Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શ્રાદ્ધ આમ પણ ઊજવાય

શ્રાદ્ધ આમ પણ ઊજવાય

Published : 02 October, 2026 08:28 PM | IST | Mumbai
Darshini Vashi

શ્રાદ્ધના રીતરિવાજો તો એ જ છે, પણ એનું સ્વરૂપ સમય સાથે બદલાઈ રહ્યું છે. મૃત્યુ પામેલા પ્રિયજનોના આત્માની શાંતિ માટે પરિવારજનો એવું કંઈક કરવા ઇચ્છે છે જેથી પ્રિયજનને તેઓ દુખી થઈને નહીં પણ ખુશીથી યાદ કરી શકે.

શ્રાદ્ધ આમ પણ ઊજવાય

શ્રાદ્ધ આમ પણ ઊજવાય


શ્રાદ્ધના રીતરિવાજો તો એ જ છે, પણ એનું સ્વરૂપ સમય સાથે બદલાઈ રહ્યું છે. મૃત્યુ પામેલા પ્રિયજનોના આત્માની શાંતિ માટે પરિવારજનો એવું કંઈક કરવા ઇચ્છે છે જેથી પ્રિયજનને તેઓ દુખી થઈને નહીં પણ ખુશીથી યાદ કરી શકે. મૃત્યુ પામનારની પસંદગીની વસ્તુ, તેમની પસંદગીની વાનગી, તેમના જીવનના સિદ્ધાંતો મુજબનું કાર્ય અથવા જેવું તેઓ ઇચ્છતા હતા એવું કરીને પરિવારજનો તેમને પ્રેમ સાથે યાદ કરવા ઇચ્છે છે

શ્રાદ્ધ એટલે બ્રાહ્મણભોજ, પૂજાપાઠ, કાગવાસ, ગાયને ઘાસ અને કીડિયારું પૂરવાની જુદી-જુદી વિધિઓ. શ્રાદ્ધમાં પરિવારના જે સદસ્યો મૃત્યુ પામ્યા છે તેમની સદ્ગતિ અને શાંતિ માટે પરિવારજનો ભેગા મળીને પૂજા-પાઠ કરે છે. આ સદીઓથી ચાલ્યા આવતા રિવાજો છે એમ કહેવાય છે, પણ દરેક સમાજમાં સમય સાથે રીતરિવાજો અને પ્રથા પણ બદલાતાં રહે છે. યોગ્ય અને અયોગ્યના આપણા માપદંડ સમય અનુસાર બદલાતા રહે છે. નવા મૉડર્ન સમય મુજબ દરેક વસ્તુ પાછળ આપણે લૉજિક શોધવા લાગ્યા છીએ, આવું કેમ કરવાનું અને આનાથી શું થાય વગેરે પ્રશ્નો પૂછવા લાગ્યા છીએ. વ્યક્તિ મૃત્યુ પામે એ પછી રખાતો શોક અને એના નિયમો બદલાયા છે. જેમ કે મરનાર પોતે કહીને જાય છે કે મારી પ્રાર્થનાસભામાં મ્યુઝિક અને પાણીપૂરી કરજો. આજકાલ લોકો કોઈ મૃત્યુ પામ્યા એનો શોક મનાવવા કરતાં તેઓ કેટલું સારું જીવી ગયા એ વાતને સેલિબ્રેટ કરવા માગતા હોય છે. શ્રાદ્ધ એક જરૂરી વિધિ છે એની ના નહીં, પણ આજે દરેક વ્યક્તિ પોતાને જે ઠીક લાગે એ પ્રમાણે આ દિવસોમાં સારાં કર્મ કરવાની કોશિશ કરે છે. ઘણા લોકો એવા છે જેમના માટે વિધિ-વિધાન વધુ મહત્ત્વનાં છે તો ઘણા લોકોએ શ્રાદ્ધની વિધિઓ કરવાનું જ સાવ મૂકી દીધું છે. ઘણા બ્રાહ્મણભોજ કરે છે તો ઘણા ગરીબોને ખવડાવે છે. ઘણા સંસ્થાઓમાં દાન કરે છે તો ઘણા અનાથાશ્રમમાં. ઘણા એવા પણ છે જે જીવદયા પાળીને પ્રાણીઓની સેવા કરે છે તો ઘણા વૃદ્ધાશ્રમ જઈને વડીલોની સેવા કરીને સંતોષ પામે છે. આમ દરેક વ્યક્તિ પોતાની રીતે સારાં કામ કરવાની કોશિશ કરે છે. આમ શ્રાદ્ધનું સ્વરૂપ ચોક્કસ થોડું-થોડું અંગત સ્તર પર બદલાયું છે જેને થોડું નજીકથી જાણવાની કોશિશ કરીએ. 



કમ્યુનિટી વર્કર્સને ચા-નાસ્તો કરાવીએ છીએ : મૈથિલી ઓઝા, અંધેરી


અંધેરી-વેસ્ટની નવનીત સોસાયટીમાં રહેતાં મૈથિલી ઓઝા ૫૮ વર્ષનાં છે. થોડાં વર્ષો પહેલાં તેમની સોસાયટી રી-ડેવલપમેન્ટમાં ગઈ હતી ત્યારે એ બિલ્ડિંગને ઊભું કરવા માટે ત્યાં ૧૦૦-૧૨૫ મજૂરો કામ કરતા હતા. એ સમયને યાદ કરતાં મૈથિલીબહેન કહે છે, ‘એ સમયે મારાં સાસુ-સસરાનું શ્રાદ્ધ અમે કરતાં. એમાં વિધિ-વિધાન, કાગવાસ, બ્રાહ્મણને સીધું આપવું એ બધું આવી જતું. એ સમયે બિલ્ડિંગ બનતું જોઈને મારા પતિને એકદમથી વિચાર આવેલો કે આપણે બા-બાપુજીના શ્રાદ્ધ નિમિત્તે આ મજૂરોને નાસ્તો કરાવીએ. ૨૦૧૮માં પહેલી વાર અમે આવો કોઈ બદલાવ લાવેલા. એ પછી જાન્યુઆરી ૨૦૨૨માં મારા પતિ ગુજરી ગયા. શ્રાદ્ધનો નિયમ એ છે કે હવે મારાં સાસુ-સસરાનું શ્રાદ્ધ ન કરવાનું આવે. હવે મારે મારા પતિનું જ શ્રાદ્ધ કરવાનું હોય. મેં એ વિચાર્યું કે જે પદ્ધતિ તેમને ગમતી હતી એ જ પદ્ધતિએ હું તેમનું શ્રાદ્ધ કરું. એટલે છેલ્લાં ૩ વર્ષથી હું અમારી સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ્‍સ, ક્લીનિંગ સ્ટાફ કે બીજા જેટલા પણ કામ કરનારા છે એ બધા મળીને ૭૫-૮૦ વ્યક્તિને ચા-નાસ્તો કરાવું છું. શ્રાદ્ધના છેલ્લા દિવસે હું આ કરું છું.’
આ આખા વિચાર પાછળનું કારણ જણાવતાં મૈથિલીબહેન કહે છે, ‘મારા પતિ કહેતા કે કમ્યુનિટી વર્કર્સ આપણું કેટલું ધ્યાન રાખતા હોય છે. આ એ લોકો છે જે ઓછા વેતનમાં ગુજરાન ચલાવે છે. તેમના કામનો પૈસો ભલે તેમને ઓછો મળે, પણ તેમના કામની કિંમત ઘણી વધારે છે. આ લોકો સમાજનો અત્યંત જરૂરી ભાગ છે. તેઓ હંમેશાં હસીને બધાને મળતા. કમ્યુનિટી વર્કર્સને તેઓ માનથી બોલાવતા. મને લાગ્યું કે હું આ લોકોને નાસ્તો કરાવીશ તો તેમને પણ ખુશી થશે. તેઓ જ્યાં પણ હશે તેમને આનંદ થશે. હમણાં બે દિવસ પહેલાં જ સોસાયટીના મૅનેજર મને કહી રહ્યા હતા કે અમારું જોઈને સોસાયટીમાં ઘણા બીજા લોકો પણ પ્રભાવિત થયા છે અને આ વર્ષે તેમણે પણ આવું કરવાની ઇચ્છા દર્શાવી છે.’

બટુકોને ભોજન કરાવવાનો અને ગૌશાળામાં ઘાસ નીરવાનો  સંતોષ અપાર હોય છે : દિવ્યા મહેતા, ભાઈંદર


ભાઈંદરમાં રહેતાં દિવ્યા મહેતા કહે છે, ‘ગુજરાતમાં આવેલી શ્રીકૃષ્ણની નગરી દ્વારકાની બાજુમાં વડતરા નામનું ગામ આવેલું છે. ત્યાં એક ગુરુકુળ આવેલું છે જેનું નામ શ્રી વિશ્વનાથ વેદ પાઠશાળા છે. ત્યાં આશરે પચાસ બટુકો રહે છે અને તેમને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. અમને જ્યારથી આ વાતની ખબર પડી ત્યારથી અમે શ્રાદ્ધ દરમ્યાન અહીં પપ્પા અને સાસુની તિથિ આવે એ દિવસે બટુક ભોજન કરાવીએ છીએ. આ ઉપરાંત અહીં ગૌશાળા પણ છે એટલે અમે અહીં પણ ગાયોને ખવડાવીએ છીએ. અમારું દર વર્ષે આ કાર્ય ફિક્સ જ હોય છે. બટુકો ખુશ થાય છે અને તેમને જોઈને અમારી ખુશી બમણી થઈ જાય છે. પહેલાં અમે ઘરે જ શ્રાદ્ધની વિધિ કરીને ગરીબોને દાન કરતા હતા, પરંતુ જ્યારથી અમને આ ગુરુકુળ વિશે જાણ થઈ ત્યારથી અમને થયું કે આ બાળકોની આંતરડી ઠારવા કરતાં બીજું કોઈ મોટું પિતૃપક્ષમાં દાન હોય નહીં.’

સ્વૈચ્છિક સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને વસ્ત્ર અને અન્નદાન કરુંઃ મીતા સંઘવી, બોરીવલી

મારા પપ્પાને ગરીબ અને જરૂરતમંદ લોકોની સેવા કરવામાં ખૂબ આનંદ આવતો, હવે તેઓ હયાત નથી એટલે તેમની યાદમાં શ્રાદ્ધપક્ષમાં હું ગરીબોની મદદે જાઉં છું એમ જણાવીને બોરીવલીમાં રહેતાં મીતા સંઘવી કહે છે, ‘મારા પપ્પા અત્યારે હયાત નથી, પણ જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે ગરીબો અને નિઃસહાય લોકોની ખૂબ સેવા કરી હતી. ૮૨ વર્ષની ઉંમરે તેઓ કોરોના દરમ્યાન પણ મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાં જઈને લોકોની સેવા કરતા હતા. તેમની છેલ્લી ઇચ્છા ઘરના લોકોની પાસે જે એક્સ્ટ્રા કપડાં, જ્વેલરી અને અન્ય વસ્તુઓ છે એ જરૂરતમંદ લોકો સુધી પહોંચતી કરવાની હતી, પરંતુ આ કાર્ય પાર પડે એ પહેલાં જ તેમનું નિધન થઈ ગયું હતું. આ ઉપરાંત મારા પપ્પાને પહેલેથી થતી આવતી શ્રાદ્ધની પરંપરાગત વિધિને લઈને અનેક પ્રશ્નો હતા. તેઓ હંમેશાં કહેતા કે કાગડા અને પિતૃ વચ્ચેનો સબંધ મને ક્યારેય સમજમાં આવ્યો નથી. પિતૃ ત્યારે જ સંતુષ્ટ થાય જ્યારે આપણા દ્વારા કોઈ ગરીબની આંતરડી ઠરે અને કોઈનાં આંસુ આપણે લૂછી શકીએ. બસ, આ જ વિચારધારાની સાથે હું દર વર્ષે પિતૃપક્ષ દરમ્યાન તેમની તિથિ આવે ત્યારે પોઇસરમાં આવેલા એક NGOમાં જાઉં છું જે એવી મહિલાઓને છત આપે છે જેમનું ધ્યાન રાખનારું કોઈ નથી. ત્યાં જઈને હું કરિયાણું, કપડાં વગેરે આપું છું. એને જોઈને ત્યાં રહેતી બહેનો રાજી-રાજી થઈ જાય છે. શ્રાદ્ધ પછી તહેવારો આવતા હોય છે એટલે અહીં રહેતી મહિલાઓને પહેરવા માટે કામ લાગે એવાં કપડાં અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પણ આપું છું.’

આખો પરિવાર મળીને પત્તાં રમીએ, કારણ કે સ્વર્ગીય વડીલોને પણ એમ કરવું ગમતું : સુષમા શાહ, બાંદરા

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં રહેતાં ૬૮ વર્ષનાં સુષમા બંકિમ શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનાં જેઠ-જેઠાણીનું શ્રાદ્ધ કરવાનું છે. આ વિશે વાત કરતાં સુષમાબહેન કહે છે, હું માનું છું કે શ્રદ્ધયા ઇદમ શ્રાદ્ધમ એટલે કે શ્રદ્ધાથી કરીએ એને શ્રાદ્ધ કહેવાય. અમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું શ્રાદ્ધ બધા સભ્યો ભેગા મળીને કરીએ છીએ. મારાં સાસુ-સસરા કેસરબહેન અને વરજીવનદાસનું શ્રાદ્ધ પણ અમે આ રીતે જ કરતાં. અમારા પરિવારમાં પારાવાર પ્રેમ છે. કોઈ પણ પ્રસંગમાં બધા મળીએ એટલે આનંદ જ આનંદ. શ્રાદ્ધના દિવસે પણ આખો દિવસ બધા સાથે રહીએ, કાગવાસ નાખીને જમીએ અને જે વ્યક્તિઓ અમને છોડીને અનંતની યાત્રાએ ગઈ છે તેમને ખૂબ જ પ્રેમથી યાદ કરીએ. નવી પેઢીમાં સંસ્કાર તો ભરપૂર છે એટલે રીતરિવાજોનું પાલન કરવામાં તે ચૂકતી નથી, પણ જૂના રિવાજોની સાથે-સાથે તેઓ પોતાના ભાવને જોડીને કોઈ પણ કામ કરવા માગતી હોય છે જે અમે વડીલો સહર્ષ સ્વીકારીએ છીએ.’ આ વર્ષે સુષમાબહેનનાં જેઠ હેમંતભાઈ અને જેઠાણી સુનંદાબહેનના શ્રાદ્ધ માટે તેમના બન્ને દીકરા જિગર અને અર્ચિત શાહે મળીને નક્કી કર્યું કે બધાને ભેગા કરીએ. એ વિશે અર્ચિત કહે છે, ‘મમ્મી-પપ્પા બન્ને શોખીન હતાં. ઘરે બધા આવે એ તેમને ખૂબ ગમે. આ વર્ષે વળી રજાઓ આવી ગઈ એટલે બધાને ફાવે એમ છે એટલે આખું કુટુંબ ઘરે આવશે અને જમશે. પછી અમે બધા ફિલ્મ જોઈશું અને રાત્રે પત્તાં રમીશું. જો કદાચ ફિલ્મ ન જોઈ શકાય તો પણ પત્તાં રમવાનું નક્કી જ છે.’
પોતાની મનની વાત કરતાં જિગર શાહ કહે છે, ‘મમ્મી-પપ્પાને પણ આવા મેળાવડા ખૂબ ગમતા. પત્તાં રમવા અને ફિલ્મો જોવી પણ તેમને ખૂબ ગમતી. એ બહાને તેમને ખુશીથી યાદ કરીશું. પૂજાપાઠ અને રિવાજો મુજબ દાન-ધર્મ અમે પપ્પા અને દાદાનું જોઈને શીખ્યા છીએ. અમે દર વર્ષે આ જ રીતે શ્રાદ્ધ કરીશું એવું તો ન કહી શકાય, પણ આ વર્ષે અમારી ઇચ્છા આ રીતે મમ્મી-પપ્પાને ખુશીથી યાદ કરવાની છે કારણ કે પરિવારની ખુશી તેમના માટે સર્વોપરી હતી.’

ગામમાં ૧૫૦ કન્યાઓને ભોજન કરાવીને જરૂરી મદદ કરીએ : જતીન દેઢિયા, કાંદિવલી

સ્વતંત્ર રીતે તો ઘણા લોકો શ્રાદ્ધ પક્ષ દરમ્યાન પરંપરાગત કરતાં કંઈક નોખી રીતે પિતૃતર્પણ કરતા હશે, પરંતુ અમુક ચૅરિટેબલ ટ્રસ્ટ અને ફાઉન્ડેશન પણ છે જેઓ આવાં સત્કાર્યોમાં જોડાઈ રહ્યાં છે. કાંદિવલીમાં રહેતા જતીન દેઢિયા કહે છે, ‘મારું પોતાનું ચૅરિટેબલ ફાઉન્ડેશન ચાલે છે. એનું નામ નેક્સોમ ચૅરિટેબલ ફાઉન્ડેશન છે. એ મારા ઘરના સભ્યોએ સાથે મળીને જ બનાવ્યું છે જે જરૂરતમંદ લોકો સુધી મદદ પહોંચાડે છે. અમે કોઈ પાસેથી ફન્ડ ઉઘરાવતા નથી. અમે જ અમારા ગાંઠના પૈસા કાઢીને બને એટલા લોકોને મદદ કરવાની કોશિશ કરીએ છીએ. ૩ દિવસ પહેલાં જ અમે કચ્છમાં આવેલા પત્રી ગામની કન્યાશાળામાં શ્રાદ્ધ નિમિત્તે ૧૫૦ જેટલી નાની છોકરીઓને ભોજન કરાવ્યું હતું. આ કાર્ય બાદ અમને સુખદ સંતોષનો અનુભવ થયો હતો. આવતા અઠવાડિયામાં પણ અમે આવું કોઈ સત્કાર્ય કરવાનું આયોજન કરી રહ્યા છીએ. આ તો શ્રાદ્ધ પક્ષની વાત થઈ. અમે સામાન્ય દિવસોમાં પણ ચાન્સ મળે અને અમારી સમક્ષ કોઈ એવા કેસ લઈને આવે તો અમે તેને પણ મદદ કરીએ છીએ.’

જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કિટ આપીને મદદ કરીએ : છાયા વાણી

પિતૃઓની સ્મૃતિમાં કરવામાં આવતું દાન કોઈ જરૂરિયાતમંદ પરિવારના રસોડામાં અનાજ બનીને પહોંચે તો સેવા વધુ અર્થસભર બની જાય છે. મુંબઈની ઇનર વ્હીલ ક્લબ ઑફ બોરીવલી સંસ્થા દ્વારા પિતૃપક્ષ દરમ્યાન આવી જ એક સેવાભાવી પહેલ કરવામાં આવે છે. આ વિશે કલબ હેઠળ શરૂ કરવામાં આવેલા પિતૃપક્ષ ગ્રોસરી ડોનેશન ડ્રાઇવનું નેતૃત્વ કરનારાં છાયા વાણી કહે છે, ‘ક્લબ દ્વારા જરૂરિયાતમંદ સ્કૂલનાં બાળકોના પરિવારોને કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવે છે. પિતૃઓને યાદ કરવાની સાથે એવા પરિવારોની પણ કાળજી લેવામાં આવે છે જેમના માટે રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી પડકારરૂપ હોય છે. દર વર્ષે યોજાતી આ પિતૃપક્ષ ગ્રોસરી ડોનેશન ડ્રાઇવ અંતર્ગત આ વર્ષે પણ કરિયાણાની એક કિટની કિંમત ૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે. ક્લબના સભ્યોને પોતાની ક્ષમતા મુજબ એક કે વધુ કિટ સ્પૉન્સર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સભ્યો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ કરિયાણાની કિટ માટેનું દાન થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટને પાર પાડવામાં કલબનાં સભ્ય હિના સાંગાણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ સમગ્ર સેવાકાર્યને આગળ વધારવામાં ઇનર વ્હીલ ક્લબ ઑફ બોરીવલીનાં પ્રેસિડન્ટ જેનિષા સંપટ અને સેક્રેટરી મોનાલી વોરાનું પણ માર્ગદર્શન અને સહયોગ મળી રહ્યાં છે. પિતૃઓની સ્મૃતિમાં કરવામાં આવેલી આ સેવા એક વ્યક્તિ સુધી સીમિત ન રહેતાં આખા પરિવાર માટે ઉપયોગી બને છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 08:28 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK