Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બેમિસાલ : કિસી બાત પર મૈં કિસી સે ખફા હૂં

બેમિસાલ : કિસી બાત પર મૈં કિસી સે ખફા હૂં

03 April, 2021 12:56 PM IST | Mumbai
Raj Goswami

‘બેમિસાલ’ ગુસ્સાની નહીં, નારાજગીની ફિલ્મ હતી. કહાનીના નાયક ડૉ. સુધીર રૉયનો એક દુખી ભૂતકાળ છે અને એ તેને સતત પજવી રહ્યો છે. બહારથી તે એક ખુશમિજાજી ડૉક્ટર છે, પરંતુ અંદરથી તેને દરેક વ્યક્તિ પ્રત્યે એક પ્રકારની નારાજગી છે

બેમિસાલ : કિસી બાત પર મૈં કિસી સે ખફા હૂં

બેમિસાલ : કિસી બાત પર મૈં કિસી સે ખફા હૂં


અમિતાભ બચ્ચને ‍ઍન્ગ્રી યંગ મૅનની ઘણી ભૂમિકા કરી છે, પણ હિન્દી સિનેમાની વ્યાવસાયિક મર્યાદાઓને કારણે તે એ ઇમેજમાં બંધાઈ ગયો, નહીં તો તેના અભિનયમાં એટલી ક્ષમતા તો હતી જ કે તે લાગણીઓનાં અન્ય કથિત નકારાત્મક પાસાંને પણ એટલી જ તાકાતથી રજૂ કરી શકે. એવી એકમાત્ર ફિલ્મ ‘બેમિસાલ’ (૧૯૮૨) હતી, જેમાં અમિતાભે માનસિક રીતે અશાંત અને પીડિત વ્યક્તિની ભૂમિકા કરી હતી. તેના ચાહકો માટે ‘બેમિસાલ’ ખાસ યાદગાર ફિલ્મ નહોતી, પણ અમિતાભે તેની કારકિર્દીમાં મુખ્ય ધારાની મસાલા ફિલ્મો વચ્ચે અમુક જે પ્રયોગાત્મક ભૂમિકાઓ કરી હતી એમાં ‘બેમિસાલ’ના ડૉ. સુધીર રૉયનું પાત્ર આવે છે. 
‘બેમિસાલ’નું નિર્દેશન હૃષીકેશ મુખરજીએ કર્યું હતું. હૃષીદાના હુલામણા નામથી પ્રખ્યાત આ નિર્દેશકે હિન્દી સિનેમાને એક-એકથી અનોખી ફિલ્મો (અનાડી, અનુપમા, સત્યકામ, આનંદ, ગુડ્ડી, મિલી, બાવર્ચી, નમક હરામ, ચુપકે ચુપકે) તો આપી જ છે, પણ તેમણે હિન્દી સિનેમાને બે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનને તેમના સ્ટારડમમાંથી બહાર કાઢીને સંવેદનશીલ ઍક્ટર તરીકે પણ રજૂ કર્યા છે. અમિતાભે કહ્યું છે કે હૃષીદા અમારા ગૉડફાધર હતા. રાજેશ ખન્નાનો રુત્બો એવો હતો કે ભલભલા નિર્માતા-નિર્દેશકો તેનાથી ડરતા હતા, પણ રાજેશ ખન્નાએ ખુદે કહ્યું છે કે મને હૃષીકેશ મુખરજીની બીક લાગતી. એ એક જ નિર્દેશક પાસે ખન્ના નીચી મુંડી કરીને જે કહે તેમ કામ કરતો.  
‘બેમિસાલ’ ગુસ્સાની નહીં, નારાજગીની ફિલ્મ હતી. કહાનીના નાયક ડૉ. સુધીર રૉયનો એક દુખી ભૂતકાળ છે અને એ તેને સતત પજવી રહ્યો છે. બહારથી તે એક ખુશમિજાજી ડૉક્ટર છે, પરંતુ અંદરથી તેને દરેક વ્યક્તિ પ્રત્યે એક પ્રકારની નારાજગી છે. ‘બેમિસાલ’ને અમુક લોકો જો યાદ કરતા હોય તો એ એના ખૂબસૂરત સંગીતને કારણે. રાહુલ દેવ બર્મને એમાં આનંદ બક્ષીના અર્થસભર શબ્દો પર યાદગાર ધૂન ચડાવી હતી. ચાર ગીતો હતાં; કિતની ખૂબસૂરત યે તસવીર હૈ, યે કશ્મીર હૈ... યે રી પવન, ઢૂંઢે કિસે તેરા મન... કિસી બાત પર મૈં કિસી સે ખફા હૂં... અને એક રોજ મૈં તડપ કર, ઇસ દિલ કો થામ લૂંગા.
એમાં આ જે ‘ખફા’ ગીત હતું એમાં ડૉક્ટર સુધીર રૉયની નારાજગી ભારોભાર પ્રગટ થતી હતી. ભૂતકાળની પીડાને લઈને જીવતા આ પાત્રની જટિલતા આ ગીતમાં આનંદ બક્ષીએ સટિક રીતે વ્યક્ત કરી હતી. આનંદ બક્ષીને ‘કમર્શિયલ ગીતકાર’ના લેબલને કારણે જોઈએ એટલી કદર ન મળી, બાકી તેમનાં ઘણાં ગીતોમાં ઉચ્ચ કક્ષાની કવિતા હતી. ‘બેમિસાલ’નું જ આ ગીત લો. એમાં નાયક ખુદથી નારાજ છે 
અને દુનિયાથી પણ નારાજ છે અને બક્ષીએ બહુ માર્મિક રીતે એ ભાવ વ્યક્ત કર્યો હતો ઃ
કિસી બાત પર મૈં કિસી સે ખફા હૂં, મૈં ઝિંદા હૂં પર ઝિંદગી સે ખફા હૂં
મુઝે દોસ્તોં સે શિકાયત હૈ શાયદ, મુઝે દુશ્મનોં સે મુહબ્બત હૈ શાયદ
મૈં ઇસ દોસ્તી દુશ્મની સે ખફા હૂં
મૈં જાગા હુઆ હૂં, મૈં સોયા હુઆ હૂં, મૈં દિલ કે અંધેરોં મેં ખોયા હુઆ હૂં
મૈં ઇસ ચાંદ કી ચાંદની સે ખફા હૂં...
નારાજગીનું કારણ શું છે? ડૉ. સુધીર રૉય (અમિતાભ બચ્ચન) અને ડૉ. પ્રશાંત ચતુર્વેદી (વિનોદ મહેરા) કાશ્મીરમાં કવિતા ગોયલ (રાખી)ને મળે છે. એમાં સુધીર કવિતાને ફલર્ટ કરે છે અને કવિતા પણ તેને ચાહવા માંડે છે, પણ સુધીરને ખબર પડે છે પ્રશાંત કવિતાને પસંદ કરે છે ત્યારે તે ખસી જાય છે અને કવિતાને વિનંતી કરે છે કે તે પ્રશાંત સાથે લગ્ન કરે. કવિતા કારણ પૂછે છે તો સુધીર તેના બાળપણની વાર્તા કહે છે...
સુધીર એક ગરીબ શિક્ષકનો નાનો દીકરો છે અને તેને એવી આશા છે કે તેનો ભાઈ અધીર રૉય (અમિતાભનો ડબલ રોલ) મોટો થઈને પરિવારને સાચવશે, પરંતુ અચાનક શિક્ષકપિતાનું અવસાન થઈ જાય છે અને મોટો ભાઈ અધીર માનસિક સંતુલન ગુમાવી દે છે. તેની પાછળ પણ એક ઘટના છે. 
અધીર રૂબી દત્ત (શીતલ) નામની એક નખરાળી છોકરીને ટ્યુશન આપતો હોય છે. એક દિવસ રૂબી હૅન્ડસમ અધીરને શરીર-સમાગમ માટે ફોસલાવવાનો પ્રયાસ કરે છે. રૂબીનો પિતા (ગોગા કપૂર) ત્યાં આવી ચડે છે એટલે રૂબી ફરી જાય છે અને અધીર પર બળાત્કાર કરવાના પ્રયાસનો આરોપ મૂકી દે છે. તેનો પિતા અધીરને એટલો માર મારે છે કે તેનું માનસિક સંતુલન બગડી જાય છે અને તે ગાંડાના દવાખાનામાં પહોંચી જાય છે.
હવે સુધીર પાપી પેટ માટે ચોરી-ચપાટી શરૂ કરે છે. એમાં તે પોલીસના હાથે પકડાઈ જાય છે, પણ કોર્ટમાં દયાળુ મૅજિસ્ટ્રેટ ચતુર્વેદી (ઓમ શિવપુરી) તેને દત્તક લઈ લે છે. સુધીર હવે મૅજિસ્ટ્રેટના દીકરા પ્રશાંત સાથે મોટો થાય છે. મોટો થઈને સુધીર ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ બને છે, જ્યારે પ્રશાંત ગાયનેકોલૉજિસ્ટ બને છે. સુધીર પર મૅજિસ્ટ્રેટ અને તેમના પરિવારનો મોટો અહેસાન છે એટલે તે પરિવારને ખુશી માટે કાયમ તૈયાર હોય છે.
સુધીર કવિતાને તર્ક આપે છે કે મેડિકલ ગ્રાઉન્ડ પર હું લગ્ન કરી શકું એમ નથી, કારણ કે એક તો તેનો મોટો ભાઈ માનસિક રોગી છે અને બીજું એ કે તેનો ખુદનો એક અપરાધિક ભૂતકાળ છે. આખરે કવિતા અને પ્રશાંત પરણે છે અને પ્રશાંત તેના પરિવારને સુધીરના સહારે છોડીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જાય છે. પ્રશાંત પાછો આવીને પ્રૅક્ટિસ શરૂ કરે છે, પણ દરમ્યાન તે લાલચુ થઈ ગયો હોય છે. તે મેડિકલ નૈતિકતાને નેવે મૂકીને ગેરકાનૂની રીતે અબૉર્શન કરવા માંડે છે. સુધીર તેને સમજાવે છે, પણ પ્રશાંત માનતો નથી. 
એક દિવસ આવા જ ઑપરેશનમાં એક ગરીબ છોકરી મરી જાય છે અને પ્રશાંતને પોલીસ પકડી જાય છે. મૅજિસ્ટ્રેટ-પરિવારના કર્જ હેઠળ દબાયેલો સુધીર પ્રશાંતને બચાવવા માટે હૉસ્પિટલનો રેકૉર્ડ બદલી નાખે છે અને દરદીના મૃત્યુનો અપરાધ પોતાના માથા પર લઈ લે છે. પોલીસ પ્રશાંતને છોડી દે છે અને સુધીર જેલમાં જાય છે. એ પહેલાં તે પ્રશાંત પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે કે ‘તું લોકોની સેવા કરવા માટે જ ડૉક્ટરી કરશે.’ ૯ વર્ષની સજા પછી સુધીર જેલમાંથી બહાર આવે છે અને એની સાથે ફિલ્મ પૂરી થાય છે. 
મૂળમાં ‘બેમિસાલ’ મેડિકલ વ્યવસાયના ગોરખધંધા પર હતી. એક ઇન્ટરવ્યુમાં હૃષીદાએ કહ્યું હતું કે ‘ભારતમાં આની નવાઈ નથી. દરેક જગ્યાએ પૈસા કમાવાની લાયમાં ઊંટવૈદો અનેક નિર્દોષ જીવનને જોખમમાં મૂકે છે. ‘બેમિસાલ’ બંગાળી ‘આમી સે ઓ સાખા’ની રીમેક છે, જેમાં ઉત્તમ કુમારે અમિતાભનો રોલ કર્યો હતો.’
ફિલ્મમાં તે કવિતાને ‘સખી’ કહીને બોલાવે છે એ એક બીજી નવીનતા હતી. ત્યાં સુધી કે શૂટિંગ પતી ગયા પછી પણ તે રાખીને ‘સખી’ કહીને જ બોલાવતો હતો. ફિલ્મના શરૂઆતના ગીત ‘કિતની ખૂબસૂરત યે તસ્વીર હૈ...’માં એનો ઉલ્લેખ પણ છે ઃ એ સખી દેખ તો નઝારા, એક અકેલા બેસહારા, કૌન હૈ વો હમ કહારા, મુઝસા કોઈ આશિક દિલગીર હૈ...
અમિતાભે પ્રકાશ મેહરાની ‘મુકદ્દર કા સિકંદર’ અને યશ ચોપડાની ‘કાલા પત્થર’માં અન્ડરડૉગની આવી ભૂમિકા કરી હતી. બન્ને ફિલ્મોમાં તે શૂન્યમાંથી શિખર પર પહોંચે છે અને પછી નૈતિકતાના નામે જાતનું બલિદાન આપી દે છે. સિકંદર અને સુધીરમાં જોકે એક મહત્ત્વનો ફરક હતો; ‘મુક્કદર કા સિકંદર’માં સિકંદર જીવ પર ખેલીને તેની અંદરના ભૂતને કાયમ માટે ખતમ કરી દે છે અને એમાં જ બીજા બધા જીવિત લોકોનું કલ્યાણ થાય છે. ‘બેમિસાલ’માં સુધીર છેલ્લે સુધી કોયડો રહે છે. જેલમાંથી બહાર આવીને સુધીર પ્રૅક્ટિસ તો કરી શકે એમ નથી, એટલે તે દોસ્ત પ્રશાંત અને એક સમયની તેની ‘સખી’ કવિતાના આશરે જાય છે. એ રીતે ‘બેમિસાલ’માં સુધીરની પીડાનું પૂર્ણવિરામ નથી આવતું. તે એક અલ્પવિરામ પર આવીને અટકે છે એટલું જ.
સુધીરની આ નિયતિ બીજા એક અત્યંત અર્થસભર અને કર્ણપ્રિય ગીતમાં વ્યક્ત થાય છે, જે ફિલ્મમાં રૂબી દત્તને ઉદ્દેશીને હતું:
તુને મુઝે જગાયા, સોને ના દૂંગા તુઝકો, 
હંસને ના દૂંગા તુઝકો, રોને ના દૂંગા તુઝકો
કોઈ પયામ દૂંગા, કોઈ પયામ લૂંગા, 
મેરે હસીન કાતિલ, મૈં તેરા નામ લૂંગા

અમિતાભ સાથે અલપઝલપ...



અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘બેમિસાલ’ની મારી ભૂમિકા ખાસ્સી અઘરી હતી. ડૉ. સુધીર રૉયના વ્યક્તિત્વમાં ઘણા રંગ હતા; તે એક વફાદાર દોસ્ત હતો, પ્રેમી હતો, દયાળુ ડૉક્ટર હતો, વેરવૃત્તિવાળો ભાઈ હતો, માનસિક રીતે અસ્વસ્થ દરદી હતો અને કહ્યાગરો દીકરો હતો. અમિતાભે અત્યંત કુનેહથી આ બધા રંગ પડદા પર ભર્યા હતા. અમિતાભ કહે છે, ‘મારા જીવનની ઘણી પડકારભરી ઘટનાઓમાં મેં ‘શાંત માણસના ઝંઝાવાતથી બચવું’ એવા સૂત્રનું અનુસરણ કર્યું છે. મને લાગે છે કે હૃષીદાએ પણ મારા પાત્ર માટે એવું જ વિચાર્યું હશે. એની પાછળનું કારણ કદાચ જોડિયા બંધુઓનું ભાવનાત્મક અને માનસિક તોફાન હતું, પણ જ્યારે એ ઝંઝાવાત ફાટી પડ્યો ત્યારે બધું સમતળ કરી નાખ્યું.’ -વિવિધ ઇન્ટરવ્યુમાંથી


જાણ્યું-અજાણ્યું...
અમિતાભ સાથે હૃષીકેશ મુખરજીની આ આઠમી અને છેલ્લી ફિલ્મ. 
ત્રણ વર્ષ પહેલાં જ ૧૯૭૯માં તેમણે અમિતાભ, રાખી અને વિનોદ મહેરાને લઈને ‘જુર્માના’ બનાવી હતી. ત્રણેયને તેમણે ‘બેમિસાલ’માં રિપીટ કર્યા હતા. 
દેવેશ ઘોષ નામના એક બંગાળી નિર્માતાએ ‘જુર્માના’ બનાવી હતી અને તેને એમાં એટલી મજા આવી હતી કે તેણે હૃષીદાને કહ્યું કે આ ત્રણ ઍક્ટરને લઈને બીજી એક ફિલ્મ બનાવો. 
હૃષીદાએ ‘જુર્માના’માં અમિતાભને તેની જાણીતી મારધાડવાળી ઇમેજથી હટીને પૈસાદાર બાપના બગડી ગયેલા દીકરા તરીકે રજૂ કર્યો હતો. એમાં અમિતાભના ચાહકો નારાજ થયા હતા. 
ત્રણ વર્ષ પછી ‘બેમિસાલ’માં હૃષીદાએ ચાહકોને ખુશ કરવા માટે રાખીની છેડતી કરતા એક લફંગાને ઢિશૂમ-ઢિશૂમ કરવાનું નાનકડું દૃશ્ય ઉમેર્યું હતું. એ દૃશ્ય જોઈને દર્શકોમાંથી કોઈકે બૂમ પાડીને કહ્યું હતું, ‘આ ડિરેક્ટરમાં કોઈક પ્રૉબ્લેમ લાગે છે, અમિતાભને સરખી રીતે ગુસ્સે પણ થવા દેતા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2021 12:56 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK