ઐતિહાસિક પાત્રોને લઈને ટીવી-સિરિયલની હવે જરૂરિયાત ઊભી થઈ ગઈ છે એવું લાગે છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર
ઐતિહાસિક પાત્રોને લઈને ટીવી-સિરિયલની હવે જરૂરિયાત ઊભી થઈ ગઈ છે એવું લાગે છે. એક પણ ચૅનલ એવી નહીં હોય જેના પર આવાં પાત્રોનાં જીવન પર આધારિત સિરિયલ દેખાડવામાં ન આવતી હોય, પણ અહીં તમારે અટકવાનું છે અને વિચારવાનું છે કે જે ઐતિહાસિક પાત્રો દર્શાવવામાં આવે છે એ મુજબનાં જ એ પાત્રો છે કે પછી માત્ર બેચાર લાઇનને કેન્દ્રમાં રાખીને પાંચસો-હજાર એપિસોડનું સાહિત્ય ઊભું કરી લેવામાં આવે છે? વાસ્તવિકતાને ધ્યાનમાં રાખવામાં આવે છે કે પછી કપોળકલ્પિત વાર્તાને આશરો બનાવીને જીવવામાં આવે છે? હકીકતના બંધનમાં રહેવામાં આવે છે કે પછી સપનાંઓની સૃષ્ટિ ઊભી કરવામાં આવે છે?
જવાબ છે હા, એવું જ કરવામાં આવે છે. સપનાંઓની સૃષ્ટિ અને કપોળકલ્પિત વાર્તાઓના આધારે જ બધું ચાલી રહ્યું છે. ક્યાંય કોઈ જાતનું બંધન નથી અને ક્યાંય કોઈની બીક નથી. ક્યાંય કોઈને જવાબ નથી આપવાનો અને ક્યાંય કોઈ માનહાનિનો દાવો પણ નથી થવાનો એટલે જેણે જે દેખાડવું છે એ દેખાડે છે અને મનમાં આવે એ રીતે ફેંકંફેંક શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે પણ ઇતિહાસ સાથે ચેડાં થયાં છે ત્યારે જગતમાં ક્રાન્તિ આવી છે. જ્યારે પણ ઇતિહાસની ગંભીરતા તોડવામાં આવી છે ત્યારે ઇતિહાસે ગંભીર પરિણામ દર્શાવ્યાં છે. અત્યારે આપણી ટીવી-ઇન્ડસ્ટ્રી આ જ કામ કરી રહી છે અને આપણી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં આ જ બની રહ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્યના નામે કંઈ પણ ચાલે અને કર્ણ તથા તેની પ્રેયસી સંગિનીના નામે કંઈ પણ દેખાડવામાં આવે છે.
ADVERTISEMENT
મહાભારતના નામે પણ ગમે એ પીરસવામાં આવે અને રામાયણના નામે કંઈ પણ મૂકી દેવામાં આવે છે. રામાયણના એકેક પાત્રને છૂટાં પાડીને એના પર સિરિયલ બનવા માંડી છે. એ પાત્રોના નજીકના પરિચય માટે આ સારી વાત છે એની ના નહીં, પણ એ પણ એટલું જ સાચું છે કે જો તમે ઇચ્છતા હો કે તમને આ પાત્રોનો પરિચય સાચી રીતે મળે તો એને સાચી રીતે રજૂ કરો. ચાણક્ય જેવા મહાન વ્યક્તિત્વ પર અમે કામ કર્યું છે, જેમાં વાર્તાનો રસ ઉમેરવાની હિંમત એક ટકાભાર પણ કરવામાં નથી આવી કે ન તો અમે એના વિશે ક્યારેય વિચાર્યું સુધ્ધાં હોય. સરદાર પટેલ કે ગાંધી પણ એવાં જ પાત્રો છે જેમાં તમે કલ્પનાને ન ઉમેરી શકો. નેહરુમાં પણ કલ્પનાઓ ન ચાલે અને બોઝમાં પણ ન ચાલે, પણ જો એ પાત્રોમાં કલ્પના ન ચાલે તો પછી જેમને લીધે ઇતિહાસ આટલો રોચક બન્યો છે એ મહાન ઐતિહાસિક પાત્રોમાં કલ્પના કેવી રીતે ચાલી શકે?
સાંભળવા મળ્યું છે કે હવે તો લક્ષ્મણ પર પણ સિરિયલ બનવાની છે અને લક્ષ્મણનાં ધર્મપત્ની ઊર્મિલા પર પણ સિરિયલ બનવાની છે. વાત સારી છે, જરા પણ ખોટું નથી, પણ એ સિરિયલ જો કાલ્પનિક કથા પર આધારિત બની જવાની હોય તો એનો કોઈ અર્થ નથી. જ્યારે પણ કલ્પનાઓ ઇતિહાસમાં ઉમેરાય છે ત્યારે તથ્ય બદલાઈને તર્ક બન્યા છે અને તર્ક હોય ત્યાં શ્રદ્ધાને અવકાશ નથી હોતો.