સમાજ એક વિચિત્ર પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બંધન બની જતા સંબંધોનો થાક વધી રહ્યો છે, જેના ઉપાય તરીકે વર્તમાન સમય-સંજોગોમાં દરેકને હવે જોઈએ છે પોતાની સ્પેસ
પ્રતીકાત્મક તસવીર
મને મારી સ્પેસ જોઈએ છે, મને સ્પેસ આપો. આજકાલ પારિવારિક જીવનમાં કે સંબંધોમાં સ્પેસ શબ્દ પ્રચલિત થતો જાય છે. સ્પેસનો સીધો અર્થ જગ્યા થાય છે; પરંતુ સંબંધોના જગતમાં સ્પેસ એટલે મારું પોતાનું એકાંત, મારો પોતાનો સમય. જાણતાં-અજાણતાં લોકો એકબીજા પર એટલાબધા નિર્ભર રહ્યા કરે છે અને એકબીજાને પોતાની અપેક્ષાઓથી એવા બાંધ્યા કરે છે જે ક્યારેક ગૂંગળામણ ઊભી કરી દે છે. હા, પોતાના નજીકના માણસોથી જ. આ નજીકના માણસો સ્વજનો અને પ્રિયજનો પણ હોઈ શકે. આ ગૂંગળામણને લીધે દરેકને પોતાની પાસે પોતાની સ્પેસ નથી એવા ભાવ જાગવા લાગે છે, જેને પગલે ગિવ મી માય સ્પેસ જેવા નવા સમય-સમાજના શબ્દપ્રયોગનું સર્જન થયું છે અને વિસ્તરી રહ્યું છે.
ગયા મહિનાની ૨૬ તારીખે પ્રજાસત્તાક દિન ઊજવાતો હતો ત્યારે ગુજરાતી પત્રકારત્વમાં તેજાબી અને સાવ જ નોખી કલમના બાદશાહ કહી શકાય એવા પત્રકાર-તંત્રી હસમુખ ગાંધીની પુણ્યતિથિ હતી જેમણે એક વાર પોતાના લેખમાં લખ્યું હતું, આ પૃથ્વી બે માણસ માટે પણ નાની છે. આ વાક્યનો અર્થ કેટલો ઊંડો અને વ્યાપક છે એ સંભવતઃ આજના સ્પેસ-શૉર્ટેજ યુગમાં લોકોને વધુ સમજાતો જશે. પતિ-પત્નીનો હોય કે અન્ય કોઈ પણ સંબંધ હોય, અહીં બે વ્યક્તિ પણ કાયમ માટે સુમેળ અને શાંતિથી રહી શકતી નથી. આજના પારિવારિક જીવનના અંગત સંબંધોની દુનિયામાં આ વિધાન વધુ લાગુ પડે છે. એક ઘર કે પરિવારમાં દરેક બે વ્યક્તિના સંબંધોમાં પણ અનેક પ્રકારના મતભેદ અને મનભેદ સતત વધતા જાય છે, જેને લીધે પણ પોતાની સ્પેસની સમસ્યા ઊભી થાય છે. આ સંબંધોના વિવાદ અહંકારના સ્તર સુધી પહોંચતાં જ દેખાવાનું શરૂ થઈ જાય છે. પતિ-પત્ની હોય કે સાસુ-વહુ હોય, નણંદ-ભાભી હોય કે બે સહેલી હોય, બે મિત્ર હોય; ક્યાંય પણ કાયમી સંવાદિતા રહેવી કઠિન છે, ક્યાંક તો ઘર્ષણ આકાર પામે જ છે. કોવિડના સમય દરમ્યાન મોટા ભાગનાં અનેક પતિ-પત્ની રોજ ૨૪ કલાક સાથે રહ્યાં એમાં તો ઘણાના વિવાદ એવા બહાર આવ્યા કે ઘણાના વિવાહ પણ તૂટી ગયા. ક્યારેક કોઈ લપસણી ભૂમિ અથવા અહંકારની પળ આવી કે માનવીનું લપસવાનું મોટા ભાગે બને જ છે. અલબત્ત, અપવાદ બધે હોય છે. હવે તો કોવિડ નથી તેમ છતાં મોટા ભાગના સંબંધોમાં ઉષ્મા ઘટતી જાય છે. હવે જેટલો સમય સાથે રહે છે એમાં પણ એક સમયનો ટુકડો દરેકને અલગ જોઈએ છે. હકીકતમાં સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વડીલ; દરેકને હવે પોતાની સ્પેસ જોઈએ છે. આ સ્પેસ શબ્દની વ્યાખ્યામાં માત્ર જગ્યા નહીં બલકે આજના સમયમાં ઘણી બાબતો આવી જાય છે. હવે તો લવમૅરેજ કરનારાં કપલના ડિવૉર્સનું પ્રમાણ પણ વધતું જાય છે. હસમુખ ગાંધી તો પૃથ્વીનું કહીને ગયા, પરંતુ અહીં સમસ્યા ચાર દીવાલો વચ્ચે સાથે રહેવાની છે.
ADVERTISEMENT
ઘણી વાર નાની વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરીને ઘર-પરિવારને વેરવિખેર કરી નાખતી હોય છે. આવા સંજોગોમાં આ બે વ્યક્તિ વિવાદને બદલે સંવાદનો માર્ગ અપનાવી લે તો સંબંધોનું મકાન તૂટતાં અટકી શકે. પણ પહેલ કોણ કરે? આનો જવાબ દરેક વ્યક્તિ પોતાના સંબંધોમાં આવું કંઈક બને ત્યારે પોતે જ નક્કી કરે. જીવનમાં ઘણી વાર જીતવા માટે હારવું પડે છે પણ હારવા તો શું, નમવા પણ કોઈ તૈયાર નથી. દરેકનો કૅપિટલ I બહુ મોટો થતો જાય છે.
બાળકોને પણ જોઈએ છે વડીલો પાસેથી સ્પેસ
હાલ તો કેટલાય પરિવારોમાં વડીલો અને સંતાનો વચ્ચે પણ સ્પેસની મારામારી કે વિવાદ દર્શાવાય છે. નાની પૌત્રી કે પૌત્ર પોતાના દાદાને અને પિતાને પણ કહી દે છે, મને મારી સ્પેસ આપો. આજના સમાજનો આ અરીસો છે, વિસ્તરતો જાય છે. પરિવાર-વિભાજનનો જન્મ સ્પેસના જન્મથી થયો છે. સંયુક્ત પરિવારના વિભાજન બાદ એક ન્યુક્લિયર પરિવાર બનતો ગયો છે, પરંતુ હવે આ ન્યુક્લિયર પરિવારમાં પણ સ્પેસની લડાઈ શરૂ થઈ ગઈ છે. સંપન્ન પરિવારોમાં આ ચલણ વધુ છે, કેમ કે ત્યાં દરેકની પોતાની દુનિયા બની જાય છે. વિદેશોમાં અર્થાત કથિત વિકસિત દેશોના સમાજમાં તો આવું કૉમન છે, હવે આપણા સમાજમાં પણ આવું ચલણ-વલણ વધવા લાગ્યું છે.
આ સ્પેસની સમસ્યા માઇન્ડ-સ્પેસની છે તેથી વધુ સંવેદનશીલ બનતી જાય છે ત્યારે સમાજમાં સંબંધોના આયુષ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ પાસેથી સ્પેસ જોઈએ છે. તે વ્યક્તિ પોતાની સ્પેસ તો માગી લે છે યા મેળવી લે છે પણ પછી સામેની એ વ્યક્તિને પોતે સ્પેસ આપવા રાજી હોતી નથી. માણસની દશા એવી થઈ રહી છે કે બીજા તો શું તે પોતે પણ પોતાને સ્પેસ આપી શકતો નથી.
પોતાની સ્પેસ મોબાઇલ કે મેડિટેશન
આ સ્પેસના યુદ્ધમાં જીતવા માટે માણસોમાં અને સંબંધોમાં બળવાખોરી વધતી જાય છે, આનું સમાધાન સમજદારીમાં જ રહેલું છે. યસ, પરસ્પર સમજદારી. માત્ર એકની નહીં, બન્ને જણની સમજદારી. અન્યથા એક સ્પેસ પામશે, બીજી વ્યક્તિ સ્પેસ માટેની ઝંખના કરતી રહેશે. સ્પેસ શ્રાપ બની જાય એ પહેલાં સંબંધોને સાચવી શકે એવો વિવેક કેળવવો જરૂરી છે. માણસ જે આપશે એ પામશે. આમ તો મોબાઇલને કારણે દરેક જણ પોતાની સ્પેસમાં મોબાઇલ સાથે બેસી જાય છે. જોકે આ સ્પેસ ખતરનાક અને હાનિકારક બનવાની છે એનો અહેસાસ હાલ થવો મુશ્કેલ છે. હા, એક બાબત સારી લાગે એવી છે, બે જણ ઝઘડવાને બદલે પોતપોતાનો મોબાઇલ લઈ અલગ બેસી જાય છે. હાલ તો મોબાઇલ તેમને શાબ્દિક યુદ્ધથી દૂર રાખી શકે છે. મોબાઇલે પોતાની એવી મોટી સ્પેસ ઊભી કરી લીધી છે જેમાં દરેક જણની સ્પેસ લઈ લીધી છે. જોકે માણસ ધારે અને ઇચ્છે તો મોબાઇલને બદલે સ્પેસ માટે મેડિટેશન તરફ જઈ શકે અને જાત સાથે મૌન બેસી શકે, કારણ કે ખરી શાંતિ આ માર્ગે મળી શકે છે.


