Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઝડપથી વિકસતા અર્થતંત્રમાં વિસ્તરતી આર્થિક અસમાનતા

ઝડપથી વિકસતા અર્થતંત્રમાં વિસ્તરતી આર્થિક અસમાનતા

Published : 15 October, 2026 01:06 PM | Modified : 15 October, 2026 01:07 PM | IST | Mumbai
Jayesh Chitalia

આર્થિક અસમાનતા સામાજિક અસમાનતા પણ ઊભી કરે છે અને બીજી કેટલીક સમસ્યાઓને પણ જન્મ આપે છે. આર્થિક અસમાનતા વિવિધ સ્તરે અન્યાય અને શોષણ માટે જવાબદાર બને છે.અસમાનતા જ અપરાધોને જન્મ આપે છે અને અપરાધો રાજકારણનાં સ્થાપિત હિતો ઊભાં કરે છે.

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


માનો યા ન માનો ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધી છે અને વધી રહી છે, પરંતુ તેમનાં નાણાંના વહીવટ માટે પ્રોફેશનલ સલાહકારોની લિટરલી અછત ગણાય એવો માહોલ છે. આ અમે નથી કહેતા પણ તાજેતરના એક અભ્યાસનું તારણ છે. આમ તો ભારતમાં બે ઇન્ડસ્ટ્રીનું જોર વધી રહ્યું છે : એક હેલ્થ અને બીજી વેલ્થ. હેલ્થ તો લગભગ બધાને જ લાગુ પડે, પરંતુ વેલ્થ આમ જોવા જઈએ તો વસ્તીના પ્રમાણમાં બહુ જ ઓછા લોકોને લાગુ પડે છે. મર્યાદિત સંખ્યાના લોકોમાં જે માત્રામાં વેલ્થ (સંપત્તિ) વધતી જાય છે એની સામે એ વેલ્થ મૅનેજમેન્ટના પ્રોફેશનલ્સ, માન્યતાપ્રાપ્ત સલાહકારો કે રિલેશનશિપ-વેલ્થ મૅનેજર્સની સંખ્યા તેમનાથી પણ બહુ જૂજ છે.

જેમની પાસે અઢળક શબ્દ નાનો પડે એટલી સંપત્તિ છે એવા લોકોની સંખ્યા ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૬૩ ટકા જેટલી વધીને ૧૯,૦૦૦ પર પહોંચી ગઈ છે. એની સામે વેલ્થ સલાહકારોની સંખ્યા ૧૯૦૦ માંડ છે જે હજી બે વર્ષ પછી પણ સંભવત: વધીને ૨૮૦૦ થવાનો અંદાજ છે. જો એમ થશે તોય આ બે વર્ગ વચ્ચેનો ગૅપ ઘણો મોટો રહેશે. મુંબઈ જેવા મહાનગરમાં આવા કરોડપતિઓની સંખ્યા વધુ છે. અલબત્ત, બિનસત્તાવાર કરોડપતિઓ કેટલા હશે એ તો ઈશ્વર જાણે. જોકે આ બન્ને પ્રકારના કરોડપતિ અમિતાભ બચ્ચનના કૌન બનેગા કરોડપતિના નથી, બલ્કે પોતાના સાચા-ખોટા કામધંધાથી સંપત્તિવાન બનેલા લોકો છે.



જેમ દરેક પરિવારમાં ફૅમિલી ડૉક્ટર હોય (ઘણી વાર એક જ પરિવારમાં બેથી ૩ ફૅમિલી ડૉક્ટર પણ હોય) એમ સંપત્તિવાન વ્યક્તિના રોકાણ સલાહકાર પણ હોય જ. કરોડોની આવક રળનાર વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ અને ટૅક્સ-પ્લાનિંગ માટે સમય મળતો નથી તેમ જ તેની પાસે એ માટેની નિપુણતા પણ હોતી નથી. સમય-સંજોગોના પરિવર્તન સાથે ઇન્વેસ્ટમેન્ટની પૅટર્ન પણ બદલાતી રહે છે. વાસ્તવમાં મની મૅનેજમેન્ટ એક કળા (આર્ટ) છે જે દરેક પાસે ન હોય. તેથી જ પ્રોફેશનલ ઍડ્વાઇઝરની જરૂર પડે. બાકી આ અધધધ પૈસાનું ઍડ્જસ્ટમેન્ટ કરનારા નિષ્ણાતો જુદા ગણવા.


વેલ્થ કૉન્સન્ટ્રેશન કેટલું સારું?

બાય ધ વે, આપણે અહીં કરોડપતિઓની સંપત્તિની કે એના મૅનેજમેન્ટ-ઍડ્જસ્ટમેન્ટની ચિંતા કરવી નથી, પરંતુ આ હકીકત એ દર્શાવે છે કે વેલ્થ મૅનેજમેન્ટ એક એવો વ્યવસાય છે જ્યાં બહુ અવકાશ છે. જોકે વધુ મોટી, નોંધપાત્ર અને ધ્યાન ખેંચતી વાત એ છે કે દેશમાં સંપત્તિનું કૉન્સન્ટ્રેશન મર્યાદિત વર્ગમાં સતત વધી રહ્યું છે. આપણા વિશાળ દેશના ચુનંદા લોકો પાસે બહુ મોટા પ્રમાણમાં ધન-સંપત્તિ છે જે દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો આવરી લે છે. માની લઈએ કે સરકારી આંકડાઓ મુજબ ગરીબીની રેખા હેઠળ જીવનારાઓની સંખ્યા ઘટી છે, પરંતુ એવા કેટલા? આ કૉન્સોલેશન લેવામાં કેટલી સાર્થકતા? ગરીબીરેખા સામે મોંઘવારીના વધતા પ્રમાણનું શું? બદલાતી જરૂરિયાતોનું શું? લાઇફસ્ટાઇલનું શું? અગાઉ જે વસ્તુઓ કે બાબતો લક્ઝરીમાં હતી એ નેસેસિટીમાં પરિવર્તિત થઈ ગઈ છે. મોંઘવારીની અસર માત્ર અમુક જ સીમિત વર્ગને થતી નથી. બાકી વિશાળ વર્ગ મોંઘવારીની જાળમાં લપેટાયેલો-મૂંઝાયેલો હોય છે. એમાં વળી બેરોજગારી, દરેક સ્તરે સ્પર્ધાઓ, આવી પડતી કુદરતી આફતો, યુદ્ધ જેવી સમસ્યાઓ જેવી અસાધારણ ઘટનાઓ માટે શું કહેવું?


પૈસો પૈસાને ખેંચે યા વધારે

ખરેખર તો આર્થિક અસમાનતા વર્ષોથી ઊભી જ છે અને વિસ્તરી પણ છે. શિક્ષણ અને સ્વાસ્થ્યનો ખર્ચ કલ્પનાની બહાર વધી ગયો છે અને હજી વધવાનાં એંધાણ છે. નવી જનરેશન સેવિંગને બદલે મહદંશે સ્પેન્ડિંગ ઇકૉનૉમીનો હાથો બની ગઈ હોવાથી સમાજ એક જોખમી દિશામાં આગળ વધી રહ્યો છે. આર્થિક અસમાનતા વધવાનાં કારણો છે, શિક્ષણ મેળવવામાં અસમાનતા છે, સ્કિલ મેળવવામાં પણ અસમાનતા છે. જેમની પાસે સંપત્તિ છે તે વધુ સંપત્તિને ખેંચી શકવા સમર્થ રહે છે. અર્થાત્, પૈસો પૈસાને ખેંચે છે. શહેરો અને ગ્રામ્યવિસ્તારોનો ફરક કે ભેદ આજે પણ ઊભો જ છે. બિનઔપચારિક નોકરીઓ-રોજગારોમાં ઘણી ખામીઓ હોય છે જે આ ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકો સહન કરે છે. એ જ તેમની આખી અને આવનારી પેઢીએ પણ સહન કરવાનું આવે છે. દેશનાં રાજ્યો-રાજ્યો વચ્ચે પણ વિકાસમાં મોટો ફરક છે. દાખલા તરીકે અત્યાર સુધીનું પશ્ચિમ બંગાળ જોઈ લો અને બીજી તરફ ગુજરાત પર પણ નજર કરી લો.

અસમાનતામાં સર્જાતી સમસ્યાઓ

આર્થિક અસમાનતા સામાજિક અસમાનતા પણ ઊભી કરે છે અને બીજી કેટલીક સમસ્યાઓને પણ જન્મ આપે છે. આર્થિક અસમાનતા વિવિધ સ્તરે અન્યાય અને શોષણ માટે જવાબદાર બને છે.અસમાનતા જ અપરાધોને જન્મ આપે છે અને અપરાધો રાજકારણનાં સ્થાપિત હિતો ઊભાં કરે છે. જોકે આ વિષયની અમુક સારી બાજુ એ છે કે અસમાનતાને કારણે સ્પર્ધા ઊભી થાય છે. નવા વિચારો, નવા આઇડિયા, નવાં સાહસો પણ પાકે છે અને નવો ઇતિહાસ પણ સર્જાય છે. જોકે આવી કથા મર્યાદિત બને છે. ખરેખર તો સમાન આવક કરતાં સમાન તકોનું વધુ મહત્ત્વ ગણાય. આજે પણ અનામત (રિઝર્વેશન)ની ચાલતી લડાઈ આવા સવાલો ઊભા કરે છે. આજના યુવા વર્ગ સામે પણ આ સવાલ બળતામાં ઘી હોમવા જેવો છે. રોટી, કપડાં અને મકાન જેવી પાયાની જરૂરિયાતોના નારા હવે જૂના થયા. હવે બહેતર શિક્ષણ, બહેતર સ્વાસ્થ્ય સુવિધા અને ઉત્તમ કૌશલ્ય (સ્કિલ) તાલીમની સવલતો અને તકો વિકાસ માટેના મોટા અને મજબૂત પાયા છે.

આવનારી જનરેશન સામે પડકારો

એ હકીકત છે કે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, પરંતુ એમાં અસમાનતા પણ વધી રહી છે. સંપત્તિવાન વર્ગ અને એનાથી વંચિત વર્ગ વચ્ચેનો ગૅપ વધતો જાય છે. આ જોખમી સંકેત ગણાય, જેનાં કડવાં ફળ આગામી સમયમાં આવનારી જનરેશને ભોગવવાનાં આવી શકે. સરકારી શબ્દોમાં જેને ઇન્ક્લુઝિવનેસ (સર્વસમાવેશ) કહે છે એ હજી બહુ દૂર છે. માત્ર બૅન્ક-અકાઉન્ટ્સ ખૂલી જવાથી આર્થિક અસમાનતાની સમસ્યા પૂરી થતી નથી. ખરેખર તો બૅન્ક-અકાઉન્ટમાં નાણાં જોઈએ, આવકનો પ્રવાહ જોઈએ. હકીકતમાં વિકસિત ભારતના લક્ષ્ય સામે ઘણા પડકારો છે. એમાં આ અસમાનતા પણ બહુ મોટો પડકાર કહેવાય. સારી બાબત એ છે કે મોદી સરકાર આ દિશામાં શરૂથી પ્રયત્નશીલ રહીને સતત એ દિશામાં પગલાં પણ લઈ રહી છે. જોકે હજી બહુબધું કરવાનું બાકી છે.

લેખક આર્થિક ક્ષેત્રના અનુભવી પત્રકાર છે.

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 01:07 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK