Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે શિવાજી પાર્કમાં CJPનું જેલભરો આંદોલન

આજે શિવાજી પાર્કમાં CJPનું જેલભરો આંદોલન

Published : 02 October, 2026 09:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિજિત દીપકેએ સમર્થકોને મહાત્મા ગાંધીના ફોટોવાળું ટી-શર્ટ અને હાથમાં તિરંગો લઈને આવવા માટે કહ્યું છે

ગઈ કાલે અભિજિત દીપકે અને આશુતોષ રાંકા બાંદરાના બૅન્ડ-સ્ટૅન્ડ પર.

ગઈ કાલે અભિજિત દીપકે અને આશુતોષ રાંકા બાંદરાના બૅન્ડ-સ્ટૅન્ડ પર.


ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)ના ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે ગાંધી જયંતીના દિવસે મુંબઈમાં વિરોધ-પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષના સ્થાપક અભિજિત દીપકે આ આંદોલનનું નેતૃત્વ કરશે. જોકે મુંબઈ પોલીસે આ 
વિરોધ-પ્રદર્શન માટે મંજૂરી આપવાનો ઇનકાર કરતાં વિવાદ વકર્યો છે. અભિજિત દીપકેએ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ પ્રદર્શન શિવાજી પાર્કના ગેટ-નંબર ૬ પાસે સાંજે ૪ વાગ્યે યોજવામાં આવશે. જોકે શિવાજી પાર્કમાં આંદોલન બાબતે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે.
જો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શિવાજી પાર્કમાં રાજકીય રૅલીનું આયોજન કરી શકે તો અમે કેમ નહીં એવો સવાલ અભિજિત દીપકેએ કર્યો હતો. પોલીસ-પરવાનગી ન હોવા છતાં આંદોલન માટે CJPએ તૈયારી બતાવી હોવાથી દેવેન્દ્ર ફડણવીસે ચીમકી આપી હતી કે જો કાયદાનું ઉલ્લંઘન થશે તો આંદોલકોએ જેલમાં જવું પડશે અને જાહેર રજાઓને પગલે ૩ દિવસ સુધી જેલમાંથી બહાર આવી નહીં શકાય. આ વાતનો ઉલ્લેખ કરીને અભિજિતે કહ્યું હતું કે ‘૩ દિવસ નહીં, ૩ મહિના પણ જેલમાં રહેવું પડશે તો પણ આંદોલન તો કરીશું જ.’ 
ચૂંટણીપંચની અંદર આંતરિક મતભેદો હોવાના અહેવાલો બાદ વિપક્ષ દ્વારા CECના રાજીનામાની માગણી તેજ બની છે, જેની વચ્ચે CJPએ આ વિરોધ-પ્રદર્શનનું એલાન કર્યું છે. પક્ષનો આક્ષેપ છે કે જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણીપંચ દેશના હિતમાં કામ કરી રહ્યું નથી. આ ઉપરાંત નવા ચૂંટણી-કમિશનરની નિમણૂક પારદર્શક હોય એવી પણ માગણી કરવામાં 
આવી છે. 

આંદોલકોને શું તૈયારી કરવી એ પણ અભિજિતે સૂચવ્યું
અભિજિત દીપકેએ સમર્થકોને મહાત્મા ગાંધીના ફોટોવાળું ટી-શર્ટ અને હાથમાં તિરંગો લઈને આવવા માટે કહ્યું છે. સનસ્ક્રીન લગાવીને આવવાની સલાહ પણ આપી છે.



દેશવ્યાપી આંદોલનની તૈયારી
CJP દ્વારા મુંબઈ ઉપરાંત બૅન્ગલોર, ગોવા, કલકત્તા, પટના અને રાંચીમાં પણ આવાં પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. ઑક્ટોબરના અંત સુધીમાં આ વિરોધ-આંદોલન રાષ્ટ્રીય સ્તર પર વિસ્તારી દેવાની તૈયારી CJPએ બતાવી છે.


CJPના વિરોધ-પ્રદર્શનને પગલે દાદર સ્ટેશન પર સુરક્ષામાં વધારો
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે શિવાજી પાર્ક ખાતે યોજાનારા વિરોધ-પ્રદર્શનને પગલે રેલવે-પ્રશાસને તકેદારીના ભાગરૂપે ગુરુવારે દાદર સ્ટેશન પર સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવી દીધી છે. રેલવે દ્વારા સ્ટેશન-પરિસરમાં વધારાના કમર્શિયલ સ્ટાફ અને સુરક્ષા-કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
દાદર સ્ટેશન વેસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવે બન્ને નેટવર્કનું મુખ્ય જંક્શન હોવાની સાથે શિવાજી પાર્કની સૌથી નજીકનું મુખ્ય સ્ટેશન પણ છે. આંદોલનને ધ્યાનમાં રાખીને સુરક્ષાવ્યવસ્થા ‌વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો સહિત આશરે ૪૦ વધારાના કર્મચારીઓને દાદર સ્ટેશને ફરજ પર મૂકવામાં આવ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય અને પ્રવાસીઓની અવરજવર સરળ રહે.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK