નાટકો અને સિરિયલોની અભિનેત્રી કલ્યાણી ઠાકરે જાતમહેનતે ૩૭ કિલો જેટલું વજન ઓછું કર્યું એટલું જ નહીં, તે નવ મહિનાથી આ વજનને મેઇન્ટેન કરીને અન્યોને પણ ફિટનેસ ગોલ્સ આપી રહી છે
કલ્યાણી ઠાકરે (પહેલાં, પછી)
શિસ્ત સાથે સાતત્ય જાળવીને કોઈ પણ કામ કરવામાં આવે તો એમાં સફળતા અચૂક મળે છે એ વાક્યને સિદ્ધ કરીને દેખાડ્યું છે ગુજરાતી ઍક્ટ્રેસ કલ્યાણી ઠાકરે. લાઇફમાં એવો વળાંક આવ્યો કે તે ફિટમાંથી અનફિટ થયાં, પણ પછી અનફિટમાંથી સુપરફિટ થયાં. કલ્યાણી અભિનેત્રી હોવા ઉપરાંત ક્લાસિકલ ડાન્સર છે અને ફિટનેસ-ફ્રીક છે. એક સમયે કલ્યાણીનું વજન ૯૫ કિલોએ પહોંચી ગયું હતું, પણ જાતમહેનતે ડિસિપ્લિનથી લાઇફસ્ટાઇલ અને ડાયટને ચેન્જ કરીને દસ મહિનામાં ૩૭ કિલો જેટલું વજન ઘટાડ્યું. તેમની આ ટ્રાન્સફૉર્મેશનની જર્ની અન્ય લોકોને પ્રેરણા આપી રહી છે.
એક અકસ્માતે બદલી જિંદગી
ADVERTISEMENT
અનિચ્છનીય ઘટનાઓ આપણને જીવનમાં બોધપાઠ આપવા અથવા કંઈક સારું શીખવવા થતી હોય છે એવું માનતાં ૪૫ વર્ષનાં કલ્યાણી ઠાકર કઈ રીતે વેઇટલૉસ તરફ આગળ વધ્યાં એ જણાવતાં કહે છે, ‘થોડાં વર્ષ પહેલાં હું જ્યારે હિન્દી સિરિયલ ‘હમારી દેવરાની’માં પારુલનું પાત્ર ભજવતી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. બીજા માળથી હું પડી ગઈ હોવાથી બન્ને પગમાં મને ફ્રૅક્ચર આવ્યું હતું અને છ મહિના સુધી બેડ-રેસ્ટ કરવાની સલાહ ડૉક્ટરે આપી હતી, પણ મેં એ વાત માની નહીં અને ઑપરેશનના ચોથા દિવસથી જ શૂટિંગ કરવાનું શરૂ કર્યું. એ વખતે સ્ટેરૉઇડ પણ લીધું અને ખાવાપીવામાં પણ ધ્યાન ન આપીને દિવસ-રાત કામ કર્યા રાખ્યું હોવાથી મારું વેઇટ બહુ જ વધી ગયું હતું. નાટકોના શો પણ મોડી રાત્રે પતે અને ત્યાર પછી હું જમતી હતી. ખાવાપીવાનો કોઈ નિશ્ચિત સમય જ નહોતો. એ સમયે મારું વજન ૧૦૫ કિલો જેટલું થઈ ગયું હતું. હું ક્લાસિકલ ડાન્સર છું. મને ભરતનાટ્યમ આવડે એટલે મેં અલગથી કોઈ એક્સરસાઇઝ કરી નહોતી. ડાન્સ અને મૉડલિંગમાં જ મારું વર્કઆઉટ થઈ જતું. અકસ્માત બાદ ભરતનાટ્યમ કરવું મુશ્કેલ થતું હતું. મને ડર લાગતો હતો કે મારા પગમાં પ્લેટ્સ અને સ્ક્રૂ લગાવ્યાં છે એમાં કંઈ પ્રૉબ્લેમ ન થાય. આ બધાં ફૅક્ટર્સ વેઇટ ગેઇન માટે જવાબદાર હતાં. એને લીધે હું આળસુ થઈ ગઈ અને ડાન્સ છૂટી ગયો. વજન વધી જતાં મને નાટકોમાં રોલ પણ ઘણા વિચિત્ર અને આન્ટી-ટાઇપ મળવા લાગ્યા હતા. જાડા લોકો પર કૉમેડી થતી હોય એવાં નાટકોમાં કામ મળતું. હું એ કામ કરી લેતી પણ અંદરથી કામ કર્યાનો સંતોષ અને ખુશી મળતાં નહીં. મારી મમ્મી પણ મને વઢતી અને વેઇટલૉસ કરવાનું કહેતી રહેતી. હું મારી રીતે થોડી એક્સરસાઇઝ અને જૉગિંગ અને વૉક કરતી હતી. કોરોનાકાળમાં પણ મેં વજન થોડું ઓછું કરવાની કોશિશ કરી હતી પણ એમાં કંઈ ખાસ્સો ફરક પડ્યો નહીં. હું દોઢ-બે વર્ષ પહેલાં અમદાવાદમાં ગુજરાતી સિરિયલ ‘રાશિ રિક્ષાવાળી’ કરતી હતી. એ સમયે મને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થયું અને એના લીધે પેટમાં સારું રહેતું નહીં. મને કોઈ પણ જાતની તકલીફ ન હોવા છતાં મારી હાર્ટબીટ ૧૨૦ સુધી રહેતી, જે નૉર્મલ ન કહેવાય. બ્લડપ્રેશર ન હોવા છતાં વજન વધારે હોવાથી એની ગોળીઓ ગળવી પડતી. મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવાનું સજેશન આપ્યા બાદ હું ડૉ. નયનને મળી અને ત્યારે મને રિયલાઇઝ થયું કે મારી ખોટી લાઇફસ્ટાઇલ જ મારી આવી હેલ્થનું પરિણામ છે અને અહીંથી શરૂ થઈ મારી ફિટ રહેવાની જર્ની.’
બ્રૉકલીનું શાક, દાળ અને ભાખરીની બૅલૅન્સ્ડ ડાયટ કલ્યાણી બપોરના સમયે ખાય છે.
બની પોતાની ડાયટ-પ્લાનર
‘બૈરી મારી બ્લડ પ્રેશર’, ‘પત્ની નચાવે એને કોણ બચાવે’ અને ‘મણિબેન ડૉટકૉમ’ જેવાં ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂકેલાં કલ્યાણીને જ્યારે ખબર પડી કે તેમની લાઇફસ્ટાઇલ અનહેલ્ધી છે ત્યારે સૌથી પહેલાં તેમણે ડાયટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પોતાની ડાયટ કોઈ ડાયટિશ્યન કે ન્યુટ્રિશનિસ્ટ પાસેથી બનાવડાવવાને બદલે જાતે આઇડેન્ટિફાય કર્યું કે કઈ ચીજ સદે છે અને કઈ ચીજ હેલ્ધી છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને જ્યારથી ખબર પડી કે લાઇફસ્ટાઇલ ખરાબ હોવાને લીધે મારું વજન વધે છે ત્યારથી મેં મારા ભોજનનો સમય ફેરવી નાખ્યો. મન ફાવે એમ અને મોડી રાત્રે ખાવાને બદલે સૂર્યાસ્ત પછી એટલે સાત-સાડાસાત સુધીમાં ડિનર કરી લેવાનો નિયમ બનાવ્યો. આ નિયમ મારી વેઇટલૉસ જર્નીમાં મદદગાર સાબિત થયો છે. હું એટલું સમજી ગઈ હતી કે ઉંમર વધે એમ શરીરને સૂટ થાય એવી ડાયટ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે ચાલીસી વટાવ્યા બાદ હેલ્થની એક્સ્ટ્રા કાળજી લવી જરૂરી છે.’
ભાત, મગની દાળ અને કોબીનું શાક રાતનું ભોજન હોય છે.
શું છે સીક્રેટ ડાયટ?
ઍક્ટિંગ અને ડાન્સિંગ સાથે કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગ અને પ્રોડક્શન ક્ષેત્રે સંકળાયેલાં કલ્યાણી ઠાકર પોતાના સીક્રેટ ડાયટ-પ્લાન વિશે કહે છે, ‘ડાયટમાં મેં શું ફૉલો કર્યું એ હું કોઈને સજેસ્ટ ન કરી શકું, કારણ કે દરેક વ્યક્તિની ડાયટ અલગ હોય છે. શરીરને સદે એ હિસાબે ડાયટની સાથે લાઇફસ્ટાઇલમાં ચેન્જ તમારા વેઇટલૉસના ગોલને પૂરું કરવામાં મદદ કરશે. સવારે આઠ વાગ્યે મારો દિવસ શરૂ થાય. દસ વાગ્યા પછી હું બ્રેકફાસ્ટમાં વેજિટેબલ સૂપ લઈને એક્સરસાઇઝ કરું છું. બપોરે હું પેટ ભરીને હેવી લંચ કરી લઉં છું. એમાં કાંદા અને લસણ ભરી-ભરીને નાખું છું, પણ રાતે હલકું ખાવાનું રાખું છું. સાંજે ચાર વાગ્યે શિંગ-ચણા અથવા ડ્રાયફ્રૂટ્સ ખાઉં છું. દરેક ભોજનમાં ફાઇબર મળે એ જરૂરી છે. રાતે હું ખાટું અને આથેલું નથી ખાતી. એનાથી બ્લોટિંગ થાય છે. વટાણા, ફ્લાવર, કોબી જેવાં શાક બપોરે ખાઉં પણ રાતે એ ખાવાનું હું અવૉઇડ કરું છું. દરેક મીલ વચ્ચે ત્રણ કલાકનું અંતર રાખવું જોઈએ. રાતનું ભોજન હલકું અને પચવામાં સરળ હોવું જોઈએ તેથી શાકમાં હું તૂરિયાં, દૂધી, ગલકાં, કારેલાં ખાઉં છું. હું મારી હેલ્થના હિસાબે કૉમ્બિનેશન ફૂડની પસંદગી બહુ સારી રીતે કરું છું. દાળ હેવી હોય તો શાક લાઇટ હોવું જોઈએ અને એ જ છે બૅલૅન્સ્ડ ડાયટ. રાત્રે જમવામાં હું મગની ફોતરાંવાળી અને ફોતરાં વગરની દાળ વધુ ખાઉં છું કારણ કે એ સુપાચ્ય છે. હું કાચાં ફૂડ એટલે કે સૅલડ કે સ્પ્રાઉટ્સ સાથે રાંધેલું નથી ખાતી. ડાઇજેસ્ટિવ સિસ્ટમ પર જરાય લોડ ન નાખવો જોઈએ. રિફાઇન્ડ ફૂડ, કોલ્ડ ડ્રિન્ક્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એ શરીરમાં ફૅટને જમા કરવાનું કામ કરે છે એ વાત સમજાઈ ત્યારથી મેં આ પ્રકારના ફૂડને ટાટા-બાયબાય જ કહી દીધું છે. ક્યારેક ચીટ ડે કરવો પડે એ ઠીક છે, પણ પછી બૉડીને પોતાની ડાયટથી મેઇન્ટેન કરવું જરૂરી છે. સાંજે ચાર વાગ્યા પછી હું ફ્રૂટ પણ નથી ખાતી. ફ્રૂટ-જૂસ તો હું સજેસ્ટ કરતી જ નથી. એ બ્લડ-શુગર લેવલને વધારવાનું કામ કરે છે. સવારે ખાલી પેટે પણ હું કોઈ ફળ નથી ખાતી. વીકમાં બેથી ત્રણ વખત જ હું ફ્રૂટ અને અને પલાળેલાં ડ્રાયફ્રૂટ ખાઉં છું. હું ઘઉં, જુવાર, મકાઈ, બ્રાઉન રાઇસ, ચણા, મગ, મઠ બધું જ ખાઉં છું; પણ પ્રમાણસર ખાઉં છું. હું દાળભાત ભેગાં નથી ખાતી. દાળ સાથે શાક અને રોટલી હોય. હું બટાટા વધુ નથી ખાતી. અને હા, ફ્રેશ રાંધેલું ખાવાનો જ આગ્રહ રાખવો જોઈએ. ઠંડું થયા પછી ફરી-ફરી ગરમ કરવું હેલ્થ માટે સારું નથી.’
સીઝન હોય ત્યારે લીલાં પાંદડાંવાળી ભાજી સાથે રોટલી, છાશ અને ચણાની દાળ હોય છે.
કેવું ફીલ થાય?
ડાયટની સાથે લાઇફસ્ટાઇલને ચેન્જ કરીને કેવું ફીલ થાય છે એ જણાવતાં કલ્યાણી કહે છે, ‘હું વીકમાં બેથી ત્રણ વખત યોગ કરું છું, બેથી ત્રણ વખત જિમ કરું છું અને બાકી ફ્રી ટાઇમમાં વૉક કરું છું. મોટા ભાગે હું આ પ્રવૃત્તિ સવારના પહોરમાં જ કરી લઉં, પણ ક્યારેક સમય ન મળે તો સાંજે કરું છું. હવે તો હું નાટક પણ કરું તોય સાડાસાત વાગ્યામાં ડિનર કરી જ લઉં છું. વેઇટલૉસ કરીને શરીરથી જ નહીં પણ મનથી પણ ઘણું હલકું ફીલ થાય છે. માઇન્ડ અને બૉડીને રિફ્રેશ કરતી એનર્જી મેઇન્ટેન જ રહે છે. ખરેખર બહુ જ સારું ફીલ થાય. વજન વધારે હતું ત્યારે મને મણિબહેન જેવા રોલ મળતા હતા પણ હવે થોડા સમય પહેલાં જ મેં ‘પત્ની નચાવે એને કોણ બચાવે’ નાટકમાં કેતકી દવેની સૌતનનો હૉટ ઍન્ડ સેક્સી દેખાતી લેડીનો રોલ પ્લે કર્યો હતો. મારું ફીગર શેપમાં થઈ ગયું હોવાથી આવા રોલ મને મળી રહ્યા છે અને એની બહુ ખુશી છે. ઘણા સમય બાદ ફરીથી આ પળોને જીવી રહી હોવાથી નોસ્ટૅલ્જિક ફીલિંગ આવે છે. જ્યારે ઉંમર કરતાં નાના લાગો અને લોકો તમને અઢળક કૉમ્પ્લીમેન્ટ્સ આપે તો એ કોને ન ગમે? આ જ લોકો તમારા સ્થૂળ હોવાની મજાક પણ કરતા હોય છે. તેથી મોટિવેશન હંમેશાં પોતાની જાતથી લેવાનું. આઇ ઍમ ઑન માય જર્ની. મારે હજી ઍબ્સ બનાવવી છે, ફિગરને વધુ શેપમાં લાવવું છે. મને લેટ રિયલાઇઝેશન થયું એવું લાગે છે. વહેલી ખબર પડી હોત તો આજે મારું ફિગર વધુ સારું હોત. એક વખત ફિટનેસનો નશો ચડી જાય એટલે પછી એ જ રસ્તે આગળ વધવાનું મન થાય. હું 4XL અને 5XLની સાઇઝનાં કપડાં પહેરતી હતી અને હવે સ્મૉલ અને એક્સ્ટ્રા સ્મૉલ(XS)ની કૅટેગરીમાં આવી ગઈ છું. હું અત્યારે બધા જ પ્રકારનાં કપડાં પહેરીને ફોટો પાડ્યા રાખું છું. મારી ફિટનેસ જર્ની બાદ પોતાની જાત પ્રત્યે વધુ પ્રેમ થઈ ગયો છે.’
કલ્યાણીનું સાચું નામ શું છે?
પોતાના નામ પાછળનો રસપ્રદ કિસ્સો જણાવતાં કલ્યાણી કહે છે, ‘મારા પપ્પા સંસ્કૃત ભાષાના જાણકાર હોવાથી તેમણે મારું નામ કુરંગી પાડ્યું હતું. કુરંગીનો અર્થ સોનાની હરણી થાય. તેનો ઉલ્લેખ રામાયણમાં થયો છે. જોકે લોકો મને મારા નામથી બોલાવવાને બદલે નારંગી, ફિરંગી, મોસંબી કહીને ચીડવતા. ઘણા લોકોને મતલબ ન ખબર હોય એટલે મને મારો સ્કિન-ટોન ડાર્ક હોવાથી કુરંગી એટલે કે કદરૂપી કહીને ચીડવતા. આ જોઈને મારી મમ્મીએ કહ્યું કે તને ભરતનાટ્યમના ક્લાસમાં બધા કલ્યાણી કહે છે તો તારું સ્ક્રીનનું નામ પણ તું કલ્યાણી જ રાખ. ત્યારથી ઇન્ડસ્ટ્રીમાં મારું નામ કલ્યાણી થઈ ગયું છે. જોકે ડૉક્યુમેન્ટ્સમાં મારું નામ કુરંગી જ છે.’
પાણીનો ઇમ્પોર્ટન્ટ રોલ
ડાયટમાં પાણીનો શું રોલ છે એ વિશે જણાવતાં કલ્યાણી કહે છે, ‘તમે ક્યારે અને કેટલું પાણી પીઓ છો એ પણ બહુ મહત્ત્વનું છે. લોકોને ખબર જ નથી કે પાણી કઈ રીતે પીવું જોઈએ. હું જમ્યાના અડધો કલાક પહેલાં પાણી પી લઉં છું અને જમ્યાના એક કલાક બાદ પાણી પીઉં છું. જમતી વખતે પાણી પીવું ધીમા ઝેર સમાન માનવામાં આવે છે. એ તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમ ખરાબ કરે. રાત્રે ૧૦ વાગ્યા પછી હું પાણી પણ પીતી નથી. બૉડીના ફંક્શનિંગને રેસ્ટ આપવો ડીટૉક્સિફિકેશન માટે બહુ જ જરૂરી છે. પાણીને પચતાં બે કલાક લાગે છે તેથી મોડી રાત્રે પાણી પીવું હિતાવહ નથી. હું જમવા માટે પણ બારથી ૧૪ કલાકનો રેસ્ટ આપું છું અને એ હેલ્ધી રહેવા માટે બહુ જ જરૂરી છે. આઠ કલાકની ઊંઘ હોય તો રાત્રે ૧૧ વાગ્યે તમારી સિસ્ટમ ઑફ થઈ જવી જ જોઈએ. સિસ્ટમને ક્લીન કરવા માટે દિવસ દરમિયાન સરેરાશ ત્રણ લીટર પાણી પીવું જ જોઈએ, પણ ઠંડું તો જરાય નહીં. નૉર્મલ અથવા થોડું નવશેકું પી શકાય.’
રાંધવાનાં વાસણ ભેગાં લઈને ફરે
હું તો રાંધવાનું વાસણ અને ગરમ પાણીનો બાટલો ભેગો લઈને જ ફરું એમ જણાવતાં કલ્યાણી કહે છે, ‘નાટકની ટૂર માટે એક મહિનો અમદાવાદ હતી ત્યારે બધા તો રાતે એક-બે વાગ્યે જમે પણ હું સ્ટ્રિક્ટ ડાયટ પર હતી. હું ત્યાં પોતાને મેઇન્ટેન કેવી રીતે કરીશ એવા પ્રશ્નો સતાવતા હતા. એ વખતે હું સિરિયલ પણ કરતી હતી. સાંજે ચાર વાગ્યે જમવાનું બનાવીને કૅસરોલમાં ભેગું લઈને જતી હતી. હૉલ પર પહોંચીને સાડાસાત વાગ્યે જમી લેતી હતી. હાંડવો, મગની દાળનાં વડાં, ઢોકળાં બધું જ બનાવ્યું છે અને એ પણ હોટેલની ટેરેસ પર. હું લંડન ગઈ હતી ત્યાં પણ મારું કુકર અને દાળ સાથે લઈને ગઈ હતી. કહેવાનો અર્થ એટલો જ છે કે નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ. ધારો તો બધું જ કરી શકો છો.’
ડાયટમાં ઘી સુપરહીરો
હેલ્ધી ડાયટમાં ઘીનું મહત્ત્વ સમજાવતાં કલ્યાણી કહે છે, ‘ડાયટમાં ગમે એટલી સારી ક્વૉલિટીનું તેલ ઉમેરો, પણ ઘીના તોલે કોઈ ન આવે. મારી ડાયટમાં ઘી સુપરહીરો છે. હું સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં એક ચમચી ઘી ખાઉં છું. પછી અડધો ગ્લાસ નવશેકું પાણી પી જાઉં છું. ફરીથી અડધા કલાક બાદ થોડું પાણી પીઉં છું. આ મારું ડેઇલી રૂટીન છે. એ શરીરની તમામ ગંદકીને બહાર કાઢે છે. ઘીથી જાડા થવાય છે એ મિથ છે અને હું એનું લાઇવ એક્ઝામ્પલ છું. ઘીને લીધે આટલો ફૅટલૉસ કર્યા પછી પણ મારી સ્કિન લૂઝ નથી થઈ. ઘી ગાયનું હોય તો એ સર્વશ્રેષ્ઠ ગણાય છે. ચાલીસી વટાવ્યા બાદ મહિલાઓના શરીરમાં અઢળક પરિવર્તન આવતાં હોય છે. આ સમયે ધ્યાન રાખવાને બદલે લેડીઝ આળસુ બની જતી હોય છે, પણ તેમણે સમજવાની જરૂર છે કે આ જ ઉંમરમાં સૌથી વધુ ધ્યાન રાખવું પડે છે.’

