Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > > > ‘મિડ-ડે’ પહોંચ્યું સરાક ક્ષેત્રમાં

‘મિડ-ડે’ પહોંચ્યું સરાક ક્ષેત્રમાં

17 September, 2023 03:00 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તીર્થંકરોનો વંશ ગણાતા ને જૈનત્વનો અંશ ધરાવતા પ્રાચીન જૈન ઉર્ફે ‘સરાક’ વિશે સાંભળ્યું છે?

સરાક રેલી સ્પેશ્યલ સ્ટોરી

સરાક રેલી


પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા જેવાં રાજ્યોમાં ફેલાયેલી સરાક જ્ઞાતિ એ પ્રાચીન જૈનો જ છે અને ‘સરાક’ શબ્દ શ્રાવક શબ્દ પરથી જ આવ્યો છે એવું માનવાનાં સેંકડો કારણો છે. પ્લસ તેમનાં ગોત્ર છે આદિદેવ, ધર્મદેવ, શાંતિદેવ, ઋષભદેવ, ગૌતમદેવ, પારસદેવ, જે જૈન તીર્થંકરોનાં નામ છે. એ નાતે તેઓ તીર્થંકર ભગવાનના જ વંશજ હોય એવી સંભાવના પૂરેપૂરી છે. તેઓ ફરી જૈનત્વની ધારા સાથે જોડાય એવા પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. છેલ્લાં ૧૪ વર્ષથી અહીં પર્યુષણની આરાધના કરાવાય છે. આ વર્ષે પશ્ચિમ બંગાળ અને ઝારખંડનાં લગભગ ૮૦ જેટલાં ગામોમાં પર્યુષણની આરાધના કરાવવામાં આવી જેનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ લેવા ‘મિડ-ડે’ પણ ત્યાં પહોંચ્યું. ત્યાં અમે શું જોયું, જાણ્યું અને અનુભવ્યું એ વાતોનો રસથાળ અહીં પ્રસ્તુત છે 

જીનશાસન કા લેકે નામ,


અપને ઇતિહાસ કો ઢૂંઢેગા,


યે સરાક કા બચ્ચા બચ્ચા,

જય જય શ્રી પારસ બોલેગા


જાણીતા ગીતકાર અંકિત શાહે લખેલા આ ગીતના શબ્દો યથાર્થ પુરવાર થતા હોય એમ સરાક ક્ષેત્રનાં ગામોમાં ફરતી વખતે ત્યાં બાળકોના મોઢે નવકારની અને પારસનાથની ધુનની ગુંજ અમે સાંભળી છે. સરાક એટલે જૈન. તીર્થંકરોના તેઓ વંશજ કહી શકાય અથવા તો પ્રાચીન જૈન છે એવું કહેવામાં પણ વાંધો નથી. એને લગતા ઐતિહાસિક અને પારંપારિક એવિડન્સના ઉપ્લબ્ધ છે. સમયની ગર્તામાં જૈનોની મૂળ ધારાથી છૂટો પડેલો એક સમાજ મળી આવ્યો છે. અમને થયું આ ક્ષેત્રમાં જઈને એનો આંખેદેખ્યો હાલ વાચકો સાથે શૅર કરવો જોઈએ. રાજ પરિવાર નામની એક જૈન સંસ્થા છેલ્લાં ૧૪ વર્ષથી આ ક્ષેત્રમાં પર્યુષણની આરાધના કરાવે છે એટલે તેમનો સંપર્ક સાધીને આ સ્થાનની મુલાકાતનો પ્રસ્તાવ અમે મૂક્યો અને તેમણે સહર્ષ વધાવી લીધો. ગણતરીના સમયમાં અમારી સવારી પશ્ચિમ બંગાળ પહોંચી ગઈ અને અહીં એટલે કે પ્રાચીન જૈનો જ્યાં રહે છે એ સ્થાન, તેમની સ્થિતિ અને જૈનત્વ પ્રત્યે તેમનો ઊઘડી રહેલો અનુરાગ જેવી સેંકડો બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું, પેટ ભરીને વાતો કરી એ બધું જ આપની સમક્ષ પ્રસ્તુત છે. જોકે અમારા અનુભવોનો પટારો ખોલીએ એ પહેલાં થોડાક ઇતિહાસનાં પૃષ્ઠો ઊથલાવીએ જેથી આ આખી બાબતને સમજવામાં આસાની રહે.

ઇતિહાસ શું છે?

૨૦૧૧ના સેન્સસ રિપોર્ટ પ્રમાણે ભારતની લગભગ સવાસો અબજની આબાદીમાં ૦.૭૨ ટકા વસ્તી જૈનોની છે. એક ટકો પણ પૂરો નહીં. કેટલાક એવા સંદર્ભો મળે છે જે અનુસાર ૨૬૦૦ વર્ષ પહેલાં થયેલા ભગવાન મહાવીરના નિર્વાણનાં ત્રણસો વર્ષ પછી થયેલા સંપ્રતિ મહારાજના સમયમાં જૈનોની વસ્તી ચાલીસ કરોડ હતી જે આજે ૪૪,૫૧,૭૫૩ છે. બે હજાર વર્ષમાં એવું તે શું થયું કે ચાલીસ કરોડનો આંકડો સીધો ચાલીસ લાખ પર પહોંચી ગયો? હવે બીજા મુદ્દા પર પણ ધ્યાન આપીએ કે સમેતશિખરજી, પાવાપુરી, ક્ષત્રિયકુંડ આ બધા વિસ્તારોમાં જ જૈનોની ૧૨૦ કલ્યાણકભૂમિમાંથી ૧૧૬ કલ્યાણક ભૂમિ આવેલી છે. કલ્યાણકભૂમિ એટલે એવી જગ્યાઓ જ્યાં તીર્થંકર પરમાત્માનો જન્મ, નિર્વાણ, દીક્ષા, કેવળજ્ઞાન વગેરે થયાં હોય. જૈનોનાં કુલ ૨૪ તીર્થંકરોમાંથી ૨૩ તીર્થંકરોનું મોક્ષગમન પણ આ જ ક્ષેત્રમાંથી થયું હોવાનું કહેવાય છે. જરા વિચાર કરો કે આટલાં બધા જૈન તીર્થંકરોનો યોગ સતત જે ક્ષેત્રમાં સતત રહ્યો હોય ત્યાં જૈનોની વસ્તી કેમ નથી? આજથી લગભગ એંસી વર્ષ પહેલાં શાસનપ્રેમી ઉપાધ્યાય મંગલવિજયજી અને તેમના પ્રભાવશાળી શિષ્ય મુનિરાજ પ્રભાકરવિજયજી મહારાજને આ પ્રશ્ન થયો અને તેમણે સમેતશિખરજીની યાત્રા પછી એ વિસ્તારનાં ગામોમાં જઈને ખોજ શરૂ કરી. આ વિશે આ બન્ને મહાત્મા સરાક ક્ષેત્રના જે સ્થાન પર સર્વાધિક રહ્યા છે અને ત્યાં બે શાળાઓ બનાવી છે એવા ઝારખંડના કુમારડી ગામના વતની રણજિત સરાક કહે છે કે ‘ધનબાગ જિલ્લા અંતર્ગત પડતા અમારા ગામમાં પૂજ્ય મંગલવિજયજી આવ્યા ત્યારે તેઓ એવા લોકોની શોધમાં હતા જેઓ શાકાહારી હોય. તેમને સમેતશિખરજી નજીકનાં અમુક ગામોમાંથી કહેવામાં આવ્યું હતું કે કુમારડી ગામમાં આવા લોકોનો સમૂહ રહે છે. અમે શાકાહારી હતા. રાત્રિભોજન અમારે ત્યાં નહોતું થતું. જમીનની અંદર ઊગતી વસ્તુ નહોતી ખવાતી. દિવાળીમાં પાવાપુરી જવાની પરંપરા હતી. સમેતશિખરમાં પારસનાથ ભગવાન અમારા માટે પૂજનીય હતા. મહાત્મા દ્વારા જ્યારે અમારા ગોત્ર વિશે પૂછવામાં આવ્યું તો અમારું ગોત્ર આદિદેવ, ધર્મદેવ, ગૌતમદેવ વગેરે હતાં. અમને ખબર નહોતી કે અમે જૈન છીએ, પરંતુ સાહેબજી આવ્યા ત્યારે તેમણે અમારી જીવનપદ્ધતિ અને જૈન પરંપરા વચ્ચેની સામ્યતા કેટલી છે એ વાત સમજાવી. અમને વાત ગળે ઊતરી ગઈ. એ પછી પૂજ્ય પ્રભાકર વિજયજી ચાલીસ વર્ષ અહીં જ રહ્યા. અહીં રહીને આજુબાજુનાં ગામોમાં પણ તેમણે વિચરણ કર્યું.’

અમે પણ કુમારડી ગામમાં વિઝિટ કરી અને આજે પણ ૫૫ વર્ષ જૂની પૂજ્ય પ્રભાકર વિજયજીમહારાજે બનાવેલી સ્કૂલ અડીખમ છે અને ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અહીં ભણી રહ્યા છે. સ્કૂલના પ્રિન્સિપાલ વિનયકુમાર પણ સરાક જ્ઞાતિના છે. તેમના દાદાજી પણ આ સ્કૂલમાં જ શિક્ષક હતા. તેઓ કહે છે કે ગુરુજી કે આને સે ગાંવ કા ઉદ્ધાર હો ગયા.

જે અહીં વિકસિત થયેલી સરાક જ્ઞાતિનાં પાકાં મકાનોને જોતાં સાચું પણ લાગે છે. જૈન ધર્મનો પાયો સરાક ક્ષેત્રમાં નાખવાનો શ્રેય આ બન્ને મહાત્માઓને જાય. જોકે એ પછી પણ મોહનલાલ સમુદાયના સુયશ મુનિ, ગચ્છાધિપતિ મુક્તિપ્રભ વિજયજી મહારાજસાહેબ, મહાવીર કલ્યાણ ટ્રસ્ટ, રિદ્ધિસિદ્ધી પરિવાર, પૂર્વ ભારત મંદિર નિર્માણ ટ્રસ્ટ, મુનિ મોહન ફાઉન્ડેશન સરાક જ્ઞાતિના પહેલા આચાર્ય શ્રી ચંદ્રશેખરસાગર સૂરિમહારાજ જેવા મહાત્માઓ અને સંસ્થાઓએ પોતાના સ્તરે આ વિસ્તારમાં જૈન ધર્મનું પ્રવર્તનનું કાર્ય ચાલુ રાખ્યું.

પર્યુષણનો પ્રારંભ

દરેક જણ પોતપોતાની રીતે નાના પાયે કાર્ય કરી રહ્યા હતા. આ એવો સમયગાળો હતો જ્યારે અહીં નક્સલવાદીઓનો પ્રભાવ વિશેષ હતો. લોકો એ ડરથી પણ અહીં આવવાનું ટાળતા. એ દરમ્યાન રાજ પરિવારની આ કાર્યમાં એન્ટ્રી થઈ. રાજ પરિવાર એટલે કલિકુંડ તીર્થના ઉદ્ધારક આચાર્યશ્રી રાજેન્દ્ર સૂરિશ્વરજી મહારાજસાહેબની સાથે જોડાયેલા લોકોનું ગ્રુપ. શિખરજીમાં છરિપાલિત સંઘ અને ત્યાં ચાતુર્માસો કરનારા આચાર્યશ્રી રાજપરમ સૂરિમહારાજ કહે છે કે ‘આમ તો ૧૯૯૯થી સરાક ક્ષેત્ર વિશે માહિતી હતી અને આ ક્ષેત્રમાં કામ કરીને ત્યાંના લોકોને જાગૃત કરીને મુખ્ય પ્રવાહ સાથે વાળવાનો વિચાર ગુરુદેવનો જ હતો. એ દિશામાં કાર્ય પણ આરંભ કર્યું હતું, પણ એ સમયે કેટલાંક કારણોસર કામને વેગ નહોતો આપી શકાયો. જોકે ૨૦૦૯માં ફરી એકવાર શિખરજીના ચાતુર્માસ વખતે ઍક્ટિવલી સરાક ઉત્કર્ષ કાર્યનો આરંભ કર્યો. સૌથી પહેલાં અમે લગભગ ૧૧૦ જેટલાં ગામોમાં સર્વે કરાવ્યો હતો. ત્યાંના ઘણા લોકોએ ખૂબ આવકાર આપ્યો તો કેટલાક લોકો એવા પણ હતા જેમણે અમારો વિરોધ પણ કર્યો. જોકે પછી ઉદ્દેશ્યને સમજીને સૌ એક થઈ ગયા.’

આ સર્વે દરમ્યાન રાજ પરિવારના એક કાર્યકર્તાને નક્સલવાદી ઉપાડી પણ ગયા હતા. કેટલાંક ગામોમાં પથ્થરો પણ ખાધા છે. જોકે ૨૦૦૯થી તેમણે આ વિસ્તારમાં પર્યુષણ કરાવવાની શરૂઆત કરી દીધેલી. આ વર્ષે પણ રાજ પરિવાર દ્વારા બાવન ગામોમાં પર્યુષણની આરાધના કરાવવામાં આવી છે, જેમાં ભારતભરથી ૨૦૦થી વધારે જૈન ભાઈ-બહેનોએ સ્વેચ્છાએ ભાગ લીધો છે. પર્યુષણ ઉપરાંત દેરાસર-ઉપાશ્રય નિર્માણ, પાઠશાળા અને સંસ્કરણનું કાર્ય પણ કરી રહ્યા છે. આ પહેલાં અહીં આવેલા મહાત્માઓએ પણ દેરાસર અને ઉપાશ્રય અહીં બનાવ્યાં છે. અત્યારે સરાક ક્ષેત્રમાં લગભગ ૨૭ દેરાસરો છે અને ૬૫થી વધુ પાઠશાળાઓ છે. પૂજ્ય રાજપરમસૂરિજી કહે છે કે ‘પહેલી વાર ગામોમાં વિચરણ શરૂ કર્યું ત્યારની સ્થિતિ અને આજની સ્થિતિમાં જમીન આસમાનનો ફેર છે. એ સમયે અમે છ સાધુ અને ગામોમાં રહેવા માટે સ્થાન નહીં, લોકોને ગોચરીની સમજ નહીં છતાં લોકોની ભાવુકતા પુષ્કળ હતી. અમે ચાતુર્માસ શિખરજી કર્યું અને પછીના ગાળામાં લગભગ સો જેટલાં ગામોના લોકોની શિખરજીમાં જ એક પછી એક પાંચ દિવસની શિબિર યોજીને તેમને શિખરજીની યાત્રા કરાવીને તેમનામાં ધર્મનાં બીજ રોપ્યાં. રાજેન્દ્ર સંસ્કાર ધામ નામના ગુરુકુળમાં ૩૧ બાળકો અભ્યાસ કરે છે. ચાર વર્ષ સુધી ત્યાં રહીને આ જ રીતે મજબૂતી સાથે કામ કર્યું છે એ પછી કેટલાંક અવગણી ન શકાય એવાં કારણોસર ત્યાંથી પ્રસ્થાન કરીને ફરી ગુજરાત તરફ થોડાક સમય પૂરતું આવવું પડ્યું. ખેતરનું ખેડાણ કર્યું અને લોકોના હૃદય સુધી પહોંચી શક્યા એનો સંતોષ છે. ત્યાંના લોકો નિર્મળ હૃદયના અને ભાવુક છે. તેમની કોમળતા, સરળતા અને મીઠી વાણી સ્પર્ષી જાય એવી છે. આપણા રસ્તો ભૂલેલા સાધર્મિકોને આ કાર્યમાં જોડવાના કાર્યમાં પડકારો ઘણા છે. આજના સમયમાં લોકો ધર્મપરિવર્તન કરાવવા માટે કરોડો રૂપિયા ખર્ચીને મિશન ચલાવે છે, જ્યારે જૈનોને જૈનત્વને સ્થિર કરવા માટે ફન્ડનો અભાવ હોય એ દયનીય બાબત છે. અહીં લાખો લોકો છે જેમની માટે આપણે કામ કરવાનું છે. એકબીજાના સહયોગથી અને એકત્વથી થશે તો પરિણામ ઝડપી અને સારું મળશે. જૈન ધર્મની આનાથી બહેતર શાસનપ્રભાવના ન હોઈ શકે એ વાત એકવાર અહીં આવીને અહીંના લોકોમાં આવી રહેલો બદલાવ અને ઊગી રહેલો શાસન-પ્રેમ જુઓ તો અંદાજ આવી જશે. આ અભિયાનમાં કુમારપાળ દેસાઈ અને અલ્પેશભાઈનો ખૂબ સાથ મળ્યો.’

પાવરફુલ પર્યુષણ

ત્રણ વર્ષ પહેલાં આ કાર્યમાં રાજ પરિવારના આમંત્રણથી જૈન શાસનને પોતાનું સર્વસ્વ માનતા કર્મયોગી મુનિશ્રી હેમશેખર વિજયજીમહારાજ પણ જોડાયા. તેમની કાર્યનિષ્ઠા અને પદ્ધતિસર અપ્રોચને કારણે બહુ જ ટૂંકા સમયમાં તેમને પરિણામ દેખાવાનું શરૂ થઈ ગયું. તેમની સાથે આ કાર્યમાં સમકિત ગ્રુપ ગોરેગામના યુવાનોનો સહયોગ મળ્યો. આ વર્ષે સમકિત ગ્રુપ દ્વારા ૩૮ સરાક ગામોમાં પર્યુષણનું આયોજન થઈ રહ્યું છે. ત્રણ વર્ષથી આ જ ક્ષેત્રમાં વિચરતા આ મહાત્મા કઈ રીતે રહેતા હશે એ પ્રશ્ન સહજ થાય. બેશક, તેઓ જે ગામમાં અત્યારે છે એમાં વસતાં સરાક ભાઈ-બહેનો તો ટ્રેઇન થઈ ચૂક્યા છે, પરંતુ એ પછીયે ગોચરી વહોરવા એટલે કે ભિક્ષા લેવા જાઓ એટલે દરરોજ દાલ-ચાવલ મળે તો એ કેટલા દિવસ ચાલે? જોકે કંઈ મળે કે ન મળે, આ મહાત્મા પોતાના લક્ષ્ય સાથે આ ક્ષેત્રમાં વધુમાં વધુ લોકોના જીવનમાં ધર્મનો પ્રવેશ થાય એ ઉદ્દેશ્યથી મહેનત કરી રહ્યા છે. ત્રણ જ વર્ષમાં સરાક જ્ઞાતિના હિતને વધારનારી અઢળક સ્કીમ્સની જાહેરાત સમકિત ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. પૂજ્ય મુનિ હેમશેખરવિજયજી મહારાજ કહે છે કે ‘પર્યુષણ ઉપરાંતના સમયમાં પણ આ જ્ઞાતિનાં બાળકોમાં સંસ્કરણનું કાર્ય ચાલુ રહે એ માટે દસ-દસ દિવસની નિયમિત શિબિરોનું આયોજન અમે કર્યું છે. તેમની ભાષામાં તેમને જ્ઞાન મળે એ પ્રકારનું સંસ્કરણ સાહિત્ય પણ તૈયાર કરી રહ્યા છીએ. મારા દાદા ગુરુદેવ ભુવનભાનુ સૂરિમહારાજ પણ આ ક્ષેત્રમાં આવી ચૂક્યા છે. ગુરુદેવ જયશેખર સૂરિમહારાજનું ઝરિયામાં ચાતુર્માસ હતું અને તેમનું સપનું હતું સરાક ક્ષેત્રના સાધર્મિકો ધર્મને પામીને જિનશાસનને અજવાળે. અહીંના લોકોની ભક્તિ અને ગ્રાસ્પિંગ પાવર જોરદાર છે.’

અહીં ઉલ્લેખનીય છે કે સાહેબજી જ્યાં બિરાજમાન છે એ ક્ષેત્રમાં અમને પૂજાનાં વસ્ત્રોમાં ભક્તિભાવ સાથે પૂજા કરતી નાની-નાની દીકરીઓ જોવા મળી, સ્નાત્ર પૂજા જે જૈનોમાં પણ બધાને નહીં આવડતી હોય એ સરાકના યુવાનો દેરાસરમાં રંગેચંગે કરાવી રહ્યા હોય એ જોવા મળ્યું. આયંબિલની ઓળી, પર્યુષણમાં એકાષણા, બિયાસણા, ઉપવાસ જેવાં તપ સરાકબંધુઓ કરતા હોય એવી તો અઢળક હકારાત્મક બાબતો અમને નજરોનજર જોવા મળી. જે દૃશ્યો સરાકબંધુઓમાં આવી રહેલા ધર્મના સંસ્કારોની શાખ પૂરતાં હતાં.

લોકોના પ્રતિભાવ

આ વિઝિટ દરમ્યાન અમારું મુખ્ય લક્ષ્ય હતું અહીંના લોકલ ગામમાં ફરીએ અને સાવ અજાણ્યા અને ભાષામાં પણ બંગાળી વધુ બોલતા લોકોના મનોભાવો જાણીએ. તમે માનશો પણ બે જ દિવસમાં અમે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ગોવિંદપુર, ગોબાગ, સિમલોન, લચિયા, બાગીચા, કમારઘોડા, મહાલ, દેવોગ્રામ, બેલુટ, કુમારડી જેવાં ગામોમાં ગયા. કેટલાંક ગામો તો સાવ બેઝિક એટલે કે તમને એમ લાગે કે તમે બસો વર્ષ પહેલાંના ભારતમાં આવી ગયા હો એવાં હતાં. અમુક ગામો મકાન પૂરતાં ડેવલપ થયેલાં હતાં. ઝારખંડમાં પૂજ્ય હેમશેખર વિજયજી મહારાજ બિરાજમાન છે એ મહાલ ગામ અને એની આસપાસનાં ગામોમાં તો સોળ-સોળ કલાક ઇલે​ક્ટ્રિસિટી જ ન હોય. જોકે આવી બધી જ કપરી સ્થિતિમાં અહીં આવતા વૉલન્ટિયર્સ હોંશે-હોંશે રહેતા હોય. જેમ કે સિમલોન કરીને એક ગામમાં અમે ગયા તો ત્યાં પંદરેક ઘરો જ સરાક પરિવારના છે અને ત્યાં વૉલન્ટિયર્સને સ્કૂલમાં ઉતારો મળ્યો હતો જેની ત્રણ બાજુ જંગલ અને એક બાજુ ગામ. જોકે ગામવાસીઓનો પ્રેમ જુઓ કે તેઓ બધી જ વ્યવસ્થા કરીને પોતાના ઘરે રાખશે, પરંતુ પર્યુષણ કરાવ્યા વિના ન જાઓ એવી વિનવણી કરે અને વૉલન્ટિયર્સ ભય અને અગવડતા વચ્ચે પણ ગામમાં જ વસી જાય. કેવું કહેવાયને!

સરાક ક્ષેત્રના લા‌છિયા ગામમાં સુરતના પ્રીત પારેખે પહેલી વાર પર્યુષણ માટે આવવાનો અનુભવ કર્યો અને અત્યારે તે રોમાંચિત છે. કારણ આપતા તે કહે છે કે ‘અહીંના લોકોનો ઉત્સાહ મને બધું ભુલાવડાવી દે છે. દરેક ક્રિયા માટે તેઓ આતુર હોય છે. પછી એ સામાયિક હોય કે પ્રતિક્રમણ. સામૂહિક ક્રિયા વખતે ઇચ્છામિ ખમાસમણો કે એવા કોઈ સૂત્ર સાથે બોલવાનાં હોય તો મુંબઈ કે ગુજરાતના લોકોને કહેવું પડે, જ્યારે અહીં તેઓ સામેથી જ બોલતા હોય છે. અષ્ટપ્રકારી પૂજામાં અક્ષત જાતે લાવે. એ લોકો શેડ્યુલ પૂછે છે. ભક્તિમાં બહુ જ રસ છે સૌને. સંગીતકારની ભાવના હોય ત્યારે તો આખું ગામ ઘેલું થતું હોય છે.’

અહીં તમને કહી દઈએ કે મુંબઈ-અમદાવાદ-સુરત જેવાં જુદાં-જુદાં શહેરોમાંથી સરાક ક્ષેત્રમાં પર્યુષણ માટે આવતા લોકોનું જીવન કંઈ સરળ નથી હોતું. ભોજન તમારી અપેક્ષા મુજબ દરરોજ ન પણ મળે, રૂમ નાનાં હોય, લાઇટ આવતી-જતી હોય, જંગલ વચ્ચે આવેલા ગામમાં ઉતારો હોય તો રાત્રિના ઘોર અંધકારમાં વ્યક્તિને પડખું ફેરવતાં પણ બીક લાગે એવો માહોલ હોય. બાથરૂમ-ટૉઇલેટની પૂરતી વ્યવસ્થા ન હોય. જોકે આ વૉલન્ટિયર્સ દરેક અગવડતાઓને સહન કરીને પણ લોકોને નવકાર મંત્ર, વિવિધ પાયાની ક્રિયાઓ લોકોને જોડાવાનું મન થાય એવા અંદાજમાં હોંશે-હોંશે શીખવતા હોય છે. એવી સ્થિતિમાં પંદરથી વધારે સંગીતકારો પણ જોડાયા છે.

સાત વર્ષ પહેલાં આ અભિયાન સાથે જોડાયેલા અને હવે રાજ પરિવારવતી પર્યુષણમાં મૅનેજમેન્ટનું મુખ્ય કામ સંભાળતા રાજ ગાંધી (મહેતા) કહે છે કે ‘વર્ષોથી હું વિદેશમાં પર્યુષણ કરવા માટે જતો. ચૌદ વર્ષ પહેલાં હું વિદેશમાં પર્યુષણ કરવા માટે જતો. એ પછી લગભગ સાતેક વર્ષ પહેલા ખબર પડી કે આ ક્ષેત્રમાં પર્યુષણ થઈ રહ્યા છે એની ખબર પડતા અનુભવ લેવા માટે અહીં આવેલો. અહીંના લોકોના ભાવ જોયા ત્યારથી બીજે જવાનો વિચાર પણ નથી આવ્યો. હવે તો થોડીક પણ સુવિધા છે, પરંતુ શરૂઆતમાં અમે આવતા ત્યારે તો ટૉઇલેટ પણ નહીં. એમાં પણ બહાર જવાનું. રસોઈ જાતે બનાવવાની, લાઇટ-પંખા પણ ન હોય, પરંતુ દસ દિવસ પૂરા કરીને જ્યારે રિટર્ન થતા હોઈએ ત્યારે લોકોના જે ભાવ હોય એનું વર્ણન ન કરી શકીએ. પ્રભુવીરના શાસન પ્રત્યે પ્રેમ હોય તો સરાકના લોકોમાં આવતું પરિવર્તન તમારા હૃદયને ઝંકૃત કરી દેશે. અમારા એક વૉલન્ટિયર ભાઈ છે તેઓ પાછા ફરતા હતા ત્યારે લોકો રડી પડ્યા હતા એવા ભાવુક થઈ ગયેલા. અને બીજે વર્ષે તેમને બીજું સેન્ટર મળ્યું તો તેમના આગલા સેન્ટરના લોકો રોજ તેમને યાદ કરે. પછી જ્યારે એ ભાઈ મળવા આવ્યા ત્યારે ગામના લોકોએ જાતે કમળનો હાર બનાવીને તેમને પહેરાવ્યો અને તેમને ઉપાડીને ગામમાં ફેરવ્યા. આ કાર્યમાં હવે આપણને થોડુંક પરિણામ દેખાવા મળ્યું છે. જોકે મંઝિલ હજીયે દૂર છે. હજી ઘણું કાર્ય બાકી છે. આ લોકો સક્ષમ છે, તીર્થને પ્રોટેક્ટ કરી શકે એવા છે અને જૈનત્વનો જ અંશ છે. એક કિસ્સો કહું; ગયા વર્ષે અમે ૧૪ સ્વપ્નનો ચડાવો લીધો અને રાજ પરિવારના વૉલન્ટિયર્સ જ આપસમાં ક​ન્ટ્રિબ્યુશન કરીને પૈસા ભરીશું એવું નક્કી કરેલું તો સરાકના જ એક વૉલન્ટિયર ભાઈ આવ્યા અને કહે કે મારે કેટલા રૂપિયા આપવાના છે. હું પણ રાજ પરિવારનો હિસ્સો છું. જો તમારા વચ્ચે ભાગ પડવાના હોય ચડાવાના તો મારું નામ એમાં કેમ ન હોય?’

છેલ્લાં દસ વર્ષથી આ અભિયાન સાથે જોડાયેલા અને છ વર્ષથી તો બિસ્તરા-પોટલાં લઈને સરાક જ શિફ્ટ થઈ ગયેલા હિંમત શેઠને જોઈને જ તેમનાં કાર્યોનો અંદાજ આવી જાય. તેઓ કહે  છે કે ‘છ વર્ષમાં અહીં ઘણું પરિણામ મળ્યું છે. લોકોમાં આવેલો બદલાવ કહી દેશે કે આ લોકોએ પોતાના મૂળ સ્વરૂપને સ્વીકારી લીધું છે. તેમની ભાવુકતા તમારા હૃદયને ભીંજવી જાય એટલા પ્રેમાળ સરાક લોકો છે.’

સરાક જૈનો શું કહે છે?

૧- લાછિયા ગામના સવિતા માજી સાથે અમે વાત કરી, પણ ભાષાની મર્યાદાને કારણે તેઓ વધુ જવાબ તો ન આપી શક્યાં, પણ તેમના ચહેરાની ચમક તેમની ખુશીનું વર્ણન કરતી હતી. જોકે આ જ ગામના દસમા ધોરણમાં ભણતો આસ્તિક માજી પર્યુષણમાં આવતા આનંદને શૅર કરતાં જાતને રોકી ન શક્યો. ગયા વર્ષે મમ્મી આમાં જોડાઈ એ પછી ઘરમાં કંદમૂળ કાયમ માટે બંધ થઈ ગયાં. રાત્રિભોજન પણ આ બાળકે છોડી દીધું છે. તેને પર્યુષણની દરેક ક્રિયાઓ એટલી ગમે છે કે અમુક તો તે ક​ન્ટિન્યુ કરશે એવો નિર્ધાર પણ તેણે કર્યો છે.

૨- કમારગોડા નામના ગામમાં કુક તરીકે સક્રિય સુચિત્રા માજીનો દાખલો તમને દંગ કરી જશે. આ બહેન અત્યારે કુક તરીકે મહિનાના પંદરસો રૂપિયા કમાય છે, પરંતુ તેમણે ગયા વર્ષે મહાવીર જન્મ વાચન નિમિત્તે ત્રણ હજાર રૂપિયામાં લક્ષ્મી માતાનો ચડાવો લીધો હતો. તેઓ કહે છે કે ‘પૈસા તો નહોતા, પણ બહારથી ઉધાર લીધા હતા. એ પછી ધીમે-ધીમે ચૂકવી દીધા. મને બે વર્ષથી હું પણ ચડાવો લઉં એવા ભાવ થતા હતા, પરંતુ દર વખતે પૈસાના અભાવે અટકી જતી. ગયા વર્ષે મારી દીકરીએ પણ પ્રોત્સાહન આપ્યું એટલે હિંમત કરીને લઈ લીધો અને ભગવાને પૈસા ચૂકવાવી પણ દીધા. તમને સાચું કહું તો એક સમય હતો જ્યારે અમારે ખાવાના પણ વાંધા હતા, પણ આજે જીવન ઘણું બહેતર બની ગયું છે.’

૩- બેલુટ ગામમાં રહેતા પ્રણવ સરાક નવસારી તપોવનમાં ભણ્યા છે અને હવે સરાકના ત્રણ ગામમાં પાઠશાળાના ટીચર તરીકે સક્રિય છે. બેલુટ, પર્વતપુર અને બેલુંજા નામના ગામમાં ભણાવતા આ શિક્ષક કહે છે કે ‘અત્યારે અમારા ગામમાં જાણે સોનાનો સૂરજ ઊગ્યો હોય એવો બદલાવ આવ્યો છે. અમારા લોકોને આ નવી બાબતને સ્વીકારવામાં સમય ન લાગ્યો, કારણ કે ક્યાંક ને ક્યાંક આ અંદર હતું જ. અમને એક માર્ગદર્શનની જરૂર હતી જે હવે ઉપ્લબ્ધ થયું. દેશના જુદા-જુદા ખૂણેથી અહીં સુધી આવતા જૈનબંધુઓના અમે આભારી છીએ કે અમારા ગામના લોકોને ધર્મનો પરિચય આપવા માટે તેઓ આટલી મહેનત કરે છે. બદલાવ આવ્યો છે અને હવે બાળકોથી લઈને ભાઈઓ અને બહેનો બધાં જ ધાર્મિક શિક્ષક મેળવવા માટે આતુર છે.’

૪- તેમનો ભત્રીજો અને આજ ગામનો વિક્રમ ચૌધરી પણ તેના કાકાની વાતમાં સૂર પૂરાવતા ઉમેરે છે કે ‘પહેલાં અમારા ઘરમાં કાંદા-લસણ નહોતાં આવતાં, પણ અમે છોકરાઓ બહાર ખાઈ લેતા. જોકે અત્યારે જે જાગૃતિ આવી છે એને કારણે બહાર ખાવાનું બંધ થઈ ગયું છે. અમારું ગામ તો વર્ષોથી જૈનના રંગમાં રંગાઈ ગયું છે.’

૫- કમારઘોડા ગામની પાઠશાળાના ટીચર બરણાલી માજી કહે છે કે ‘અત્યારે અમારી પાઠશાળામાં ૮૪ બાળકો આવે છે, જેમાંનાં ઘણાં બાળકો વંદિતુ સૂત્ર ભણી રહ્યાં છે. અમે માત્ર સૂત્રો નથી ભણાવતા, પણ સાથે જ તેમને જયણા ધર્મનું પાલન કરવાના, જીવ હિંસાથી દૂર જવાના અમુક આચારોનું પણ જ્ઞાન આપીએ છીએ.’

૬- આ જ ગામના એક ઍક્ટિવ વૉલન્ટિયર લોકેશ કુમારને મળશો તો તમે ભૂલી જ જશો કે આ ભાઈ સરાક છે. લોકેશ માજી પહેલાં પાઠશાળાના શિક્ષક હતા અને હવે તેઓ ઘણી રીતે સરાક ઉત્થાનના કાર્યમાં લાગી ગયા છે. તેઓ કહે છે કે ‘જે પરિવર્તન અમારા જીવનમાં આવ્યું છે એને શબ્દોમાં વર્ણવી ન શકાય. ૨૦૧૧થી હું આ અભિયાનનો હિસ્સો બની ગયો છું. પહેલેથી જ સા​ત્ત્વિક જીવન જીવતા અમારા લોકો વધુ સા​​​ત્ત્વિકતા તરફ વળ્યા છે. પોતે જે જીવન જીવતા હતા એ શું કામ જીવતા હતા એની મકસદ ​ક્લિયર થઈ છે. અમે હિન્દુ મંદિરમાં દર્શન માટે જતા, પરંતુ હિંસા થતી હોય, પશુની બલી ચડતી હોય એવાં મંદિરોમાં ક્યારેય નહીં. હજારો લોકોની સામે બસો-પાંચસો લોકો સરાકના હોય એ પછીયે અમે અમારી પરંપરાને વળગી રહ્યા હતા. બાપદાદાના સમયથી દિવાળી પછી જે ક્રિયા જૈનો કરે એ જ અમે કરતા હતા, પણ સમજ્યા વિના. નસીબ અમારાં કે હવે અમે અમારાં રૂટ્સથી પાછા જોડાઈ ગયા. મને વિશ્વાસ છે કે જે નવી પેઢી સરાકની તૈયાર થઈ રહી છે એ ખૂબ જ બહેતર વાતાવરણમાં આગળ વધશે.’

સરાકના પહેલા આચાર્ય મહારાજ

સરાક ક્ષેત્રનું પહેલું દેરાસર મહાલ ગામમાં બન્યું. જેનું નિર્માણ કર્યું આ જ ગામના વાસી અને પ્રભાકરસૂરિ મહારાજ પાસે જઈને દીક્ષા લેવા નીકળી પડેલા સરાકના પહેલા આચાર્ય ચંદ્રશેખર સૂરિમહારાજે. તેર વર્ષની ઉંમરે દીક્ષા માટે ઘર છોડનારા અને ૩૫ વર્ષ પછી ઝારખંડમાં પાછા આવનારા આ મહાત્મા કહે છે કે ‘એ સમયે અમારા ગામમાં જૈન ધર્મ શું હોય એની કોઈને ખબર નહોતી. હું ૫૮ વર્ષ પહેલાંની વાત કરું છું. મારું ગામ બેલુટ. પણ મારાં માસી અને અમુક બીજા રિલેટિવ કુમારડી રહે. બેલુટથી એક શૉર્ટકટ રસ્તો છે (જ્યાંથી વિક્રમ સરાકની મદદથી ટુ-વ્હીલર પર બેસીને અમે પણ કુમારડી ગામ પહોંચ્યા હતા) ત્યાંથી હું દોડીને માસીના ઘરે જતો. મને યાદ છે કે ત્યારે પ્રભાકર વિજયજી મહારાજ ત્યાં જ હતા. નાનાં બાળકોને તેઓ બોલાવે, પણ શરૂઆતમાં હું તેમનાથી ડરતો એટલે નજીક જતો નહીં. જોકે છ-સાત દિવસ પછી તેઓ મારી માટે પેન્સિલ અને ચોપડી લઈને આવ્યા એટલે એ મેં લઈ લીધી. પછી તેમની પાસે જ રહેવા માંડ્યો. એ વખતે ત્રણ વર્ષનો દુકાળ પડેલો અને મારા મોટા ભાઈને હું મહારાજ પાસે રહું એ ગમે નહીં એટલે તેઓ મને ઘરે લઈ આવ્યા. જોકે એકવાર હું સવારે ચાર વાગ્યે દોડીને મહારાજ પાસે ગયો કે તમે મને ક્યાંક બહાર મોકલી દો, હું હવે ઘરે નહીં રહું, મારે દીક્ષા લેવી છે. મને તેમણે સમજાવ્યો, પણ હું માન્યો નહીં. બે કલાકમાં આઠ કિલોમીટર દોડીને આ મેસેજ આપીને પાછો આઠ કિલોમીટર દોડીને ઘરે આવી ગયો. બીજે દિવસે સવારે કોઈને કહ્યા વિના હું કાયમ માટે ઘરેથી મહારાજસાહેબ પાસે જતો રહ્યો. તેમને તાત્કાલિક મને અહીંથી દૂર મોકલવાની વિનંતી કરી અને તેમણે મને કોઈકની સાથે બસમાં બેસાડીને બીજા ગામમાં મોકલી આપ્યો. ત્યાંથી રતલામ અને રતલામથી કપડવંજ પહોંચ્યો. આ એવો સમય હતો જ્યારે મારું હિન્દી તૂટ્યુંફૂટ્યું હતું અને ગુજરાતી તો આવડે જ નહીં. કપડવંજમાં ત્યારે બુદ્ધિસાગરસૂરિ મહારાજસાહેબ હતા. ચોમાસું બેસવાને આઠ જ દિવસની વાર હતી અને હું પછી શું કરીશ એ વિચારતો હતો. ત્યારે મેં મહારાજસાહેબને કહ્યું કે મને દીક્ષા આપી દો. ચાર દિવસમાં હું મુખ્ય સૂત્રો અને ક્રિયાઓ શીખી ગયો. જોકે એ સમયે કપડવંજમાં એક પાઠશાળાના શિક્ષક હતા જેમણે મહારાજને ચોખ્ખી ના પાડેલી કે આને બોલતાં આવડતું નથી, ધાર્મિક જ્ઞાન નથી આને દીક્ષા આપીને શું કરશો? છતાં મહારાજે મને દીક્ષા આપી અને હું બધું જ શીખી ગયો અને ધીમે-ધીમે ભાષા પણ શીખ્યો અને ધર્મનો પણ ખૂબ અભ્યાસ કર્યો. દીક્ષા લીધાનાં છ વર્ષ પછી મેં મારા ઘરે મેસેજ મોકલાવ્યો હતો. જોકે ત્યાં સુધી તો મને મૃત્યુ પામેલો ધારીને તેમણે મારું ક્રિયાકર્મ પણ પતાવી દીધું હતું. એ પછી છેક ૩૫ વર્ષ બાદ જ્યારે પાછો મારા ગામ પગપાળા વિહાર કરીને પહોંચ્યો. અહીં મહાલમાં દેરાસર બનાવ્યું. મારાં સરાક ભાઈ-બહેનોમાં જૈનત્વના સંસ્કાર પડે એવા પ્રયાસો કર્યા. વર્ષો સુધી અહીં રહ્યો. જોકે એ પછી તબિયત નાદુરસ્ત થતાં ફરી ગુજરાત બાજુ વિહાર કર્યો’ ૫૭ વર્ષનું સંયમ જીવન ધરાવતા આ મહાત્માએ સરાકનાં બે ગામોમાં ધર્મનું પ્રવર્તન કરવામાં ખૂબ યોગદાન આપ્યું. મહાલ અને બેલુટ એ ક્ષેત્રમાં લોકોને તેમણે ધર્મ પમાડ્યો છે. અત્યારે તેઓ પાલિતાણામાં બિરાજમાન છે.

પ્રભુવીરના પરસ્પર સંપના સંદેશનું પાલન થાય તો સારું

ઝારખંડ અને પશ્ચિમ બંગાળનાં ૮૦ જેટલા ગામોમાં અત્યારે પર્યુષણની આરાધના કરાવવામાં આવી રહી છે, જેમાંથી બાવન જેટલાં ગામોમાં રાજ પરિવારના સ્વયંસેવકો અને ૩૮ જેટલાં ગામોમાં મુંબઈના સમકિત મંડળ (ગોરેગામ)ના સ્વયંસેવકો છે. સરાક ગામોમાં પર્યુષણ કરાવવાની પ્રવૃત્તિ શાસનસેવાનાં કાર્યો માટે તત્પર એવા રાજ પરિવારે ૧૪ વર્ષ પહેલાં શરૂ કરી હતી જેને વધુ વ્યાપક બનાવવા માટે ત્રણ વર્ષ પહેલાં ઉદ્દાત શાસનપ્રેમી મહાત્મા મુનિશ્રી હેમશેખરસૂરિ મહારાજસાહેબને એમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું. જેના થકી શાસનનાં અનેક કાર્યોને અસરકારક રીતે કરવા માટે જાણીતું સમકિત મંડળ પણ આ કાર્યમાં અગ્રેસિવલી જોડાયું. જોકે બન્નેની કાર્યપ્રણાલીમાં ભિન્નતા હોવાને કારણે બન્ને સંસ્થાઓએ એક વર્ષ સાથે કામ કરીને નક્કી કર્યું કે આપણે પોત-પોતાની રીતે ઇન્ડિવિજ્યુલી આ કાર્યને આગળ ધપાવીએ. બન્નેનું ધ્યેય એક જ હતું કે ધર્મથી છૂટા પડેલાં સરાક ભાઈ-બહેનોને ફરી એકવાર મુખ્ય ધારા સાથે જોડીએ. જૈન શાસન માટે બન્ને જ સંસ્થાઓ નિષ્ઠાવાન છે. અમે બન્ને સંસ્થાઓ દ્વારા થતા પર્યુષણનાં અને સંસ્કરણનાં કાર્યોની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. પોત-પોતાના સ્તર પર બન્ને સંસ્થાઓ અદ્ભુત રીતે કાર્ય કરી રહી છે છતાં ક્યાંક-ક્યાંક તેમના આપસી સંઘર્ષના ભણકારા પણ સંભળાયા અને સરાક બંધુઓ પર થઈ રહેલી એની નકારાત્મક અસરોને પણ વણદેખી ન કરી શકાઈ. અમારી અનુભૂતિ કહે છે કે કોઈ પણ કારણસર થયેલા મતભેદોને કારણે જે ઉદ્દેશ્ય માટે આ ક્ષેત્રમાં આવ્યા હોઈએ એ ઉદ્દેશ્ય જ જો ડહોળાઈ રહ્યો હોય એવું લાગે એ પછી તો કમસે કમ આ સંસ્થાઓએ આપસી મતભેદોનું તાત્કાલિક સમાધાન લાવીને ઉચિત પગલાં લેવાં જોઈએ અને જો સંસ્થાઓ જાતે પોતાના મતભેદો દૂર કરવામાં અસમર્થ હોય તો જૈન સમાજના અગ્રણી સંતો અને શ્રેષ્ઠીઓએ આગળ આવીને આ મુદ્દે સમાધાનકારી રસ્તો શોધાવવો જોઈએ. આ સ્પષ્ટ છે કે જે વ્યક્તિઓ, સંસ્થાઓ કે મહાત્માઓ પોતે પરસ્પર સમભાવ, કરુણા અને સદ્ભાવનું આચરણ શીખવતા ભગવાન મહાવીરના સંદેશનું પાલન કરી શકતાં હોય એ જ ધર્મથી વિમુખ થયેલા ભોળા-ભદ્રિક લોકોને સાચા માર્ગ પર લાવી શકે!

17 September, 2023 03:00 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK