામ હજી જીવતું રહ્યું છે.
‘આ જગ્યાએ ગુજરાતી લોકને એટલી જ સૂચના છે કે હાલના વખતમાં ગુજરાતીઓ સઘળી બાબતમાં પાછળ પડી ગયા છે અને જો તેઓ ઉદ્યોગ કરી પોતાની નીતિમાં, જ્ઞાનમાં, તથા વિદ્યા હુન્નરમાં સુધારો તથા વધારો નહિ કરે તો આગળ જતાં તેમણે ઘણું નુકશાન ખમવું પડશે. જમાનો ઘણો બદલાતો જાય છે. વાસ્તે જો ગુજરાતી લોક અત્યારથી સુધરવાને મહેનત નહિ કરે તો આવતાં પચીસ વર્ષમાં કોઈ તેમનો ભાવ પૂછશે નહિ.’
ADVERTISEMENT
આ શબ્દો લખાયા હતા છેક ૧૮૫૧માં, ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ નામના માસિકના ૧૮૫૬ના માર્ચ અંકની પ્રસ્તાવનામાં.
શરૂઆતમાં દર મહિને આ માસિકની ૫૫૦ નકલ છપાતી, જેમાંની ૩૫૧ ખપતી હતી અને ૧૫૦ નકલ મુંબઈ સરકાર બમણા ભાવે ખરીદતી હતી! (આજની આપણી લોકશાહી સરકાર આવું કરે તો તો ‘કૌભાંડ’ની બૂમો પડે!) જે ૩૫૧ નકલ વેચાતી એમાંની ૧૮૦ મુંબઈમાં જતી હતી. આ માહિતી આપવાની સાથોસાથ લખ્યું હતું: ‘મુંબઈ તથા ગુજરાત મધ્યે હલકી કિંમત છતાં ત્રણસો એકાવન નકલો ખપે એ અજબ જેવું છે! આ ઉપરથી કોઈ પણ વિચારવંત પુરુષ એવું અનુમાન કરે કે ગુજરાતી લોકો ભણેલા નથી અથવા પુસ્તકો વાંચવાનો તેમને શોખ નથી.’

છોકરીઓનો ગ્રુપ ફોટો ૧૮૭૭
હવે કોયડો એ છે કે ‘બુદ્ધિવર્ધક’ નામ ધરાવતી એક સંસ્થા હતી કે બે? જો એક જ હોય તો એ સ્વતંત્ર સંસ્થા હતી કે બીજી કોઈ સંસ્થા સાથે જોડાએલી હતી? આવી દ્વિધા ઊભી થવાનું કારણ છે આપણે જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખીએ છીએ તે કવિ નર્મદ. નર્મદને જણ્યો સુરતે, પણ તેને જાણ્યો, નાણ્યો અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેના જીવનનાં મહત્ત્વનાં ઘણાં વરસ મુંબઈમાં વીતેલાં. ભલે થોડો વખત, પણ તે એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણેલો. અને આત્મકથા ‘મારી હકીકત’માં તે લખે છે : ‘હમે કાલેજના બે ત્રણ સાથી અને બીજા બે ત્રણ દોસ્તદારો એકઠા મળી મારે ઘેર રસાયણશાસ્ત્રના પ્રયોગો કરતા. પછી થોડેક દહાડે હમે હમારા ઘરની ચોપડીઓ એકઠી કરી એક ન્હાનો સરખો પુસ્તકસંગ્રહ મારે ઘેર કર્યો હતો. પછી એવો વિચાર કર્યો હતો કે આપણે મહિનામાં ચાર વાર મળવું. તેમાં બે વાર આપણે નિબંધો લખી આપણામાં જ વાંચવા – માંહોમાંહે લખતાં બોલતાં ને વાદ કરતાં શીખવું; અને બે વાર જાહેર સભા ભરી લોકનો સુધારો કરવો. એ વિચાર પાર પાડવાને હમે હમારા મળવાને ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’ એવું નામ આપ્યું. તેમાં હું પ્રમુખ, મયારામ શંભુનાથ સેક્રેટરી, કલ્યાણજી શિવલાલ તીજોરર અને નારણદાસ કલ્યાણદાસ તથા બીજા બે કારભારીઓ હતા. એ સભાની તરફથી જાહેર ભાષણો ભૂલેશ્વરના ચકલામાં અમારા દોસ્ત મેઘજી તથા ભવાની લક્ષ્મણના કોઈ એક ઓળખીતાના ખાલી પડેલા ઘરમાં (હાટકેશ્વરની પાસેના) ૧૦૦થી વધારે સાંભળનારાઓની આગળ થયાં હતાં.’ પોતાનું પહેલવહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ ૧૮૫૦ના જૂનમાં પોતે આ સભામાં કર્યું હતું એમ પણ નર્મદે આત્મકથામાં કહ્યું છે.
તો શું બુદ્ધિવર્ધક સભા નર્મદે શરૂ કરેલી? જવાબ છે, હા અને ના. નર્મદની આત્મકથામાં જેનો ઉલ્લેખ છે એ સભા તેણે શરૂ કરેલી. પણ એ પછી થોડા જ વખતમાં અભ્યાસ અધૂરો મૂકીને નર્મદે સુરત જવું પડ્યું. તે ચોક્કસ કઈ તારીખે ગયો એ જાણવા મળતું નથી. પણ આત્મકથામાંના આડકતરા ઉલ્લેખો પરથી અનુમાન થઈ શકે કે તે ૧૮૫૧ના ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં સુરત ગયો હશે. તેના ગયા પછી એ સભા નિષ્ક્રિય થઈ ગઈ.
બીજી બાજુ સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીના સંચાલકોના ધ્યાનમાં એ વાત આવી કે પારસી સમાજના અને હિંદુ ગુજરાતી સમાજના સામાજિક પ્રશ્નો જુદા-જુદા છે. અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીમાં પારસીઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હોવાથી એમાં હિન્દુ ગુજરાતી સમાજ વિશે ઝાઝી ચર્ચા થઈ શકતી નથી. એટલે તેમણે માતૃસંસ્થાની ત્રીજી શાખા શરૂ કરી : બુદ્ધિવર્ધક હિન્દુ સભા.
સોસાયટીના ૧૮૫૬ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીએ ૧૮૫૧ના એપ્રિલમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપના કરી. ગંગાદાસ કિશોરદાસ એના પહેલા પ્રમુખ હતા અને હોદ્દાની રૂએ સોસાયટીના ત્રણ ઉપપ્રમુખોમાંના એક હતા. બીજા બે ઉપપ્રમુખો હતા મરાઠી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખ નારાયણ દીનાનાથ અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખ બમનજી પેસ્તનજી. એટલે કે જ્ઞાનપ્રસારક અને બુદ્ધિવર્ધક બંને સાથોસાથ કામ કરતી હતી. સોસાયટીના અહેવાલમાં જણાવ્યું છે કે બુદ્ધિવર્ધક હિંદુ સભાની બેઠકો કોટની બહારના વિસ્તારમાં મળતી. એના આશ્રયે પહેલું ભાષણ કન્યા-કેળવણી વિશે યોજાયું હતું. એ એટલું તો વિવાદાસ્પદ બન્યું હતું કે સતત ચાર દિવસ સુધી સાંજે એના પર ચર્ચા થઈ હતી. પછી એ ભાષણ પુસ્તિકા રૂપે પ્રગટ થયું ત્યારે એની એક હજાર નકલ ચપોચપ વેચાઈ ગઈ હતી. નર્મદે શરૂ કરેલી સભા જો સોસાયટીની બુદ્ધિવર્ધક હિંદુ સભા સાથે ભળી ગઈ હોત તો સોસાયટીના અહેવાલમાં એનો જરૂર ઉલ્લેખ થયો હોત. બલકે ૧૮૫૪ના જાન્યુઆરીમાં મુંબઈ પાછો આવીને નર્મદ ફરી એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયો અને એ જ વર્ષના ચોમાસામાં બુદ્ધિવર્ધક હિંદુ સભામાં પોતાનું નામ દાખલ કરાવ્યું.
આ પણ વાંચો: જ્યારે મનાતું કે છોકરીને ભણાવીએ તો તે વહેલી વિધવા થાય
૧૮૫૬ના માર્ચ મહિનાથી ‘બુદ્ધિ વર્ધક ગ્રંથ’ નામના માસિકનું પ્રકાશન શરૂ થયું. એના અંકોમાં સભા વિશેની વિગતો, અહેવાલો વગેરે નિયમિત રીતે પ્રગટ થતા એટલે સભાની કામગીરી વિશેની ઘણી વિગતો મળી રહે છે. ૧૮૫૬ના વર્ષ માટેના એના વહીવટી મંડળમાં ગંગાદાસ કિશોરદાસ પ્રમુખ હતા અને નર્મદ ઉપપ્રમુખ હતો. ‘બુદ્ધિ વર્ધક ગ્રંથ’ના માર્ચ ૧૮૫૬ના પહેલા અંકની પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું હતું : ‘મુંબઈ રાજધાનીમાં વેપારીઓ, સરકારી હોદ્દેદારો, વિદ્વાન તથા વિદ્યાર્થીઓ, ચાલાક હુન્નરીઓ વગેરેની ધૂમ મચી રહી છે. પણ આપણા સાથીઓને માટે આપણી ભાષામાં લખાઈ છપાયેલાં ઘણાં જ થોડાં પુસ્તકો છે ને જે છે તેમાં આ સમયના સુવિચારના ગ્રંથોનો ઉમેરો થાય તો બહુ શોભા આવે... માટે આ પ્રતિનો ગ્રંથ બુદ્ધિવર્ધક હિંદુ સભા મહિને મહિને કાઢવાની આશા રાખે છે.’
જ્ઞાનપ્રસારક મંડળીની જેમ નિબંધોનું વાચન અને જાહેર પ્રવચનો એ બુદ્ધિવર્ધક સભાની પણ મુખ્ય પ્રવૃત્તિ હતી. દરેક બેઠક વખતે સરેરાશ ૭૦ લોકોની હાજરી રહેતી હતી પણ તેમાં મુંબઈના સાઠ સભાસદોમાંથી માત્ર ૧૨ નિયમિત રીતે હાજર રહેતા હતા. જોકે નર્મદે ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતોના ધર્મ’ વિષે નિબંધ વાંચ્યો ત્યારે ૨૫૦ની હાજરી હતી અને બમનજી પેસ્તનજીની સૂચનાથી એની ૨૦૦૦ નકલ છપાવીને મુંબઈ તથા ગુજરાતમાં મફત વહેંચવામાં આવી હતી. બીજો એક ફેરફાર એ થયો કે સોસાયટી હિંદુ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જે સ્કૂલો ચલાવતી હતી એનો વહીવટ ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીને બદલે બુદ્ધિવર્ધક હિંદુ સભાને સોંપવામાં આવ્યો.

મરાઠી હિંદુ કન્યાશાળા, ૧૮૭૦
૧૮૬૦માં બુદ્ધિવર્ધક હિંદુ સભામાં એક મોટો વિખવાદ ઊભો થયો. એનું કારણ હતું મહિપતરામ રૂપરામનો ઇંગ્લૅન્ડનો પ્રવાસ. હિંદુ ગુજરાતીઓમાં પરદેશનો પ્રવાસ કરનાર તેઓ પહેલા હતા. એ જમાનામાં સમુદ્ર ઓળંગીને પરદેશ જવું એ મોટું પાપ મનાતું. ૧૮૬૦ના માર્ચની ૨૬મીએ મળેલી બેઠકમાં મહિપતરામને માનપત્ર આપવાનું સર્વાનુમતે ઠરાવાયું અને તેમને મોકલવા માટે એ તૈયાર પણ થયું. પણ સભાના પ્રમુખ ઝવેરીલાલ ઉમિયાશંકરે અને નર્મદે એના પર સહી કરવાની ના પાડી. તેથી તે બંનેની સહી વગર, બાકીના કારભારીઓની સહી સાથે એ મહિપતરામને મોકલાયું. એના જવાબમાં લંડનથી ૧૮૬૦ના જૂનની ચોથી તારીખે લખેલા પત્રમાં મહિપતરામે લખ્યું : ‘આ વરસમાં સભાના પ્રમુખ ભાઈ ઝવેરીલાલ ઉમિયાશંકર તથા ભાઈ નર્મદાશંકર લાલશંકર તમારી પેઠે કારભારી છે એવું છતાં એ મારા બંને મિત્રોની સહી એ પર નથી તેથી મને કેટલીક નાખુશી થઈ છે, પણ હું ધારું છું કે તેઓ નાતની બીકથી વેગળા નહીં રહ્યા હોય પણ તેમના પેટમાં કાંઈ બીજી સારી મતલબ હશે.’
આ વિવાદના પરિણામે છેવટે ઝવેરીલાલ ઉમિયાશંકરે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.
બીજા એક વિખવાદના કેન્દ્રમાં પણ નર્મદ જ રહ્યો હતો. ૧૮૬૦ના વર્ષમાં જદુનાથજી મહારાજ અને નર્મદ વચ્ચે વિવાદ શરૂ થયો. ધર્મ અને રાજકારણ વિશે સોસાયટીની બેઠકોમાં ભાષણ કે નિબંધવાચન ન થઈ શકે એવો નિયમ પહેલેથી જ હતો. છતાં આ બાબતને સાંસારિક ગણીને સભાની કારભારી મંડળીએ ઑક્ટોબરની છઠ્ઠી તારીખે મુંબઈના ટાઉન હૉલમાં એ વિષય પર બોલવાની નર્મદને મંજૂરી આપી. દેખીતી રીતે જ ઘણા સભ્યોએ આ નિયમભંગનો વિરોધ કર્યો.
ત્યાર બાદ ધીમે ધીમે ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ માસિક અનિયમિત અને નિસ્તેજ બનતું ગયું અને ૧૮૭૧ના જૂનના અરસામાં બંધ પડ્યું. બુદ્ધિવર્ધક હિંદુ સભાની ઘણીખરી પ્રવૃત્તિ પણ બંધ પડી. આ સભાને ફરી બેઠી કરવાના કેટલાક પ્રયત્નો થયા પણ એને ઝાઝી સફળતા મળી નહીં. ૧૮૯૪માં એના નામમાંથી હિંદુ શબ્દ દૂર કરવામાં આવ્યો. પણ છેવટે ૧૯૩૨માં બુદ્ધિવર્ધક સભાની કાનૂની વાઇન્ડિંગ અપ કામગીરી શરૂ કરીને બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી. ૧૯૩૩ના ઑક્ટોબરની ૧૩મી તારીખે આ વિશેનો હુકમ હાઈ કોર્ટ તરફથી મળી ગયો. ૧૨,૮૧૯ રૂપિયા, ૧૧ આના, ૬ પાઈની બુદ્ધિવર્ધક સભાની કુલ મૂડી ફાર્બસ ગુજરાતી સભાને તબદિલ કરવામાં આવી. સાથોસાથ ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલય સાથે બુદ્ધિવર્ધક સભાનું નામ જોડવામાં આવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય આજે પણ ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે. અને એ રીતે ૧૯મી સદીની એક મહત્ત્વની સંસ્થાનું નામ હજી જીવતું રહ્યું છે.
આ ફાર્બસ ગુજરાતી સભા વિશેની કેટલીક વાતો હવે પછી.
deepakbmehta@gmail.com


